મને આપો ઉછીનું સુખ થોડું (પ્રકરણ ૪)

01 December, 2022 04:32 PM IST  |  Mumbai | Rashmin Shah

હવે તમને એકલતા સાલતી હતી, જે સહેવાની ક્ષમતા હવે તમારામાં નહોતી. જે વ્યક્તિ હયાત નથી એ વ્યક્તિના પડઘા વચ્ચે તમારા દિવસો પસાર થતા હતા.

મને આપો ઉછીનું સુખ થોડું (પ્રકરણ ૪)

‘તો પછી તમે શું કામ ઍડ એજન્સીમાં આવી ગયા?’
રાઇટર બનવાની તમારી ઇચ્છા એશા સામે વ્યક્ત કર્યા પછી તમારે આ સવાલ સાંભળવો પડ્યો હતો.
‘કયો પત્રકાર કે સાહિત્યકાર કરોડોપતિ થયો એ કહેશો મૅડમ?’
‘કેમ, પ્રણવ રૉય અને અરુંધતી રૉય પત્રકાર કે સાહિત્યકાર ન કહેવાય?’ 
એશાએ તમારી સામે દલીલ કરી હતી.

 આ છોકરીને કોણ સમજાવે કે એ જે નામ બોલે છે તે ઇન્ટરનૅશનલ કક્ષાનાં પત્રકાર, સાહિત્યકાર છે.
‘માણસનું સ્તર સંજોગો દ્વારા નથી ઘડાતું.’ જાણે મનના વિચારો વાંચી ગઈ હોય એમ એશા બોલી, ‘માણસનું સ્તર મહત્ત્વાકાંક્ષા થકી ઊભું થાય છે...’
એ સમયે તો તમે મહત્ત્વાકાંક્ષાને પેટમાં સેવતા થઈ ગયા હતા, પણ હવે તમારી કોઈ મહત્ત્વાકાંક્ષા રહી નહોતી. 
lll

‘અરે ગપ રે...’ પૅન્ટના ખિસ્સામાં તમે હાથ નાખતા હતા એટલે બાજુવાળાને તકલીફ પડતી હતી, ‘નિકર પહેની હૈ કી નહીં વો દેખ રહા હૈ...’
પાડોશીની હલકટાઈથી તમે સમસમી ગયા. તમને જાત પર ગુસ્સો આવતો હતો.
અત્યારે વળી ઘરે આવેલો લેટર વાંચવાની તલબ કેમ જાગી?
એ એક લેટર તમારા શાંત થતા જીવનમાં ઝંઝાવત મચાવી ચૂક્યો હતો.
 ભલે મચાવ્યો ઝંઝાવાત, પણ એ લેટરે જ એક દિશા દેખાડી હતી.
દરરોજ તમે જે પ્લૅટફૉર્મ પર ઊતરતા એ અંધેરી પ્લૅટફૉર્મ પર આજે ઊતર્યા પછી તમને ઑફિસે પહોંચવાની ખાસ ઉતાવળ નહોતી.
તમે જાણે ટહેલવા નીકળ્યા હો એ રીતે સ્ટેશનની બહાર નીકળ્યા.
સ્ટેશનની સામે આવેલા રૉયલ મ્યુઝિક પૅલેસમાં તમે દરરોજ એકાદ ચક્કર લગાવતા. તમારા ગુજરાતી ગીતના શોખને રૉયલનો માલિક બરાબર ઓળખી ગયો હતો.

‘આજે સાંજને બદલે સવારમાં...’
‘કુછ હૈ ક્યા?’ 
‘યૂં તો કુછ ખાસ નહીં...’ 
શૉપના માલિક સચિનની  નજર તમારા શોખના કલેક્શન પર ફરતી હતી.
‘અરે યાર...’ તમે એકાએક રોમાંચિત થઈ ગયા, ‘યે નિકાલ તો.’
‘દરિયાછોરુ’ની ડીવીડી તમે જન્મારાથી શોધતા હતા. આજે એ સામે ચાલીને આંખ સામે આવી. 

દિલીપ રાવલે લખેલાં બે ગીત તમને બહુ પસંદ હતાં. 
‘સૉન્ગ કાર્ડ દિખા...’
જો બીજો કોઈ કસ્ટમર હોત તો સચિને ના પાડી દીધી હોત, પણ તમને ના પાડવાનો સવાલ જ નહોતો. એક વાર સચિનને તમે કહ્યું હતું, રૉયલ પૅલેસ મારા માટે મક્કા-મદીના છે. જેમ મુસ્લિમ મક્કા-મદીના જઈને આત્મસંતોષ મેળવે એમ હું અહીં આવીને મારો આત્મસંતોષ મેળવું છું.
એકલતા સંગાથે ચાલી પડે તો, કેમેય કરીને સહેવાય નામનના મહેલ હવે ખાલી પડ્યા ને, એમાં તારા કાં પડઘા સંભળાય.
સૉન્ગ કાર્ડમાંથી બીજું ગીત શરૂ થયું અને સીધું તમારી સાથે કનેક્ટ થયું.
હવે તમને એકલતા સાલતી હતી, જે સહેવાની ક્ષમતા હવે તમારામાં નહોતી. જે વ્યક્તિ હયાત નથી એ વ્યક્તિના પડઘા વચ્ચે તમારા દિવસો પસાર થતા હતા.

મનમાં એક મનગમતી ઇચ્છા છે, 
પાંપણ પર કરવો વિસામો તારા એક ચાલી જવાથી એમ લાગે છે, ખાલી થયાં ગામોનાં ગામો દિલીપ રાવલના આ શબ્દોએ તમારા વિચારોને વધુ મક્કમતા આપી.
એશાના જવાથી મુંબઈ આખું ખાલી થઈ ગયું હોય એવું લાગે છે તો આ ખાલી શહેરમાં રહીને હવે કરવાનું શું?
બસ, હવે મુંબઈ છોડી દેવું છે.
lll

સૌરાષ્ટ્ર મેલ માટે દાદર જવાની જરૂર નહોતી. બોરીવલી સ્ટેશને એ પાંચ મિનિટ ઊભી રહેતી, સૌરાષ્ટ્ર મેલની સામે, છેક દાદર ગયા. સામાન પણ ખાસ નહોતો, પણ તમારે મુંબઈને આંખ ભરીને પીવું હતું. છેલ્લી વાર મુંબઈને આંખમાં ભરવું હતું.
બહુ બધું આપ્યું હતું આ શહેરે.
છ વરસની કારકિર્દી દરમ્યાન બાવીસ લાખ અને અડસઠ હજાર રૂપિયા. ભાગદોડ કરતી જિંદગી, નિયોન લાઇટનો પ્રકાશ, સેલિબ્રિટીને મળવાની તક, એક આખો દરિયો, દરિયા જેવી ઝિંદાદિલી ધરાવતો દોસ્ત અજિત અને ઘૂઘવાતા દરિયા જેવી એશા.
આ બધું હવે યાદોમાં રહેવાનું હતું.
lll

 ‘તું ખરેખર જવા માગે છે?’ 
નોટિસ રિરિયડ શરૂ થયા પછી 
પણ અજિતને તમારો નિર્ણય ગળે નહોતો ઊતરતો.
‘હા, અત્યારે તો જવા માગું છું.’ અજિત સામે જોયા વિના તમે જવાબ આપ્યો હતો, ‘પાછા આવવું હશે તો તું તો છે જ અહીં, શોધી દેજે નવી જૉબ મને...’
તમારા ગળામાં ડૂમો ભરાવા માંડ્યો હતો.

‘ચાલ, આજે તું મને ક્યાંક જમવા લઈ જા.’ 
અજિત નહોતો ઇચ્છતો કે તમારો મૂડ બગડે.
‘બોલ, ક્યાં જઈશું?’
‘પેલી મારી નખરાળી કહે ત્યાં.’ અજિતે અંગ્રેજી ડેસ્કની નવી આવેલી નખરાળીને પટાવી લીધી હતી, ‘હું, તું અને મારું નવું બટરફલાય...’
‘ત્યાં બેસીને મારે શું કરવાનું?’
‘તારે બિલ આપવાનું.’ 
અજિત તમારી નજીક આવ્યો કે તરત તમે તેના પેટમાં પ્રેમથી ઘોંસો માર્યો. 

‘અરે, એમાં શું છે?’ 
અજિત પણ આગળ કશું બોલી શક્યો નહીં અને તે તમને સીધો ભેટી ગયો.
‘આઇ વિલ મિસ યુ...’
અજિતના કસાયેલા હાથ તમારી પીઠ ફરતે જોરથી વીંટળાયા અને તમે કહ્યું,
‘કોઈ મિસ્ટરને મિસ કરીશ એવું તારા કેસમાં પહેલી વાર બનશે.’
તમારી અને અજિતની, બન્નેની આંખો ભીની થઈ.
lll

સામાનમાં પૅક કરવા જેવું ખાસ કંઈ હતું નહીં.
મોટા ભાગનો સામાન તમે આપી દેવાના હતા. ઘરમાં હતું એ ગાદલું અને રજાઈ તમે વીક પહેલાં મંદિર બહાર બેસી ફૂલહાર વેચતાં ગરીબ માજીને આપી આવ્યા તો હૉલમાં રહેલો જૂનો સોફાસેટ તમે વૉચમૅનને આપવાનું નકકી કરી લીધું. રસોડાનો કેટલોક સામાન પણ એ જ વૉચમૅનને તમે આપવાના હતા.
‘ભાઈ, જાના જરૂરી હૈ...’ 
અજિત સાથે તમારે બહુ ભળતું પણ તેની વાઇફ સાથે ખાસ કોઈ લગાવ નહોતો.

‘હા, વહાં દાદા-દાદી અકેલે હૈ તો...’
‘મુજે સબ માલૂમ હૈ...’ ખોટું બોલાવીને જાણે તમને પાપમાં ન પાડવા હોય એમ અજિતની વાઇફે તમને રોકી દીધા, ‘અજિત બહોત પરેશાન હૈ. કલ રાત તો વો રો પડા.’ 
તમે અજિતની સામે જોયું, અજિત નીચું જોઈ ગયો.
તમે ઊભા થઈ અજિત પાસે આવ્યા.
‘આજે જાઉં છું, પણ કાલે આ જ મુંબઈમાં પાછો આવીશ.’
‘તો ચોવીસ કલાક માટે શું કામ ધક્કો ખાવો?’ મજાક કરી લીધી, 
પણ એ મજાક પછી પણ અજિતના ચહેરા પર ગમગીની અકબંધ રહી, ‘નહીં જાને...’
lll

ટ્રેન બોરીવલી પ્લૅટફૉર્મ પર ઊભી રહી. જૂનું અને જાણીતું બોરીવલી પ્લૅટફૉર્મ.
એક સવારે તમે આ સ્ટેશન પર ઊતર્યા હતા. નવી જિંદગીની તલાશમાં અને આજે આઠ ને ચાલીસે તમે ફરી આ સ્ટેશન પરથી પસાર થઈ રહ્યા છો. નવી જિંદગીની તલાશમાં.
lll

‘અજિત, મને છોડવા નહીં આવતો, પ્લીઝ.’ તમે કહ્યું, ‘હું અગાઉ ગયો જ છું.’
‘પણ આ વખતે તો તું...’ 
‘ના, એટલે ના...’
અજિતની આંખમાં આંસુ હતાં, 
તમે અજિતને ભેટી લીધું, છેલ્લી વાર.
lll

તમે ઊભા થઈ ટ્રેનના દરવાજે આવ્યા. બોરીવલીને શ્વાસમાં ભરવા માટે.
સવારે ટ્રેન રાજકોટ પહોંચશે અને પછી ભાડલા પહોંચી જવાશે. દાદા-દાદી પાસે. અને એ પછી થોડા સમયમાં રાજકોટ કે અમદાવાદ આવશો, એશાની ઇચ્છા મુજબનું કામ શરૂ કરવા.
એશાની ઇચ્છા, જે પેલા લેટરે યાદ કરાવી હતી. 
lll

જો એશાને ચાહતા હો તો એશાની ઇચ્છાઓને મહત્ત્વ આપી આગળ વધો. જરૂર નથી કે એશાની ઇચ્છાઓ પૂરી કરવા એશાની સદૈવ હાજરી હોવી જોઈએ. કોઈ યાદ સાથે જીવે તો કોઈ યાદમાં જીવે. આજે તમે જે રીતે જીવો છો એ એશાની યાદમાં જીવન વિતાવ્યા સમાન છે. આ રીતે જિંદગી પસાર કરવા કરતાં તો બહેતર છે કે તમે એશાની યાદ સાથે જીવન વિતાવો. એશા ક્યારેય નહોતી ઇચ્છતી કે કોઈ તેની ગેરહાજરીમાં ગમગીન થઈને રહે. ક્યારેય નહીં. ખરાબ લાગશે પણ સાવ સાચી વાત કહું, જો એશાની જગ્યાએ તમે આજે ન હોત તો એશા આ રીતે તો ન જ જીવતી હોત. જે સંબંધો જિંદગી પર ભાર બનીને ઊભા થાય એ સંબંધોનું જીવનમાં કોઈ સ્થાન નથી. વાત કડવી લાગશે પણ તમે જ એશાને કહેતાં કે કડવાણી કડવી હોય, પણ એના ગુણ મીઠાશ આપવાના છે. બસ, એવું ધારીને જિંદગીને એક નવી દિશા આપવાની કોશિશ કરજો. આત્મા-પરમાત્મા વિશે તો ખબર નથી, પણ એશાને ખુશી થશે એ વાતની ખાતરી છે.
lll

લેટરના આ છેલ્લા પૅરૅગ્રાફે તમને નવી દિશા આપી હતી.
એશા પણ કહેતી કે જો પૈસો જ તમારા માટે અગત્યનો હોય તો કોઈ વાંધો નથી, પણ જો પૈસા માટે આ કંઈ ન થતું હોય તો હું ઇચ્છીશ કે તમે તમારા સાહિત્યના શોખને આગળ વધારો. વાર્તાઓ લખો. કવિતા લખો. 
ટ્રેનના ખુલ્લા દરવાજામાંથી આવતો ધસમસતો પવન તમારા સળગતા મનને ટાઢક આપવાનો પ્રયાસ કરતો હતો. 
લેટર મળ્યા પછી શરૂઆતમાં તમને એ લખનારી પર બહુ આક્રોશ આવ્યો હતો. પણ પછી, જેમ-જેમ સમય પસાર થતો ગયો એમ-એમ તમને વાસ્તવિકતા સમજાતી ગઈ હતી. વાસ્તવિકતાનો સામનો કર્યા પછી તમને સમજાયું હતું કે તમે કેટલાંક વર્ષથી તમારી જાતને મારો છો. જાંઘિયા ને લોટની જાહેરખબર લખવામાં અને એનું માર્કેટિંગ કરવામાં.

એશાના મોત પછી તમારી માત્ર શ્વસનપ્રક્રિયા ચાલુ હતી. એ પ્રક્રિયાને જિંદગી બનાવી દેનારો લેટર મળ્યા પછી મુંબઈ છોડવાનો નિર્ણય લેવામાં તમને સહેજ પણ પીડા નહોતી થઈ. તમે નક્કી કરી લીધું કે મુંબઈ છોડી એકાદ મહિનો ભાડલા રહેવું. સુકાયેલી નદી સાથે અને મોતની રાહમાં આંખ દરવાજે માંડીને બેઠેલાં દાદા-દાદી સાથે. એ પછી એશા કહેતી હતી એવું બચ્ચાઓ માટે ન્યુઝ વીકલી શરૂ કરવા રાજકોટ કે અમદાવાદ જવું. ન્યુઝ વીકલી થકી, ઍક્ટિવિટી રહેશે તો જીવ પરોવાયેલો રહેશે. ન્યુઝ વીકલી ચાલુ કર્યા પછી બચતા સમયમાં એક નવલકથા લખવાનું પણ તમે નક્કી કર્યું હતું. 

ખુલ્લી બારીની બહાર અંધકાર હતો. અંધકારમાં કાળા અને ઘાટા કાળા ઓછાયા થકી ખબર પડતી હતી કે શહેરી વિસ્તાર પાછળ છૂટી ગયો છે.
મુંબઈ હવે પાછળ હતું. એ મુંબઈ, જે મુંબઈમાં એક સમયે તમે સુખ શોધતા હતા. હવે ગુજરાત આગળ હતું. એ ગુજરાત, જે ગુજરાતમાં તમારી સુખની શોધનો આરંભ થવાનો હતો.
સુખ માટે કવિ જગદીશ જોશીએ સરસ અને વિચારશીલ રચના આપી છે.
મોબાઇલના પ્લેલિસ્ટમાં વાગતું ગીત અને એ ગીતને અપાયેલો હરિહરનનો સ્વર પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરી 
કરતાં હતાં.

અમને આપી છે એવી બાવળની ડાળ 
કે ફૂલ કદી ખીલ્યાં નહીં, 
અમને આપ્યા છે સંબંધો વળી 
એવાં કે તીર કદી ઝીલ્યાં નહીં.
હું તો હરણાંની પ્યાસ લઈ દોડું, 
મને આપો ઉછીનું સુખ થોડું...

બૅકપૅકમાંથી તમે ડાયરી ખેંચી, તમે પહેલી નવલકથાનું શીર્ષક લખ્યું.
‘મને આપો ઉછીનું સુખ થોડું...’
તમે તમારા અક્ષરો જોઈ રહ્યા. કોણ જાણે ક્યાંથી એક આંસુ રસ્તો શોધીને બહાર આવ્યું અને તમે જોરપૂવર્ક આંખો બંધ કરી દીધી...

સંપૂર્ણ

columnists Rashmin Shah