આંખ, કાન, પેટ, ફેફસાંની બીમારીઓ આવી રહી છે ધસમસતી

08 January, 2026 02:20 PM IST  |  Mumbai | Jayesh Chitalia

હવેના સમયમાં ખુશી તો ગમે ત્યાંથી મળી જાય અથવા ઊભી કરાય એવી વ્યવસ્થા થઈ શકે, કેમ કે ક્યાંક એને ખરીદી શકાય છે, જ્યારે સ્વાસ્થ્ય ખરીદી શકાતું નથી

પ્રતીકાત્મક તસવીર

નવા વર્ષનો શુભારંભ થતાં જ લોકોમાં એકબીજાને હૅપી ન્યુ યર કહેવાના મેસેજ શરૂ થઈ ગયા હતા. તમારું વર્ષ સારું, મજાનું, ખુશીથી ભરેલું, સફળતા અને સિદ્ધિથી ભરેલું રહે... વગેરે મેસેજિસ હોલસેલમાં ફરતા થઈ ગયા. એમાં વળી નવું શું છે? આવું તો દર નવા વર્ષે થાય છે, પરંતુ નવું શું છે એનો જવાબ પણ જાણી લો. નવું એ છે કે આ વર્ષે કેટલાય મેસેજિસમાં એવું કહેવાયું કે નવું વર્ષ હેલ્ધી રહે, વિશ યુ હૅપી ન્યુ યરનું સ્થાન વિશ યુ હેલ્ધી ન્યુ યર લઈ રહ્યું છે. અમુક લોકોએ તો કહ્યું, મને શુભેચ્છા આપવી હોય તો સારા સ્વાસ્થ્યની આપો. એક જણે વળી એવું પણ લખ્યું કે વિશ યુ હેલ્ધી યર, સ્વસ્થ રહેશો તો બાકી બધું ચાલી જશે અને બાકી બધાને પહોંચી વળાશે.

યસ, માણસો બાકી હોશિયાર તો ખરા જ. શું માગવું એ બરાબર સમજે. હવેના સમયમાં ખુશી તો ગમે ત્યાંથી મળી જાય અથવા ઊભી કરાય એવી વ્યવસ્થા થઈ શકે, કેમ કે ક્યાંક એને ખરીદી શકાય છે, જ્યારે સ્વાસ્થ્ય ખરીદી શકાતું નથી. કરોડપતિ માણસને પણ ગંભીર બીમારી આવી પડે તો તેની બધી ખુશી રાતોરાત છિનવાઈ જાય છે, દરેક સુખ-સુવિધા ગૌણ થઈ જાય છે. બાય ધ વે, માનવીને સ્વાસ્થ્યની સાચી સમજ તેની માંદગી વખતે જ પડે છે. જોકે સાજા થયા બાદ માનવી એને મોટા ભાગે ભૂલી જવામાં સમય લગાડતો નથી.

સ્વાસ્થ્યનું મહત્ત્વ વધતું જવાનું એ નક્કી છે, જે એને નહીં સમજે તેમને પેટ ભરીને પસ્તાવાનું પણ આવવાનું છે. તેથી આગામી સમયમાં જે માંદગીઓથી આપણે ઘેરાઈ જવાના છીએ એ અત્યારથી સમજીશું અને સાવચેતી રાખીશું તો જ બચી શકાશે. અન્યથા આંખોની, કાનની, દાંતની, પેટની, ફેફસાંની, લિવરની, હૃદયની, કિડનીની માંદગી નક્કી છે. હા, લગભગ શરીરના દરેક ભાગની અથવા કહો કે ઇન્દ્રિયોની સમસ્યા મોટા પાયે અને ઝડપથી લાગુ થવાની છે. નક્કર કારણો હોલસેલમાં હાજર છે. આપણે હાલ મોબાઇલ, ટીવી, કમ્પ્યુટર, લૅપટૉપ જેવાં સાધનોના સતત ઉપયોગથી આંખો પર દબાણ વધારી જ રહ્યા છીએ. સતત કાનના સહવાસમાં રહેતા મોબાઇલ અને બાહ્ય ઘોંઘાટને કારણે બન્ને કાન પણ પરેશાન થવાના જ છે, પ્રદૂષણને લીધે ફેફસાં હેરાન છે. જન્ક ફૂડ અને ઍની ટાઇમ ફૂડને પરિણામે પેટના ભાગે સૌથી વધુ સહન કરવાનું આવવાનું નિશ્ચિત છે. આમાં લિવર, કિડની અને આંતરડાના બચવાના ચાન્સિસ નથી. વળી દાંતની શું દશા થવાની છે એ સમજાવવાની જરૂર છે? ઘેરબેઠાં મળતી દરેક ચીજની ઝડપી ડિલિવરી માંદગીની પણ ડિલિવરી બહુ ફાસ્ટ કરશે.

અરે, ઊભા રહો... શરીર કરતાં પણ વધુ અસર મગજ પર થવાની છે અથવા શરૂ થઈ ગઈ જ છે. સતત વધી રહેલા માનસિક રોગોના કિસ્સા એના સજ્જડ પુરાવા છે. સોશ્યલ મીડિયા સહિતના અનેક શોખ કે હૅબિટ અથવા લાઇફસ્ટાઇલ અને નવા સમયનાં નવાં સ્ટ્રેસ, ટેન્શન, હરીફાઈ, પીઅર પ્રેશર, ઇન્સિક્યૉરિટીની લાગણી, ડિપ્રેશન વગેરે બાબતો ભાગ્યે જ કોઈ માણસને મુક્ત રહેવા દેશે. ખાસ કરીને જેન-ઝી કહેવાતી નવી પેઢીમાં માનસિક રોગોના એવા-એવા કિસ્સા ઊભા થવાની દહેશત છે કે સાઇકોલૉજિસ્ટ અને સાઇકિયાટ્રિસ્ટની રીતસરની ડિમાન્ડ વધશે. માતા-પિતાને તો એ ભાગ્યે જ સમજાશે.

સામાજિક જીવન અને સંબંધો જે રીતે આકાર પામી રહ્યા છે અને પરિવર્તન લઈ રહ્યા છે એમાં માનસિક તનાવ અને શારીરિક અને માનસિક માંદગી ટાળવાનું અસંભવ બની રહ્યું છે. અલબત્ત, આ સાથે યોગ, કસરત, ધ્યાન, વગેરેની ડિમાન્ડ પણ નીકળશે પરંતુ સારી બાબતો વિકસતાં બહુ લાંબો સમય લાગે છે અને બૂરી બાબતો કાયમ ઝડપી હોય છે. આ તમામ વધનારાં ભાવિ કે સંભવિત જોખમો આપણને આજે સમજાતાં નથી એવું ન કહી શકાય, પરંતુ સમજવા છતાં પોતાનું જ બૂરું કરનારાઓમાં માત્ર દુર્યોધનની મૉનોપોલી નથી. બાય ધ વે, આપણે જાગીએ તો જ સવાર પડે છે.

ભાન ભૂલીને ભોગ કરનારા લોકો રોગને હાર્દિક આમંત્રણ આપે છે

આજના સમયમાં સૌથી વધુ ખર્ચ શેમાં થાય છે? યસ, સહી જવાબ. સૌથી વધુ ખર્ચ શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે થાય છે. શિક્ષણમાં ખર્ચ કરીને માણસ આખરે પામે છે, એને એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ પણ કહેવાય; જ્યારે માંદગી પાછળ ખર્ચ કરનાર એ જ પામે છે જે તેણે જાણતાં-અજાણતાં ગુમાવ્યું હતું. આ ઉપરાંત માંદગીમાં એમ લાગે કે જે બીમાર છે તે જ એકલો પીડાને સહન કરે છે, પરંતુ હકીકત એ છે કે તેનો પરિવાર પણ સહન કરવાથી મુક્ત રહી શકતો નથી. આજે જે પરિવારોમાં એક પણ સભ્ય ગંભીર માંદગીનો ભોગ બને છે ત્યારે તેની પીડા શું હોય છે એ તો ઘાયલ કી ગત ઘાયલ જાને. કૅન્સર, ડાયાબિટીઝ, લિવરની બીમારી, કિડની (ડાયાલિસિસ)ની સમસ્યા, હૃદયરોગ, બ્રેઇન-સ્ટ્રોક સહિતની બીમારીની લાંબી યાદી બને જે ક્યાંક ને ક્યાંક માણસની પોતાની બેદરકારીથી જન્મી હોય છે. અલબત્ત, આમાં અપવાદો પણ હોઈ શકે. જોકે સિગારેટ, શરાબ, પીનારાઓને, પાન-માવા-તમાકુ-ગુટકાના પ્રેમીઓને શું કહીશું? પોતાના જ પેટની ફિકર કર્યા વિના આડેધડ ખા-ખા કરનારાઓને શું કહીશું? એ જ રીતે દિવસ-રાત મોબાઇલ પર ચોંટ્યા રહેનારાઓની આંખોની, તેમના કાનની, દિમાગની ચિંતા કોણ કરશે?  

વાસ્તવમાં આપણું શરીર આપણને આવનારી માંદગીની શક્યતાના સંકેત આપે છે, પરંતુ આપણે તો બસ એન્જૉય કરવું હોય છે અને ભાન ભૂલી ભોગ કર્યા કરી રોગને હાર્દિક આમંત્રણ આપતા રહીએ છીએ. આજની સૌથી મોટી સમસ્યા લાઇફસ્ટાઇલ છે જેમાં આખરે સ્ટાઇલ અને લાઇફની શું દશા થાય છે એ તો પરિણામ ભોગવનાર વ્યક્તિ અને તેનો પરિવાર જ જાણે.

columnists exclusive gujarati mid day jayesh chitalia