16 August, 2026 07:00 PM IST | Ahmedabad | Shailesh Nayak
૧૦૦ ઘર ધરાવતા ગુજરાતના ગામમાં ૧૭ ચેસ-ચૅમ્પિયન્સ
મધ્ય ગુજરાતના રતુસિંહના મુવાડા નામના અંતરિયાળ ગામની સરકારી પ્રાથમિક સ્કૂલના ટીચર સંદીપ ઉપાધ્યાયે દરેક બાળકમાં ચેસનો એવો રસ જગાડ્યો છે કે અહીં ૯૦થી વધુ બાળકો ચેસ શીખે છે અને ૧૭ પ્લેયર્સ ઇન્ટરનૅશનલ ચેસ ફાઉન્ડેશનનું રેટિંગ ધરાવે છે. ખેલ મહાકુંભથી લઈને સ્ટેટ તેમ જ નૅશનલ લેવલની ચેસની જુદી-જુદી સ્પર્ધાઓમાં આ સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓએ ૨૦૨૧થી અત્યાર સુધીમાં ૧૭૯ મેડલ અને ૧૨૦થી વધુ ટ્રોફી જીત્યાં છે
પાંચેક મહિના પહેલાં અમદાવાદમાં આવેલી રાઇફલ ક્લબમાં ઑલ ઇન્ડિયા ઓપન રૅપિડ ટુર્નામેન્ટ રમાઈ હતી, જેમાં દિવ્યા ચૌહાણ નામની વિદ્યાર્થિનીએ અન્ડર 13 કૅટેગરીમાં બીજું સ્થાન મેળવ્યું હતું એટલું જ નહીં, દેશનાં જુદાં-જુદાં રાજ્યોમાંથી આવેલા ચેસના ૪૮૦થી વધુ પ્લેયર્સની વચ્ચે દિવ્યા સાથે આવેલા બીજા વિદ્યાર્થીઓએ કુલ મળીને ૬ મેડલ અને ટ્રોફી જીત્યાં હતાં.
આમ તો આ વાત એક રૂટીન પ્રક્રિયા લાગે, પરંતુ નોંધનીય બાબત એ હતી કે ચેસની આ સ્પર્ધામાં મેડલ અને ટ્રોફી જીતેલા આ વિદ્યાર્થીઓ મધ્ય ગુજરાતના અંતરિયાળ ગામમાંથી આવ્યા હતા. જે ગામનાં બાળકો ભાગ્યે જ ગામની બહાર નીકળ્યાં હોય તે ચેસની રમતમાં માસ્ટરી મેળવીને ધીરે-ધીરે આગળ વધી રહ્યાં છે અને પોતાના ગામમાંથી બહાર નીકળીને ગુજરાતનાં અનેક શહેરોમાં ચેસની સ્પર્ધાઓમાં ભાગ લેવા જઈ રહ્યાં છે. આ ગામ એટલે મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલું ‘રતુસિંહના મુવાડા’ ગામ. આ નાનકડા ગામમાં આવેલી સરકારી પ્રાથમિક સ્કૂલના એક શિક્ષક સ્કૂલમાં ગણિત અને ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવે છે. આ શિક્ષક વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવીને સ્કૂલનો સમય પૂરો થતાં ઘરે જઈ શક્યા હોત, પરંતુ તેમણે ગામડાંનાં બાળકોને ગામની બહાર લઈ જઈને બહારની દુનિયા સાથે નાતો જોડવાનો અને તેમનામાં રહેલી પ્રતિભાને બહાર લાવવાનો પ્રયાસ કર્યો. આ શિક્ષક એટલે સંદીપ ઉપાધ્યાય, જેઓ પોતે પણ ચેસ રમે છે. તેમને લાગ્યું કે મારામાં જે આવડત છે એ મારે વિદ્યાર્થીઓમાં પણ વહેંચવી જોઈએ. તેમણે ગામડાના વિદ્યાર્થીઓને ચેસ રમતાં શીખવવાનું અભિયાન આદર્યું. જે વિદ્યાર્થીઓને ચેસ એટલે શું તથા રાજા, વજીર, ઊંટ, ઘોડા, પ્યાદાં આ બધું શું એની ખબર જ નહોતી. એવા વિદ્યાર્થીઓને સંદીપ ઉપાધ્યાયે ધીરે-ધીરે ચેસનો એવો રંગ લગાવ્યો કે આજે આ વિદ્યાર્થીઓ ચેસની રમતમાં સફળતાની કેડી કંડારી રહ્યા છે.
ખેડૂતો અને ખેતરોમાં કામ કરતા શ્રમિકો સહિત ગામમાં રહેતા અને નોકરી-ધંધા સાથે સંકળાયેલા લોકોનાં બાળકોએ ખેલ મહાકુંભથી લઈને જિલ્લા, સ્ટેટ તેમ જ નૅશનલ લેવલની જુદી-જુદી ચેસની સ્પર્ધાઓમાં ભાગ લઈને ૨૦૨૧થી અત્યાર સુધીમાં અનેક મેડલો અને ટ્રોફીઓ જીતીને પોતાની સ્કૂલ તેમ જ ગામને ગૌરવ અપાવ્યું છે. ગામનાં બાળકો માટે ગર્વ લેવા જેવી વાત એ છે કે વિશ્વભરમાં રમાતી ચેસસ્પર્ધાઓની આંતરરાષ્ટ્રીય સંસ્થા FIDE એટલે કે ઇન્ટરનૅશનલ ચેસ ફેડરેશન દ્વારા ગામની સ્કૂલના ૧૭ વિદ્યાર્થીઓને રેટિંગ મળ્યું છે. આવી સિદ્ધિ મેળવનાર ગુજરાતની આ સંભવિત રીતે પહેલી સરકારી પ્રાથમિક સ્કૂલ બની છે ત્યારે આજે આ બાળકો કેવી રીતે ચેસ શીખ્યાં અને આગળ વધીને પોતાનું, સ્કૂલનું અને ગામનું નામ રોશન કર્યું એ વિશે જાણીએ.
ચાણક્ય કહી ગયા છે કે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો. વણાકબોરી ડૅમથી નજીકમાં આવેલા અને ઓછી વસ્તી ધરાવતા રતુસિંહના મુવાડાની સરકારી પ્રાથમિક સ્કૂલના શિક્ષક સંદીપ ઉપાધ્યાય માટે આ વાત એકદમ બંધબેસતી હોય એવું લાગે છે. સંદીપ ઉપાધ્યાય ‘મિડ-ડે’ને કહે છે, ‘સ્કૂલમાં હું પહેલા અને બીજા ધોરણ તેમ જ બાલવાટિકામાં ગુજરાતી અને ગણિતના શિક્ષક તરીકે કાર્યરત છું. ૧૯૯૬માં હું ચેસની રમત શીખ્યો હતો. ત્યારથી લઈને અત્યારે પણ હું ચેસ રમું છું. આ રમત વિશે મેં જાણ્યું હતું. મને થતું કે આપણી પાસે જે વસ્તુનું જ્ઞાન હોય એ બીજાને આપવું જોઈએ. આ વિચારથી હું પ્રેરાયો. હું શિક્ષક છું એટલે મને વિદ્યાર્થીઓને ચેસની રમત વિશે જણાવવાનો તેમ જ શીખવવાનો મોકો મળ્યો એટલે તેમને શીખવવાનું શરૂ કર્યું. દરેક બાળકમાં કોઈ ને કોઈ પ્રતિભા હોય છે જેની તેને ખબર નથી હોતી. તેથી આ પ્રતિભાને નિખારવાનો પ્રયાસ કરવાનું કામ કર્યું. હું શું કામ સ્કૂલનાં બાળકોને ચેસ રમાડું? કેમ કે બાળકો બહારની દુનિયાથી કનેક્ટ થાય, સ્પર્ધામાં ભાગ લેવા માટે તેઓ ગામની બહાર નીકળે. મારે આ બાળકોમાં રહેલી પ્રતિભાને બહાર લાવવી હતી. ૧૫૦ બાળકો ગ્રૅન્ડમાસ્ટર બની જાય એ જરૂરી નથી, પણ એ બાળકો ચેસ રમતા થશે તો તેમનામાં ધીરજનો ગુણ કેળવાશે, પોતાના વિશે ભવિષ્યમાં શાંતિથી વિચારશે અને આગળ વધશે કે મારે શું કરવા જેવું છે અને શું નથી કરવા જેવું. બીજું એ કે ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં એક ગામ છે માધવપટ્ટી, જ્યાં ૫૦ જેટલા ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) અને ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) ઑફિસરો છે. એનાથી મને પ્રેરણા મળી કે એક ગામમાં આટલા ઑફિસરો હોય તો એક ગામમાં ૫૦ ગ્રૅન્ડમાસ્ટર કેમ ન હોય? મારા મનમાં આ વાત ક્લિક કરી ગઈ. પછી મેં નિર્ણય કર્યો કે વિદ્યાર્થીઓને ચેસ શીખવું. માત્ર ચેસ શીખવું એટલું જ નહીં, બાળકોને ઊંચા લેવલે લઈ જઉં અને એના માટે એફર્ટ કરું. આ વિચાર સાથે ૨૦૨૧ના જુલાઈ મહિનાથી સ્કૂલના વિદ્યાર્થીઓને ચેસ શીખવવાનું શરૂ કર્યું.’
વિદ્યાર્થીઓમાં ચેસ પ્રત્યે રસ કેળવવા માટે પ્રયાસ હાથ ધર્યો એની વાત કરતાં સંદીપ ઉપાધ્યાય કહે છે, ‘પહેલાં તો તેમને સમજણ આપી કે તમે ભવિષ્યમાં ડૉક્ટર બનો, એન્જિનિયર બનો, વેપારી બનો, શિક્ષક બનો કે જીવનમાં કંઈ પણ બનો તો એમાં ચેસ તમને તમારા વ્યવસાયમાં કે નોકરી-ધંધામાં અલગ પ્રકારનો દૃષ્ટિકોણ આપશે. જો શહેરનાં બાળકો ચેસ રમી શકે તો તમે પણ ચેસ રમી શકો છો. ચેસની રમત વિશે બાળકોને સમજાવવા ઉપરાંત એ રમત શું છે, કેવી રીતે રમાય, એનાં પ્યાદાં સહિતની બાબતોથી વાકેફ કર્યાં. આ બાળકો ચેસ રમવા માટે બહાર નીકળે તો હાર-જીત શું છે, દુનિયા શું છે એ પણ હું તેમને બતાવવા માગતો હતો. આમ સ્કૂલના વિદ્યાર્થીઓને ચેસ માટે પ્રોત્સાહિત કરીને ધીરે-ધીરે તેમનામાં ચેસની રમતમાં રસ કેળવ્યો. એના પરિણામે છેલ્લાં પાંચ વર્ષમાં ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ ચેસ રમતાં શીખ્યા છે. હાલમાં નવી ટર્મ શરૂ થઈ છે એમાં ૯૦ છોકરાઓ ચેસ રમે છે. બાળકોને સ્કૂલના સમય દરમ્યાન નહીં, પણ સ્કૂલ છૂટ્યા પછી તેમ જ રવિવારે શીખવું છું. જેમને બહુ મજા પડે છે તેઓ રજાઓમાં પણ ચેસ શીખવા આવે છે. હવે તો સ્કૂલમાં ૩૦ મિનિટની રિસેસ પડે ત્યારે પણ બાળકો ચેસ રમવા બેસી જતાં હોય છે.’
ચેસ શીખી ગયા પછી સ્કૂલના વિદ્યાર્થીઓ ચેસની વિવિધ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા લાગ્યા છે. એમાં સ્કૂલના વિદ્યાર્થીઓ યશ્વી ચૌહાણ, હાર્વી ઉપાધ્યાય, નિહિત પટેલ, ઓમ પટેલ, નેહા ચૌહાણ, સુનીલ ચૌહાણ, સાહિલ રાઠોડ સહિતના ચેસના નાનકડા માસ્ટર્સ જુદી-જુદી રમતોમાં ભાગ લઈને મેડલો અને ટ્રોફી જીત્યા છે. આ વિશે વાત કરતાં સંદીપ ઉપાધ્યાય કહે છે, ‘બાળકોને ચેસ રમતાં આવડી જાય એટલે તેમને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવડાવું છું. ખેલ મહાકુંભમાં, જિલ્લા લેવલે તેમ જ સ્ટેટ લેવલે થતી સ્પર્ધાઓમાં તેઓ ભાગ લે છે. ખેલ મહાકુંભમાં છેલ્લાં ૪ વર્ષથી અમારા વિદ્યાર્થીઓ મહીસાગર જિલ્લામાં ચૅમ્પિયન બન્યા છે. આ ઉપરાંત રાજ્યકક્ષાએ યોજાતી સ્કૂલ ગેમ્સમાં અન્ડર 11 અને અન્ડર 14માં ૨૦૨૨થી ૨૦૨૫ સુધી ચૅમ્પિયન બન્યા છે. ઓપન ચેસસ્પર્ધા, ઑલ ઇન્ડિયા રૅપિડ ટુર્નામેન્ટ સહિતની સ્પર્ધાઓમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ અત્યાર સુધીમાં ૧૨૦થી વધુ ટ્રોફી અને ૧૭૯ મેડલો જીત્યા છે. ગાંધીનગરની ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીની સ્પર્ધામાં એક સ્કૂલમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓએ ચેસની સ્પર્ધામાં ભાગ લીધો હોય એવી અમારી સ્કૂલ બની હતી. આ સ્પર્ધામાં અમારા એકસાથે ૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. એમાં અમને સેકન્ડ પ્રાઇઝ મળ્યું હતું. અમારી સ્કૂલની બે વિદ્યાર્થિનીઓ દિવ્યા ચૌહાણ અને નેહા ચૌહાણ ગયા વર્ષે સ્ટેટમાં સિલેક્ટ થઈ હતી અને છત્તીસગઢના રાયપુરમાં નૅશનલ ટુર્નામેન્ટ રમવા ગઈ હતી. આ દીકરીઓ માટે તેમનો આ પહેલો અનુભવ હતો. બાલાસિનોરમાંથી જેઓ બહાર નીકળી નહોતી તે બે દીકરીઓ ગુજરાત છોડીને બીજા રાજ્યમાં ચેસની સ્પર્ધા રમવા ગઈ હતી. અમારી સ્કૂલમાં ચેસ રમતા વિદ્યાર્થીઓમાંથી અત્યાર સુધીમાં ૨૧ વિદ્યાર્થીઓ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલ માટે પસંદ થયા છે. ૨૦૨૩-’૨૪માં ૧૪ વિદ્યાર્થીઓ અને એ પછીના વર્ષે ૭ વિદ્યાર્થીઓની પસંદગી થઈ હતી. આ તમામ વિદ્યાર્થીઓ હવે વડોદરામાં છે, જ્યાં તેમને અભ્યાસની સાથે રહેવા-જમવાની વ્યવસ્થા પણ ફ્રીમાં થઈ છે અને ચેસની રમતમાં પ્રૅક્ટિસ કરીને આગળ વધશે.’
ચેસની રમત બૌદ્ધિક ક્ષમતાની રમત ગણાય છે ત્યારે રતુસિંહના મુવાડા ગામની સરકારી પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ચેસની રમતમાં ચતુર અને ચાલાક થતા ગયા છે અને એના કારણે આજે ચેસની વૈશ્વિક સંસ્થા FIDE દ્વારા રેટિંગ પણ આપવામાં આવ્યું છે. આ વિશે વાત કરતાં સંદીપ ઉપાધ્યાય કહે છે, ‘અમારી સ્કૂલના ૧૭ ખેલાડીઓને FIDEનું રેટિંગ મળ્યું છે. આ અમારા માટે અચીવમેન્ટ છે. ગામમાં ખેડૂતો અને ખેતમજૂરો પણ રહે છે તેમ જ જુદા-જુદા વ્યવસાય-નોકરી સાથે સંકળાયેલા લોકો પણ રહે છે. તેમનાં દીકરા-દીકરીઓએ ચેસની રમતમાં વૈશ્વિક લેવલે આ સિદ્ધિ હાંસલ કરી છે એ નાનીસૂની વાત નથી.’
સરકારી પ્રાથમિક સ્કૂલના ચેસના ખેલાડીઓની સિદ્ધિની વાત ધીરે-ધીરે પ્રસરતાં ઘણા લોકો તેમને મદદ કરવા માટે આગળ આવ્યા છે. તેઓ ચેસની કિટ અને ક્લૉક સહિતની વસ્તુઓ આપી રહ્યા છે. આ ઉપરાંત સંદીપ ઉપાધ્યાય પોતે પોતાના પગારમાંથી અમુક રકમ વિદ્યાર્થીઓ પાછળ ખર્ચ કરે છે. આ મુદ્દે વાત કરતાં સંદીપ ઉપાધ્યાય કહે છે, ‘મને સફળતા મળી છે એ આ બાળકોના કારણે મળી છે એટલે મને જે પગાર મળે છે એમાંથી ૧૦ ટકા ભાગ આ બાળકો પાછળ ખર્ચું છું, કેમ કે વિદ્યાર્થીઓને સ્પર્ધામાં ભાગ લેવા માટે બહાર લઈ જવા, લાવવા, જમાડવા, ફી ભરવી સહિતનો ખર્ચ થતો હોય છે. જોકે હવે તો મદદ માટે લોકો આગળ આવે છે. મુંબઈના સાગર શાહે ચેસના ૫૦૦ સેટ મોકલ્યા હતા. આ ઉપરાંત તેમણે ચેસ માટેનું એન્જિન સૉફ્ટવેર પણ આપ્યું છે જેનાથી પ્રોફેશનલ લેવલે ચેસની રમતમાં વિદ્યાર્થીઓને આગળ લઈ જવામાં મદદ મળી. બૅન્ગલોર અને ચેન્નઈના મિત્રો રાજીવ તલવલકર અને કૈલાશ સ્વામિનાથને ટૅબ્લેટ સહિત ૮ લાખ રૂપિયાનું દાન આપ્યું છે. અમને મદદ મળી, પ્રોત્સાહન મળ્યું એને કારણે મારો અને મારા વિદ્યાર્થીઓનો કૉન્ફિડન્સ વધ્યો છે.’
કોઈ પણ કાર્યનિષ્ઠ વ્યક્તિને જ્યારે સફળતા મળે એટલે તેની ખુશી બેવડાય છે અને તે વધુ સારું કાર્ય કરવા પ્રેરાય છે. આ વિશે વાત કરતાં સંદીપ ઉપાધ્યાય કહે છે, ‘મારે ગામમાં ભારતની પ્રથમ સરકારી ચેસ સ્કૂલ બનાવવી છે જેમાં ગુજરાત ઉપરાંત દેશભરમાંથી ટૅલન્ટેડ વિદ્યાર્થીઓને અહીં લાવવાના, તેમને અભ્યાસ કરાવવાનો અને ચેસની રમત શીખવવાની. આ ગામને ચેસનું હબ બનાવીને વિશ્વ સામે દાખલો બેસાડીશું કે ગામમાં બાળકો માટે આવું કામ પણ થઈ શકે છે.’
રતુસિંહના મુવાડા ગામના લિટલ ચેસ માસ્ટર્સ વિદ્યાર્થીઓની સફળતાને જોઈને લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાત સ્ટેટ ચેસ અસોસિએશનના સભ્ય ભાવેશ પટેલ ‘મિડ-ડે’ને કહે છે, ‘આ ગામમાં FIDE-રેટેડ પ્લેયર્સ છે. આ ગામમાં ઘણા સમયથી વિદ્યાર્થીઓ ચેસની રમત શીખે છે. ગામઆખાનાં બાળકો ટ્રેઇન્ડ થયાં છે એવું કહી શકાય. ખેલ મહાકુંભથી ગામડાંનાં બાળકો આગળ વધી રહ્યાં છે. આમાં તો સ્કૂલના સાહેબે ટાઇમ કાઢીને વિદ્યાર્થીઓને FIDE-રેટેડ પ્લેયર્સ બનાવ્યા છે. આ ગામનાં બાળકો આગળ વધે એવાં છે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ છે. ગુજરાત સ્ટેટ ચેસ અસોસિએશન વિવિધ ટુર્નામેન્ટોનું આયોજન કરે છે એમાં ભાગ લઈને બાળકો આગળ વધી શકે છે.’
૭૧ વર્ષની ઉંમરે ગુજરાતમાં ફરી-ફરીને ચેસની રમતની ફ્રી વર્કશૉપ કરતા ચેસના રમતવીર વીરેન્દ્રસિંહ ઝાલા ‘મિડ-ડે’ને કહે છે, ‘ઑલ ઇન્ડિયા ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)નો ૪ વખત ચેસ ચૅમ્પિયન રહી ચૂક્યો છું તેમ જ ચેસની સ્પર્ધામાં અબોવ 60માં ગુજરાત ચૅમ્પિયન બન્યો છું. આ ઉપરાંત ઘણી સ્પર્ધાઓ જીતી છે. ચેસની રમત શીખવવા માટે અત્યારે ગુજરાતના ૩૨ જિલ્લાઓમાં ફરીને ફ્રીમાં ૧૬૪ વર્કશૉપ કરી છે, ચેસના ૮૨૦ સેટ સ્કૂલોને ગિફ્ટ કર્યા છે. મારા અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લાની આ સ્કૂલમાં ૨૦૨૪માં ગયો હતો. મને લાગ્યું કે સ્કૂલના શિક્ષક અને પ્રિન્સિપાલ રસ લેતા થાય તો આવું કામ શક્ય બને. ચેસમાં આ સ્કૂલના વિદ્યાર્થીઓ જે રીતે શીખી રહ્યા છે એ સરાહનીય છે. ચેસ માટે આ સ્કૂલ જેવું કામ કોઈ કરતું નથી. હું આખો દિવસ સ્કૂલમાં રોકાયો હતો અને વિદ્યાર્થીઓને શીખવ્યું હતું. આ સ્કૂલનાં બાળકોની પરિસ્થિતિ જે હોય તે, આ છોકરાઓમાં ચેસ માટે અંદરથી ઇન્ટરેસ્ટ છે, પોતાની કરીઅર બનાવવા માટે મહત્ત્વાકાંક્ષી છે, ધગશવાળા વિદ્યાર્થીઓ છે.’
’૨૪માં ૧૪ વિદ્યાર્થીઓ અને એ પછીના વર્ષે ૭ વિદ્યાર્થીઓની પસંદગી થઈ હતી. આ તમામ વિદ્યાર્થીઓ હવે વડોદરામાં છે, જ્યાં તેમને અભ્યાસની સાથે રહેવા-જમવાની વ્યવસ્થા પણ ફ્રીમાં થઈ છે અને ચેસની રમતમાં પ્રૅક્ટિસ કરીને આગળ વધશે.’