29 January, 2026 01:39 PM IST | Mumbai | Jayesh Chitalia
ફાઇલ તસવીર
સત્ય અને અહિંસા એ બે શબ્દ આપણા સૌના કાનમાં સતત ગુંજતા હોય છે. આંખ, કાન, મગજ, બુદ્ધિ, વિચારો આ બે શબ્દો વાંચી-સાંભળીને પરિપક્વ થતા રહ્યાં છે. મુખ ક્યારેક આ બોલીને દિલ જીતી લેતું હોય છે યા હૃદયને સ્પર્શી લેતું હોય છે. આ બે શબ્દો વર્તમાન સદીમાં મોહનદાસ કરમચંદ ગાંધી અર્થાત્ મહાત્મા ગાંધી સાથે વધુ જોડાયેલા છે, બાકી તો સદીઓ પૂર્વે બુદ્ધ અને મહાવીર પણ આ બે શબ્દો સાથે ત્રીજો શબ્દ કરુણા આપી ગયા છે. આજના સમયની વાત કરીએ તો ગાંધીજી તરત યાદ આવે, કેમ કે તેઓ આપણા રાજકીય-સામાજિક જીવનમાં સતત હાજર છે. જોકે સમયના પરિવર્તન તેમ જ વિશાળ પ્રજાની માનસિકતાના બદલાતા પ્રવાહ સાથે ગાંધીજી વિશે સમજવું અને સમજાવવું કપરું અને અઘરું બનતું જાય છે. જે મહાત્માએ સત્યના પ્રયોગ કર્યા અને એ મુજબ જીવ્યા, કાયમ સત્ય તેમ જ અહિંસાના સંદેશ લઈને દુનિયાભરમાં ફર્યા, લડ્યા તથા ચર્ચામાં રહ્યા અને આજે પણ છે તેમનાં સત્ય અને અહિંસા સમાજમાં-જગતમાં આજે છે ખરાં? ક્યાં છે? ચર્ચામાં પણ છે? માત્ર પુસ્તકોમાં છે, ફિલસૂફીમાં છે.
મહાત્મા ગાંધીને બહુ બધા દેશો, એના નેતાઓ અને ત્યાંની પ્રજા પણ માને, બિરદાવે, વંદન કરે, પૂજે; પરંતુ એ દેશોમાં પણ અને ત્યાંના નેતાઓમાં કે પ્રજામાં પણ સત્ય અને અહિંસા કેટલાં? જે દેશમાં બાપુનો જન્મ થયો અને જ્યાં બાપુ ગોળીએ વીંધાયા એ આપણા દેશમાં પણ સત્ય અને અહિંસા ક્યાં, કેટલાં અને કેવાં? ઊલટાનું ડગલે ને પગલે અસત્ય તેમ જ હિંસા જોવા મળે છે. અરે અહિંસાના આ પૂજારી પણ ભોગ તો હિંસાનો જ બન્યા. એ માટેનાં કારણો અનેકવિધ છે જેમાં વિવિધ મતભેદો પણ વ્યક્ત થઈ શકે. સમય સાથે ઘણું બદલાતું રહ્યું છે છતાં વાસ્તવિક સંજોગોને નજરમાં રાખતાં સવાલ ચોક્કસ થાય કે શું બાપુ આજે રેલેવન્ટ રહ્યા છે? કોને માટે? કેટલા? કેમ? બાય ધ વે, કોઈને રેલેવન્ટ લાગે કે ન લાગે, બાપુ રહેશે. બાપુ રહેશે ત્યાં સુધી સત્ય અને અહિંસાની વાતો પણ રહેશે. કરુણતા એ છે કે બાપુની યાદો-ચર્ચાઓ રહેશે, પરંતુ સત્ય અને અહિંસા કેવા સ્વરૂપમાં રહેશે? ક્યારેક સમય આવશે જ્યારે બાપુ ભુલાઈ શકે, પણ સત્ય અને અહિંસાની જરૂર રહેશે; બાપુ પણ કહી ગયા હતા કે તમે મને મારી શકો, પણ મારા વિચારોને મારી નહીં શકો, એ સદા રહેશે.
અલબત્ત, ક્યારેક ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ગ તરફથી સવાલ થાય, બાપુ કાયમ ભગવાન શ્રીરામનું નામ લેતા, તેમની અંતિમ ક્ષણમાં તેમના મુખેથી હે રામ શબ્દ નીકળ્યો હતો એવું પણ કહેવાય છે. આમ ભગવાન રામને પૂજનારા બાપુ ભલે રામને માને, પરંતુ રાવણ જ્યારે સીતાજીને ઉપાડી ગયો ત્યારે શ્રીરામ અહિંસાનો આશરો લઈને ઉપવાસ પર નહોતા ઊતરી ગયા, તેમણે રાવણ સાથે યુદ્ધ કર્યું, રાવણ સહિત તેની વિશાળ સેનાને ખતમ કરી.
સુગ્રીવ-વાલીના કિસ્સામાં ક્યાંક રાજકરણ પણ રમ્યા, અર્થાત્ અસત્યનો આશરો પણ લીધો. એ પહેલાં પણ રાક્ષસોથી ઋષિઓના-તપસ્વીઓના રક્ષણ કરવા માટે એ રાક્ષસોને મોતને ઘાટ ઉતાર્યા. આમ બાપુ જેમનું નામ સદા રટતા એ ભગવાન રામ અહિંસામાં માનતા હોવાનું કહી શકાય? અલબત્ત, એ માટે રામને હિંસક વ્યક્તિ કે હિંસક અવતાર ન કહેવાય, પરંતુ ભગવાનને પણ તેમના માનવઅવતારમાં ચોક્કસ દુશ્મનો સામે હિંસા અનિવાર્ય લાગે છે એવું ચોક્કસ માની શકાય. રાવણ સામે ભગવાન રામ યુદ્ધ ટાળીને અને અહિંસા જાળવીને ઉપવાસ કે અહિંસક આંદોલન કે સત્યાગ્રહ પર ઊતર્યા હોત તો શું રાવણ સીતાજીને મુક્ત કરી દેત? કૃષ્ણ મહાભારતના યુદ્ધ વિના ધર્મયુદ્ધ જીતી શક્યા હોત? કૃષ્ણે તો ધર્મની રક્ષા માટે અધર્મના આચરણને વાજબી અને ન્યાયી ગણાવ્યું. શું કુરુક્ષેત્રમાં અહિંસાના માર્ગે ધર્મનો વિજય થયો હોત? અલબત્ત, અહીં મારી ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણ વિશે કોઈ પણ ટિપ્પણી કરવાની પાત્રતા નથી, માત્ર નમ્રભાવે વિચાર મૂક્યો છે. રામ-કૃષ્ણના સમયને બાપુના સમય-સત્ય-હિંસા-કર્મ સાથે સરખાવી પણ ન શકાય.
બુનિયાદી સવાલ એ રહે છે કે સત્ય કોને માટે બોલાય છે? અહિંસા કોની સામે કરાય છે? સત્યાગ્રહ ક્યારે સાર્થક ગણાય? સત્ય અને અહિંસાના સંદેશ આપીને આ જગતમાંથી અનેક લોકો, અનેક ધર્મો-સંપ્રદાયોના સંતો, અવતારો ચાલ્યા ગયા છે તેમના નામે આ સંદેશ હજી પણ અપાતા રહે છે. જોકે એનો અમલ કરનારા અને એને સાચા અર્થમાં માનનારા કે જીવનમાં અમલમાં મૂકનારા કેટલા? ખરેખર તો જગતમાં શાંતિ માટે પણ યુદ્ધ જરૂરી બને છે. આજના ઓવરઑલ માહોલને જોઈને લાગે છે ખરું કે અહિંસા સર્વસ્વીકાર્ય બને? કોણ અહિંસાની પહેલ કરશે? કોણ સામેથી ત્રાટકતી કે આક્રમણ કરતી હિંસા સામે ચૂપ રહેશે? કેટલો સમય, ક્યાં સુધી? રશિયા-યુક્રેન, ઈરાન-ઇરાક, અફઘાનિસ્તાન, ગાઝા, યુએસ-ઈરાન, વેનેઝુએલા, ભારત-પાક, ભારત-ચીન, જર્મની, બ્રિટન વગેરે દેશોમાંથી કોને યુદ્ધ વિના ચાલી શકે એમ છે? આમાંથી કોઈ દેશ યુદ્ધ પોતે ન કરે તો પણ એણે સામેથી સંભવિત યુદ્ધ માટે તૈયાર તો રહેવું જ પડે છે. બ્રિટને પોણાબસો વર્ષ ભારત પર રાજ્ય કર્યું ત્યારે પણ માત્ર અહિંસાથી સફળતા મળી હોવાનું કહી ન શકાય છતાં સત્ય અને અહિંસાની જરૂર રહેશે.
આવતી કાલે ૩૦ જાન્યુઆરી. મહાત્મા ગાંધીની હત્યાના દિવસ નિમિત્તે દેશમાં શહીદ દિન ગણાય. બાપુ જીવનભર સત્ય અને અહિંસાના સંદેશ સાથે જીવ્યા અને મૃત્યુ પામ્યા. બાપુ યાદ આવ્યા એથી સત્ય અને અહિંસા પણ યાદ આવ્યાં.
આપણે અહીં જે લોકોનાં નામ સાથે સત્ય અને અહિંસાની વાતો કરી એ આપણે માટે તો વિચારવું પણ કપરું છે; કારણ કે એમાં તો વિશાળ-વિરાટ હિતો, લક્ષ્યો, ઉદ્દેશો સંકળાયેલાં હતાં અને છે, જ્યારે આપણે તો રોજબરોજના સાદા જીવનમાં પણ સાધારણ સત્ય અને અહિંસાનું પાલન કરી શકતા નથી. આપણા અહિંસામાંથી ‘અ’ નીકળીને સત્યની આગળ ગોઠવાઈ જાય છે એથી એક જ ફેરફારથી બે નવા શબ્દો આકાર પામી જાય છે, અસત્ય અને હિંસા.
આપણા અસત્ય અને હિંસા ડગલે ને પગલે ચાલતાં રહે છે. આપણે એમાં એટલા યુઝ્ડ ટુ થઈ ગયા છીએ કે આપણને ન તો એની નવાઈ લાગે છે કે ન આઘાત, ન અફસોસ, ન પીડા. સાવ ક્ષુલ્લક વાતો કે સ્વાર્થ માટે પણ આપણે અસત્ય બોલતાં ખચકાતા નથી અને હિંસા કરતાં અચકાતા નથી. દેશનું રાજકારણ તો અસત્ય અને હિંસાથી છલોછલ રહે છે. આપણા સમાજમાં ફેલાતા જતા અસત્ય અને હિંસાના સામ્રાજ્ય માટે વ્યક્તિગત રૂપે આપણે જવાબદાર હોઈએ કે ન હોઈએ, સામૂહિક રૂપે આપણે જવાબદાર છીએ અને રહીશું.