23 November, 2025 10:28 AM IST | Mumbai | Aashutosh Desai
નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં લિસ્ટિંગ વખતે અલખ પાંડે.
યુટ્યુબ પર ફ્રીમાં કોચિંગ ક્લાસિસ શરૂ કરનારા અલખ પાંડેની ગાડી ધીમે-ધીમે એવી પાટે ચડી કે તેનો IPO આવ્યો અને કંપનીનું વૅલ્યુએશન ૪૦ હજાર કરોડ રૂપિયાનું થઈ ગયું. શૅરબજારમાં પ્રવેશ કર્યા પછી ૧૬,૦૦૦+ કરોડની સંપત્તિના માલિક થઈ ગયેલા અલખસરની જર્ની પ્રેરણારૂપ છે
૧૮ નવેમ્બર, ૨૦૨૫. છોકરાઓને ઉત્કૃષ્ટ કરીઅર માટે શિક્ષણનો પાઠ ભણાવતા સાહેબ શૅરમાર્કેટમાં પ્રવેશ્યા અને રોકાણકારોની સાથે પોતાની ફાઇનૅન્શિયલ કરીઅર પણ બનાવી દીધી. આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સવાલાની. સ્કૂલ્સ અને કૉલેજિસ સિવાયના પ્રાઇવેટ ટ્યુશન કોચિંગના ધંધામાં પોતાની નામના કરી ચૂકેલા ફિઝિક્સવાલાએ ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ એટલે કે IPO દ્વારા શૅરમાર્કેટમાં કંપનીનું લિસ્ટિંગ કરાવવાનું નક્કી કર્યું અને ભારતીય રોકાણકારો પાસે ૩૪૮૦ કરોડ રૂપિયાનું રોકાણ મેળવ્યું. ૧૧ નવેમ્બરે ફિઝિક્સવાલાનો IPO લૉન્ચ થયો હતો. ૧૧થી ૧૩ નવેમ્બર સુધી ચાલેલા આ IPOની ઇશ્યુ-પ્રાઇસ હતી ૧૦૯ રૂપિયા પ્રતિ શૅર, જેનું ગઈ ૧૮ તારીખે ૧૪૫ રૂપિયાના બમ્પર ભાવે લિસ્ટિંગ થયું અને રોકાણકારોને ૭ દિવસના રોકાણના બદલામાં ૧૩૩ ટકાનું વળતર મળ્યું.
શૅરબજારનો એક સામાન્ય નિયમ છે. જે કંપની IPO બજારમાં પ્રવેશે એણે પહેલેથી ચોખવટ કરવી પડે છે કે રોકાણકારો પાસે મળનારાં નાણાં એ ક્યાં અને શા માટે વાપરશે. એના બે ફાયદા છે. સૌથી પહેલાં તો રોકાણકારોને રોકાણ કરતાં પહેલાં ખ્યાલ હોય કે આવનારા ભવિષ્યમાં કંપનીનું વિઝન શું છે અને તેમના પૈસા ક્યાં અને કઈ રીતે ખર્ચાશે. બીજો ફાયદો એક્સચેન્જિસ અને સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) જેવા રેગ્યુલેટરને બાંહેધરી મળે કે દેશના સામાન્ય રોકાણકારોનું રોકાણ સુરક્ષિત છે. એ જ રીતે ફિઝિક્સવાલાએ પણ જણાવ્યું હતું કે IPO દ્વારા મળનારા રોકાણમાંથી તેઓ કેટલાક મહત્ત્વના મોટા ખર્ચ ક્યાં કરશે. ૪૬૦ કરોડ જેટલી રકમ નવા ઑફલાઇન અને હાઇબ્રિડ કોચિંગ ક્લાસિસ માટે વાપરશે. તો ૫૪૮ કરોડ વપરાશે હાલના ક્લાસિસનું ભાડું અને લીઝ ઍગ્રીમેન્ટ્સના એક્સટેન્શન માટે. ૭૧૦ કરોડ રૂપિયા કંપની માર્કેટિંગમાં વાપરવાની છે જ્યારે ૯૪૧ કરોડ ખર્ચાશે નવા વિસ્તારોમાં સારી ગુણવત્તાના ક્લાસિસના ઍક્વિઝિશન અને રાખરખાવ માટે.
આપણા સમાજમાં એવી માન્યતા છે કે શિક્ષકનું કામ છે બાળકોને ભણાવવાનું. એને એક ધોમધખતો ધંધો બનાવવાનું કામ શિક્ષકનું નથી. પણ હવે સમય બદલાઈ ચૂક્યો છે. બાળકોને જ શું કામ, મા-બાપને પણ હવે સંતાનને સ્પેશ્યલ અટેન્શન મળે, બધા ડાઉટ્સ સારી રીતે ક્લિયર થાય અને સરવાળે ઉત્તમ પરિણામ મળે એવા ક્લાસિસ જોઈતા હોય છે. વળી ક્લાસિસમાં ઍર-કન્ડિશનર તો હોવું જ જોઈએ, કૉલેજિસ કે સ્કૂલ્સ સાથે કોલૅબરેશન પણ હોવું જોઈએ અને આ બધા પછી ભણતરનું સ્તર તો ઉત્તમથી નીચે જરાય ન ખપે. પણ એક ટીચર જ્યારે પોતાના ક્લાસિસ ગામ-શહેર કે રાજ્યમાં જ નહીં, આખાય દેશમાં મશહૂર કરી દે અને IPO લઈ આવે ત્યારે સ્વાભાવિક જ જિજ્ઞાસા જાગે કે ફિઝિક્સવાલાના સાહેબની સફર કહાણી તો જાણવી જોઈએ.
અલખની રંજન (પ્રસન્ન કરનારી) કહાણી
સખત પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી. આ વિધાનની સત્યતા પુરવાર કરે છે ફિઝિક્સવાલાના માલિક અલખ પાંડે. એક શિક્ષક પોતાની મહેનતકશ જિંદગીના પરિણામસ્વરૂપ આજે જ્યાં પહોંચ્યા છે એ વિશે વાત કરતાં કહે છે, ‘પોતાની જાતને ઘસી નાખો, તમે જે લક્ષ્યને પામવા માગો છો ત્યાં પહોંચવા માટે થાક્યા વિના રઝળપાટ વેઠી જાણો. સફળતા જરૂર ચરણોમાં શીશ નમાવશે.’
HBTU નામ સાંભળ્યું છે? હરકોર્ટ બટલર ટેક્નિકલ યુનિવર્સિટી. કાનપુરની આ યુનિવર્સિટીમાં જ અલખ પાંડે ભણતા હતા અને એ સમયે નાટકો અને એકોક્તિઓમાં અભિનય પણ કરતા હતા. સપનું એવું હતું કે ભવિષ્યમાં અભિનેતા બનવું છે. અને તેમનો આ શોખ અને સંસ્કાર નવા નહોતા. અલખ જ્યારે બિશપ જૉન્સન સ્કૂલ ઍન્ડ કૉલેજમાં ભણતા હતા ત્યારથી ડ્રામેટિક્સમાં ખૂબ આગળ હતા. પણ આ સાથે જ બીજા એક સંસ્કારનું ભાથું પણ તેમણે બાંધ્યું હતું, શિક્ષણ મેળવવા સાથે શિક્ષણ આપવું. ઘરની આર્થિક પરિસ્થિતિ, પિતાને અનેકો પ્રકારના ધંધામાં મળેલી નિષ્ફળતા અને પોતાના અભ્યાસ માટે બાપે વેચવું પડેલું પોતાનું ઘર. સરવાળે આ બધી આર્થિક સંકડામણ અલખને જુઠ્ઠું બોલી શિક્ષણ આપવા તરફ લઈ ગઈ. જ્યારે આઠમા ધોરણમાં હતા ત્યારે તેમણે ચોથા ધોરણનાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. ભણાવવાની તેમની આગવી શૈલી અને વિષય પરની પકડ વિદ્યાર્થીઓ અને કોચિંગના શિક્ષકમાં ફેવરિટ થઈ ગઈ, જેનું પરિણામ કંઈક એવું આવ્યું કે અલખ અગિયારમા ધોરણમાં આવ્યા ત્યારે કોચિંગના સરે જૂઠું બોલી તેમને નવમા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવા માટે નોકરીએ રાખી લીધા. ક્લાસમાં છોકરાઓને કહ્યું કે આ નવા સર છે. મજાની વાત એ છે કે આ માટે પણ તેમને કામમાં તો અભિનય જ આવ્યો. ડ્રામા-આર્ટિસ્ટ હતા એથી સ્ટેજ-ફિઅર તો હતો નહીં. ભણવામાં પહેલેથી જ હોશિયાર. અગિયારમા ધોરણમાં ગુરુત્વાકર્ષણનો જે નિયમ ઇન-ડેપ્થ ભણી રહ્યા હતા એનો સામાન્ય પાઠ નવમા ધોરણમાં ભણાવવાનો હતો. ભરપૂર અભિનય સાથે અભિનેતાની અદાકારીથી તેમણે નવમા ધોરણના વિદ્યાર્થીઓને એ ભણાવ્યો હતો. અર્થાત્ કૉલેજ કે યુનિવર્સિટીમાં ભણતા અલખ એ સમયે એકસાથે બે નાવડીમાં સવાર હતા. એક તરફ સ્ટેજ-અભિનય પણ ચાલુ હતો અને બીજી તરફ સ્ટેજ પર વિદ્યાર્થીઓને ભણાવવાનું પણ. પણ સ્ટુડન્ટ્સનાં મા-બાપને ખ્યાલ આવી ગયો કે આ કોઈ માસ્તર નહીં, પોતે જ વિદ્યાર્થી છે. આખરે અલખને એ કોચિંગમાંથી કાઢી મૂકવા પડ્યા. પણ એ સમયે હજી ક્યાં જાણ હતી કે તેમના આ સંસ્કાર જ તેમને ગુરુ દ્રોણના આશીર્વાદ તરીકે મળ્યા છે.
સફર-એ-સ્ટ્રગલ
કર્મભૂમિ હતી ઉત્તર પ્રદેશ, હવે સારી કૉલેજમાં ઍડ્મિશન મેળવવું હોય તો રાજ્યની કમ્પેટિટિવ એક્ઝામ આપવી પડે. પણ આ પહેલાં બન્યું હતું કંઈક એવું કે ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નાજુક. ફૉર્મલ કોચિંગ જેવું તો કશું મળ્યું નહોતું. અલખને જ્યારે બિશપ જૉન્સન સ્કૂલમાં ઍડ્મિશન લેવું હતું ત્યારે પિતાજીએ તેમનું ઘર વેચવું પડ્યું હતું. ત્રીજા ધોરણમાં હતા ત્યારે પૈસાની તંગીને કારણે અડધો હિસ્સો તો પહેલેથી જ વેચાઈ ગયો હતો. હવે છઠ્ઠા ધોરણ માટે બાકીનો અડધો હિસ્સો પણ વેચવો પડે એમ હતું. અને નવા નાના ઘર તરીકે મળ્યો એવો સ્લમ એરિયા કે જ્યાં બાળકના ગેરમાર્ગે દોરવાઈ જવાની ૧૦૦ ટકા શક્યતા રહે. નાનકા અલખને ખબર પડી કે જિંદગી બદલાઈને એક ગહેરા અંધકારમાં ફસડાઈ પડી છે. પરિસ્થિતિ હજી અહીં જ અટકી નહીં, ભણતર માટે પૈસા હજીયે ઓછા પડી રહ્યા તો લોન લેવી પડી.
પણ એક મોટો ફાયદો એ થયો કે બાળક અલખના દિમાગમાં એ નિર્ધાર નિશ્ચિત થઈ ગયો કે ભવિષ્યમાં કશુંક નક્કર કરવું છે, આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું હશે તો ભણવું પડશે. એ એવો સમય હતો જ્યારે મોટા ભાગના વિદ્યાર્થી એન્જિનિયરિંગનું સપનું સેવતા. બધાને જોઈ અલખે પણ એન્જિનિયરિંગમાં પ્રવેશ લઈ લીધો. અને બારમા ધોરણની એક નોટના છેલ્લા પાને અલખે લખી નાખ્યું, ‘I will be the biggest physics teacher of India by 2016!’
શિક્ષકે જ ભણવાનું છોડી દીધું?
અલખ પાંડેએ કમ્પેટિટિવ એક્ઝામ આપી અને ૬૬૦ની રૅન્ક મેળવીને HBTUમાં ઍડ્મિશન પણ મેળવ્યું. તો પછી એવું તે શું થયું કે તેમણે ભણવાનું છોડી દીધું? વાત કંઈક એવી છે કે અલખને HBTUમાં ઍડ્મિશન તો મળી ગયું પરંતુ તેને અલગ-અલગ ડિપાર્ટમેન્ટ્સની એ સમયે સમજ સુધ્ધાં નહોતી. કેટલાક મિત્રોએ કહ્યું કે મેકૅનિકલમાં ફિઝિક્સ ભણવાનું હોય છે. બસ, અલખે ખુશી-ખુશી મેકૅનિકલ લઈ લીધું. ફિઝિક્સ ભણવા ઇચ્છતો વિદ્યાર્થી મેકૅનિકલમાં તો ચાલી ગયો, પહેલા વર્ષમાં ૮૦ ટકા માર્ક્સ પણ લઈ આવ્યો એટલું જ નહીં, ફિઝિક્સમાં આખીયે કૉલેજમાં હાઇએસ્ટ માર્ક સાથે ઉત્તીર્ણ થયો. પણ લોચો બીજા વર્ષથી પડ્યો. એ પણ એક લોચો નહીં, લોચા કહેવા પડે એટલા લોચા પડ્યા. પહેલો લોચો - મેકૅનિકલ ભણાવતી કૉલેજ હોવા છતાં લૅબમાં કોઈ મશીન્સ કે પ્રોજેક્ટ્સ ચાલતા નહોતા. બીજો લોચો - જે લોકો મેકૅનિકલ ભણી ગયેલા હતા તે કહી રહ્યા હતા કે અહીં તમને બધોય જૂનો કોર્સ ભણાવાય છે. ત્રીજો લોચો કે કોઈ પ્રોફેસર્સ સારી રીતે તો શું ખરાબ રીતેય કશું ભણાવતા જ નહોતા. બસ રટ્ટા મારો અને નંબર્સ લઈ આવો. ચોથો સૌથી મોટો લોચો એ પડ્યો કે મેકૅનિકલમાં ભણવા ગયેલા અલખને ફિઝિક્સ તો સમજાતું હતું પણ મેકૅનિકલના વિષયોમાં ટપ્પોય પડતો નહોતો. આખરે ત્રીજું વર્ષ આવતાં-આવતાં પરિસ્થિતિ એ આવી ગઈ કે અલખને મેકૅનિકલની કૉલેજમાં ભણવા કરતાં ભણાવવામાં વધુ મજા આવવા માંડી. પરિણામસ્વરૂપ કૉલેજનું ભણતર અધૂરું રહી ગયું અને છૂટી ગયું.
પરિશ્રમનો પર્યાય વધુ પરિશ્રમ
રિસ્ક ન લેવું એ સૌથી મોટું રિસ્ક છે. જો કોઈ શિક્ષકે પોતે જ પોતાનું ભણતર છોડી દીધું હોય તો કોઈ વિદ્યાર્થી કે વાલીઓ તેમના પર વિશ્વાસ કઈ રીતે મૂકે? અલખ પાંડે જરૂર એમ કહેશે કે હા, એ એક મોટું રિસ્ક હતું, પણ એ એક રિસ્ક લેવાને કારણે મારી રિસ્ક લેવાની ઍપેટાઇટ વધી ગઈ.
અલખ મહાશયે કૉલેજ તો છોડી દીધી, હવે કોચિંગમાં ભણાવવા સિવાય પૅશન કહી શકાય એવું ખાસ કશું હતું નહીં. પણ કોચિંગ શરૂ કરવા માટે પૈસા ક્યાંથી લાવવા? પહેલા વર્ષે તો અલખના હાલહવાલ કંઈક એવા હતા કે છકડો રિક્ષામાં પોતાની સ્ટડી-શીટ્સ લઈને ટ્રાવેલ કરતા. તેના મિત્ર અને હિતેચ્છુ એવા ફારુકી સાહેબે જોયું કે છકડો રિક્ષામાં શીટ્સ સાથે અલખ જેમ-તેમ આવજા કરી રહ્યો છે. તેમણે એક ચાવી અલખને પકડાવી કહ્યું, ‘આજથી તું આ મોટરબાઇક વાપર.’ પોતાની હીરો હૉન્ડા સ્પ્લેન્ડર અલખને આપી દીધી. બાઇક તો મળી ગઈ પણ પેટ્રોલનું શું? અલખ રોજ સવારે કોચિંગ કલાસ જતી વેળા વિચારતા કે ક્યાંક આજે બાઇકમાં પેટ્રોલ ખતમ થઈ ગયું તો પેટ્રોલ માટે પૈસા ક્યાંથી લાવીશ?
રિસ્ક લીધું હતું અને હવે બાઇક પણ. કામ ધગશથી થઈ રહ્યું હતું. અલખની મહેનત જોઈ મિત્રો વખાણ કરતાં કહેતા, ‘વાહ, અલખ જોજે દસ જ વર્ષમાં તારા હાથ નીચે ૭થી ૮ હજાર વિદ્યાર્થી ભણતા હશે.’ આ વાક્ય તો વખાણમાં કહેવાયેલું વાક્ય હતું પરંતુ અલખને એવું લાગતું કે યાર, દસ વર્ષ પછી પણ જો ૭-૮ હજાર વિદ્યાર્થીઓ જ ભણશે તો એનો અર્થ કે જિંદગીમાં કશું જ નવીન નથી થઈ રહ્યું; જેને માટે મેં કૉલેજ છોડી એ જ ફીલ્ડ, એ જ ભણતરમાં હું કશું જ નવીન કે અસામાન્ય નહીં કરું તો મહેનતનો અર્થ જ શું રહ્યો? બસ, જાતને થતી રહેલી આ ટકોર અલખને ઝડપથી ‘ફિઝિક્સવાલા’ બનવા તરફ લઈ જવાની હતી.
લોચા હૈ તો આલોચના ભી હૈ
ધંધો જ્યારે ધમધોકાર ચાલી પડે ત્યારે પ્રશંસકો પણ હોવાના અને આલોચકો પણ. માણસ ગમે તે ફીલ્ડમાં ભવિષ્ય બનાવે પણ તેનો મૂળભૂત શોખ ભુલાતો નથી. અલખ પાંડે પણ કદાચ પોતાની અભિનય પ્રત્યેની રુચિને ભુલાવી શકતા નહોતા. આથી જ તો તેમના ક્લાસિસની આલોચના કરતા લોકો કહેતા કે અલખના ક્લાસિસમાં ભણવાનું ઓછું અને ઍક્ટિંગ વધુ હોય છે; ભણાવવાની સ્ટાઇલ અને ક્લાસિસમાં કહેવાતી કહાણીઓ એવી હોય છે જાણે ક્લાસિસ નહીં, કોઈ સામે ઊભું રહીને ઍક્ટિંગ કરી રહ્યું હોય.
અલખ આવા દરેક આલોચકને જડબાતોડ જવાબ આપતાં કહે છે, ‘મારી અભિનયક્ષમતા દ્વારા જો હું ક્લાસિસનું વાતાવરણ અને ભણતર બન્ને રસપ્રદ બનાવતો હોઉં, જેને ભણતરમાં રુચિ નહીં હોય તેને પણ ભણતર તરફ વાળી શકતો હોઉં તો ભલે કહો કે હું અભિનય કરું છું. NEETમાં અમારા વિદ્યાર્થીઓનાં સિલેક્શન્સ કઈ રીતે થઈ રહ્યાં છે? આજથી ત્રણ વર્ષ પહેલાં અઢી હજાર વિદ્યાર્થીઓ NEETમાં સિલેક્શન પામ્યા હતા. આજે એ આંકડો ૨૦,૦૦૦ જેટલો છે. એમાં ૪૨ વિદ્યાર્થીઓ ટૉપ ૧૦૦૦માં અને ૫૨૭ વિદ્યાર્થીઓ ટૉપ ૧૦ હજારમાં આવ્યા છે. વાસ્તવમાં આલોચકો પાસે અમારો વાંક કાઢવા માટે કોઈ મુદ્દો નથી, તો કોઈક તો મુદ્દો જોઈશેને?’
ફિઝિક્સવાલા કે યુટ્યુબવાલા
કૉલેજનું ભણતર છોડીને ભણાવવામાં વ્યસ્ત થઈ ગયેલા અલખે કશુંક નવીન તો કરી દેખાડ્યું હતું પરંતુ જમાનો પણ બદલાઈ રહ્યો હતો. ઑફલાઇન ક્લાસિસ સાથે હવે ઑનલાઇન ક્લાસિસનો પણ દૌર શરૂ થયો હતો. તો અલખે શરૂઆત ફેસબુકથી કરી. FB પર મીમ્સ બનાવી મૂકવા શરૂ કર્યાં. પણ એમાં ખાસ કોઈને રસ પડ્યો નહીં. તો વિદ્યાર્થીઓને લાલચ આપવાનું શરૂ કર્યું. કહ્યું કે ક્લાસિસ એન્રોલ કરો તો ૫૦ રૂપિયાનું મોબાઇલ રીચાર્જ કરી આપીશું. છતાં પબ્લિક ઘાસ નાખતી નહોતી. આવાં કંઈકેટલાંય ગતકડાં કર્યાં પણ બધું ફેલ. આખરે ફિઝિક્સવાલાએ જોયું કે ત્રણ-ચાર ટીચર્સ યુટ્યુબ ચૅનલ બનાવી ભણાવી રહ્યા છે.
તો અલખ પાંડે નામના રિસ્ક-ટેકરે વિચાર્યું કે સ્ટેજ-ફિઅર છે નહીં, અભિનય પણ સારો આવડે છે, ઑનલાઇન કોચિંગના થોડા રસપ્રદ વિડિયોઝ બનાવીને અપલોડ કરી જોઈએ તો? આખરે ૨૦૧૫માં વિડિયોઝ અપલોડ કરી એક યુટ્યુબ ચૅનલ શરૂ કરી, પણ ફેલ. ૨૦૧૬માં પણ પ્રયત્નો ચાલુ રાખ્યા, છતાં ન જ ચાલ્યું. પણ બે વર્ષ સુધી ફ્લૉપ રહેલો નુસખો અચાનક ૨૦૧૭ની સાલથી ચાલવા માંડ્યો, કારણ? પાંડેજીને લાગ્યું કે હું બારમા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવું છું પણ બારમા ધોરણને ઑનલાઇન ભણાવતા બીજા અનેક ટીચર્સ છે. જો હું દસમા ધોરણથી શરૂ કરું તો? અલખ માટે આ એક બદલાવ મોટું કામ કરી ગયો. ૨૦૧૭ની સાલથી તેણે દસમા ધોરણ માટે વિડિયોઝ મૂકવાના શરૂ કર્યા અને ઠિચૂક-ઠિચૂક ચાલતી ગાડી પુરપાટ વેગે દોડવા માંડી. એમાંય તેણે વળી નવો ફાંટો એ પકડ્યો જ્યાં હમણાં સુધી કોઈ જતું નહોતું, ICSE બોર્ડ. અલખે યુટ્યુબમાં જોયું કે ICSEનો સિલેબસ કોઈ શિક્ષક ઑનલાઇન ભણાવતા નથી. વિચાર જબરદસ્ત લાગ્યો અને એનો અમલ પણ શરૂ થયો. બસ, શરૂ થયા દસમા ધોરણના ICSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મફત ઑનલાઇન ક્લાસિસ યુટ્યુબ વિડિયોઝ દ્વારા.
ગુરુ પણ વિદ્યાર્થી - વિદ્યાર્થીઓ પણ ગુરુ
કંઈક નવું શીખવા, કરવા કે સ્વીકારવા જેવું લાગે તો એની અલખને ક્યારેય સૂગ નહોતી. વાત કંઈક એવી બની કે ICSE ઑનલાઇન ક્લાસિસને કારણે એક વર્ષમાં ફિઝિક્સવાલાઃને ૧૦ હજાર સબસ્ક્રાઇબર્સ મળી ગયા હતા. હવે એ જ વિદ્યાર્થીઓ ગુરુને સજેશન્સ આપવા માંડ્યા હતા. કહ્યું કે તમે બોર્ડ પર પહેલેથી લખીને લાવો છો એમાં મજા નથી આવતી, ભણાવતી વેળા જ લખો તો સમજ પણ સરળતાથી પડે. કોઈ મુદ્દો કઈ રીતે ભણાવો તો સારું રહે. કયા ટૉપિક પાછળથી કવર કરો તો સરળતા રહે, વગેરે... વગેરે... આ સમય હજી ઑનલાઇન ક્લાસિસ માટે નવો-નવો હતો. અલખ જાણતા હતા કે જરૂરી બદલાવ કરીને તે પ્રામાણિક ફૉલોઅર્સ તરીકે વિદ્યાર્થીઓ મેળવી શકે છે. તેણે બધાં સજેશન્સ પર વિચાર કર્યો અને જરૂરી બદલાવ પણ કર્યા. મજાની વાત જુઓ કે આ માસ્તર ઇનોવેટિવ તો હતો પણ હજી તેને ખબર નહોતી કે યુટ્યુબ ચૅનલથી પૈસા પણ કમાઈ શકાય છે.
એક જ વર્ષમાં ૧૦ હજાર સબસ્ક્રાઇબર્સ તો મેળવી લીધા. હવે અલખને લાગતું હતું કે આવતા વર્ષે હજી વધારી શકીશ, તો મારે ઑફલાઇન કોચિંગ ક્લાસિસ હવે બંધ કરી દેવા જોઈએ. જોકે તકલીફ એ હતી કે યુટ્યુબ પર ભણાવવાથી ભણાવવાની ભૂખ તો સંતોષાશે પણ આર્થિક ભૂખનું શું? એટલામાં એક મિત્રએ કહ્યું કે તારા દસ હજાર સબસ્ક્રાઇબર્સ છે તો તારે યુટ્યુબ પર મૉનેટાઇઝેશન શરૂ કરવું જોઈએ. અચ્છા, એવું પણ હોય? યુટ્યુબથી પૈસા પણ કમાઈ શકાય? અલખને આ જાણી નવાઈ લાગી. તેણે બધીયે માહિતી જાણી અને મૉનેટાઇઝેશન શરૂ કર્યું. તો પહેલે મહિને યુટ્યુબથી ૮ હજારની કમાણી મળી. હાશ, વાંધો નહીં, આટલી રકમમાં મહિનો તો નીકળી જશે. વળી ત્રણ વર્ષ ચલાવેલા ઑફલાઇન ક્લાસિસમાંથી પણ થોડી બચત હતી.
ફિઝિક્સવાલાની બબીતા
કોચિંગમાં ભણતરની વાત અને ઘરમાં કોચિંગની વાત. અલખના ઘરમાં એક દિવસ મોટી બહેન સાથે વાત થઈ કે કપિલ શર્માના કૉમેડી શોમાં એ લોકો સ્ત્રીની ખૂબ મજાક ઉડાવે છે. બહેને કહ્યું કે અલખ, તું તારા કોચિંગમાં વિમેન એમ્પાવરમેન્ટની પણ વાત કરતો હોય તો? એ બહાને લોકોમાં જાગૃતિ પણ આવશે અને વિદ્યાર્થીઓમાં ગૌરવની લાગણી પણ વધશે. અલખે એ માટે ત્રણ છોકરીઓનાં ઇમૅજિનરી કૅરૅક્ટર્સ ઊભાં કર્યાં, પુષ્પા, સુષ્મા અને બબીતા. બાકીનાં બે કૅરૅક્ટર્સ તો ખાસ ચમક્યાં નહીં પણ અલખની બબીતા ઑનલાઇન હિટ થઈ ગઈ. હવે અલખસરને તેમના કલાસમાં જે કંઈ વિષયાંતર વાતો કહેવી હોય એ બબીતાના મોઢે કહેવડાવતા અને વિમેન એમ્પાવરમેન્ટની વાતો પણ બબીતા દ્વારા કહી દેતા. પરિણામ એ આવ્યું કે અલખસરની બબીતા એટલી હિટ થઈ ગઈ કે ઘરવાળાને અને સ્ટુડન્ટ્સને લાગવા માંડ્યું કે અલખસરની ખરેખર જ બબીતા નામની કોઈ ગર્લફ્રેન્ડ છે.
લોભામણી ઑફરો
ત્રણ વર્ષના ઑફલાઇન ક્લાસિસ, ત્યાર બાદ ત્રણ વર્ષના ઑનલાઇન ફ્રી ક્લાસિસ. એમાં મફતના ક્લાસિસ હોવા છતાં વિદ્યાર્થીઓને IIT અને NEET જેવી પરીક્ષાઓનું મહામૂલું જ્ઞાન અને મટીરિયલ આપવામાં આવ્યું. તો જે વિદ્યાર્થીઓ હમણાં સુધી મફતિયું જ્ઞાન મેળવી રહ્યા હતા તેમણે જ કહ્યું કે ‘સર, તમારા ક્લાસ હવે એક માતબર ઑનલાઇન પ્લૅટફૉર્મ બની ગયું છે અને અમને ભણવાનું પણ ખૂબ ગમે છે તો ભલે તમે થોડા પૈસા લો, પણ અમને પૂર્ણ સિલેબસનું બધું મટીરિયલ અને ભણતર આપો તો?’
બસ, અહીંથી શરૂ થઈ અલખની પહેલી સફળતાની સફર અને મોટી કમાણી પહેલાંની નાની કમાણી... ૪૦૦૦ હજાર રૂપિયામાં સબસ્ક્રિપ્શન આપી અલખસરે બધું મટીરિયલ અને જ્ઞાન પીરસવા માંડ્યું. એન્જિનિયરિંગની જે તૈયારી માટે ૪૦,૦૦૦ના ખર્ચે સ્ટડી-મટીરિયલ મળતું હતું એ ફિઝિક્સવાલાએ માત્ર ૪ હજારમાં આપવા માંડ્યું. એને કારણે નાનાં ગામડાંના ખેડૂતની દીકરી કે રિક્ષાવાળાના દીકરા માટે પણ IIT કે NEETની તૈયારી કરવી શક્ય બન્યું. અને આ બધાનું આખરે પરિણામ એ આવ્યું કે ૨૦૧૭માં જે સબસ્ક્રાઇબર્સનો આંકડો દસ હજાર હતો એ માત્ર બે જ વર્ષમાં બે મિલ્યન એટલે કે ૨૦ લાખ પર પહોંચી ગયો જે આજે ૧૩.૯ મિલ્યન પર છે. ધીરે-ધીરે વિસ્તાર વધ્યો અને યુટ્યુબ ચૅનલ સિવાય ફિઝિક્સવાલાની મોબાઇલ ઍપ્લિકેશન પણ શરૂ થઈ અને ફિઝિક્સવાલા ફાઉન્ડેશન જેવી બીજી ૨૦-૨૫ અલગ ઍપ્લિકેશન્સ. આજે ફિઝિક્સવાલા લગભગ સાતથીયે વધુ ભાષાઓમાં લગભગ ૩૫ લાખ નૉન-હિન્દીભાષી વિદ્યાર્થીઓને પણ ભણાવે છે.
એમાં વચ્ચે કંઈકેટલીયે લોભામણી લાલચો પણ આવી. વિદ્યાર્થીઓ હતા અને અસરદાર સ્ટાઇલવાળા અલખસર. કેટલાક કોચિંગ ક્લાસિસે કહ્યું કે ૩૦ સેકન્ડનો એક વિડિયો અપલોડ કરી આપો, તમને ૫૦૦ રૂપિયા આપીશું. આ પહેલી ઑફર હતી.
ધીરે-ધીરે આવી ઑફર્સ અને એની રકમ બન્ને વધતાં ગયાં. પરંતુ નિર્ધારિત લક્ષ્યની સફર ક્યારેય ભુલાય નહીં એ શિલાલેખ પોતાના દિમાગ પર ચીતરી રાખેલા અલખસરે ૫૦૦થી શરૂ થયેલી ઑફર પાંચ હજાર થઈ અને પચાસ હજારવાળી વળી પાંચ લાખ પછી છેક ૭૫ કરોડ સુધીના અધધધ રેમ્યુનરેશન સુધી પહોંચી તો પણ ઠુકરાવી દીધી.
૪૦ હજાર કરોડની કંપની
એક તરફ મોંઘા-મોંઘા ઑનલાઇન કોચિંગ ક્લાસિસ નુકસાની ભોગવી રહ્યા છે ત્યાં સસ્તા કોર્સિસ વેચવાવાળા ફિઝિક્સવાલા આટલું સફળ કઈ રીતે? byju’s બંધ થઈ ગયું, અનઍકૅડેમી લૉસમાં ચાલી રહ્યું છે. ત્યાં ૨૦૧૯માં ૨૦ લાખ સબસ્ક્રાઇબર્સ ધરાવતા અલખને મળ્યા પ્રતીક મહેશ્વરી. બનારસ હિન્દુ યુનિવર્સિટીના IITટિયન પ્રતીકે કહ્યું કે માત્ર યુટ્યુબ ચૅનલથી શું થશે, આપણે એક કંપની બનાવીએ... સ્ટાર્ટઅપ. મહેશ્વરીની વાત માની યુટ્યુબ ચૅનલ સિવાય મોબાઇલ ઍપ્લિકેશન પર કામ શરૂ થયું અને ૨૦૨૦ના મે મહિનામાં ઑફિશ્યલ મોબાઇલ ઍપ્લિકેશન લૉન્ચ કરી PW-ફિઝિક્સવાલા. નસીબ સંજોગે એ જ સમયે કોરોનાકાળ શરૂ થયો અને હમણાં સુધી જેટલા લોકો યુટ્યુબ અને મોબાઇલ ફોન પર હતા એના કરતાં અનેકગણા લોકો તેમની ચૅનલ અને ઍપ્લિકેશનના યુઝર્સમાં પરિવર્તિત થવા માંડ્યા. આ ધસારો એટલો જબરદસ્ત હતો કે મોબાઇલ ઍપ લૉન્ચ થયાના પહેલા જ દિવસે ક્રૅશ થઈ ગઈ.
ફાઇનૅન્શિયલ્સ
કોરોનાકાળ પૂર્ણ થતાં ફરી બધા ઑનલાઇન છોડી ઑફલાઇન ક્લાસિસ તરફ વળી રહ્યા હતા. મોટા ભાગના ઑનલાઇન કોચિંગ લૉસ કરવા માંડ્યા હતા. ત્યાં જ ૨૦૨૨માં ફિઝિક્સવાલાએ ૨૩૪ કરોડના ટર્નઓવર સાથે ૯૮ કરોડનો પ્રૉફિટ નોંધાવ્યો. અર્થાત ૪૨ ટકા માર્જિન. એ વર્ષ એવું વર્ષ હતું કે જ્યારે આખાય ભારતમાં એકમાત્ર ફિઝિક્સવાલા જ પ્રૉફિટેબલ ઑનલાઇન કોચિંગ તરીકે સ્થાન જમાવી શક્યું એટલું જ નહીં, આ એ સમય હતો જ્યારે ફિઝિક્સવાલા પાસે બહારના કોઈ ઇન્વેસ્ટર્સનું રોકાણ કે ફન્ડિંગ નહોતું. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. બધાને લાગ્યું કે આ એકમાત્ર ટીચર છે જે પ્રૉફિટ કરી રહ્યો છે તો ચાલો એના સ્ટાર્ટઅપમાં ફન્ડિંગ કરીએ. પહેલું જ ફન્ડિંગ ૧૦૦ મિલ્યન એટલે કે ૮૦૦ કરોડ રૂપિયાનું મળ્યું. અર્થાત્ કંપનીની બુક-વૅલ્યુ નિર્ધારિત થઈ હતી ૧.૧ બિલ્યન એટલે કે ૧૦ હજાર કરોડ. મોબાઇલ ઍપ્લિકેશન લૉન્ચ થયાના માત્ર પચીસ મહિનામાં ફિઝિક્સવાલા યુનિકૉર્ન સ્ટાર્ટઅપ બની ગયું.
ફન્ડિંગ આવ્યું એટલે ઑનલાઇનની
સાથે-સાથે ઑફલાઇન પ્રેઝન્સ પણ વધારવાનું શરૂ થયું અને પરિણામ? ૨૦૨૨નું ૨૩૪ કરોડનું ટર્નઓવર ૨૦૨૩માં પહોંચી ગયું છેક ૭૪૪ કરોડના ટર્નઓવર પર. અર્થાત ત્રણગણો ગ્રોથ. પરંતુ પ્રૉફિટ? કંપનીએ પહેલાં કહ્યું, ૮ કરોડનો પ્રૉફિટ થયો છે પણ પછી ફેરવી તોળ્યું કે અકાઉન્ટિંગ લૉસ આવી છે, પણ કેટલી? ૮૪ કરોડનું નુકસાન. ૨૦૨૪માં ફરી ત્રણગણો ગ્રોથ અને ૧૯૪૦ કરોડનું ટર્નઓવર. પણ આ વર્ષે ફરી એ જ કહાણી, ૧૧૫૮ કરોડની અધધધ લૉસ. પણ કેવી? માત્ર અકાઉન્ટિંગ લૉસ, વાસ્તવિક લૉસ નહીં. સારી ભાષામાં કહીએ તો બાકી લેણાં બૅલૅન્સશીટ પર ઊભાં હતાં જે હમણાં નુકસાન છે પણ ભવિષ્યમાં આવશે એવી આશા ખરી. કંપની અકાઉન્ટિંગ લૉસનો આંકડો આપતી હતી છતાં ફન્ડિંગ રોકાવાનું નામ નહોતું લઈ રહ્યું. ૨૦૨૪માં તેમને સેકન્ડ રાઉન્ડ ઑફ ઇન્વેસ્ટમેન્ટ મળ્યું ૨૧૦ મિલ્યનનું અર્થાત્ ૧૮૦૦ કરોડ રૂપિયા. અને આ વખતે વૅલ્યુએશન મુકાયું ૨.૮ બિલ્યન અર્થાત ૨૫ હજાર કરોડ. અને હવે ૨૦૨૫માં જયારે IPO આવ્યો ત્યારે કંપનીનું વૅલ્યુએશન શું ગણવામાં આવ્યું? અંદાજે ૪૦ હજાર કરોડ.
સક્સેસ-ફૅક્ટર
ફિઝિક્સવાલાની સફળતાનું સૌથી પહેલું કારણ છે અફૉર્ડેબલ પ્રાઇસિંગ - એ સમયે જ્યારે IIT અને NEETના કોર્સિસ માટે બીજા ૫૦થી ૭૦ હજાર અને ૧ લાખની ફી લઈ રહ્યા હતા ત્યારે ફિઝિક્સવાલાએ એ કોર્સિસ આપ્યા માત્ર ૯૯૯ રૂપિયામાં. આજે પણ આ કોચિંગના ક્લાસિસ જેટલા કોર્સિસ ભણાવે છે એની ફીની સરેરાશ સાડાત્રણથી ૪ હજાર રૂપિયાની આસપાસની છે.
બીજું કારણ, વિદ્યાર્થીલક્ષી કોર્સ - સસ્તા કોર્સનો અર્થ એ નથી કે કંઈ પણ આપી દેવાય. ક્લાસિસ દરમિયાન અને કલાસિસ બાદ પણ વિદ્યાર્થીઓને તેઓ પૂર્ણ સપોર્ટ આપે છે. હોશિયાર ટીચર્સથી લઈને ઑનલાઇન-ઑફલાઇન ક્વેરી-સૉલ્વિંગ અપ્રોચ તેમને આ ફીલ્ડમાં જિતાડી દે છે.
ભારત પર ફોક્સ - મૂળ ભારત અર્થાત્ નાનાં શહેરો અને નાનાં ગામડાંઓ પર તેમણે વધુ ફોકસ કર્યું જ્યાં ગરીબ વિદ્યાર્થીઓ પણ IIT-NEET જેવા કોર્સિસ વિશે વિચારી શકે.
વિદ્યાર્થીઓનો ભરોસો - અલખસરે શરૂઆતનાં ત્રણ-ચાર વર્ષ મફતમાં ભણાવ્યું તો વિદ્યાર્થીઓને લાગ્યું કે આ માસ્તર કમાણી નહીં પણ ભણતરને પ્રાધાન્ય આપનારો છે. ત્યાર બાદ પેઇડ કોર્સિસ લૉન્ચ થયા તો એની પ્રાઇસ પણ એટલી નજીવી હતી કે વિદ્યાર્થીઓનો ભરોસો ઘટવાની જગ્યાએ બેવડાયો.
ઍડ્વર્ટાઇઝિંગ - સસ્તા કોર્સિસને કારણે ગરીબ મા-બાપનાં સંતાનો પણ હવે ભણી શકતાં હતાં. કોઈ રિક્ષાવાળાનો દીકરો IIT-NEET પાસ કરે તો ફિઝિક્સવાલા તેની સ્ટોરી પોતાની ચૅનલ કે ઍપ પર પ્રદર્શિત કરતા હતા. જ્યારે બીજી એજ્યુકેશન ઍપ બાયજુ પોતાની કુલ રેવન્યુનો ૮૧ ટકા હિસ્સો એટલે કે ૪૧૦૦ કરોડ અને અનઍકૅડેમી રેવન્યુનો ૬૧ ટકા હિસ્સો એટલે કે ૫૫૦ કરોડ માર્કેટિંગ પાછળ ખર્ચી રહી હતી. ત્યાં જ ફિઝિક્સવાલાનું માર્કેટિંગ બજેટ હતું માત્ર ૧૧ કરોડ. અર્થાત્ રેવન્યુના માત્ર પાંચ ટકા, કારણ કે તેમનું માર્કેટિંગ તેના જ સ્ટુડન્ટ્સ દ્વારા જ વર્ડ ઑફ માઉથથી થતું રહેતું હતું.
જોખમ
ઑનલાઇન સ્ટ્રક્ચરથી કંપની હવે ઑફલાઇન સ્ટ્રક્ચર તરફ પાછી વળી રહી છે. તેમણે ૧૦૦ જેટલાં શહેરોમાં ૧૮૦ સેન્ટર્સ ખોલી પણ નાખ્યાં છે. અને ૨૦૦ સેન્ટર્સનો શરૂઆતી ટાર્ગેટ મૂકવામાં આવ્યો છે. જોકે રોકાણકારોને અહીં જ આવનારી મુશ્કેલી દેખાઈ રહી છે. તેમનું માનવું છે કે ઑનલાઇન ફિઝિક્સવાલાની સફળતા હતી. તો ઑફલાઇન ક્લાસિસ માટે જગ્યા ખરીદવી કે ભાડે લેવી, ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવો પડશે. સ્ટાફને પગાર ચૂકવવો પડશે. અને આ બધા સાથે મર્યાદિત વિદ્યાર્થીઓને મર્યાદિત ફીમાં ભણાવશો તો ખર્ચ નીકળશે કઈ રીતે? બીજા ઑફલાઇન ક્લાસિસની હરીફાઈમાં કઈ રીતે ટકી રહી શકાશે?
બીજી એક ચિંતા ખેલનું મેદાન બદલ્યાની પણ છે. ફિઝિક્સવાલાની મૂળ તાકાત છે હિન્દી ભાષા-ઉત્તર ભારતના વિદ્યાર્થી. જ્યારે હવે એ દક્ષિણ ભારતમાં પણ વિસ્તરી રહ્યા છે. તેમણે કેરલાના એક કોચિંગ ક્લાસિસ સાથે ૫૦૦ કરોડના ખર્ચે પાર્ટનરશિપ કરી છે. ડર એ છે કે મૂળ હિન્દીભાષી અલખ પાંડે ઉત્તર ભારતમાં જાતે સંકળાયેલા હતા. હવે દક્ષિણની ભાષા કે પ્રદેશની જાણકારી નથી, ત્યાં સફળ કઈ રીતે થશે?
હમણાં સુધી ભારત પર જ ફોકસ હતું પરંતુ હવે તેમણે ભારત બહાર પણ એક્સ્પાન્શન કરવું છે. UAEનું એક સ્ટાર્ટઅપ નૉલેજ પ્લૅનેટ પણ ખરીદ્યું છે. પ્લાનિંગ છે કે ધીરે-ધીરે કતર, સાઉદીથી લઈને આખાય એશિયામાં ફેલાવો કરીશું. વળી હમણાં સુધી એન્જિનિયરિંગમાં પકડ ધરાવતા હતા, હવે બાકીનાં બધાં જ ફીલ્ડમાં પ્રવેશી જવું છે. મેડિકલ, IAS, UPSC, ડિફેન્સ, બૅન્કિંગ સિલેક્શન જેવા અનેક એજ્યુકેશનલ રીજન્સમાં તેમને પોતાના ક્લાસિસ અને કોચિંગ કરવા છે. જે જગ્યાએ માસ્ટરી છે એની સાથે હવે બીજાં અનેક ફીલ્ડ્સ ઓપન તો કરવાં છે પરંતુ એને પહોંચી કઈ રીતે વળશે અને પ્રૉફિટેબલ કઈ રીતે બનશે એ એક મોટી ચિંતા ફિઝિક્સવાલા સાથે હમણાં સંકળાયેલી છે.