પ્રેમનો મતલબ શું?: હૈયાની એક્સચેન્જ આૅફર અને અનલિમિટેડ ટૉક-ટાઇમ

15 April, 2024 08:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો સુખ અને દુ:ખની પાર એક એવી અવસ્થા છે જ્યાં તમે સુખી કે દુખી નહીં પણ સ્થિર અને શાંત હો છો

પ્રતીકાત્મક તસવીર

પ્રેમ અને સંબંધો જીવનમાં પાયાની બાબતો છે. પ્રેમ એટલે એકલતાનું એન્કાઉન્ટર, પ્રેમ એટલે પ્રૅક્ટિકલ માણસના શરીરમાં ઇમોશન્સ નામનું મારવામાં આવેલું ઇન્જેક્શન. પ્રેમ એટલે હૈયાની એક્સચેન્જ ઑફર અને અનલિમિટેડ ટૉક-ટાઇમ. પ્રેમ મનમાં જન્મ લે છે અને સ્વપ્નોની એક સૃષ્ટિ રચાય છે. થોડી મનની, થોડી સંબંધોની, થોડી જીવનની ગૂંચવણો ઊભી થતી જાય છે. માનવી સંબંધોને મીઠા રાખવા મથામણ કરતો રહે છે. 

પ્રેમ અને સંબંધો પર વાત કરતાં-લખતાં લોકો થાકતા નથી અને છતાં સંબંધો જાળવવાની કોઈ ચોક્કસ ફૉર્મ્યુલા શોધી શકાઈ નથી. સાચી વાત એ છે કે પ્રેમ એક એવી અવસ્થા છે જેમાં તમારા કરતાં બીજી વ્યક્તિનો આનંદ વધારે મહત્ત્વનો હોય છે. સંબંધોમાં સંવેદનશીલતા એ જ સફળતાની ચાવી છે. સંબંધોમાં રોકાણ એક એવું રોકાણ છે જેનાથી આપણને સુર​ક્ષિતતા, પ્રગતિ અને ઉન્નતિ પણ મળી શકે છે. સંબંધોની બાબતમાં પણ આપણું બૅલૅન્સ (બૅન્ક-બૅલૅન્સની માફક) કેટલું છે એ સતત જોતા રહેવાની જરૂર છે. સંબંધોનું મૅનેજમેન્ટ કરવામાં સૌનું સમર્થન મેળવવાની લાલચ મોટી હોય છે, પણ ખોટી હોય છે. આપણી સહજ સ્ફુરણા શું કહે છે એ વધારે અગત્યનું હોય છે. સંબંધોમાં સમસ્યાથી ઘેરાયેલા હો ત્યારે ઘાંઘા થવાને બદલે એકાંતમાં જાત સાથે બેસવું. બધી નકારાત્મકતા વચ્ચે પૉઝિટિવ રહેવું જરૂરી તો છે જ. આપણે ગમે એટલા પૉઝિટિવ રહીએ, જિંદગી ક્યારેક પોતાનો કઠોર ચહેરો બતાવે છે. સુખ અને દુ:ખની અવરજવર ચાલુ રહેતી હોય છે. ‘લાઇફ ઇઝ ટફ, બટ યુ આર ટફર, કીપ ગોઇંગ’. 

આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો સુખ અને દુ:ખની પાર એક એવી અવસ્થા છે જ્યાં તમે સુખી કે દુખી નહીં પણ સ્થિર અને શાંત હો છો. ઋષિઓ આ અવસ્થાને ‘આનંદ’ કહે છે. બે આંખથી જે દેખાય છે એને પાર પણ કંઈક છે ત્યાં જુઓ અને તમે પ્રસન્ન સ્થિતિમાં હશો. દરેક નવી પળમાં આનંદ નામની અદ્ભુત અવસ્થામાં પ્રવેશવાનો દરવાજો હોય છે, પણ એને જોવા માટે નીતર્યાં નીર જેવી આંખો જોઈએ.

અમુક વ્યક્તિ એવી હોય છે જે નકારાત્મકતાને તાબે થઈ જાય છે, જ્યારે અમુક વ્યક્તિ એવી હોય છે જે ઘોર નિરાશા વચ્ચેથી પણ આશાનું નાનું કિરણ શોધી કાઢે છે. સંકલ્પ, મહેનત, આત્મવિશ્વાસ અને સ્વતંત્ર વિચારોના સથવારે માનવી દરેક કસોટીમાંથી પાર ઊતરી શકે છે.

અહેવાલ: હેમંત ઠક્કર

columnists life and style