આ ગુજરાતીએ આખું મહારાષ્ટ્ર લીલુંછમ કરવાનો ભેખ ધર્યો છે

19 April, 2024 10:42 AM IST  |  Mumbai | Rashmin Shah

વૃક્ષારોપણ વધારવાની જરૂર છે એવી સુફિયાણી સલાહોને બદલે જુહુમાં રહેતા હર્ષ વૈદ્યે ફેંકી દેવામાં આવતાં સીડ્સના પ્લાન્ટેબલ લાડુ બનાવ્યા છે. એનાથી બીજની આવરદા તો વધી જ, સાથે ફરવા કે પિકનિક પર જતા લોકોમાં પ્લાન્ટેશન માટે પ્રેમ પણ જન્માવી દીધો છે

હર્ષ વૈદ્યેની તસવીર

માથેરાન, પંચગની, મહાબળેશ્વર જતા હો કે પછી તમે ટ્રેકિંગ માટે પ્રતાપગઢ જતા હો ત્યારે તમને કોઈ હાથમાં માટીના બનેલા બેચાર બૉલ ફેંકીને પૃથ્વીને બચાવવાના અભિયાનમાં સાથ આપવાનું કહે તો તમને વિચિત્ર લાગે એ સ્વાભાવિક છે, પણ આ વિચિત્ર લાગતી વાતના આધારે ૪૦ વર્ષના હર્ષ વૈદ્યે ૨૦૧૯થી આજ સુધીમાં મહારાષ્ટ્રમાં એક કરોડથી વધારે ઝાડ ઉગાવડાવ્યાં છે અને તેમનું આ કામ આજે પણ અવિરતપણે ચાલુ છે. હર્ષ કહે છે, ‘ઝાડ ઉગાડવાં જોઈએ એ આપણને નર્સરીના ટાઇમથી શીખવવામાં આવ્યું છે, પણ એ કામને સરળ બનાવવાનું કામ ક્યારેય થયું નહીં એટલે લોકોમાં પ્લાન્ટેશન માટેની ગંભીરતા આવી નહીં. પ્લાન્ટેશનને સરળ કરવાનું અને એ કર્યા પછી એ પ્લાન્ટની માવજત પણ ન કરવી પડે એ મારી કંપની ધ ટ્રી બૉક્સ કરે છે. અમે સીડ્સના એવા બૉલ બનાવીએ છીએ જેને તમારે માત્ર ખુલ્લી જગ્યામાં ફેંકી દેવાના. ઊગવાનું અને નર્ચર થવાનું કામ એ આપોઆપ કરી લેશે.’

સાંભળવામાં સરળ પણ સમજવામાં અઘરું લાગે એવું આ કામ સમજતાં પહેલાં હર્ષની થોડી અંગત વાતો જાણવા જેવી છે.
મુંબઈ યુનિવર્સિટીમાંથી MBA કર્યા પછી IIM-અમદાવાદમાં માર્કેટિંગમાં માસ્ટર્સ કરનારા હર્ષના પપ્પા એન્જિનિયર અને દાદા ડૉક્ટર એટલે એ બન્ને ફીલ્ડમાં રહેલી મર્યાદાઓથી તે વાકેફ અને એટલે માર્કેટિંગમાં બબ્બે માસ્ટર્સ ડિગ્રી ધરાવતા હર્ષે નક્કી રાખ્યું હતું કે તે કોઈ નવી લાઇનમાં જશે અને તેણે કન્સ્ટ્રક્શન ફીલ્ડમાં ઝંપલાવ્યું. જોકે થોડા જ સમયમાં તેને સમજાઈ ગયું કે પોતે ખોટી દિશામાં છે. હર્ષ કહે છે, ‘નાનપણથી મને નેચર ગમે એટલે મેં નક્કી કર્યું કે હું ફાર્મિંગ ફીલ્ડમાં જઈશ અને ઉમરગામ પાસે અમે ઑર્ગેનિક ફાર્મિંગ શરૂ કર્યું, જે મારું પ્રોફેશનલ સેટઅપ છે; પણ આ ખેતીકામ દરમ્યાન નાનપણમાં સાંભળેલી એક વાર્તા મને યાદ આવી અને એમાંથી ટ્રી-બૉલનો કન્સેપ્ટ મનમાં આવ્યો.’

એક હતાં દાદી...
એક દાદી હતાં. એ દાદી ઘરમાં આવતી તમામ શાકભાજીમાંથી સીડ્સ કાઢી એમાં ભેજ અકબંધ રહે એ રીતે એને સાચવી રાખે અને પછી જ્યારે બહારગામ જાય ત્યારે ટ્રેનમાં ખુલ્લી જગ્યા આવે ત્યાં બારીમાંથી એ સીડ્સ ફેંકી દે. દાદીને કોઈએ પૂછ્યું કે તમે શું કામ આવું કરો છો, આ ઝાડ ઊગશે ત્યારે એનો છાંયો લેવા, એનો ઑક્સિજન લેવા તમે તો હયાત પણ નહીં હો. દાદીએ જવાબ આપ્યો, ‘આજે હું જે ઝાડનો શીતળ છાંયડો લઉં છું, જે ઝાડનો ઑક્સિજન લઉં છું એ ઝાડ ઉગાડનારાએ પણ આવું વિચાર્યું હોત તો?’ નાનપણમાં સાંભળેલી આ વાર્તા હર્ષને પોતાના ઉમરગામના ખેતરમાં અચાનક જ યાદ આવી અને એ દરમ્યાન એક બનાવ એવો બન્યો જેણે હર્ષ પાસે ટ્રી-બૉલનો આવિષ્કાર કરાવ્યો. હર્ષ કહે છે, ‘ફાર્મમાં ઊગેલાં ટમેટાં વેચાય ત્યારે ચેપાઈ ગયેલાં ટમેટાં પાછાં આવે. ચેપાઈ ગયેલાં ટમેટાંની માવજત કરી એમાંથી સારાં સીડ્સ આજુબાજુના ખેડૂતોને આપવાનું મેં શરૂ કર્યું, જેમાંથી ડિમાન્ડ શરૂ થઈ કે પીપળાનાં સીડ્સ હોય તો આપજો, ગુલમહોરનાં સીડ્સ હોય તો આપજો અને મને થયું કે જાતે નર્ચર થતાં હોય એવાં ટ્રીનાં સીડ્સ લોકો સુધી પહોંચાડવાં જોઈએ પણ છૂટાં સીડ્સ રસ્તા પર એમ જ વેરી દેવામાં આવે તો એ નર્ચર ન થાય એટલે શું કરવું એના વિચારમાં લાગ્યો અને એમાંથી વિચાર આવ્યો કે શું કામ એના એવા બૉલ ન બનાવીએ જે અંદર રહેલાં સીડ્સને શરૂઆતનું પોષણ આપવાનું કામ કરે?’
આ વિચાર સાથે જન્મ્યા બીજ બૉલ્સ.

લાડુ જેવા બીજ બૉલ્સ
ટ્રાયલ-એરર અને રિસર્ચ પછી તૈયાર થયેલા બીજ બૉલ્સ તમને દેખાવે લાડુ જ લાગે. આ જે બૉલ છે એમાં સીડ્સ ઉપરાંત સૉઇલ, ઘરમાં જે ભીનો કચરો એકઠો થતો હોય છે એમાંથી બનતું ઑર્ગેનિક ખાતર અને કોકોપીટ એટલે કે સૂકા નારિયેળમાં ઉપર રહેલો છોલ હોય છે. હર્ષ કહે છે, ‘સીડ્સમાંથી ટ્રી થવાનો ઍવરેજ રેશિયો ૧ઃ૧નો હોય છે એટલે અમે દરેક બૉલમાં ત્રણ સીડ નાખીએ છીએ. જે કાળી માટી છે એ ખુલ્લી જમીન સાથે મર્જ થાય છે તો ઑર્ગેનિક ખાતર સીડને પોષણ આપવાનું કામ કરે છે, જ્યારે કોકોપીટ સીડ્સને મળતા ભેજને અકબંધ રાખે છે.’
ખુલ્લામાં ફેંકી દેવામાં આવેલા આ ટ્રી-બૉલને સવારની ઝાકળનું પાણી પણ પૂરતું છે, જે પાણી બૉલમાં રહેલી માટીને મેલ્ટ કરે છે તો શરૂઆતના એક વીકના ખોરાક જેટલું ખાતર બૉલમાં જ હોય છે. હર્ષ કહે છે, ‘અમે જે સીડ્સના બૉલ બનાવીએ છીએ એ બધા વાઇલ્ડ ટ્રી છે એટલે એને ત્યાર પછી માવજતની કોઈ જરૂર નથી પડતી.’ ધ ટ્રી બૉક્સમાં બનતા આ બૉલમાં સીતાફળ, ગુલમહોર, લીમડો, પીપળો, આમળા, બામ્બુનાં સીડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ૨૦૧૯માં ટ્રી-બૉલનો પ્રયોગ સફળ રહ્યો, સંસ્થા ઉત્સાહભેર ટ્રી-બૉલથી પ્લાન્ટેશન પર લાગી ગઈ પણ અહીં નવો પ્રશ્ન ઊભો થયો કે આટલી મોટી માત્રામાં અને સારી ક્વૉલિટીનાં સીડ્સ લાવવાં ક્યાંથી?

નેચરથી નૅચરલ સુધી
હર્ષ વૈદ્ય અને તેમની કંપની દ્વારા થતું આ કામ જોઈને મહારાષ્ટ્ર ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે નિઃશુલ્ક સીડ્સ આપવાની તૈયારી દર્શાવી તો ફ્રૂટ્સનાં સીડ્સ માટે હર્ષે સરસ રસ્તો કાઢ્યો. હર્ષ કહે છે, ‘જૉગર્સ પાર્ક પાસે ઊભા રહેતા ફ્રેશ જૂસવાળાઓ પાસેથી અમે સીડ્સ એકઠાં કરવાનું શરૂ કર્યું. એ પછી અમારા કામની ખબર નૅચરલ આઇસક્રીમના માલિક રઘુનંદન કામથને પડી અને તેમણે પણ તેમને ત્યાં બનતા ફ્રૂટ્સ આઇસક્રીમમાં વપરાતાં ફ્રૂટ્સનાં સીડ્સ અમને આપવાનું શરૂ કર્યું. દર વર્ષે બેથી ત્રણ ટન સીડ્સ અમને તેમને ત્યાંથી આવે છે, જેને અમે અમારી સીડ્સ બૅન્કમાં પ્રિઝર્વ કરીએ છીએ. આજે અમારી સીડ્સ બૅન્કમાં અઢી કરોડથી વધારે સીડ્સ છે.’

જુઓ કેવી રીતે બની રહ્યા છે સીડ-બૉલ.

શું કામ અમુક સીડ્સના જ બૉલ?
ગુલમહોર, પીપળો, લીમડો, સીતાફળ જેવાં ઝાડના જ સીડ્સ-બૉલ્સ બનાવતા હર્ષ વૈદ્યની કંપની શું કામ ફૂલ કે પછી વેજિટેબલ્સના આ પ્રકારના બૉલ્સ નહીં બનાવતી હોય? જો આ સવાલ તમારા મનમાં આવ્યો હોય તો એનો જવાબ હર્ષ પાસે છે. હર્ષ કહે છે, ‘આ બધાં વાઇલ્ડ ટ્રી છે, જેની ઑક્સિજન આપવાની માત્રા બહુ મોટી છે. એને માવજતની પણ જરૂર નથી. જો તમે મૅન્ગોનું ઝાડ વાવો તો તમારે એની રોજ કૅર કરવી પડે. એવું જ ટમેટાંમાં કે પછી બીજાં વેજિટેબલ્સનું છે. એનાં સીડ્સની લાઇફ ટૂંકી હોય અને એની રેગ્યુલર કૅર પણ કરવી પડે.’
ઘરમાં રાખી શકાય અને ઘરમાં જ રોજબરોજનાં વેજિટેબલ ઉગાડી શકાય એ માટે પણ હર્ષ વૈદ્યએ સીડ્સ બૉક્સ તૈયાર કર્યાં છે પણ એ તેનું પ્રોફેશનલ વેન્ચર છે.

ટ્રી-બૉલ બનાવવાનું કામ સંજય ગાંધી નૅશનલ પાર્ક અને આરે કૉલોનીની આસપાસ રહેતી આદિવાસી મહિલાઓને સોંપવામાં આવ્યું છે. તૈયાર થયેલા બૉલને ધ ટ્રી બૉક્સની ગોરેગામની વર્કશોપમાં લાવવામાં આવે, જ્યાં એ બૉક્સમાં પૅક થાય. કંપની અત્યારે આઠ, ચાર અને એક બૉલનું પૅકિંગ તૈયાર કરે છે. હર્ષ કહે છે, ‘કૉર્પોરેટ કંપનીમાં ટ્રી-બૉલ બહુ પૉપ્યુલર થયા છે, જે પોતાના ક્લાયન્ટને ફ્રી આપે છે. અત્યારે HPCLના મહારાષ્ટ્રમાં આવેલા પમ્પ પર એક હજારનું પેટ્રોલ ભરાવે એને ચાર બૉલનું બૉક્સ ફ્રી આપવામાં આવે છે તો આઉડી કાર ખરીદે એને કંપની દસ બૉક્સ ગિફ્ટ તરીકે આપે છે. બાળકોના બર્થ-ડેમાં હવે મોટા ભાગની સ્કૂલ્સ ચૉકલેટ કે ટૉફી આપવાની પરમિશન નથી આપતી તો હવે આ ટ્રી-બૉલ આપવાનું શરૂ થયું છે. બાળક ઘરે જઈને પોતાની સોસાયટીમાં આ બૉલ વાવી દે જેથી તેને નાનપણથી પ્લાન્ટેશનની આદત પડે.’ બે વર્ષ પહેલાં ગણેશ મહોત્સવ સમયે લાલબાગ ચા રાજાનાં દર્શને જનારા લોકોને ટ્રી-બૉલ પ્રસાદરૂપે આપવામાં આવ્યા પણ પ્રસાદ હોવાને કારણે કેટલાક લોકોએ એ મોઢામાં નાખ્યો એટલે પછી એ બંધ કરવામાં આવ્યું. હર્ષ કહે છે, ‘ઇન્ડિવિજ્યુઅલ્સ માટે આ ટ્રી-બૉલ ટોટલી ફ્રી છે. સ્વૈચ્છિક સંસ્થાઓ પાસેથી અમે માત્ર પૅકેજિંગ ચાર્જિસ લઈએ છીએ, જ્યારે કૉર્પોરેટ્સ માટે એ ચાર્જેબલ છે.’

columnists life and style Rashmin Shah