✕

આપણે તો પાર કરવી છે સદી

25 October, 2026 09:05 AM IST  |  Mumbai | Hiten Anandpara

ટ્રેનોના આવાગમન દરમ્યાન સલામતી માટેની કવચ સિસ્ટમ મુંબઈની લોકલ માટે પણ લાગુ થવાની છે. કવચ એક એવી સ્વદેશી સુરક્ષાપ્રણાલી છે જે ટ્રેનોની ઝડપને નિયંત્રિત કરીને અકસ્માત થતાં અટકાવે છે.

પ્રતીકાત્મક તસવીર

ટ્રેનોના આવાગમન દરમ્યાન સલામતી માટેની કવચ સિસ્ટમ મુંબઈની લોકલ માટે પણ લાગુ થવાની છે. કવચ એક એવી સ્વદેશી સુરક્ષાપ્રણાલી છે જે ટ્રેનોની ઝડપને નિયંત્રિત કરીને અકસ્માત થતાં અટકાવે છે. ભારતની લોકશાહી માટે પણ આવું કોઈ સુરક્ષાકવચ હોવું જોઈએ જેથી ગમે ત્યાંથી ધસી આવતી વિદ્રોહીઓની ટ્રેન ગ્રોથની ગાડીને પાટા પરથી ઉતારી ન શકે. કિરણસિંહ ચૌહાણ ખુમારી અને ખુદ્દારીથી કહે છે...

ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે
નહીં તો આખી જિંદગી બસ યાચના કરવી પડે

એટલા સહેલાઈથી બદનામ પણ ના થઈ શકો
એના માટે પણ જગતમાં નામના કરવી પડે

ગીરના જંગલમાં સાવજની ડણક સંભળાય એ પંથક માટે ગૌરવની ઘટના છે, પણ આ સાવજ જો શહેર વિસ્તારમાં આવીને ગર્જના કરે તો છાતીનાં પાટિયાં બેસી જાય. યુવાશક્તિ પ્રતિભા-પ્રદર્શનથી શક્તિ-પ્રદર્શન પર ઊતરી આવે ત્યારે એના મૂળ સુધી જવાની જરૂર રહે છે. યુરોપના કેટલાક દેશોમાં અચાનક જ તોફાનો ફાટી નીકળ્યાં. ફ્રાન્સ, સ્પેન, સર્બિયા, પોર્ટુગલ, ઇટલી, બેલ્જિયમ અને આલ્બેનિયા એની ઝપટમાં આવ્યાં છે. આ તોફાનો સ્વયંભૂ છે કે સુનિયોજિત રીતે ઊભાં કરાયાં છે? સાચી વાત બહાર આવશે ત્યારે પડદા પાછળની કરામત છતી થશે. લક્ષ્મી ડોબરિયા ડરને છતો કરે છે...

કોરું મન, તરસ્યાં નયન, વહેતો સમય
પ્રશ્ન બસ આ ત્રણનો કાયમ હોય છે

સાવ સાચી વાત કરવી હોય પણ
ડર સવાયા ‘પણ’નો કાયમ હોય છે

સાચી વાત કહેવામાં ત્યારે ડર લાગે જ્યારે આપણું જ નુકસાન થવાની સંભાવના હોય. બૉસની વાત સદંતર ખોટી હોય તોય નોકરી બચાવવા હામાં હા મિલાવવી પડે. પક્ષનો મુખિયા ખોટો હોય તોય તેની રહેમનજરમાં રહેવા તેને બિરદાવવો પડે. જેને કોઈ સ્વાર્થ અને ડર ન હોય તે માણસ જ બેધડક સત્ય ઉચ્ચારી શકે. આવા બે-ચાર માણસ સમાજ માટે મશાલ અને મિશાલ બનતા હોય છે. બાબુલાલ ચાવડા ‘આતુર’ નાડીના ધબકારા માપે છે...

સરોવર કાંઠે બેસીને તરસની વાત કરવી છે
વરસ જેવા વીતેલા હર દિવસની વાત કરવી છે

મને મારા હૃદય સાથે મળે જો વાત કરવા તો
પડી છે બંધ વરસોથી એ નસની વાત કરવી છે

આજકાલ વિરોધ-પ્રદર્શનોમાં ખુમારીની જગ્યાએ ખુન્નસ વધારે જોવા મળે છે. દરેકને ખુરસી જોઈએ છે જેમાંથી તે સિંહાસન બનાવી શકે. જનતા પ્રત્યેની જવાબદારી કે પ્રેમની વાતો દેખાડા પૂરતી હોય છે. પોતાનું ભાણું સાચવવા બીજાની ભાખરી ચોરવામાં નાનમ નથી લાગતી. આવા સમયમાં દિવ્યા મોદી કહે છે એવો સ્નેહ તો ક્યાંથી મળવાનો? 

એટલે તો મનભરી ચાહ્યો તને
કાળજાની કાળજી કરવી હતી

પ્રેમનાં કારણ કદી પૂછો નહીં
જિંદગીભર બંદગી કરવી હતી

મંદિરમાં પૂજા કરીએ, મસ્જિદમાં નમાજ પઢીએ કે ચર્ચમાં પ્રાર્થના કરીએ એ જ માત્ર બંદગી નથી. પોતાના ભાગે આવેલું કામ નિષ્ઠાપૂર્વક કરીએ એ પણ પૂજા જ છે. વિચાર કરો કે ભારતના શાસકો તથા પ્રજા જો પ્રામાણિકતાથી પોતાનું કામ કરે તો દેશ કેટલો ઝડપથી ઊંચો આવે. અનેક જટિલ સમસ્યાઓનો ભેગા મળીને સામનો કરી શકાય. મકરંદ દવે મુશ્કેલીમાં પણ આશ્વાસન શોધી લે છે...

મુસીબતોની શું વાત કરવી!

મુસીબતો સૌ મતા બની છે
અમારે તમરાં થકી જ ઘરની

ભરી-ભરી શૂન્યતા બની છે

સમસ્યાઓ આવે ત્યારે પોતાની શક્તિનું પણ ભાન થાય. કોરોના વખતે જરૂરી એવી મેડિકલ કિટમાંથી ઘણી વસ્તુઓ ભારતમાં બનતી નહોતી એ બનતી થઈ ગઈ. અરે, જે ઝડપે વૅક્સિન સાકાર કરવામાં આવી એની આખી દુનિયાએ નોંધ લીધી. આત્મનિર્ભરતાનો ખરો અર્થ આપણને સમજાયો. એક તરફ શ્રીમંતાઈની નિરર્થકતા સમજાઈ તો બીજી તરફ બચતનું મહત્ત્વ પણ સમજાયું. જગદીપ નાણાવટી સામાજિક સમરસતાની વાત કરે છે...

ખળખળ્યાં, ઊછળ્યાં ઝરણ થઈ, પણ હવે
ચાલ વહીએ, ધીરગંભીર થઈ નદી

બે હલેસાં - એક તું, ને એક હું
આપણે તો પાર કરવી છે સદી

લાસ્ટ લાઇન

મારે કોઈ એવી વિધિ કરવી છે

આંખોને બસ આંસુ પીતી કરવી છે

મંદિરમાં એ ભીની આંખે ઊભા છે

એને કોની આંખો ભીની કરવી છે

જે માને છે નાનો માણસ પોતાને

એની નીચે નાની લીટી કરવી છે

દેવું છે એક સ્મિત મળે તો મૃત્યુને

થોડી એની નજરો નીચી કરવી છે

મા! તેં રાંધેલ હું થોડું ચાખી લઉં

મારે પણ આંગળીઓ મીઠી કરવી છે

હમશકલોના પગમાં કચડાઈ ગઝલો

થોડી એને પાટાપિંડી કરવી છે

- સ્નેહી પરમાર

 

columnists hiten anandpara culture news lifestyle news life and style