28 June, 2026 07:47 PM IST | Ahmedabad | Shailesh Nayak
બાળકોને શિક્ષણ આપવા બસને રણશાળામાં ફેરવી જેમાં બસની બહાર હીંચકો અને લપસણી દેખાય છે.
ગુજરાતમાં અગરિયા સમુદાયનાં બાળકોના શિક્ષણ માટે પ્રવેશોત્સવ સમયે ગુજરાત સરકારે આવકારદાયક પહેલ કરી છે. સરકારે રણશાળા પ્રોજેક્ટ અંતર્ગત બિનઉપયોગી એવી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (GSRTC)ની બસોને મૉડિફાય કરીને આધુનિક મોબાઇલ ક્લાસરૂમમાં ફેરવીને સ્કૂલ ઑન વ્હીલ્સ તૈયાર કરી છે. આ સ્કૂલમાં બાળકોને શિક્ષણની સાથે-સાથે રમતગમતની સુવિધા પણ મળી રહેશે. મંગળવારે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ૨૮ રણશાળા બસો લોકાર્પણ કરી હતી. આ સ્કૂલ ઑન વ્હીલ્સ કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ અને મોરબી જિલ્લામાં મોકલવામાં આવી છે.
સમગ્ર શિક્ષા અભિયાન, શિક્ષણ વિભાગ અને GSRTCના સંયુક્ત ઉપક્રમે રણશાળાનો પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે. મીઠાનું ઉત્પાદન થાય છે એવા વિસ્તારોમાં સ્થળાંતર કરતા પરિવારોનાં ૬થી ૧૪ વર્ષનાં બાળકો સામેના શૈક્ષણિક પડકારોને દૂર કરવાનો આ પ્રયાસ છે. આ રણશાળા યુનિક મૉડલ છે. બસની અંદર વીસથી વધુ બાળકો માટે સોલર એનર્જીના માધ્યમથી ટીવી અને ડિશ ટીવીની વ્યવસ્થા છે જેથી ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતા ઑનલાઇન ક્લાસિસનો આ બાળકો લાભ લઈ શકશે. રણની અંદર જે પરિવાર અગરિયા તરીકે કામ કરી રહ્યો છે તેમનાં બાળકોને ભણવા માટે ક્યાંક ને ક્યાંક દૂર જવું ન પડે એ માટે બાળકોને બસમાં ક્લાસ થકી શિક્ષણ આપવામાં આવશે.
ક્યાં કેટલી બસ મુકાશે?
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં ૨૦ બસ, પાટણના સાતલપુર તાલુકામાં ૪ બસ, કચ્છના અંજાર તાલુકામાં બે બસ અને મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં બે બસ મળીને કુલ ૨૮ બસો મુકાશે.
રણશાળા બસની અંદર કલાસરૂમમાં સુવિધાઓ.
વિષમ આબોહવા વચ્ચે પણ બાળકો અભ્યાસ કરી શકે એ માટે ક્લાસરૂમને આરામદાયક બનાવ્યો છે.
બસની અંદર અને બહાર શૈક્ષણિક ગ્રાફિક્સ, આર્ટવર્ક, રાષ્ટ્રીય પ્રતીકો અને શિક્ષણલક્ષી વિઝ્યુઅલ લગાવવામાં આવ્યાં છે.
મનોરંજનની સુવિધા પણ છે બસમાં
બસમાં આઉટડોર અને ઇન્ડોર મનોરંજનની સુવિધાઓ છે જેમાં લુડો, સાપસીડી, સમયની વિભાવનાઓ શીખવા માટે મૉડલ ક્લૉક, હીંચકો, લપસણી અને બાસ્કેટબૉલનું સેટઅપ છે. આ ઉપરાંત હેલ્થ મૉનિટરિંગ માટે ડિજિટલ વેઇંગ સ્કેલ, હાઇટ મેઝરમેન્ટ સિસ્ટમ સહિતની સુવિધા રાખવામાં આવી છે.
ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ રણશાળાની સુવિધાઓ નિહાળી હતી.
સ્કૂલ આૅન વ્હીલ્સમાં છે આધુનિક સુવિધા
સ્કૂલ ઑન વ્હીલ્સ બસ સોલર પાવરથી સજ્જ છે જે વીજળીના જોડાણ વગર ૪૮ કલાક સુધી કાર્યરત રહેવા સક્ષમ છે.
સોલર સંચાલિત ક્લાસરૂમમાં ૪૩ ઇંચના સ્માર્ટ ટીવી, ડિશ ટીવી કનેક્ટિવિટી દ્વારા શૈક્ષણિક ચૅનલો, FM રેડિયો, ડિજિટલ ઘડિયાળ, LED લાઇટિંગ સિસ્ટમ, વૉલ-ફૅન તથા ઑનલાઇન, ઑફલાઇન શિક્ષણને સપોર્ટ કરતાં શૈક્ષણિક સાધનો છે.
બસમાં ઇમર્જન્સી એક્ઝિટ, અગ્નિશામક ઉપકરણો, ફર્સ્ટ-એઇડ કિટ, ડસ્ટબિન અને સૅનિટાઇઝેશન કિટ પણ છે.