23 September, 2026 05:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અશોક ખંધેડિયા
૧૫ વર્ષ પહેલાં ઘરના અનુભવ પરથી એવું લાગ્યું કે સમાજમાં યોગ્ય પાત્રને મેળવવામાં પ્લૅટફૉર્મ પૂરું પાડે એવા કોઈ મૅરેજ બ્યુરોની જરૂર છે અને અમે પહેલો જ્ઞાતિ-બેઝ્ડ અને હવે બધી જ ગુજરાતી જ્ઞાતિઓનો નિ:શુલ્ક મૅરેજ બ્યુરો શરૂ કર્યો ત્યારની સ્થિતિ અને આજની સ્થિતિમાં જમીન-આસમાનનો ફરક આવ્યો છે. અમે બાયોડેટા મુજબ જુદાં-જુદાં ગ્રુપ્સ બનાવ્યાં જેમાં ડિવૉર્સી, વિદેશમાં વસતાં પાત્રો, દિવ્યાંગ, લગ્નની ઉંમર વટાવી ગયેલા લોકોનું ગ્રુપ અને પાછલી વયે પાર્ટનરના ગુજરી જવાથી એકલા પડેલા લોકોનું ગ્રુપ વગેરે. રેફરન્સ સાથે જ નામ લેવાનાં. જોકે પાંચ વર્ષે હવે પેઢી બદલાય છે અને ૧૫ વર્ષમાં લગ્નની ૩ જુદી-જુદી પેઢીઓ અમે જોઈ છે. પહેલાં માત્ર સારું ઘર, દેખાવડો અને સારું કમાતો યુવક અને દેખાવડી ઘરગૃહસ્થી સંભાળી શકતી યુવતી જોવાતી. બહુ-બહુ તો જ્ઞાતિ અને પરિવારનો વેલો જોવાતો. આજે એવું નથી. આજે તમે કાગળ-પેનથી બનાવેલો કે કમ્યુટરમાં બનાવેલો બાયોડેટા પણ ચાલતો નથી. આજે લોકોને AI દ્વારા બનેલો બાયોડેટા જોઈએ છે જેમાં તેમની સોશ્યલ હિસ્ટરી અને પસંદ-નાપસંદ, કૉમ્પિટેબિલિટી જેવાં દુનિયાભરનાં નવાં-નવાં એલિમેન્ટ્સ ઉમેરવામાં આવ્યાં છે. લોકોને જરાય કૉમ્પ્રોમાઇઝ કરવું નથી. લોકોને સંબંધ બાંધવામાં જાણે કે સામેવાળા પર ઉપકાર થઈ રહ્યો હોય એ રીતે આગળ વધવું છે જે ઉચિત નથી. લેટ ગો ન કરવાની માનસિકતા વચ્ચે લેટ થઈ જાય એનાથી તેમને કોઈ વાંધો નથી. આજે ૧૯૮૦ પહેલાં જન્મેલા ૨૦૦ બાયોડેટા છે જેઓ સિંગલ છે અને લગ્ન કરવા માગે છે, પરંતુ તેમને જોઈતું પાત્ર ન મળવાને કારણે રાહ જોઈ રહ્યા છે.
કેવી-કેવી બાબતોમાં રિજેક્ટ કરી દેવાય છે એ કારણો જાણો તો દંગ રહી જશો. તે મળવા માટે લઘરવઘર કપડાંમાં આવ્યો, કારનો દરવાજો ન ખોલ્યો, ડ્રિન્ક ઑફર ન કર્યું, તે બહુ લાઉડલી હસતી હતી અથવા તેની ડ્રેસિંગ-સેન્સ નબળી હતી વગેરે... વગેરે... અમે પરિચય મિલનના મેળાવડા કરીએ અને છોકરા-છોકરીને રૂબરૂમાં ભેગાં કરીએ. રીતસર ફોટોમાં સાવ જુદાં હોય અને રિયલમાં તદ્દન અલગ લાગતાં હોય. વિદેશમાં જવાનું ઘેલું આજે પણ છોકરીઓને છે. છોકરો વિદેશમાં રહે છે અને લગ્ન પછી ત્યાં રહેવાનું છે તો એ બાયોડેટાને જોવાશે, પરંતુ કેટલીયે છોકરીઓએ એ પછીયે બાયોડેટા રિજેક્ટ કર્યો હોય જ્યારે તેમને ખબર પડી હોય કે ત્યાં જઈને પાર્ટટાઇમ કામ કરવું પડશે. છોકરાઓ પણ બધી જ રીતે સારી છોકરી રિજેક્ટ કરી દે છે જ્યારે તેમને ખબર પડે કે છોકરીને વિદેશમાં સારી જૉબ મળે એવો તેનો એજ્યુકેશનલ પ્રોફાઇલ નથી. આજના સમયમાં યુવક-યુવતીનાં લગ્ન કરાવવાં અને એના માટે તેમને કન્વીન્સ કરવાં એ બહુ જ વિકટ પ્રશ્ન બનતો જાય છે અને એમાં સૌથી વધુ મરો મા-બાપનો થઈ રહ્યો છે.