આરોગ્ય વીમો ખર્ચ નથી, તમારા પરિવારની આર્થિક સુરક્ષાનું મજબૂત કવચ છે

09 August, 2026 05:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વધતા સારવાર ખર્ચ વચ્ચે યોગ્ય આરોગ્ય વીમો પરિવારની બચત અને આર્થિક સુરક્ષા માટે જરૂરી છે. બેઝ પૉલિસી, ટૉપ-અપ, ક્રિટિકલ ઇલનેસ અને પર્સનલ ઍક્સિડન્ટ કવરથી મજબૂત સુરક્ષા મેળવી શકાય છે.

ફોરમ શાહ

આપણા જીવનમાં માત્ર સંપત્તિ ઊભી કરવાનું પૂરતું નથી, એને સુરક્ષિત રાખવી પણ એટલું જ જરૂરી છે. દુર્ભાગ્યે નાણાકીય આયોજનમાં આ મહત્ત્વનો મુદ્દો ઘણી વખત પાછળ રહી જાય છે. આપણા માટે સૌથી મોટી સંપત્તિ આપણું સ્વાસ્થ્ય અને કમાણી કરવાની ક્ષમતા છે. જો કોઈ ગંભીર બીમારી કે અકસ્માતને કારણે આવક પર અસર થાય તો વર્ષો સુધી બચાવેલી મૂડી થોડા જ સમયમાં સારવાર પાછળ ખર્ચાઈ શકે છે. આવી પરિસ્થિતિમાં આરોગ્ય વીમો સાચા અર્થમાં પરિવાર માટે રક્ષણ-કવચ બની રહે છે.
ભારતમાં સારવારનો ખર્ચ સતત વધી રહ્યો છે. હૉસ્પિટલમાં દાખલ થવું તથા સર્જરી, દવાઓ અને અન્ય સારવારનો ખર્ચ મધ્યમવર્ગીય પરિવારના બજેટને હચમચાવી શકે છે. એક સામાન્ય સર્જરી પણ લાખો રૂપિયાનો ખર્ચ કરાવી શકે છે. જો યોગ્ય આરોગ્ય વીમો હોય તો આવી મુશ્કેલ ઘડીએ બચતમાંથી ખર્ચ કરવાની જરૂર પડતી નથી. આજકાલની આરોગ્ય વીમા પૉલિસીઓમાં કૅશલેસ સારવારની સુવિધા હોવાથી હૉસ્પિટલમાં દાખલ થતાં જ મોટી રકમની વ્યવસ્થા કરવાની ચિંતા ઓછી થાય છે. કેટલીક પૉલિસીઓમાં નિયમિત હેલ્થ ચેક-અપનો લાભ પણ મળે છે જેને કારણે બીમારીઓનું વહેલું નિદાન થઈ શકે છે અને સમયસર સારવાર શરૂ કરવી સરળ બને છે.
આરોગ્ય વીમો પસંદ કરતી વખતે માત્ર ઓળખાણના આધારે કે કોઈની ભલામણને કારણે નિર્ણય ન લેવો જોઈએ. સૌપ્રથમ પોતાની અને પરિવારની જરૂરિયાત સમજવી જરૂરી છે. તમે કયા શહેરમાં રહો છો, પરિવારનું એકંદર આરોગ્ય કેવું છે, વારસાગત બીમારીઓ છે કે કેમ, કેટલી રકમના વીમાની જરૂર પડશે, કઈ હૉસ્પિટલોમાં કૅશલેસ સારવાર મળે છે, પહેલેથી રહેલી બીમારીઓ માટે કેટલો વેઇટિંગ પિરિયડ છે, કો-પેની શરતો શું છે અને કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેકૉર્ડ કેવો છે આ બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ. ઉતાવળમાં લેવાયેલો નિર્ણય ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે છે.
આજના સમયમાં એક જ પૉલિસી પર સંપૂર્ણ આધાર રાખવો હંમેશાં પૂરતો સાબિત ન થાય. તેથી વિવિધ પ્રકારના આરોગ્ય વીમાનો સમન્વય વધુ અસરકારક બની શકે છે. સામાન્ય હૉસ્પિટલના ખર્ચ માટે બેઝ પૉલિસી, મોટા ખર્ચ માટે ટૉપ-અપ પ્લાન, કૅન્સર અથવા હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ માટે ક્રિટિકલ ઇલનેસ કવર અને અકસ્માતથી પંગુતા-અસમર્થતા આવે તો આવકમાં મદદરૂપ બને એવી પર્સનલ ઍક્સિડન્ટ પૉલિસી એ આ બધું મળીને વધુ મજબૂત સુરક્ષા આપે છે. યોગ્ય રીતે તૈયાર કરાયેલી આ પ્રકારની વીમા સુરક્ષા મોટા તબીબી ખર્ચને પહોંચી વળવાની આર્થિક શક્તિ આપે છે.
અલબત્ત, એકથી વધુ પૉલિસી રાખવાથી પ્રીમિયમનું યોગ્ય આયોજન અને ક્લેમની પ્રક્રિયા સમજવી જરૂરી બને છે. તેથી યોગ્ય માર્ગદર્શન માટે અનુભવી વીમા સલાહકારની મદદ લેવી લાભદાયી રહે છે. યોગ્ય સલાહથી પોતાની જરૂરિયાત અને બજેટને અનુરૂપ વીમાનું આયોજન સરળ બની શકે છે.
આરોગ્ય વીમાને ખર્ચ નહીં, પરંતુ પરિવારની આર્થિક સ્થિરતા, બચતની સુરક્ષા અને મનની શાંતિ માટેનું મહત્ત્વપૂર્ણ રોકાણ માનવું જોઈએ.

columnists exclusive finance news health insurance medical information gujarati mid day