મૅનેજરના નહીં, પણ માસ્ટરના સંકેત ઝીલીએ

12 December, 2025 11:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વીસેક વર્ષ પહેલાં સુપ્ર્સિદ્ધ પત્રકાર અને સર્જક હરીન્દ્ર દવેની વિદાય બાદ તેમનાં અગણિત અગ્રંથસ્થ લખાણો જે મેં ફાઇલોમાં સાચવી રાખ્યાં હતાં એનું શું કરવું એની ચિંતા વચ્ચે મેં એ બધાંને બે કાર્ટન્સમાં સંભાળીને ભરી દીધેલાં

સુપ્ર્સિદ્ધ પત્રકાર અને સર્જક હરીન્દ્ર દવેની ફાઇલ તસવીર

‘શેઠને અવગણીને વાણોતરને થડા પર ન બેસાડાય.’ આ કહેવત આજની યુવા પેઢીએ કદાચ સાંભળી પણ નહીં હોય. પરંતુ થોડા સમય પહેલાં લંડનસ્થિત પ્રસિદ્ધ ફેંગશુઇ નિષ્ણાત અને રેડિયન્ટ માઇન્ડ થેરપિસ્ટ કાજલ શેઠને સાંભળવાનો મોકો મળ્યો ત્યારે અનેક યંગસ્ટર્સે એક જુદા જ સંદર્ભે એ સાંભળી અને સમજી. કાજલ શેઠ કહે છે કે આપણાં બે બ્રેઇન્સમાંથી જમણું મગજ છે એ ઇન્ટ્યુટિવ એટલે કે આંતરસ્ફુરણાની શક્તિ અને ખરી ચેતનાથી સંચાલિત માસ્ટર છે, જ્યારે ડાબું મગજ લૉજિકલ કે તાર્કિક મગજ છે. એ બુદ્ધિના સ્તરે મૅનેજમેન્ટ કરે છે જ્યારે જમણું મગજ એનાથી ઘણા ઊંચા સ્તરે કાર્ય કરે છે. પરંતુ આપણે મૅનેજરને સર્વેસર્વા બનાવી દીધા છે ને માસ્ટરને ભૂલી ગયા છીએ.

ક્યારેક કોઈ પ્રશ્ન કે સમસ્યાનો ઉકેલ શોધવા ખૂબ મગજ કસીએ, બુદ્ધિ અને તર્કનો સઘળો પુરવઠો વાપરી કાઢીએ છતાં પણ એનો ઉકેલ ન સૂઝે અને એના વિશે વિચારવાનું બંધ કરી બીજી કોઈ તદ્દન જુદી જ પ્રવૃત્તિમાં પરોવાયેલા હોઈએ ત્યાં પેલા મૂંઝવતા કોયડાનો ઉકેલ સૂઝી આવે એવું બને છેને. કાજલના મતે એ પેલા માસ્ટર, જમણા મગજની તાકાત છે. અંગત રીતે આ માસ્ટરની હોશિયારીનો અનુભવ આપણામાંના ઘણાએ કર્યો હશે.

વીસેક વર્ષ પહેલાં સુપ્ર્સિદ્ધ પત્રકાર અને સર્જક હરીન્દ્ર દવેની વિદાય બાદ તેમનાં અગણિત અગ્રંથસ્થ લખાણો જે મેં ફાઇલોમાં સાચવી રાખ્યાં હતાં એનું શું કરવું એની ચિંતા વચ્ચે મેં એ બધાંને બે કાર્ટન્સમાં સંભાળીને ભરી દીધેલાં. દરમિયાન એક દિવસ રાજકોટથી પ્રવીણ પ્રકાશનના ગોપાલભાઈ મળવા આવ્યા. મેં તેમને હરીન્દ્રભાઈનાં એ લખાણો પ્રગટ કરવા વિશે વાત કરી. તેમણે હરીન્દ્રભાઈની હયાતીમાં દાખવી હતી એવી જ ત્વરાથી એ સ્વીકારી લીધાં. તેમને સોંપેલાં એ લખાણોમાંથી આ વર્ષે પ્રદીપ રાવલે તૈયાર કરેલાં હરીન્દ્ર દવેનાં તેર પુસ્તકો પ્રકાશિત થયાં. ઉમદા પત્રકાર-તંત્રીના અનુભવોનું ઊંડાણ અને મર્મી સર્જકના જ્ઞાનનું તેજ એ પુસ્તકોના પાને-પાને છલકે છે. એ તેજસ્વી કલમનો અમૂલ્ય પ્રસાદ સચવાઈ ગયો. એ જોઈ અનુભવેલી તૃપ્તિ અકથ્ય છે. હું માનું છું એ લખાણોની સાચવણી અને સોંપણી બન્ને પેલા જમણા મગજરૂપી માસ્ટરના જ સંકેત હતા.

 

- તરુ મેઘાણી કજારિયા (પત્રકારત્વ માટે લાઇફ-ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજાયેલાં લેખિકા તરુ મેઘાણી કજારિયાએ અભિનય ક્ષેત્રે પણ કામ કર્યું છે.)

columnists exclusive gujarati mid day