28 February, 2026 03:42 PM IST | Mumbai | Deepak Mehta
સસૂન ડૉક પર નાંગરેલી માછીમારોની હોડીઓ.
वल्हव रे नाखवा हो वल्हव रे रामा (४)
मी डोलकर डोलकर, डोलकर दर्याचा राजा
मी डोलकर डोलकर, डोलकर दर्याचा राजा
घर पान्यावरी बंदराला करतो ये जा
मी डोलकर डोलकर, डोलकर दर्याचा राजा
મરાઠીના મોટા ગજાના કવિ શાંતા શેળકેનું આ પ્રખ્યાત ગીત આજ સુધી મરાઠી માણૂસના હોઠે અને હૈયે રમતું રહ્યું છે. હૃદયનાથ મંગેશકરનું સંગીત અને લતા મંગેશકર અને હેમંતકુમારનો કંઠ. સાંભળીએ ત્યારે આખેઆખા ડોલવા લાગીએ, દરિયાના પાણીમાં ડોલતા મછવાની જેમ. અને આ કાંઈ મરાઠીનું એકલદોકલ કોળી ગીત નથી. ઢગલાબંધ કોળી ગીતો લખાયાં અને ગવાયાં છે મરાઠીમાં. અને એ દરેકમાં ભાષા, ભાવ, લય, તાલ-ઠેકો, કોળી જીવનની ભાત ઊપસાવે એવાં.
હા, સુજ્ઞ વાચકના મનમાં કૌતુક થતું હશે કે આજે આ મરાઠી કોળી ગીત કેમ યાદ આવ્યાં? કારણ આજે વાત કરવી છે મુંબઈના મૂળ, અસલ, વતનીઓ એવા કોળીઓ વિશે. ૨૦૨૪-૨૦૨૫ની છેલ્લામાં છેલ્લી ગણતરી પ્રમાણે આપણા દેશનો દરિયાકિનારો કુલ ૧૧,૦૯૮.૮૧ કિલોમીટર લાંબો છે. અને જ્યાં દરિયો છે ત્યાં માછીમારીનો વ્યવસાય ચાલે છે પણ કોળીઓની વસ્તી દેશના આખા દરિયાકિનારા પર નથી. કોળી જમાતની વસ્તી મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગુજરાત, અને ગોવાના દરિયાકાંઠાના પ્રદેશોમાં જોવા મળે છે. અને લગભગ આ બધા પ્રદેશોમાં ભીલ જાતિની વસ્તી પણ જોવા મળે છે, મુખ્યત્વે ડુંગરાળ પ્રદેશોમાં. રેવરન્ડ જૉન વિલ્સન જેવા હિન્દુસ્તાનના અને ખાસ કરીને પશ્ચિમ હિન્દુસ્તાનના કેટલાક અભ્યાસીઓ માને છે કે અસલમાં ભીલ અને કોળી એક જ જાત હતી પણ પછી સમય વીતતો ગયો એમ તેમાંની કેટલીક ટોળીઓ ડુંગર છોડી દરિયાકિનારે આવીને વસી અને એ ‘કોળી’ તરીકે ઓળખાઈ. જે ટોળીઓ ડુંગરાળ પ્રદેશોમાં કે જંગલોમાં રહી એ ‘ભીલ’ તરીકે ઓળખાઈ.
૧૯મી સદીમાં મુંબઈના કોળી માછીમાર.
જોકે આજના કેટલાક અભ્યાસીઓ જરા જુદી વાત કરે છે. ૧૧મી સદીમાં કોળીઓ બુદ્ધ ધર્મ પાળતા હતા અને મુંબઈથી થોડે દૂર વૈતરણા નદીના કાંઠે વસતા હતા. એ વખતે તેમનો મુખ્ય વ્યવસાય ગુફાઓ કોતરવાનો અને હોડી બનાવવાનો હતો પણ બારમી સદીમાં તેમના પર થયેલા આક્રમણથી બચવા તેઓ મુંબઈ આવીને મુખ્યત્વે કોલાબા અને માહિમના ટાપુઓ પર વસ્યા. એની પાછળનું મુખ્ય કારણ એ કે એ વખતે મુંબઈના સાતે ટાપુ એકબીજાથી અલગ હતા, વચમાં દરિયાનાં પાણી હતાં એટલે મુંબઈ આવી એમના પર આક્રમણ કરવાનું સહેલું નહોતું. પણ ૧૬મી સદીમાં પોર્ટુગીઝોએ મુંબઈ પર આક્રમણ કર્યું, ધર્મસ્થાનો તોડ્યાં, લૂંટફાટ કરી; પણ આ બધા સામે કોળીઓ ટકી ગયા. હા, એ વખતે તેમાંના કેટલાકે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો ખરો. સત્તરમી સદીના અંત પહેલાં તો મુંબઈમાં જુદી-જુદી જગ્યાએ ‘કોળીવાડા’ ઊભા કરી કોળીઓ પાક્કા મુંબઈવાસી બની ગયા હતા.
૧૮મી સદીમાં અંગ્રેજોએ મુંબઈનો કોટ બાંધ્યો તો સાથોસાથ નાનાં-મોટાં બંદરો પણ ઊભાં કર્યાં. પરિણામે કોળીઓનો વ્યવસાય વધુ ફૂલ્યોફાલ્યો. પણ જેમ-જેમ આજનાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી લોકો મુંબઈ આવી વસવા લાગ્યા તેમ-તેમ કોળીવાડાઓ પરની ભીંસ વધવા લાગી. નવા-નવા રસ્તાઓ, ઇમારતો, પુલો વગેરે બનતા ગયા તેમ-તેમ કોળીઓને માટે માછલી પકડવાનું વધુ ને વધુ મુશ્કેલ બનતું ગયું. એક જ દાખલો લઈએ: બાંદરા-વરલી સી-લિન્ક બનતાં મારા-તમારા જેવાને આવનજાવનની ઘણી સગવડ થઈ. પણ બાંદરા-માહિમ અને વરળી એ બન્ને છેડા પાસે માછીમારી કરતા કોળીઓના ધંધા પર કેટલી માઠી અસર પડી એનો આપણે વિચાર કર્યો?
માછલીની સુકવણી.
તો બીજી બાજુ જૂનાં મકાનો તોડી, એની જગ્યાએ ગગનચુંબી ઇમારતો બાંધનારા ‘ડેવલપરો’ કોળીવાડાની જમીન હડપ કરવા જાતજાતના નુસખા અપનાવે છે. પરંપરાગત રીતે કોળીવાડાઓ ‘પ્રોટેક્ટેડ એરિયા’ ગણાય છે. પણ એક યા બીજી રીતે પહેલાં કોઈ કોળીવાડાને ‘સ્લમ’ (ઝૂંપડપટ્ટી) જાહેર કરાય છે. થોડા વખત પછી એના ‘રીડેવલપમેન્ટ’ની યોજના ઘડાય છે. અને પછી કોઈક વગવાળો રીડેવલપર કોળીઓનાં ઘરની જગ્યાએ ઊંચાં-ઊંચાં મકાનો બાંધી દઈને કોળીઓને બીજે ક્યાંક દૂર-દૂર ધકેલી દે છે. આમ થવાનું એક કારણ એ પણ ખરું કે મહારાષ્ટ્ર અને મુંબઈના રાજકારણમાં કોળી જમાતનો અવાજ નહીં જેવો છે. હા, ગણેશ નાખવા, દેવેન્દ્ર ટંડેલ, વંદના કોળી, ગાયત્રી પાટીલ જેવા કેટલાક નેતાઓ કે વકીલો કોળીઓના હક માટે લડવાનો પ્રયત્ન કરે છે ખરા.
આ બધું હોવા છતાં કેટલાક કોળીવાડા હજી એમની અસલિયત જાળવીને ઊભા છે. જેમ કે ખાર-દાંડા, સાયન, જુહુ, ચારકોપ, કોલાબા, વરળી, વર્સોવા, ધારાવી, માહિમ વગેરે સ્થળોએ આવેલા કોળીવાડા. મુંબઈના સાત ટાપુઓમાંના એકનું નામ કોલાબા (ગુજરાતીમાં નર્મદ અને તેમના જમાનાના ઘણા લેખકો ‘કોલાબા’ને બદલે ‘કુલાબો’ લખતા). હજી સુધી ‘કોલાબા’ નામ જળવાઈ રહ્યું છે એટલું જ નહીં, એ વિસ્તારમાં આવેલો કોળીવાડો પણ હજી ઊભો છે. મુંબઈની ગ્રામદેવી ‘મુંબાદેવી’ પણ અસલમાં તો કોળીઓની કુળદેવી. આ દેવીનું અસલ મંદિર હતું બોરી બંદરને કાંઠે. પછીથી અંગ્રેજોએ કોટ બાંધ્યો ત્યારે એને આજની જગ્યાએ ખસેડ્યું.
કોળીઓનો મુખ્ય વ્યવસાય માછલી પકડવાનો અને વેચવાનો. વરસના આઠ મહિના પુરુષો દરિયો ખેડે. વહેલી સવારથી નીકળી પડે. મોડી સાંજે પાછા આવે ત્યારે થાકીને લોથ થઈ ગયા હોય. એક-બે બાટલી ખાલી કરીને ખાટલામાં ઢળી પડે. દરિયો ખેડીને માછલી પકડવા સિવાયની બીજી બધી જવાબદારી કોળણની. નાની-મોટી કે અલગ-અલગ જાતની માછલીઓ જુદી તારવવી, ખુલ્લી જગ્યામાં સૂકવવી, તાજી માછલી સૂંડલામાં ભરીને વેચવા લઈ જવી. કરકસરથી ઘર ચલાવવું અને થોડા પૈસા ભેગા થાય કે તરત સોનું ખરીદી લેવું (એટલે જ કોઈ પણ કોળીવાડાની નજીક સોનીની બે-ચાર દુકાન ન હોય એવું બને જ નહીં). છોકરાંને ભણાવવાં-પરણાવવાં અને બધા સામાજિક વ્યવહારો સાચવવાનું પણ કોળી સ્ત્રીને માથે.
આપણે અગાઉ જેમના વિશે ઘણી વાર વાત કરી છે એ કર્નલ મૅકિન્ટોશે નોંધ્યું છે કે કોળી સ્ત્રીઓ મોટે ભાગે પાતળી, સુડોળ, ઘણુંખરું દેખાવડી હોય છે; જ્યારે કોળી પુરુષો દેખાવમાં કેટલાક અંશે રાજપૂત પુરુષોને મળતા લાગે છે. સતત દરિયો ખેડતા હોવાથી અને કુદરત સાથે સંઘર્ષ કરતા હોવાથી કોળી પુરુષો સુદૃઢ અને મજબૂત બાંધાના હોય છે. પુરુષો હોડી કે વહાણ હંકારવામાં, જાળ બિછાવવામાં, માછલી પકડવામાં પાવરધા હોય છે. અને સાધારણ રીતે કુદરતી આફતોથી ડરતા નથી. કોળીઓનો વ્યવસાય માછલી મારવાનો એટલે કે જીવહત્યાનો હોવાથી કેટલાક પ્રદેશોમાં બ્રાહ્મણો તેમને ‘અસ્પર્શ્ય’ ગણે છે; પણ જન્મ, લગ્ન, મરણ વગેરે પ્રસંગો માટે કોળીઓના પોતાના ‘ગોર’ હોય છે જે આવે વખતે બધી વિધિઓ કરાવે છે. આ બધી જ વિધિઓમાં હિન્દુ ધર્મની વિધિઓ અને આદિવાસીઓની ધર્મવિધિઓનું મિશ્રણ જોવા મળે છે.
પહેલી નજરે ભૂતકાળમાં જીવતો લાગે એવો કોળી નવી સગવડો, રીતિઓ વગેરે સહેલાઈથી અને ઝડપથી અપનાવી શકે છે. આજે મુંબઈનો કોઈ કોળી એવો નહીં હોય જે હલેસાંવાળી હોડી લઈને એકલો નીકળી પડે. બધા જ મોટરબોટ વાપરે છે. દરિયામાં દૂર અને ઊંડે સુધી જાળ ફેલાવવા માટે આધુનિક સાધનો વાપરે છે. કોળીવાડામાં માછલી સૂકવવા માટે અને વહાણ નાંગરવા માટે ખુલ્લી જગ્યા તો રાખવી જ પડે. એટલે કોળીનાં ઘર મુંબઈની બીજી વસ્તીઓનાં ઘર જેવાં સાંકડાં, અંધારિયાં નથી હોતાં. હવે કોળી સમાજમાં માત્ર છોકરાઓ જ નહીં, છોકરીઓ પણ ભણતી થઈ છે. તેથી એ સમાજ જૂની રીતરસમમાં જકડાઈ રહ્યો નથી. તો બીજી બાજુ ભણ્યા પછી ઘણા છોકરા કોળીનું જીવન જીવવાને બદલે બીજા વ્યવસાયો કે નોકરીઓ તરફ વળે છે. પછી બે પાંદડે થતાં કોળીવાડો છોડી બીજે રહેતા પણ થાય છે.
કોળી સમાજમાં ભલે ધીમું, પણ મક્કમપણે કેવું પરિવર્તન આવ્યું છે એનો દાખલો લગભગ રોજ જોવા મળે છે. આ લખનાર રહે છે એ સોસાયટીમાં રોજ સવારે બે માછણો માથે ટોપલા મૂકી માછલી વેચવા આવે છે. એક મોટી, આધેડ ઉંમરની; બીજી તેના કરતાં ઉંમરમાં નાની. બનતાં સુધી સાસુ-વહુ. આજથી દસેક વર્ષ પહેલાં રોજ બન્ને સ્ત્રીઓ માછણોની પરંપરાગત રીતે કછોટો મારીને સાડી પહેરીને આવતી. થોડા વખત પછી બેમાંથી નાનીએ પંજાબી પહેરવાનું શરૂ કર્યું. મોટી સ્ત્રી હજી પંજાબી પહેરતી નથી, સાડી જ પહેરે છે પણ માછણોની પરંપરાગત રીતે નહીં, ‘બંગાળી’ ઢબે પહેરે છે. અને પરિવર્તન માત્ર પોશાકમાં જ આવ્યું હોય એવું ન બને. તેમના જીવનમાં બીજી બાબતોમાં પણ આવ્યું જ હોય.
૧૯મી સદીના પ્રખ્યાત ચિત્રકાર ધુરંધરની પીંછી વડે કોળી દંપતી.
ગુજરાત અને મહારાષ્ટ્ર, બન્નેને લાંબો દરિયાકાંઠો; પણ કોળી, માછીમાર, ખલાસી વગેરે વિશે મરાઠીમાં જેટલાં ગીતો લખાયાં છે એના દસમા ભાગનાં પણ ગુજરાતીમાં લખાયાં નહીં હોય. એમાં એક અપવાદ તે રાજેન્દ્ર શાહનાં કેટલાંક કાવ્યો. તેમણે વનવાસીનાં ગીત લખ્યાં છે એમ સાગરખેડુનાં ગીત પણ લખ્યાં છે. અને એમાંનું એક ગીત તો આપણા એક મોટા ગજાના સ્વરકાર-ગાયક અજિત શેઠ અને નિરુપમા શેઠે ગાયું છે. અજિતભાઈએ બાંધેલી ગીતની બંદિશ અને બન્ને કલાકારોની ગાયકી ગીતના શબ્દોને જ નહીં, ગીતના મિજાજને પણ આબેહૂબ ખડો કરી દે છે. જો સાંભળવું હોય તો યુટ્યુબ પર શોધતાં મળી જશે. એ ગીતના થોડા શબ્દો સાથે મુંબઈના માછીમારોને કહીએ ‘રામ રામ, મંડળી.’
હે ઈ ચાંગા, શુકર, બોમાન, શાની!
... ભરતી આવી ભૂર, હો ભૂરાં અલબેલાનાં ઊછળે પાણી,
હેઈ રે હેલા આ...ય ભરકાંઠાનાં જળ તે આપણ જાળમાં બાંધ્યાં જાય.
ખારનો સાગર ખેડીએ, માછી! રોજ ઋતુ, રોજ મોલ;
આજની મ્હેનત આજ ફળે, નહીં કાલનો લેવો કોલ.
રે હેલા હે ઈ રે હેલા આ...ય,
ભરકાંઠાનાં જળ તે આપણ જાળમાં બાંધ્યાં જાય.