વિશ્વભરમાં હૃદયની ભાષા તો એક જ હોય છે

03 November, 2025 03:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મનુષ્યના હૃદયના જે સનાતન ભાવો છે એ કોઈ પણ ભાષાના સાહિત્યમાં મોજૂદ હોય છે. મનુષ્યનું હૃદય વિશ્વ સમસ્તમાં એકસરખું છે. એને બીજા હૃદય સુધી પહોંચાડવાનું માધ્યમ ભાષા છે

પ્રતીકાત્મક તસવીર

મહાકવિ રવીન્દ્રનાથ ટાગોરની ‘ગીતાંજલિ’નો જો તેમણે અંગ્રેજીમાં અનુવાદ ન કર્યો હોત તો? તો નોબેલ પ્રાઇઝ માટે તેમની પસંદગી થઈ શકી હોત? એ પરદેશી મહાનુભાવો આ મહાન કવિની કવિતા સુધી કે તેમના સાહિત્યિક પ્રદાન વિશે જાણકારી મેળવી શક્યા હોત? આપણા ભારતીય લેખકોનાં પુસ્તકો અંગ્રેજી કે બીજી પરદેશી ભાષામાં અનુવાદિત ન થાય તો નોબેલ પ્રાઇઝની પસંદગી કરનાર નિર્ણાયકો-વિદ્વાનો સુધી ન પહોંચી શકે, તેથી તેમને ગણતરીમાં ન લેવામાં આવે એ સ્વાભાવિક છે. ભારતની કેટલીયે ભાષાઓમાં ઘણું ઉત્તમ સાહિત્યસર્જન થતું રહે છે. એ જો અંગ્રેજીમાં પ્રકાશિત થાય તો એને વિશ્વસાહિત્યના નકશામાં અવશ્ય સ્થાન મળે. ‘ગીતાંજલિ’નો અનુવાદ અને એના લંડનમાં ગુરુદેવે કરેલા કાવ્યપઠનનો પ્રસંગ મૈત્રેયીદેવી (‘ન હન્યતે’નાં 
લેખિકા)ની સ્મૃતિકથા ‘ગુરુદેવ અમારે આંગણે’માં આલેખાયેલો છે. ગુરુદેવે લખ્યું છે, ‘ગીતાંજલિ’નું મારું વાંચન થયું. વાંચન પૂરું થયું પણ કોઈ એક શબ્દ સરખો ન બોલ્યું. મૂંગા-મૂંગા સાંભળીને સૌએ વિદાય લીધી. ન કોઈ સમાલોચના, ન કોઈ પ્રશંસા, ઉત્સાહ વધે એવો એક ઉચ્ચાર પણ નહીં. પરંતુ વળતા દિવસથી પત્રો આવવા શરૂ થયા. પત્રો ઉપર પત્રો, જાણે પત્રોનો ધોધ ચાલુ થયો. ત્યારે સમજાયું કે એ દિવસે એ સૌ એટલા મુગ્ધ થયા હતા કે એ વિશે કંઈ જ પ્રગટપણે કહી શક્યા નહોતા. 

મનુષ્યના હૃદયના જે સનાતન ભાવો છે એ કોઈ પણ ભાષાના સાહિત્યમાં મોજૂદ હોય છે. મનુષ્યનું હૃદય વિશ્વ સમસ્તમાં એકસરખું છે. એને બીજા હૃદય સુધી પહોંચાડવાનું માધ્યમ ભાષા છે. અમે સાને ગુરુજી રચિત પ્રખ્યાત મરાઠી પુસ્તક ‘શ્યામચી આઈ’ (ગુજરાતી અનુવાદ : ‘શ્યામની મા’) પરદેશથી ઑર્ડર આવ્યો પછી ચાઇનીઝ ભાષામાં પ્રકાશિત કર્યું અને એની બીજી આવૃત્તિ પણ પ્રકાશિત કરવી પડી છે. આપણા દેશમાં પણ અનેક ભારતીય ભાષાઓમાં સાહિત્યનું સુંદર અવિસ્મરણીય કહી શકાય એ કક્ષાનું સર્જન થાય છે. પણ આપણા સુધી એમાંનું કેટલું પહોંચે છે? કેન્દ્રીય સાહિત્ય અકાદમી ભારતીય ભગિની ભાષાઓમાંથી આપણી ગુજરાતી ભાષામાં ચૂંટેલાં ઉત્તમ પુસ્તકો પ્રકાશિત કરવાનું પ્રશસ્ય કામ કરે છે એની નોંધ લેવી જ જોઈએ. પણ હજી વધારે અનુવાદિત પુસ્તકો કેન્દ્રની અને રાજ્યોની સાહિત્ય અકાદમીઓએ પ્રગટ કરવાં જોઈએ. અમે બંગાળી, હિન્દી, તામિલ અને મરાઠી ભાષાના ઘણા જાણીતા લેખકોનાં પુસ્તકો ગુજરાતીમાં પ્રકાશિત કર્યાં છે.
અંધારું ચોતરફ છે... એ મનનો વિચાર છે... જાગી જવાય તો બધે ઝળહળ સવાર છે... - સુનીલ શાહ.

 

- હેમંત ઠક્કર (લેખક જાણીતા પ્રકાશનગૃહ એન. એમ. ઠક્કરની કંપનીના સૂત્રધાર છે.)

columnists exclusive gujarati mid day