30 July, 2026 06:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિતુલ પ્રદીપ
આજકાલ માનસિક સ્વાસ્થ્ય માટે લોકો ખાસ્સા જાગૃત જોવા મળે છે. ડિપ્રેશન એટલે કે હતાશા ગમે ત્યારે આજના સમયમાં જીવતા લોકોનો ભરડો લઈ લેતી હોય છે. એમાંથી દરેક માણસ બહાર આવવા ઇચ્છે છે. ઇલાજ મહત્ત્વનો છે, પણ આજે એક કલાકાર તરીકે હું કહેવા માગું છું કે કળામાં એ તાકાત છે કે તમને ડિપ્રેશન જેવી તકલીફમાંથી બહાર લાવી શકે.
લગભગ બે વર્ષ પહેલાં એક બહેન ખૂબ જ વ્યથિત મનઃસ્થિતિ સાથે મારી પાસે આવ્યાં. તેમણે મને જણાવ્યું કે તેઓ ગંભીર ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યાં છે. પતિના અચાનક મૃત્યુથી તેમને માનસિક ધક્કો લાગ્યો હતો. હવે જીવનનો શું અર્થ છે એમ મનમાં વિચાર આવવા લાગ્યા હતા. તેમના ફૅમિલી ડૉક્ટરે તેમને સલાહ આપી કે ચિત્રકલા દ્વારા તેઓ તનાવ ઓછો કરી શકશે અને ધીમે-ધીમે ડિપ્રેશનમાંથી બહાર આવી શકશે. હું વર્ષોથી આર્ટ થેરપી દ્વારા આવા લોકોને મદદરૂપ થવાની કોશિશ કરું છું. મેં તેમને વિશ્વાસ આપ્યો કે આપણે સાથે મળીને જરૂર પ્રયત્ન કરીશું. તેમણે મારા ક્લાસમાં પ્રવેશ લીધો અને વૉટરકલર પેઇન્ટિંગ શીખવાનું શરૂ કર્યું.
આપણે જ્યારે હાથમાં બ્રશ પકડીએ છીએ અને રંગો સાથે કામ કરીએ છીએ ત્યારે માત્ર એક ચિત્ર જ સર્જાતું નથી, આપણા વ્યક્તિત્વમાં પણ એક સુંદર પરિવર્તન આવે છે. મન વધુ શાંત, સ્થિર અને હકારાત્મક બનવા લાગે છે. ખાસ કરીને હાથ વડે થતી સર્જનાત્મક પ્રવૃત્તિઓ વ્યક્તિને આંતરિક આનંદ અને માનસિક શાંતિનો અનુભવ કરાવે છે. જે લોકો તનાવ, ચિંતા, ડિપ્રેશન, ગુસ્સો, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અથવા અન્ય માનસિક પડકારોનો સામનો કરી રહ્યા હોય તેમના માટે આર્ટ થેરપી ખૂબ જ અસરકારક બની શકે છે. સર્જનાત્મકતા દ્વારા મનને અભિવ્યક્તિ મળે છે, તનાવ ઘટે છે અને જીવનમાં સંતુલન અને શાંતિનો અનુભવ થાય છે.
આજે તેમના જીવનમાં અદ્ભુત પરિવર્તન આવ્યું છે. તેઓ હવે વધુ શાંત, આત્મવિશ્વાસુ અને હકારાત્મક બની ગયાં છે અને જીવન જીવવાની ઇચ્છા પણ ફરી જાગી છે. મને પણ આ વાતનો આનંદ અને સંતોષ છે કે એક માણસને મદદરૂપ થવાયું. આર્ટ થેરપી બાળકો માટે પણ ખૂબ જ લાભદાયી છે. ખાસ કરીને એવાં બાળકો જેમને ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડતી હોય, જે ખૂબ જ ચંચળ કે જેને હાઇપરઍક્ટિવ કહીએ છીએ એવાં હોય અથવા જેમને ગુસ્સો ખૂબ આવતો હોય.
આવાં બાળકોને જ્યારે માટીથી વિવિધ વસ્તુઓ બનાવવામાં અથવા ટેક્સ્ચર આર્ટ, પેપર ક્રાફ્ટ, ક્લે મૉડલિંગ અથવા કૅન્વસ પર રંગો વડે ચિત્ર દોરવા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જોડવામાં આવે છે ત્યારે તેમના સ્વભાવમાં ધીમે-ધીમે સુંદર પરિવર્તન જોવા મળે છે. તેઓ વધુ શાંત, એકાગ્ર અને આનંદી બનવા લાગે છે. ભણવામાં પણ તેમનું ધ્યાન વધુ સારી રીતે કેન્દ્રિત થવા લાગે છે અને ગુસ્સા પર નિયંત્રણ આવવા લાગે છે.
સૌથી સુંદર વાત એ છે કે બાળકોને ક્યારેય એવું કહેવામાં આવતું નથી કે તેમની થેરપી થઈ રહી છે. તેઓ તો માત્ર રંગો, બ્રશ, માટી અને હસ્તકલાની વિવિધ મજેદાર પ્રવૃત્તિઓમાં આનંદથી જોડાય છે; પરંતુ આ રમતાં-રમતાં જ તેમની અંદર સકારાત્મક પરિવર્તન આવવા લાગે છે. આ જ છે આર્ટ થેરપીની વિશેષતા.