મન જો ગોટાળે ચડે પછી તો એ કેવી હાલત કરે એનો બહેતરીન નમૂનો

26 October, 2025 11:27 AM IST  |  Mumbai | Sairam Dave

આપણા વડવા કહેતા કે બધુંય કામ મન શાંત‌ રાખીને કરવું, પણ ધારો કે મનમાં શાંતિ ન હોય તો એ કેવી ખીચડી ઊભી કરે એ જોવું હોય તો આ લેખ સડસડાટ વાંચી જાઓ. બસ શરત એટલી કે ડેવિડ ધવન ને રોહિત શેટ્ટીની ફિલમની જેમ મગજ નહીં વાપરવાનું

થાનૉસ

પુરાતન કાળમાં લાસ વેગસ નામે એક પ્રાચીન નગરી હતી, નિત્ય સંધ્યાટાણે જે મોંઘીદાટ LEDની દીપમાળાથી પ્રજ્વલિત રહેતી. ખપ પૂરતાં વસ્ત્રો પહેરીને ખેપું ભરીને રૂપિયા કમાવા આ નગરીમાં દેશવિદેશના દ્યૂતપ્રેમી પર્યટકો વણનિમંત્ર્યા પધારતા હતા.
દ્યૂત, જે રમતને લીધે મહાભારતકાળમાં પેલા પાંડવોએ પોતાનું સર્વસ્વ ગુમાવ્યું હતું. કુરુક્ષેત્રના રક્તરંજિત યુદ્ધના મૂળમાં એ દ્યૂતની રમત રહેલી. એ યુદ્ધમાં અશ્વત્થામા નામનો એક યોદ્ધો હતો જેના કપાળમાં જન્મજાત એક ચમકતો મણિ હતો. હૉલીવુડની ફિલ્મ ‘એન્ડગેમ’નો વિલન પણ મણિની શોધમાં જ ભટકતો હતો. તમામ ઍવેન્જર્સ એ મણિની રક્ષા માટે આકાશ-પાતાળ એક કરતા હતા.
મણિ આમ તો અમારા પાડોશમાં રહેતી હતી. થોડી ભીને વાન હોવાથી બહુ પ્રચલિત નહોતી. તે દસમા ધોરણમાં નાપાસ થયા પછી તેની સગાઈ માધવપુરના મગનિયા સાથે થઈ હતી.
આ એ જ માધવપુર જ્યાં ભગવાને રુક્મિણી સાથે ફેરા ફર્યા હતા. ત્યાં દર વર્ષે જોરદાર મેળો ભરાતો. મેળો તો ભાદરવી પૂનમે અંબાજીનો પણ ભરાતો, પરંતુ ત્યાં બહુ ટ્રાફિક થતો એટલે મારાથી જવાતું નહીં. ટ્રાફિકની સમસ્યા મહાભારતકાળથી સમાજમાં ફૂલીફાલી છે. ગુરુ દ્રોણની સ્કૂલમાં ટ્રાફિક હોવાથી કર્ણને ઍડ્મિશન નહોતું મળ્યું. તેમ જ પેલા એકલવ્યએ હોમ-સ્કૂલિંગ કરેલું.
હોમ-સ્કૂલિંગ અને હોમલોન બન્નેમાં સમાનતા એ છે કે તમારે જ બધું કરવું પડે, સામા પક્ષે કોઈ કશું કરતું નથી. પક્ષની વાત આવે ત્યારે રામાયણમાં વિભીષણે ધર્મનો પક્ષ લીધો હતો. વિપક્ષ આજકાલ બહુ નબળો પડ્યો છે.
એ જો શ્રીરામના શરણે જાય તો ઉદ્ધાર હજી શક્ય છે, કારણ કે ઉધાર આપવામાં અમારા ગામના રતિલાલ શેઠ બહુ ઉદાર હતા. શેઠે આખા ગામને ઉધાર આપી એક મસમોટો ચોપડો બનાવ્યો હતો. એ ચોપડો એક બપોરે જીવીકાકીની બકરી ખાઈ ગઈ હતી. એના આઘાતમાં રતિલાલ શેઠ ગુજરી ગયેલા. બકરીને લીધે ‘શેઠમુક્ત’ અને ‘દેવામુક્ત’ બનેલા ગામે સાંજે બકરીની વાજતેગાજતે શોભાયાત્રા કાઢી હતી. રાત્રે ગામના અમુક માણસો એ બકરીને પણ નૈવેદ્ય માટે ઉઠાવી ગયા હતા, જેના આઘાતમાં જીવીકાકી પણ ગુજરી ગયાં હતાં.
ત્યાર બાદ એ બકરીનો બીજો અવતાર ગાંધીજીના જીવન દરમિયાન થયેલો. ગાંધીજી આપણા દેશની આઝાદીના હીરો હતા અને હીરો તો અશ્વત્થામાના કપાળે હતો. થાનૉસ જેની શોધમાં હતો એ હીરાની બજાર સુરત શહેરમાં આવેલી. મણિનો વર મગન સુરતમાં હીરા ઘસતો હતો. મગનના શેઠનું નામ હીરાભાઈ હતું. પરંતુ મગન ક્યારેય મણિ માટે હીરા ખરીદી ન શક્યો, કારણ કે તે પોતે નંગ હતો.
નંગ જનરલી ત્રીજી આંગળીમાં લોકો પહેરે છે. મંગળ નડતો હોય તેને મંગળનો નંગ પણ પહેરવો પડે છે નહીંતર તેના જીવનમાં કોઈ મંગળ પ્રસંગ આવતો નથી. મંગળદાસ ટાઉન હૉલ અમદાવાદમાં આવેલો છે. શ્રી મંગળદાસભાઈ એક સમયે આપણી ગુજરાત વિધાનસભાના સ્પીકર રહી ચૂકેલા છે. સ્પીકર સૌથી સારા JBL કંપનીના આવે છે. એમાં અવાજ ફાટતો નથી. ફાટેલા દૂધમાંથી પનીર બનાવતાં સ્ત્રીઓને ફાવતું નથી. પી. પનીરવેલ એક સમયે ગુજરાતના અગ્રસચિવ હતા. ગુજરાતમાં હીરાની નગરી તરીકે સુરત શહેર પ્રખ્યાત છે.
એક સમયે ત્યાં તળિયાના, રફના અને ઘાટપેલના કારીગરો પુષ્કળ પ્રમાણમાં હતા. સુરતમાં એમ્બ્રૉઇડરીનો બિઝનેસ પણ વિપુલ પ્રમાણમાં ફાલેલો. વિપુલ મહેતા બહુ સારો નાટ્ય-દિગ્દર્શક અને સંજય ગોરડિયા સાથે તેણે અનેક સુપરહિટ નાટકો બનાવ્યાં. એમ્બ્રૉઇડરી કરતી વખતે બહેનોના ઘરમાં પણ બહુ નાટકો થતાં હતાં પણ હા, આ નાટકો કરતી વખતે તમારે બહુ ચીવટ રાખવી પડે, એવી ચીવટ જાણે કે તમે ભરતકામ કરો છો.
તેમ છતાં શ્રીરામની ગાદી લેવાની ભરતે સ્પષ્ટ ના પાડી હતી. એ રીતે જોઈએ તો આપણા વડા પ્રધાનને પણ એક સમયે અમેરિકાએ વીઝાની સ્પષ્ટ ના પાડેલી. અમેરિકા, રબારિકા, ગઢકા અને મુંજકા ચારેય ભળતાં નામ છે પરંતુ આમાંથી ત્રણમાં કૉલર પકડાય છે જ્યારે એકમાં ડૉલર પકડાય છે.
ડોલરના ફૂલ જેવું સ્મિત એક સમયે ઐશ્વર્યા રાયનું હતું જેના પર અખિલ હિન્દ વાંઢા ફેડરેશનનો પ્રમુખ સલમાન ખાન મોહી પડ્યો હતો, પરંતુ ઐશ્વર્યાએ તેને ઘસીને ના પાડી હતી. તેમ છતાં સલમાન હીરો મટી ન ગયો. આથી સાબિત થાય છે કે દરેક પુરુષની સફળતામાં સ્ત્રીની ‘હા’ની જરૂર હોતી નથી. કોઈ તમને ‘ના’ પાડે તો પણ તમે હીરો થઈ શકો છો. હીરો તો અશ્વત્થામાના ભાલ પર ઝગારા મારતો હતો. થાનૉસ પણ મોકાની તલાશમાં હતો. એવામાં અશ્વત્થામા લાસ વેગસ નગરીમાં જઈ ચડ્યો. ઍવેન્જર્સે ઘણી કોશિશ કરી પણ તે તેનું માન્યો નહીં. થેનોસે મોકો ઝડપી આખા લાસ વેગસની લાઇટ બંધ કરી દીધી. અચાનક અંધારપટથી દેશ-વિદેશના લોકો હેબતાઈ ગયા. દ્યૂતનાં મશીન ઊભાં રહી ગયાં. કોઈના જૅકપૉટ લાગી ગયા તો કોઈ જૅકપૉટ લઈને ભાગી ગયો હતો.
ગાઢ અંધારામાં અશ્વત્થામાના કપાળનો મણિ ઝળહળવા લાગ્યો જે થાનૉસ ચુપકે- ચુપકે ચોરી કરી ગયો. ‘ચુપકે ચુપકે રાત દિન...’ ગુલામ અલીની પ્રસિદ્ધ ગઝલ છે. આપણા દેશે અંગ્રેજોની ખૂબ ગુલામી સો વર્ષ ભોગવી છે.
‘સો દા’ડા સાસુના ને એક દા’ડો વહુનો’ એવી આપણી કહેવત છે. સૌરાષ્ટ્રમાં દા’ડામાં ભજન ગાવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ભજનનો શોખ મણિના વર મગનને પણ હતો. મણિ અને મગનનો સંસાર ખૂબ સારો ચાલે છે. હાલ મણિ અઘેણીનું આણું વાળીને સાસરે જવાની છે. લાસ વેગસમાં હવે મણિ વગરનો અશ્વત્થામા ઘૂમ્યા કરે છે, કારણ કે તે તો ચિરંજીવ છેને! ચિરંજીવ સાઉથનો હીરો પણ છે અને હીરો HS 11 તો... થાનૉસ પાસે છે...! રાઇટ?

columnists social media avengers surat diamond burse gujarati mid day