✕

આરોગ્ય વીમાનું કાર્ડ હોવું પૂરતું નથી : મેડિકલ ઇમર્જન્સી આવે એ પહેલાં પૉલિસીની શરતો સમજી લો

18 October, 2026 01:01 PM IST  |  Mumbai | Khyati Mashru Vasani

આરોગ્ય વીમા પૉલિસી માત્ર ખરીદી લેવી અને એમાં ખરેખર કયું રક્ષણ મળે છે એ બરાબર સમજી લેવું એ બન્ને અલગ-અલગ બાબતો છે.

પ્રતીકાત્મક તસવીર

આરોગ્ય વીમા પૉલિસી માત્ર ખરીદી લેવી અને એમાં ખરેખર કયું રક્ષણ મળે છે એ બરાબર સમજી લેવું એ બન્ને અલગ-અલગ બાબતો છે. તાજેતરમાં એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત એક કિસ્સો આ વાતનું મહત્ત્વ સમજાવે છે. અમદાવાદના જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચે ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ કંપનીને એક ગ્રાહકનો આશરે ૧.૦૬ લાખ રૂપિયાનો મેડિકલ ક્લેમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કંપનીએ અગાઉ આ ક્લેમ નકારી કાઢ્યો હતો. વીમા કંપનીએ ક્લેમ ફગાવી દેતાં કહ્યું હતું કે ગ્રાહકને મિની સ્ટ્રોક આવ્યો હતો અને એના માટે વિટામિન B12ની ઊણપ જવાબદાર હતી. જોકે પંચે ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપ્યો અને વ્યાજ તથા વળતર સાથે રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ કિસ્સો દર્શાવે છે કે ક્લેમ નકારવા પાછળનાં કારણો વિશે વીમા કંપની અને ગ્રાહક વચ્ચે મતભેદ થઈ શકે છે. અહીં જણાવવું રહ્યું કે દરેક કેસમાં આવું ન પણ બને.
પરિવારોએ સૌથી પહેલાં એ સમજવું જોઈએ કે આરોગ્ય વીમો ખરીદવો એ માત્ર એક ઔપચારિકતા નથી. ઘણા લોકો પૉલિસી પસંદ કરતી વખતે મુખ્યત્વે પ્રીમિયમ અને વીમા કવચની રકમ પર ધ્યાન આપે છે. પ્રીમિયમ એટલે પૉલિસી માટે ચૂકવવાની રકમ, જ્યારે વીમા કવચ એટલે પૉલિસી હેઠળ મળતી મહત્તમ સુરક્ષા. આ બન્ને મહત્ત્વનાં છે, પરંતુ પૉલિસીની શરતો વાંચવી પણ એટલી જ જરૂરી છે.
પૉલિસીમાં વેઇટિંગ પિરિયડ, કયા રોગોની સારવારનો ખર્ચ નહીં મળે એવી બાકાત રાખેલી શરતો, રૂમના ભાડાની મર્યાદા, કો-પેમેન્ટ, ડિડક્ટિબલ અને પહેલેથી રહેલી બીમારીઓ સંબંધિત નિયમો હોઈ શકે છે. હૉસ્પિટલના કુલ બિલમાંથી કેટલી રકમ વીમા કંપની ચૂકવશે એ આ નિયમો અને શરતોને આધીન હોય છે, જેના વિશે દરેક ગ્રાહકે પૂરેપૂરી જાણકારી મેળવી લેવી આવશ્યક છે.
બીજી મહત્ત્વની વાત એ છે કે પૉલિસી લેતી વખતે પોતાની સાચી અને સંપૂર્ણ તબીબી માહિતી આપવી જોઈએ. અગાઉ થયેલી બીમારીઓ, હાલની સ્વાસ્થ્ય-સમસ્યાઓ, ચાલુ દવાઓ અને વીમા કંપનીએ માગેલી અન્ય માહિતી છુપાવવી નહીં. માહિતી છુપાવવાથી ભવિષ્યમાં ક્લેમ કરતી વખતે મુશ્કેલી ઊભી થઈ શકે છે. અરજીમાં કોઈ પ્રશ્ન સમજાતો ન હોય તો પોતાની રીતે અનુમાન કરવાને બદલે વીમા કંપની પાસેથી સ્પષ્ટતા મેળવી લેવી.
પૉલિસીના દસ્તાવેજો, પ્રીમિયમની રસીદો, મેડિકલ રિપોર્ટ, ડૉક્ટરનાં પ્રિસ્ક્રિપ્શન્સ અને હૉસ્પિટલનાં બિલો સાચવીને રાખો. ઘરના અન્ય સભ્યોને પણ આ દસ્તાવેજો ક્યાં રાખ્યા છે અને જરૂર પડે ત્યારે વીમા કંપનીનો સંપર્ક કેવી રીતે કરવો એની જાણ હોવી જોઈએ. 
જો વીમા કંપની ક્લેમ નકારે તો એનો નિર્ણય અંતિમ જ છે એવું માની લેવાની જરૂર નથી. સૌપ્રથમ ક્લેમ નકારવાનો પત્ર ધ્યાનથી વાંચો અને એનું ચોક્કસ કારણ સમજો. ત્યાર પછી સંબંધિત મેડિકલ રિપોર્ટ અને પૉલિસીના દસ્તાવેજો એકઠા કરીને નિર્ણય પૉલિસીની શરતો સાથે મેળ ખાતો ન હોય તો કંપનીની ફરિયાદ નિવારણ વ્યવસ્થાનો સંપર્ક કરો. 

columnists finance news gujarati mid day exclusive