નિવૃત્તિ પછીની આ દાદાજીની પ્રવૃત્તિ તો રિયલી કાબિલેદાદ

22 April, 2024 12:18 PM IST  |  Mumbai | Heena Patel

દહિસરના ૭૫ વર્ષના રમેશ સાવલા મુંબઈ છોડીને હવે કચ્છના કોડાય ગામમાં રહે છે અને દરરોજ રસ્તે રઝળતી ગાયોને ઘાસચારો ખવડાવવાનું કામ કરે છે

રમેશ સાવલાની તસવીર

વૃદ્ધાવસ્થા એટલે જીવનનો એવો તબક્કો જેમાં બાળકોનાં ભણતર, તેમનાં લગ્ન, ઘરસંસાર, વેપાર-નોકરીની બધી જવાબદારીમાંથી મુક્તિ મળી ગયા બાદ પોતાની મરજી મુજબ જીવન જીવવાની આઝાદી. અત્યારે આવી જ આઝાદી માણી રહ્યા છે ૭૫ વર્ષના રમેશ સાવલા. મુંબઈમાં વર્ષો સુધી બુક-સ્ટોર ચલાવ્યા બાદ તેઓ તેમના વતન કચ્છના કોડાય ગામે રહીને ગૌસેવા કરી રહ્યા છે. 

મુંબઈ છોડીને વતન પરત ફરવાનો તેમ જ ત્યાં રહીને ગૌસેવા કરવાનો વિચાર કઈ રીતે આવ્યો એ વિશે જણાવતાં રમેશભાઈ ‘મિડ-ડે’ને કહે છે, ‘જીવનના આ તબક્કે મને એવું લાગે છે કે જીવનમાં બહુ દોડધામ કરી, હવે આરામ કરવો છે. અત્યાર સુધી જે કામ કર્યું એ મેં મારી જવાબદારીના ભાગરૂપે કર્યું હતું, પણ હવે એવું કામ કરવું છે જેમાં મને આનંદ આવે. એવું કામ કરવું છે જે કર્યા પછી મને પૈસા નહીં પણ પરમ સંતોષ મળે. એટલે સૌથી પહેલાં મેં મારા વતન પરત ફરવાનો નિર્ણય લીધો; જ્યાં મારો જન્મ થયો, મારું બાળપણ વીત્યું. અહીં પ્રકૃતિના ખોળામાં રહેવાની જે મજા છે એ ક્યાંય નથી. મને અહીં કોઈ ચિંતા નથી. હું મારી પત્ની સાથે ગામમાં મોજથી રહું છું. આજથી ત્રણ વર્ષ પહેલાં જ્યારે હું ગામમાં રહેવા આવ્યો ત્યારે મેં જોયું કે ગામમાં ઘણી રઝળતી ગાયો છે. બિચારીઓ કચરો ખાઈને જીવે છે. આપણે ગૌમાતા કહીને જેને સંબોધીએ છીએ એમની આવી દશા મારાથી જોવાઈ નહીં એટલે ‘ગૌસેવા એ જ પ્રભુસેવા’ માનીને મેં એમને ઘાસ ખવડાવવાનું શરૂ કર્યું.’

દરરોજ સવારે દસના ટકોરે ગામના ખુલ્લા મેદાનમાં ઘાસ પાથરીને પછી પોતાના વિશિષ્ટ પ્રકારના અવાજથી ગાયોને ચરવા માટે બોલાવવી એ હવે રમેશભાઈનો નિત્યક્રમ બની ગયો છે. રમેશભાઈ કહે છે, ‘અમે સવારે ટેમ્પો ભરીને વાડીમાંથી ઘાસ લઈ આવીએ. એ પછી એને ગામમાં લાવીને ખુલ્લી જગ્યામાં પાથરી દઈએ. એ પછી બૂમ પાડીને બધી ગાયોને એક જગ્યાએ ભેગી કરીએ. અવાજ સાંભળીને ગાયો જે રીતે દોડતી આવે એ જોવાનો પણ એક અલગ લહાવો છે. એક-દોઢ કલાકમાં તો ગાયો બધું સફાચટ કરી નાખે છે. એ પછી પાણી પીને આખો દિવસ તેઓ એક જગ્યાએ બેઠી રહે છે. અમે અઠવાડિયામાં બે-ત્રણ વાર આસપાસના ધોકડા, બેરાજા, રાયણ, માંડવી, ડેપા, વિભાપર, તલવાણા જેવાં ગામડાંની રઝળતી ગાયો અને ગૌશાળામાં પણ ઘાસ લઈને જઈએ છીએ. મારી સાથે ગામના બીજા વડીલો પણ ગૌસેવાના આ કામમાં જોડાય છે.’

દેશ-વિદેશમાં રહેતા દાતાઓ તરફથી ઘાસચારા માટે મળી રહેલું યથાશક્તિ દાન આ કામને નિરંતર ચાલુ રાખવા માટે રમેશભાઈને પ્રેરણા પૂરી પાડી રહ્યું છે. એ વિશે તેઓ કહે છે, ‘અમારા ગૌસેવાના કામને જોઈને અનેક દાતાઓ આગળ આવી રહ્યા છે. અત્યારે અમે રોજનું ૧૬ મણ ઘાસ સવાસો-દોઢસો જેટલી ગાયોને ખવડાવીએ છીએ. એ સિવાય અઠવાડિયામાં એક-બે વાર આસપાસનાં ગામમાં પણ સો-દોઢસો મણ ઘાસ લઈ જઈએ છીએ. અમને મુંબઈ, બૅન્ગલોર, લંડન, કૅનેડા અને અમેરિકાના દાતાઓ તરફથી ફોન આવે છે અને તેઓ કહે છે કે તમે આવતી કાલે પાંચ હજારનું, દસ હજારનું ઘાસ અમારા તરફથી ખવડાવજો. ઘણા દાતાઓ એવા પણ હોય છે જેઓ એમ કહી દે છે કે એક અઠવાડિયા સુધી અમારા તરફથી ઘાસ ખવડાવજો. એ પ્રમાણે અમે ઘાસ ખરીદીને પછી ગાયોને ખવડાવીએ છીએ. કોઈક વાર અમે ગાયો માટે જુવાર, બાજરી, મકાઈ કે ફળ પણ લઈ જઈએ છીએ.’

મારા પપ્પા દાન કરવાની સાથે સેવા કરવામાં પણ માને છે. આજે કોઈ સારા કામ કરવા માટે દાન કરવું સરળ છે, પણ પોતે એ કામ કરવામાં જોડાવું અઘરું છે. દાતાઓ તેમને સામેથી કૉલ કરીને કહેતા હોય છે કે ‘રમેશભાઈ, તમે પૈસાની ચિંતા ન કરો. તમે જે કામ કરી રહ્યા છો એ ચાલુ રાખજો...’ મારા પપ્પા ગાયોને ઘાસ નીરવા જાય ત્યાં દાતાના નામ સાથેનો વિડિયો બનાવીને મને મોકલે. એ વિડિયો એડિટ કરીને હું સંબંધિત દાતાઓને મોકલું, એને સોશ્યલ મીડિયા પર નાખું જેથી વધુમાં વધુ લોકો અમારી સાથે સેવાના આ કાર્યમાં જોડાઈ રહ્યા છે.
- બ્રિજેશ રમેશ સાવલા

કેવી હતી મુંબઈની લાઇફ?
ગૌસેવા કરવામાં નિવૃત્ત જીવન પસાર કરવાનો પોતાનો અનુભવ શૅર કરતાં રમેશ સાવલા કહે છે, ‘હું મુંબઈમાં કામકાજ કરતો ત્યારે સવારે કઈ ટ્રેન પકડવી એના જ વિચારો આવતા, પણ અહીં ગામમાં એવા વિચાર આવે છે કે ક્યારે સવાર પડે ને ફરી ગાયોને મળવા પહોંચું. હવે તો ઘણી ગાયો અમે ઘાસ લઈને પહોંચીએ એ પહેલાં જ અમારી રાહ જોઈને બેઠી હોય. અમને આવતા જોઈને રાજીની રેડ થઈ જાય. મારી પાસે આવીને ઊભી રહી જાય. જીવનના આ તબક્કે ગૌમાતાની સેવા કરીને હું સૌથી વધુ ખુશીની લાગણી અનુભવી રહ્યો છું. ઘણી વાર ફોન પર મારા પૌત્રો મને કહે છે કે દાદા અમને મળવા તો આવો. તેમને માટે હું વર્ષમાં બે-ત્રણ વાર મુંબઈ આંટો મારી આવું. મારું શરીર જ્યાં સુધી કામ કરે છે ત્યાં સુધી હું ગૌસેવા કરવા ઇચ્છું છું. ભગવાનની કૃપાથી અત્યારે મને નખમાંય રોગ નથી. ઘાસ લાવીને ગાયોને નીરવાનું કામ કરું એમાં જ મારી એક્સરસાઇઝ થઈ જાય છે.’

columnists life and style kutch kutchi community