મેક્સિકોના ખૂંખાર ડ્રગ લૉર્ડ‍્સ સાથે એક પત્રકાર પંગો લે છે ત્યારે.....કાતિલ કાર્ટેલ (પ્રકરણ ૨૫)

27 April, 2024 07:15 AM IST  |  Mumbai | Bharat Ghelani, Parth Nanavati

એણે કોઈ વેસ્ટર્ન મૂવીનાં દૃશ્યો અહીં ભજવાતાં હોય એવી ઝડપથી દિલધડક ઘટનાઓ વૉટર પાર્કના આછા અંધારામાં એક પછી એક આકાર લઈ રહી

ઇલસ્ટ્રેશન

‘ઓહ, નો!’ના ઉદ્ગાર સાથે નતાશા સ્ટિયરિંગ વ્હીલ પર ઢળી ગઈ હતી!

વૉટર પાર્ક પહોંચી ગયેલા ડ્રગ કાર્ટેલના હ્યુગોની સાથે શાર્પશૂટર આર્મેન્ડોએ મેક્સિકોના બૉસના આદેશ અનુસાર તેની સેમી-ઑટોમૅટિક ગનથી જે આડેધડ ફાયરિંગ કર્યું હતું એમાં પાછળથી આવેલી બે બુલેટ નતાશાની ગરદનમાં ખૂંપી ગઈ હતી.

એ સાથે જ નતાશાની કાર કાબૂ ગુમાવીને પાર્ક કરેલી સમીરની કાર સાથે પાછળથી અથડાઈને ત્યાં જ અટકી પડી. એ થોભી ગયેલી કારને જોઈને ભાનુ દોડીને નતાશાની કારની પાછળ સંતાઈ ગયો.

આ તરફ સમીરે જમીન પર પડેલી પોતાની ગન લઈને ઝાડી તરફ દોટ મૂકી એમાં આર્મેન્ડોનું ધ્યાન તેના પર દોરાયું. સમીરની દિશામાં તેણે આડેધડ ફાયરિંગ કર્યું. અંધારાને કારણે સમીર મરતાં તો બચી ગયો, પણ એક ગોળી તેની જાંઘને સ્પર્શી ગઈ. તે ચિત્કારતો પાર્કિંગ લૉટમાં પછડાયો. ત્યાં અંધારામાંથી શાલિની પ્રગટ થઈ. તેણે સમીરને ઝાડી તરફ ખેંચ્યો :

‘કોણ છે આ લોકો?’

શાલિનીએ પૂછ્યું, પણ સમીર જવાબ આપવાને બદલે દાંત કચકચાવીને પોતાની જાંઘમાં વાગેલી ગોળીના ઘા પર હાથ દબાવી તરફડિયાં મારતો રહ્યો.

 ‘અરે યાર, આ તો બડી બબાલ થઈ ગઈ,’ કહીને સમીરને પડતો મૂકી શાલિની પણ પાર્ક કરેલી સમીરની ગાડી તરફ દોડી.

 આ ધમાચકડી ને અંધાધૂંધ ગોળીબારના અવાજથી વૉટર પાર્કનો પોટલીગ્રસ્ત સુરક્ષા ગાર્ડ સફાળો જાગી ગયો. પોતાની કૅબિનમાંથી બહારનું દૃશ્ય જોઈને તે હેબતાઈ ગયો. તેણે સીધો ૧૦૦ નંબર ડાયલ કરીને ગાંધીનગર પોલીસ કન્ટ્રોલ-રૂમને અહીંના શૂટઆઉટની ઉતાવળે માહિતી આપી. કૉલ પૂરો કરી તે પોતાની સાઇકલ લઈને વૉટર પાર્કના પાછળના ગેટથી ચૂપચાપ રવાના થઈ ગયો. પીધેલી હાલતમાં પોલીસની સામે રજૂ થાય તો એ પણ આ કાંડમાં નાહકનો સંડોવાઈ જાય...

 તેના કૉલ પછી ગાંધીનગર પોલીસ હરકતમાં આવી. ત્રણ વૅન-જીપ ભરીને પોલીસનો કાફલો ઘટનાસ્થળ તરફ રવાના કર્યો.

 જાણે કોઈ વેસ્ટર્ન મૂવીનાં દૃશ્યો અહીં ભજવાતાં હોય એવી ઝડપથી દિલધડક ઘટનાઓ વૉટર પાર્કના આછા અંધારામાં એક પછી એક આકાર લઈ રહી હતી...

 ‘ઑલ ઇન લાઇન!’

મેક્સિકન સ્ટાઇલ સામૂહિક હત્યાકાંડ કરવાના હેતુથી આર્મેન્ડોએ કરડાકીભર્યો હુકમ કર્યો પછી આ કાંડનાં પાત્રો એક પછી એક બહાર સામે આવવા લાગ્યાં.

 સમીરની કારની પાછલી સીટમાં છુપાયેલો અમરીશ બહાર નીકળ્યો. શાલિની પણ અજય અને સુનીલ સાથે જોડાઈ.

 ‘મેં કહેલું, આ લોકો ડેન્જરસ છે પણ અમરીશ... તારા-શાલિનીના આંધળા પ્રેમે આજે આપણી આ હાલત કરી છે...’ સામે ઊભેલા આર્મેન્ડોની સેમી-ઑટોમૅટિક ગન જોઈને માથે જાણે મોત ભમતું હોય એવા ભય સાથે સુનીલ મનમાં આવ્યું એ બોલવા લાગ્યો.

 ‘અબે ચૂપ સાલે, ફટ્ટુ! દસ મિનિટથી ચાકુ લઈને તું ઊભો રહ્યો કઈ કર્યા વિના!’ શાલિની બગડી.

 ‘ના, પણ હું તો...’ પોતાના બચાવ માટે સુનીલ કંઈ બોલવા ગયો. ત્યાં...

 ‘વેર ઇઝ સમીર?’ બધા પર

નજર ફેરવીને હ્યુગોએ સમીરની ગેરહાજરી નોંધી.

 ‘હી રૅન અવે, ઇન બુશ.. એ ઝાડીમાં ભાગી ગયો.’ શાલિનીએ સામો અંગ્રેજીમાં જવાબ આપ્યો.

‘તું કોણ છે?’ હ્યુગોએ પૂછ્યું.

 ‘વી ઑલ આર ક્રિમિનલ્સ... બટ ઑફ વેરી સ્મૉલ ટાઇપ...!’ શાલિનીના બદલે અમરીશે તેની ભાંગી-તૂટી અમદાવાદીમાં અંગ્રેજીમાં હાસ્યાસ્પદ ખુલાસો કર્યો.

‘હ્યુગો, હું ભાનુ... ફ્રૉમ પાળજ ફાર્મહાઉસ.’ ભાનુએ હળવેથી કહ્યુ.

‘ઓહ યસ, હું તને ઓળખું છું. તારા ભાઈના મર્ડર માટે સાવને મજાક ઉડાવેલી. યુ આર નાઇસ ગાય... તું અહીં શું કરે છે?’ હ્યુગોએ અંગ્રેજીમાં પૂછ્યું. શાલિનીએ ટૂંકમાં ભાષાંતર કરીને ભાનુને કહ્યું.

‘ભાઈનું મર્ડર?’ ભાનુ ચોંકી

ગયો. મોટા ભાઈની હત્યાની વાત સાંભળીને વિહ્વળ ને ભાવુક બની ગયેલો ભાનુ બોલી ઊઠ્યો :

 ‘હ્યુગો, આ પ્રધાન, તેનો દીકરો, જમાઈ બધા એક નંબરના લબાડ ને હરામી છે. એ તમને લોકોને પણ દગો આપશે. હું એ લોકોની પોલ ખોલવામાં અનુપભઈ નામના જર્નલિસ્ટને મદદ કરી રહ્યો છું... પ્રધાન ફૅમિલીનાં કૌભાંડ અમે જે મોબાઇલ પર રેકૉર્ડ કરેલાં એ મોબાઇલ માટે હું અહીં આવેલો.’ ભાનુની વાત શાલિનીએ ટૂંકમાં ટ્રાન્સલેટ કરીને હ્યુગોને કહી.

‘બસ, હવે બકવાસ બંધ... તમે લોકો બધા આજે મરવાના છો!’

 આ બધાની વાત ચાલતી હતી ત્યારે આર્મેન્ડો કોકેનની લાઇન ખેંચવામાં વ્યસ્ત હતો એ પાછો ઍક્શનમાં આવી ગયો.

 ‘યાર, આ લોકો નિર્દોષ છે. બૉસના ઑર્ડર મુજબ આપણે પેલા મિનિસ્ટર સાથે હિસાબ પતાવવાનો છે.’ આર્મેન્ડોને કોકેનના આવેશમાં કંઈ કરી ન બેસે એટલે તેને સમજાવવનો હ્યુગોએ પ્રયાસ કર્યો.

 ‘તમે આ મોબાઇલની વાત

કરતા હતા?’

 શાલિનીએ હળવેથી ખિસ્સામાંથી મોબાઇલ કાઢીને ભાનુને પૂછ્યું.

 એ જ વખતે અચાનક ફાયરિંગ થયું. ચિત્કાર સાથે આર્મેન્ડો જમીન પર ફસડાયો. અંધારામાંથી આવેલી ગોળી આર્મેન્ડોની પીઠને વીંધી ગઈ હતી...

 હ્યુગો હજી કોઈ પ્રતિક્રિયા કરે એ પહેલાં જ અંધારામાંથી સમીરનો અવાજ ગાજ્યો :

‘ગન-પિસ્ટલ નીચે. સાલા કમીનાઓ, તમે બધાએ મારા આખાય પ્લાનની પત્તર ઝીંકી નાખી.’ લંગડાતા પગે હાથમાં ગન સાથે સમીર ઝાડીમાંથી બહાર આવ્યો.

 તરફડીને લોહીના ખાબોચિયામાં બેહોશ થઈ ગયેલા આર્મેન્ડોની હાલત જોઈને હ્યુગો સહેજ આગળ આવ્યો.

 ‘ઓકે, હેફે-ફ્રેન્ડ, કામ ડાઉન.’ હ્યુગોએ પોતાની પણ સેમી-ઑટોમૅટિક જમીન પર ફેંકી દઈને બન્ને હાથ હૅન્ડ્સ અપ અદામાં ઊંચા કરી દીધા.

ભાનુની નજર હવે હ્યુગોની ગન તરફ હતી. જો તક મળે તો...

 ‘અજય, મોબાઇલ લઈ લે આ છોકરી પાસેથી...’ સમીરે તોછડાઈથી શાલિની તરફ ઇશારો કરતાં કહ્યું.

‘પગલા ગયા હૈ કિ સાહેબ... મોબાઇલ મારી પાસે નથી. માં કસમ.’ શાલિનીએ ન જાણે કેમ અચાનક નવી ડ્રામેબાજી શરૂ કરી ને એ સાથે હાથમાં રહેલો મોબાઇલ તેણે સિફતથી પોતાના ટૉપમાં સરકાવી દીધો.

ગોળીના જખમને કારણે પીડાતો સમીર ચિલ્લાયો :

‘એ છોકરી, જલદીથી મોબાઇલ આપ નહીંતર તમને ત્રણેને ફૂંકી મારીશ.’ સમીરે દાંત કચકચાવીને પોતાની ગન અમરીશ તરફ તાકી.

‘યાર, શાલિની... મોબાઇલ આપી દે... અવર ગેમ ઇઝ ઓવર.’ અમરીશે રોતલ અવાજે વિનવણી કરી.

‘મારી કને નહીં હે મોબાઇલ, ચેક કરી લો.’

પોતાનો ટોન ને ભાષા બદલીને સમીર તરફ શાલિની આગળ વધી.

‘અજય, આની તલાશી લે.’

વૉટર પાર્કના સુરક્ષા ગાર્ડે કરેલા ફોનને કારણે સતર્ક થઈ ગયેલા પોલીસ કાફલાની સાયરન હવે દૂરથી સંભળાવી શરૂ થઈ ગઈ હતી.

‘અજય, જલદી કર.’ સમીરને હવે પીડાની સાથે પોલીસનું ટેન્શન વધી

રહ્યું હતું.

 ‘આ છોરો બાવરો સે. તારા જેવો મર્દ ક્યાં સે, મુને તો તું તલાશી લે.’ નખરાળા અવાજ અને અંદાજ સાથે સમીરની એકદમ સમીપ પહોંચી ગઈ શાલિની...

 શાલિનીની કાયાના ઉતાર-ચડાવ જોઈને સમીર પણ થોડો બેધ્યાન થયો.

 ‘ઓકે, મને ચેક કરવા દે પણ છોકરી... નો ચાલાકી.’

 મારકણું સ્મિત કરીને હ્યુગોની જાણે નકલ કરતી હોય એમ શાલિનીએ પણ પોતાના બન્ને હાથ હૅન્ડ્સ અપની અદામાં ઊંચા કરી દીધા. સમીરે તેની સાવ નજીક ઊભેલી શાલિનીની તલાશી શરૂ કરી :

 ‘ઓહ, ખોટી જગ્યાએ તેં મારો મોબાઇલ છુપાવ્યો છે.’ શાલિનીના ટૉપમાંથી સમીરે મોબાઇલ કાઢતાં કહ્યું.

સમીરના એક હાથમાં હવે ગન

અને બીજા હાથમાં મોબાઇલ હતો, પણ એ જ વખતે અજયે ચિંતાતુર અવાજે સમીરને કહ્યું :

‘સર, પોલીસ આવી રહી છે. નતાશા મૅડમ ઘાયલ છે કે પછી... સર, આઇ થિન્ક આપણે અહીંથી જલદી નીકળવું જોઈએ.’

 અજયે તેના બૉસ સમીરનું ધ્યાન ભંગ કર્યું ને બસ, શાલિની માટે આટલો મોકો પૂરતો હતો. સમીરને જ્યાં ગોળી વાગેલી એ જ જગ્યા પર શાલિનીએ પોતાનો હાથ વીંઝ્યો. સમીરને તમ્મર ચડી ગઈ. પિસ્ટલ-મોબાઇલ પરની તેની પકડ ઢીલી પડી. શાલિનીએ પોતાના ઘૂંટણથી બીજો પ્રહાર સમીરના બે પગની વચ્ચે કર્યો ને પીડાથી કણસતા સમીરના હાથમાંથી મોબાઇલ સરકી ગયો...

 એ ઝડપી લેવા ભાનુ નીચે વળ્યો, પણ થોડીક જ સેકન્ડ માટે તે મોડો પડ્યો. સખત પીડા વચ્ચે પણ સતર્ક સમીરે જમીન પર પડેલા મોબાઇલ તરફ પોતાની ગનનું ટ્રિગર દબાવ્યું ને એક ધડાકા સાથે મોબાઇલના ફુરચા ઊડી ગયા!

 ‘ઓહ, નાલાયક ...તેં આ શું કર્યું?’

 ભાનુએ ચીસ પાડી. પ્રધાન પરિવારનાં કૌભાંડ ખુલ્લાં પડવાની તેમની મહિનાઓની મહેનત, અનુપે ખેલેલી જાનની બાજી, એ બધું જ સમીરની એક ગોળીએ એકઝાટકે ખતમ કરી નાખ્યું.

પોલીસ વૅન્સની સાયરનનો તીવ્ર અવાજ વધુ ને વધુ નજીક આવી રહ્યો હતો.

 ‘શાલુડી.. ભાગ. સુનીલિયા દોડ!’

 અમરીશે બૂમ મારીને કરન્સીથી ભરેલી બૅગવાળી સમીરની કાર તરફ હાથથી ઇશારો કર્યો.

અમરીશ-શાલિની-સુનીલ દોડીને સમીરની ગાડીમાં ગોઠવાઈ ગયાં અને

શાલિનીએ એન્જિન સ્ટાર્ટ કર્યું :

 ‘ભાનુ, ચાલ તું પણ!’ શાલિનીએ બૂમ પાડી.

 ભાનુએ એક નજર ફુરચા ઊડી ગયેલા મોબાઇલ પર નાખી. એના કેટલાક ટુકડા લીધા ને સમીરને કચકચાવીને બે અડબોથ ફટકારી. પછી એ પણ ઝાઝું વિચાર્યા વિના દોડીને શાલિનીની બાજુની સીટમાં ગોઠવાઈ ગયો. શાલિનીએ કાર પુરપાટ મારી મૂકી...

 પોલીસનો કાફલો હવે એકદમ નજીક હતો. આર્મેન્ડોની હાલત જોઈને હ્યુગોએ પણ વિચાર્યુ કે તેને અહીંથી લઈને ભાગવું શક્ય નથી. પોલીસના સ્નિફર ડૉગ્સ એ બન્નેને પકડી પાડશે એટલે ‘સૉરી, સિન્યોર’ કહીને આર્મેન્ડોને પડતો મૂકીને હ્યુગો સાથે લાવેલી કારમાં અંધારામાં ગાયબ થઈ ગયો...

હવે અહીં બચેલાં ત્રણમાંથી નતાશા લગભગ કોમામાં સરકી ગઈ હોય એમ લગતું હતું . સમીર અર્ધબેહોશ હતો અને ભયથી ધ્રૂજતો અજય ગમે ત્યારે બેહોશ થવાની તૈયારીમાં હતો.

 ‘અજય, મને ઊભો કર. આપણે પણ ભાગવું પડશે.’ સમીરે કહ્યું.

‘હા, સર.’ કહીને સમીરનો હાથ પકડીને અજય તેને નતાશાની કાર તરફ લઈ ગયો.

 ‘અરે રે, આ મરી ગઈ લાગે છે.’ સ્ટિયરિંગ વ્હીલ પર માથું ઢાળીને પડેલી લોહીલુહાણ નતાશાને જોઈને સમીર બોલ્યો, પણ એ જ વખતે નતાશાએ ઊંહકારા સાથે પોતાનો હાથ ઊંચો કરીને કાર વિન્ડો પાસે ઊભેલા અજયને પોતાની તરફ ખેંચ્યો. અજયે ડરીને ચીસ પાડી.

 ‘અરે, નતાશા જીવે છે! ચાલ, જલદી દશેલાના ફાર્મહાઉસ પર લે.’ કહીને સમીર લંગડાતો કારની પાછળની સીટમાં જઈને ફસડાયો. અજયે સીધી ચોથા ગિયરમાં કાર સડસડાટ ભગાડી...

 આ તરફ ગાંધીનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે લોહીથી લથબથ બેહોશ આર્મેન્ડો પાસે તેની સેમી-ઑટોમૅટિક અને ચોતરફ વેરાયેલી સંખ્યાબંધ બુલેટની બ્લૅન્ક-ખાલી કાર્ટ્રિજ મળી આવી. ઘાયલ આર્મેન્ડોને તાત્કાલિક ગાંધીનગર ખસેડવામાં આવ્યો.

ગંભીર ઘાયલ નતાશા, એક બુલેટથી ઘવાયેલા સમીરને લઈને તેમની કાર ફાર્મહાઉસ પહોંચે એ પહેલાં દોડતી કારમાંથી જ સમીરે તેના મિત્ર જેવા સર્જ્યન ડૉ. દસ્તુરને ટૂંકમાં બધું ‘સમજાવી’ને તેમની ટીમ સાથે દશેલાના ફાર્મહાઉસના પર તાત્કાલિક પહોંચવાની તાકીદ કરી દીધી હતી.

 ફાર્મહાઉસ બંગલાના વિશાળ દીવાનખંડમાં વૉડકાની અડધી બૉટલ ગટગટાવીને દર્દ પર કાબૂ કરવાનો પ્રયાસ સમીર કરી રહ્યો હતો ત્યારે બંગલાના ઉપરના માસ્ટર બેડરૂમને કામચલાઉ ICUમાં પલટી નાખીને ડૉ. દસ્તુરની ટીમ બેહોશ નતાશાની તાત્કાલિક સારવારમાં લાગી ગઈ હતી.

‘થૅન્ક ગૉડ કે નતાશાને બન્ને બુલેટ વીંધી નથી ગઈ, ઘસાઈને નીકળી ગઈ છે. ફ્લૅશ વુન્ડ, પણ લોહી ખાસું વહી ગયું છે. મેં તેમને મૉર્ફિન આપી દીધું છે. હવે ટાંકા લેવા પડશે અને લોહીની બે બૉટલ ચડાવીને મૉનિટર કરીશું.’ દસ્તૂરે નતાશાનો રિપોર્ટ આપ્યો. પછી ઉમેર્યું :

‘તને પણ બુલેટ કિસ કરીને નીકળી ગઈ. લકી યુ આર, નહીંતર તારી પણ નતાશા જેવી જ હાલત થાત. નાઓ થોડા કલાક સુધી સ્ટૉપ ડ્રિન્કિંગ. દારૂ-દવાનું કૉકટેલ જોખમી છે!’

 સમીર-નતાશાની જરૂરી સારવાર કરીને એક જુનિયર ડૉક્ટર અને એક નર્સને દેખરેખ માટે મૂકીને ડૉ. દસ્તુર નીકળી ગયા.

lll

‘આ ભયાનક કાંડમાંથી આપણે જીવતાં છટકી શક્યા. થૅન્ક્સ ટુ યુ, શાલુ!’

 અમરીશે ખરા દિલથી શાલિનીનાં વખાણ કર્યાં તો સુનીલ પણ બોલી ઊઠ્યો :

 ‘શાલિનીની હિંમતને પણ દાદ દેવી જોઈએ. એને લીધે આ દલ્લો પણ મળી

ગયો!’

 રતલામ હાઇવે તરફ જતી સમીરની કારની પાછલી સીટમાં બેઠેલો સુનીલ પાસે પડેલી ૧૦ કરોડની કરન્સી ભરેલી બૅગને પ્રેમથી પંપાળતો હતો.

 ‘એક મિનિટ...’ અચાનક શાલિનીએ કારને બ્રેક મારી :

 ‘ડોફાઓ, સૌપહેલાં પેલી બૅગ ડિકીમાં સંતાડો. દિલ્હી ક્રિપ્ટો માટે કહીને કન્ફર્મ કરવું પડશે. હવે બહુ ધ્યાનથી આગળનાં સ્ટેપ્સ લેવાં પડશે. પોલીસની નાકાબંધી શરૂ થઈ ગઈ હશે.’

આ વાતચીત ચાલતી હતી ત્યારે જ ભાનુનો ફોન રણક્યો.

 હલો, કોણ? અનુપભઈ?’ ભાનુએ પૂછ્યું :

 ‘હા અનુપભઈ, બહુ મોટો લોચો પડી ગયો. મોબાઇલ મારી પાસે જ છે પણ કંઈ કામનો નથી. સમીરિયાએ ગોળી મારીને મોબાઇલના ફુરચા

ઉડાડી દીધા છે. સૉરી, અનુપભઈ...’ આટલું બોલતાં ભાનુનો અવાજ ગળગળો થઈ ગયો.

 ‘ભાનુ, મારી વાત ધ્યાનથી સંભાળ. જ્યાં હોય ત્યાંથી તાત્કાલિક સિવિલ હૉસ્પિટલ પર આવી જા.’

 અનુપના હાથમાંથી ફોન લઈને ‘પૉઇન્ટ બ્લૅન્ક’ વીકલીના તંત્રી બિપિન મારુએ સામે છેડેથી ભાનુને સૂચના આપી :

‘આજે અહીં અનુપની

પ્રેસ-કૉન્ફરન્સ છે.’

 ‘પ્રેસ-કૉન્ફરન્સ, શાની

પ્રેસ-કૉન્ફરન્સ?’

 ‘અરે યાર, અત્યારે બધી વાત કરવાનો સમય નથી. તું જલદી આવ, પછી બધું સમજાવું છું.’

 (ક્રમશઃ)

columnists Bharat Ghelani and Parth Nanavati