18 October, 2026 01:08 PM IST | Mumbai | Hiten Anandpara
પ્રતીકાત્મક તસવીર
આંદોલનોનો જુવાળ વ્યાપક બની રહ્યો છે. NEETની પરીક્ષામાં થયેલી ગેરરીતિ માટે ધર્મેન્દ્ર પ્રધાનને હાંકી કાઢવાનું આંદોલન સફળ થયું. એ જ કાર્યપદ્ધતિ સાથે ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમાર નિશાના પર છે. એ પછી ગૃહપ્રધાન અને વડા પ્રધાન નિશાના પર આવશે. હેતુ સ્પષ્ટ છે. યેનકેન પ્રકારણે સરકારને ઊથલાવો. નિશી સિંહ આ ષડ્યંત્ર જુએ છે.
લોકશાહી તોડવા ભારે રચાયો કારસો
દેશને સળગાવવા માટે રચાયો કારસો
થોકબંધે ડૉલરો આવી રહ્યા પરદેશથી
શાસકો ઉથલાવવા કાજે રચાયો કારસો
વિરોધ પક્ષ પાસે વાંધાવચકા છે, સૂચનો નથી; આક્ષેપો છે, પુરાવાઓ નથી; સમસ્યાઓ છે, સમાધાનો નથી. આંદોલનો અને પ્રદર્શનોની આપણે ત્યાં પરંપરા રહી છે. ગાંધીજીએ બ્રિટિશ સલ્તનત સામે કરેલો વિરોધ દમન સામે હતો, અન્યાય સામે હતો, આપખુદ વલણ સામે હતો. મિતુલ કોઠારી સાંપ્રત માહોલમાં ગાંધીજીને યાદ કરે છે...
માચડે ફાંસીના અંગત સ્વાર્થ બાંધી આવશે
દેશમાં ચળવળની ત્યારે સાચી આંધી આવશે
જે ફરે છે છાતી કાઢી, નામ મહામાનવનું લઈ
ઊભી પૂછે ભાગશે સાચે જો ગાંધી આવશે
આજકાલનાં પ્રદર્શનો હિંસક બનતાં જાય છે. પથ્થરમારો કરવો, પોલીસને કે સરકારી અધિકારીને ધીબેડી નાખવા, વાહનો સળગાવી દેવાં, સરકારી સંપત્તિને નહોર મારવા - આ બધું સતી સાવિત્રી સ્વરૂપે ‘શાંતિ પ્રદર્શન’ના નામે થાય છે. ગાંધીજી આજે હયાત હોત તો આ પ્રકારના હિંસક વિરોધનું સમર્થન કરત ખરા? ન્યાય માટે અન્યાય આચરવાનો ટ્રેન્ડ દેશની છબિને ખરડી રહ્યો છે. ડૉ. ધીરજ એસ. બલદાણિયા કહે છે...
નવાં બૅનર છપાવી લો, પ્રદર્શનની ઋતુ આવી
બધાં અખબારને કહી દો, પ્રદર્શનની ઋતુ આવી
બીજાને શાંતિ, ‘ધીરજ’, પ્રેમથી કરવા કહો ધરણાં
કહે તમને, તો આપો ખો, પ્રદર્શનની ઋતુ આવી
પ્રદર્શન માટે નિયમોને નેવે મુકાય છે. નરાધમો શિયળભંગ કરે એ રીતે અરાજક તત્ત્વો નીતિભંગ કરે છે. આર્ટિકલ ૩૭૦ રદ થયો એ પહેલાંનો માહોલ યાદ કરો. કાશ્મીરનો સામાન્ય નાગરિક પણ પોલીસને કે સૈનિકને ધક્કા મારી શકતો, લાત મારી શકતો. હાથમાં હથિયાર હોવા છતાં સૈનિક બિચારો-બાપડો પુરવાર થતો. આતંકવાદીઓ AK-47 લઈને બજારોમાં ઘૂમી શકતા. બંધારણની હત્યા થયાનો હાહાકાર મચાવનાર બાળકબુદ્ધિ - બળદબુદ્ધિના પરમ નમૂના સમાન રાહુલ ગાંધીએ એક વાર ચીન કે રશિયા જઈને જોઈ લેવું જોઈએ કે સરમુખત્યારશાહી કોને કહેવાય. દિલીપ ધોળકિયા ‘શ્યામ’ના મુક્તકમાં વૈશ્વિક પરિસ્થિતિના અણસાર જણાય છે...
ઘણી વેળા ખરેખર કામનાં પણ હોય છે ધરણાં
અને ક્યારેક કેવળ નામનાં પણ હોય છે ધરણાં
મળે છે હક ભલા ક્યારે સહજતાથી હવે જગમાં
દમનની આગના પરિણામનાં પણ હોય છે ધરણાં
પ્રદર્શન કરવું એ નાગરિકનો બંધારણીય હક છે, પણ એ કાયદાના દાયરામાં રહીને થતો નથી. ‘શોલે’ ફિલ્મમાં ધર્મેન્દ્ર જેમ પાણીની ટાંકી પર ચડીને ઇચ્છિત લક્ષ્ય નામે બસંતીને પામવા મૌસીને જે રીતે લાચાર બનાવે છે એવું નિર્દોષ બ્લૅકમેઇલિંગ રાજકારણમાં થતું નથી. અણ્ણા હઝારેએ લોકપાલ બિલ માટે જંતર મંતર ખાતે ૨૦૧૧માં આંદોલન કર્ય઼ું હતું એવી ગરિમા અને પાકટતા ગાયબ થઈ ગઈ છે. શાંત મક્કમતાનું સ્થાન ઉછાંછળી માનસિકતાએ પચાવી પાડ્યું છે. દેવેન્દ્ર દવેની પંક્તિમાં એક તરફ જનતાનો અવાજ તો બીજી તરફ જનતાને પડતી મુશ્કેલી દેખાય છે...
સત્યને જાણ્યા વગર અટકળ કરે
ને યુવાનો જોશમાં ચળવળ કરે
જૂજ લોકોનાં હિતોને સાધવા
ભીડમાં નિર્દોષને વિહવળ કરે
૨૦૨૦-’૨૧માં થયેલા ખેડૂત આંદોલન વખતે આંદોલનકારીઓએ તલવારો તાણીને લાલ કિલ્લા પર જે રીતે ચડાઈ કરી હતી એ દેશ માટે નાલેશીજનક બીના બની ગઈ. દેશને સારી રીતે ચલાવવો એ શાસકની જવાબદારી છે. દેશને બરાબર ચાલવા દેવો એ વિરોધ પક્ષની જવાબદારી છે. જે કામ અદાલત અને સંસદમાં કરવાનું હોય એ સડકછાપ બની ગયું છે. સબકો સન્મતિ દે ભગવાન. ચાણક્યનીતિ કહે છે : પ્રજાના સુખમાં શાસકનું સુખ છે અને પ્રજાના હિતમાં જ શાસકનું હિત છે. આમાં શાસકની સાથે વિપક્ષ પણ ઉમેરવાનો વખત આવી ગયો છે. સત્તા પર બેઠેલા અને સત્તા માટે ટળવળતા લોકો વચ્ચેનો દાવાનળ દેશને દયનીય બનાવે છે.
લાસ્ટ લાઇન
લોક નારાજગી રોકશો ક્યાં સુધી
આમ આક્રોશને ટાળશો ક્યાં સુધી
તર્ક ખોટો નથી તે છતાં એમને
દેશદ્રોહી ગણી તોડશો ક્યાં સુધી
- શિલ્પા ગુંદીગરા
કોઈ સત્તાલાલચુની જાળમાં જન ભોળવાતાં
દેશ માટે જાગતી સરકાર સામે દોરવાતાં
હોય ચળવળ કે પ્રદર્શન એમાં હાલી નીકળે છે
ભાવિ ખાતર જાગશે, તો દેશ બચશે ખોરવાતા
- રમેશ મારુ ‘ખફા’