શા માટે ઓ. પી. નૈયરે મારી સાથે આશા ભોસલે વિશેની અંગત વાતો શૅર કરી?

22 June, 2026 02:18 PM IST  |  Mumbai | Rajani Mehta

રેશમની દોરી જેવો સંબંધ બંધન હોવા છતાં કઠતો નથી, પણ એ દોરી જ્યારે કાથાની દોરી બને ત્યારે દઝાડે છે. શબ્દોનું કામ સેતુ રચવાનું છે, પણ ઘણી વાર શબ્દો જ ખાઈ બનાવવાનું કામ કરે છે.

શા માટે ઓ. પી. નૈયરે મારી સાથે આશા ભોસલે વિશેની અંગત વાતો શૅર કરી?

સંબંધનું કોઈ શાસ્ત્ર નથી હોતું. બે વ્યક્તિ એકમેકને મળે છે, ચાહે છે એ સંયોગને આપણે નામ આપ્યું છે ઋણાનુબંધ. તે બન્ને છૂટા પડે ત્યારે આપણે કહીએ છીએ કે અંજળપાણી પૂરાં થયાં. જે. કૃષ્ણમૂર્તિ કહે છે, ‘બે વ્યક્તિ કદી એકમેકને મળતી જ નથી. મળે છે કેવળ બે પ્રતિબિંબો. સમય પ્રમાણે એનાં કદ બદલાતાં જાય છે અને સાથે-સાથે પ્રેમની માત્રા પણ. એક સમય એવો આવે છે કે બન્ને પ્રતિબિંબો એકમેકથી વિરુદ્ધ દિશામાં પ્રયાણ કરે છે.’

આશા ભોસલે અને ઓ. પી. નૈયરના ઋણાનુબંધ પૂરા થયા, પરંતુ ‘ચૈન સે હમ કો કભી આપને જીને ના દિયા’નું રેકૉર્ડિંગ હજી બાકી હતું. પ્રોફેશનલ આર્ટિસ્ટ પોતાની જવાબદારીની વચ્ચે અંગત ગમા-અણગમાને મહત્ત્વ નથી આપતા એટલે કમિટમેન્ટ પૂરું કરવા બન્નેએ ગીતનું રેકૉર્ડિંગ કર્યું. એ દિવસે વાતાવરણ તંગ હતું. સૌને ખબર હતી કે બન્ને એકમેકથી અલગ થઈ ગયાં છે એટલે શું થશે એની દરેકને ચિંતા હતી.

એ દિવસને યાદ કરતાં ગીતકાર એસ. એચ. બિહારી કહે છે...

ગીતના શબ્દો સૂચક હતા. જ્યારે મેં આ ગીત લખ્યું ત્યારે મને ખબર નહોતી કે આવા સંજોગોમાં આ ગીત રેકૉર્ડ થશે. આ પહેલાં ફિલ્મનાં ગીતો રેકૉર્ડ થયાં ત્યારે પણ બન્ને વચ્ચે પહેલાં જેટલી ઉષ્મા નહોતી. ખપપૂરતી જ વાત થતી, પણ એ દિવસે માહોલ જુદો હતો. આશાજીએ આવતાંવેંત જ કહ્યું કે સીધો ટેક લઈએ, પણ નૈયરસાબે કહ્યું કે એક રિહર્સલ કરી લઈએ. આશાજીએ કહ્યું ઠીક છે. બન્ને વચ્ચે સીધો કોઈ સંવાદ ન થયો. અસિસ્ટન્ટ દ્વારા જ વાત થતી હતી.

બન્ને એકમેકથી દૂર હતાં. નૈયરસાબ રેકૉર્ડિસ્ટ સાથેની કૅબિનમાં અને આશાજી સિંગરની કૅબિનમાં. પહેલા જ ટેકમાં ગીત ઓ. કે. થયું. કડવી વાસ્તવિકતા બયાન કરતું આ ગીત આશાજીએ જે દર્દથી ગાયું એની સચ્ચાઈ દરેકને સ્પર્શી ગઈ. ગીત સાંભળીને નૈયરસાબ બોલી ઊઠ્યા, ‘કયા બાત હૈ. બહોત ખૂબ.’

ટેક ઓ. કે. થયો અને કશું બોલ્યા વિના, ચૂપચાપ આશાજીએ વિદાય લીધી. ક્યાંય સુધી વાતાવરણમાં સન્નાટો છવાયેલો રહ્યો. સૌ ગમગીન હતા. દરેકને એક વાતનો રંજ હતો કે આજ પછી આ જોડીની કમાલ સાંભળવા નહીં મળે. જાણે એક યુગ સમાપ્ત થઈ ગયો.

આ વાત કરતાં ગીતકાર એસ. એચ. બિહારીના સ્વરમાં ભીનાશ આવી જાય છે. આ હતી બન્નેની અંતિમ સહિયારી અમર કૃતિ. કમનસીબે ફિલ્મમાંથી આ ગીત અકળ કારણોસર કટ કરી દેવામાં આવ્યું, પરંતુ ગીત માટે આશાજીને બેસ્ટ સિંગરનો અવૉર્ડ મળ્યો. અવૉર્ડ લેવા માટે તે નહોતાં આવ્યાં એટલે તેમના વતી ઓ. પી. નૈયરે અવૉર્ડ સ્વીકાર્યો. એમ કહેવાય છે કે એ રાત્રે ઘરે આવતાં પહેલાં ઓ. પી. નૈયરે એ અવૉર્ડ દરિયામાં ફેંકી દીધો.

વાતોનાં વડાં કરનારા લોકોને ટાઇમ પાસ માટે વિષય મળી ગયો. ઓ. પી. નૈયરના રંગીન સ્વભાવને જાણતા લોકોએ સંબંધ-વિચ્છેદ માટે તેમને જવાબદાર ગણાવ્યા તો અમુક લોકોએ આશા ભોસલેના જીવનમાં આર. ડી. બર્મનના આગમનની વાતો ફેલાવી. હકીકત જે હોય તે, જે બન્યું એ દુખદ હતું અને કદાચ અનિવાર્ય પણ. ‘મરીઝ’નો શેર યાદ આવે છે...

એના પર હતી જે પ્રથમ લાગણી, ગઈ

સારું થયું વાત એના સુધી ગઈ

હાજ્યાં સુધી હતી તે હતી આપણા સુધી

પણનાની વાત કેમ બધે વિસ્તરી ગઈ

રેશમની દોરી જેવો સંબંધ બંધન હોવા છતાં કઠતો નથી, પણ એ દોરી જ્યારે કાથાની દોરી બને ત્યારે દઝાડે છે. શબ્દોનું કામ સેતુ રચવાનું છે, પણ ઘણી વાર શબ્દો જ ખાઈ બનાવવાનું કામ કરે છે.

બે મહાન કલાકારોના વિખૂટા પડ્યા બાદ પત્રકારોએ તેમના ઇન્ટરવ્યુ લેવાના પ્રયાસ કર્યા. આશા ભોસલેએ મર્યાદામાં રહીને કારણો અને હકીકતની રજૂઆત કરી, પણ ઓ. પી. નૈયરનું વલણ જુદું હતું. સંબંધના સૌજન્યની કસોટી સંબંધ વણસે ત્યારે જ થાય છે. આવા સમયે ચુપકીદી જાળવવામાં જ ગરિમા છે. પત્રકારોએ જ્યારે ઓ. પી. નૈયરને કહ્યું કે આશા ભોસલેએ આ બાબતે જે ટિપ્પણીઓ કરી છે એના જવાબમાં તમારે શું કહેવું છે? તેમણે જે કહ્યું એ જીવનમાં ઉતારવા જેવું છે : ‘I don’t want to give any explanation. Because my friends don’t need it and my enemies won’t believe it. (મારે કોઈ ખુલાસા કરવા નથી. મારા મિત્રોને એની જરૂર નથી અને મારા શત્રુઓને એમાં વિશ્વાસ નહીં બેસે.)

શબ્દો અર્થને સીમિત કરી નાખે છે. મૌનની ભાષા જ સૌથી વધુ બોલકી હોય છે. બે પંક્તિ યાદ આવે છે...

 બોલવું એ તો ગૌણ હોય છે

પ્રેમમાં પ્રથમ મૌન હોય છે

૧૯૮૦માં આશા ભોસલેનાં યાદગાર ગીતોની લૉન્ગ-પ્લે રેકૉર્ડ બહાર પડી જેમાં ઓ. પી. નૈયર સિવાય દરેક સંગીતકારનાં ગીતો હતાં. પત્રકારોએ ઓ. પી. નૈયરને આ વિશે તેમનો પ્રતિભાવ પૂછ્યો ત્યારે જવાબ મળ્યો, ‘તમે સૌ કેવળ આ જ સવાલ પૂછો છો એ જ મારી જીત છે. અન્ય સંગીતકારો સાથે મારું પણ એકાદ ગીત હોત તો એનાથી શું ફરક પડવાનો હતો? મારું ગીત હોય કે ન હોય, હકીકત બદલાતી નથી. મારું ગીત સામેલ કર્યું હોત તો એ લોકોની કિંમત વધી હોત. તમારો પ્રશ્ન જ એ વાત સાબિત કરે છે કે મને બાકાત રાખવાનું પગલું અયોગ્ય હતું.’

ઓ. પી. નૈયર સાથે ૨૦૦૫માં મારી ઓળખાણ થઈ. એ સમયે તેઓ લગભગ અજ્ઞાતવાસમાં રહેતા અને ભાગ્યે જ કોઈને મળતા. પ્રથમ મુલાકાતમાં જ તેમની સાથે એવો ઘરોબો બંધાઈ ગયો કે તે કહેતા, ‘મહેતાસાબ, ઝિંદગી મેં ઇતની દેર સે ક્યોં મિલે?’ હું કહેતો, ‘દેર હી સહી, આપ મિલે યે હી મેરા સૌભાગ્ય હૈ.’ ૨૦૦૬ની ૯ ઑગસ્ટે રાતે અમે તેમના અભિવાદન નિમિત્તે ‘બહુત શુક્રિયા, બડી મેહરબાની’ નામના સંગીતમય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મારી સાથેની મુલાકાતોમાં તેમણે અનેક અંગત વાતો શૅર કરી હતી. એક દિવસ તેમણે મને કહ્યું, ‘મહેતાસાબ, મૈંને આપસે કંઈ ઐસી બાતેં કરી જો મૈંને આજ તક બહુત કમ લોગોં સે કહી હૈ. જાનતે હો ક્યૂં? વો ઇસ લિએ કિ આપને કભી મેરી નિજી ઝિંદગી કે બારે મેં કોઈ સવાલ નહીં કિયા. આપ સચ્ચે સંગીતપ્રેમી હો જિસકો સંગીતકાર કે સંગીત સે પ્યાર હૈ, ઉસકી ઝિંદગી સે નહીં.’

તેમણે આશાજી સાથેની અનેક વાતો મારી સાથે શૅર કરી. એમાંનું એક વાક્ય યાદ આવે છે, ‘જબ ભી કોઈ કલાકાર દૂસરે કલાકાર કી કલા કે સાથ ઉસ કલાકાર કો ભી પ્રેમ કરને લગતા હૈ તો કુછ ઔર બાત બનતી હૈ. હમારે સાથ ભી કુછ ઐસા હી હુઆ.’

સંગીત ઉપરાંત ઓ. પી. નૈયરના બે પ્રિય વિષય હતા હોમિયોપથી અને ઍસ્ટ્રોલૉજી (જ્યોતિષશાસ્ત્ર). એ વિશે વાત નીકળી ત્યારે તેમણે અનેક કિસ્સાઓ શૅર કર્યા એમાં આશાજીની વાત કરતાં મને કહ્યું, ‘જ્યોતિષશાસ્ત્રનો મારો અભ્યાસ એમ કહેતો હતો કે અમે એક દિવસ છૂટા પડીશું. અમારી વચ્ચે મનદુખ થશે એ નક્કી જ હતું. એટલે તે મને છોડે એ પહેલાં જ મેં તેને છોડવાનું નક્કી કર્યું. જીવન હંમેશાં હું મારી શરતોએ જીવ્યો છું. લતા મંગેશકર માટે કહેવાતું કે તેના સ્વરથી સંગીતકારોની કારકિર્દી બને છે. મને એ મંજૂર નહોતું એટલે તેની પાસે કદી ન ગવડાવ્યું. આશા સાથે પણ મને એ મંજૂર નહોતું કે મારું અસ્તિત્વ તેના કારણે છે. તેની ગેરહાજરીથી મારા સંગીત પર અસર પડે એ મને કબૂલ હતું, પરંતુ હું સમાધાનો સાથે જીવવામાં માનતો નથી.’

આશા ભોસલેની વિદાય બાદ ઓ. પી. નૈયરના સંગીતની રોનક ઘટી એ વાતનો સ્વીકાર કરવો જ રહ્યો. શું આ એક જ ઘટના એના માટે કારણભૂત હતી? એકમેકથી છૂટા પડ્યા બાદ બન્ને કદી મળ્યાં? કોઈએ એકમેકનો ઉલ્લેખ કદી કોઈની સામે કર્યો? આ વાતો આવતા રવિવારે.  

columnists asha bhosle rajani mehta gujarati mid day lifestyle news life and style