ફીકા પડેલા જીવનમાં કઈ રીતે રંગો ભર્યા આ રિટાયર્ડ પ્રિન્સિપાલે?

15 April, 2024 12:24 PM IST  |  Mumbai | Heena Patel

કીબોર્ડ પણ વગાડતાં શીખેલાં ઈલાબહેન મિત્રો સાથે ફરવા પણ ઊપડી જતાં હોય છે

ઇલા રૂપારેલની તસવીર

મારા ગયા પછી પણ તું એકદમ લાઇવલી જીવન જીવજે એમ કહીને પતિએ વિદાય લીધી ત્યાર બાદ મુલુંડનાં ઈલા રૂપારેલ ડૉટ મંડાલા, મધુબની અને લીંપણ જેવી કળાઓ તરફ વળ્યાં. આ પ્રવૃત્તિએ તેમના જીવનને રંગીન બનાવી દીધું છે. કીબોર્ડ પણ વગાડતાં શીખેલાં ઈલાબહેન મિત્રો સાથે ફરવા પણ ઊપડી જતાં હોય છે

જીવનનાં ૪૦થી વધુ વર્ષો જેમની સાથે એક ઘરમાં રહીને વિતાવ્યાં હોય, જીવનના દરેક ઉતાર-ચડાવમાં સહારો બનીને ઊભા હોય એ જીવનસાથી દુનિયામાં ન રહે ત્યારે તેમની ખોટ સાલે એ સ્વાભાવિક છે; પણ જીવન છે ત્યાં સુધી તો જીવવાનું જ છે તો હતાશ-નિરાશ થઈને વિતાવવાને બદલે રાજી-ખુશીથી કેમ ન વિતાવીએ? લાઇફની આ ફિલોસૉફી પર જ જીવન જીવવાનું કામ કરી રહ્યાં છે મુલુંડમાં રહેતાં ૬૧ વર્ષનાં ઈલા રૂપારેલ. ‘મારા ગયા પછી પણ તું જીવન મોજથી જીવજે’ એવી પતિની ઇચ્છાને માન આપીને ઈલાબહેન એ મુજબનું જ જીવન પસાર કરી રહ્યાં છે. કિડનીની બીમારીને કારણે તેમના હસબન્ડ રાજેશનું ગયા વર્ષે જ અવસાન થયું છે. ઈલાબહેન તેમનો મોટા ભાગનો સમય ડૉટ મંડલા, મધુબની, લીંપણ જેવી આર્ટની પ્રવૃત્તિ કરવામાં, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કીબોર્ડ શીખવામાં અને તેમના જેવા જ રિટાયર્ડ મિત્રો સાથે હરવા-ફરવામાં સમય વ્યતીત કરે છે. 

​નિવૃત્તિ બાદ આ રીતે કરે છે પ્રવૃત્તિ

ઈલાબહેને મુલુંડમાં આવેલી ગુજરાતી માધ્યમની જ્ઞાનસરિતા શાળામાં ૨૦ વર્ષ અંગ્રેજી વિષયનાં શિક્ષિકા તરીકે અને ૧૭ વર્ષ શાળાનાં પ્રિન્સિપાલ તરીકે કામ કર્યું છે. તેમણે હજી ત્રણ વર્ષ પહેલાં જ નિવૃત્તિ લીધી છે. નિવૃત્તિ અને પતિની વિદાય બાદ ઈલાબહેન તેમનું દૈનિક જીવન કઈ રીતે જીવે છે એ વિશે તેઓ કહે છે, ‘મેં વર્ષો સુધી શાળામાં કામ કર્યું છે એટલે બપોરે સૂવાની આદત નથી. મારી એક દીકરી સાસરે છે અને એક દીકરી મારી સાથે રહે છે. એ સવારમાં જૉબ પર ચાલી જાય. ઘરનું કામ પતાવીને હું મારું આર્ટ્સનું કામ લઈને બેસી જાઉં એટલે એમાં મારા ચાર-પાંચ કલાક ક્યાં પસાર થઈ જાય ખબર ન પડે. મને જરા પણ ખાલી બેસવું ન ગમે, કોઈ ને કોઈ પ્રવૃત્તિ કરવા જોઈએ જ. મેં આર્ટવર્કની શરૂઆત મારા શોખ ખાતર અને ઘરે બેઠાં-બેઠાં સમય પસાર થઈ જાય એ માટે કરી હતી, પણ પછીથી મને મારા ફ્રેન્ડ્સ-ફૅમિલી પાસેથી ઑર્ડર મળવા લાગ્યા એટલે મારાથી થાય એટલું હું તેમને કરીને આપું છું અને એ બહાને હું પણ કામમાં વ્યસ્ત રહું છું. હું ડે-ટુ-ડે લાઇફમાં વપરાતી વસ્તુઓ પર આર્ટવર્ક કરીને આપું છું. જેમ કે હું કપ, ટેબલમૅટ વગેરે પર ડૉટ મંડાલા આર્ટ; જ્યારે લીંપણ આર્ટની ડેકોરેટિવ આઇટમ્સ કરીને આપું છું. આ સિવાય દુપટ્ટા, કુરતી, સાડીની બૉર્ડર, જૂટની બૅગ પર મધુબની આર્ટ કરીને આપું છું.’



કેવી રીતે જડ્યો આર્ટનો રસ્તો?

આર્ટવર્ક શીખવાનો વિચાર કઈ રીતે આવ્યો એ વિશે ઈલાબહેન કહે છે, ‘મારા પતિને કિડનીની તકલીફ હતી એટલે તેમની સંભાળ રાખવા માટે ઘરે રહેવું પડે. મને કોઈ પણ ક્રીએટિવ આર્ટ શીખવામાં રસ પણ હતો એટલે હું એવી કોઈ વસ્તુ શીખવા માગતી હતી જે ઘરે બેઠાં-બેઠાં શીખી શકું અને એમાં મારો સમય પણ પસાર થાય. એટલે પછી સોશ્યલ મીડિયા પરથી મને ડૉટ મંડાલા આર્ટ વિશે ખબર પડી અને એના ઑનલાઇન ક્લાસ પણ અવેલેબલ હતા. એમાં પેન્સિલની પાછળનો ભાગ કે પછી પીંછીના પાછળના ભાગનો ટૂલ તરીકે ઉપયોગ કરીને ટપકાં-ટપકાં કરી ડિઝાઇન બનાવવાની હોય છે. આ કામમાં એટલુંબધું ફોકસ જોઈએ કે તમે આપોઆપ તમારી બધી ચિંતાઓ ભૂલી જાઓ. મારા હસબન્ડ બીમાર રહેતા હોવાથી હું થોડી સ્ટ્રેસમાં રહેતી હતી તો એમાંથી બહાર કાઢવામાં ડૉટ મંડલા આર્ટે મને ખૂબ મદદ કરી. એટલે મને વિવિધ પ્રકારની આર્ટ શીખવામાં વધુ ને વધુ રસ આવતો ગયો.’ 


મધુબની શીખવાની શરૂઆત વિશે ઈલાબહેન કહે છે, ‘હું ઉદયપુર ગઈ હતી તો ત્યાં મહેલોની અંદર બ્રાઇટ કલર્સથી બનેલી જે આર્ટ જોવા મળી એનાથી હું ખૂબ પ્રભાવિત થઈ હતી. એ પછી મને ખબર પડી કે મધુબની આર્ટ-ફૉર્મ છે જેમાં મનુષ્ય, પશુ, પક્ષી, વૃક્ષો જેવાં એલિમેન્ટ હોય. મારું ડ્રૉઇંગ પણ પહેલેથી સારું જ હતું એટલે પછી મેં મધુબનીમાં હાથ અજમાવ્યો. છેલ્લે મેં લીંપણ આર્ટ શીખી હતી. અમદાવાદ ઍરપોર્ટ પર એક મોટી દીવાલમાં લીંપણ આર્ટવર્ક કરેલું હતું. ક્લે અને મિરરના કૉમ્બિનેશનવાળું આ વર્ક મને ખૂબ ગમ્યું હતું. એ પછી હું કચ્છ રણોત્સવમાં ગઈ તો બધી જ જગ્યાએ આ આર્ટ દેખાઈ રહી હતી. એટલે આપણા કચ્છની કળા એક ગુજરાતી થઈને શીખવી જો​ઈએ એમ વિચારીને હું એ પણ શીખી.’

પતિનો ભરપૂર સાથ-સહકાર મળ્યો

જીવનમાં આગળ વધવા માટે પતિનો સાથ કઈ રીતે મળ્યો એ વિશે ઈલાબહેન કહે છે, ‘મારું ગ્રૅજ્યુએશન પૂર્ણ થઈ ગયા પછી ૨૦ વર્ષે મારાં મૅરેજ થઈ ગયાં હતાં. સાસરે આવ્યા પછી ટીચરની જૉબ સાથે મેં મારું પોસ્ટ-ગ્રૅજ્યુએશન પૂરું કર્યું હતું. મેં MA BEd સુધીનો અભ્યાસ કરેલો છે. મારે બે દીકરીઓ છે. ઘરની અને બહારની બધી જ જવાબદારી સંભાળવામાં મારા હસબન્ડે મારો ખૂબ સાથ આપ્યો. તે ખૂબ જ જૉલી નેચરના હતા. તેમણે મને લાઇફમાં કોઈ પણ વસ્તુ કરવાની ના પાડી નથી. મેં આર્ટવર્ક શીખવાનું શરૂ કર્યું ત્યારે મારા કામની પ્રશંસા કરીને મારો ઉત્સાહ વધારવાનું કામ પણ તેમણે જ કર્યું હતું. ડૉટ મંડાલા આર્ટની સાથે મેં કીબોર્ડ શીખવાનું પણ શરૂ કર્યું એ સમયે મારા શ્રોતા તે જ હતા. સૌથી પહેલાં હું ગુજરાતી ભજન ‘તું મને ભગવાન એક વરદાન આપી દે...’ એ શીખેલી. મારા હસબન્ડ રાજેશ ખન્નાના ફૅન હતા. તેમની કોઈ મૂવી સાત-આઠ વાર ન જોઈ લે ત્યાં સુધી તેમને સંતોષ ન થાય. મેં કીબોર્ડ પર હિન્દી ગીત વગાડવાનું શરૂ કર્યું ત્યારે તેમણે મારી પાસેથી પહેલું ગીત ઓ મેરે દિલ કે ચૈન... વગાડાવેલું. હું આજે જે મુકામ પર છું મને ત્યાં સુધી પહોંચાડવામાં મારા હસબન્ડનો ખૂબ મોટો ફાળો છે. તેમની બીમારીના છેલ્લા દિવસોમાં પણ તેઓ મને એમ જ કહેતા કે મારા ગયા પછી પણ તું એકદમ લાઇવલી જીવન જીવજે, અત્યારે જે પણ કંઈ કરે છે એ બધાં જ કામ ચાલુ રાખજે. અમને બન્નેને હરવા-ફરવાનો શોખ હતો એટલે તે હતા ત્યારે અમે બન્ને જતાં અને તે હવે નથી ત્યારે હું મારા મિત્રો સાથે ફરું છું. અમારું એવરગ્રીન ગ્રુપ છે જેમાં બધી જ મારા જેવી મહિલાઓ છે જે નિવૃત્ત જીવન ગાળી રહી છે. અમે બધાં મહિને એક વાર રેસ્ટોરાંમાં ગેટ-ટુગેધર કરીએ જ. એ સિવાય અમે દર બે મહિને થોડા દિવસો માટે ક્યાંક ને ક્યાંક ફરવા ઊપડી જઈએ.’

life and style