‘પ્રેમ રોગ’ માટે રાજ કપૂરે કઈ રીતે પદ્‍મિની કોલ્હાપુરેની સ્ક્રીનટેસ્ટ લીધી?

14 December, 2022 04:23 PM IST  |  Mumbai | Rajani Mehta

રણધીર કપૂર કામના અભાવે ‘રેસ્ટલેસ’ હતો. એટલે થોડા સમય માટે રાજ કપૂરે ‘બૅક સીટ ડ્રાઇવિંગ’ કરવાનું નક્કી કર્યું અને રણધીર કપૂરને નવા પ્રોજેક્ટની જવાબદારી સોંપી. 

‘પ્રેમ રોગ’ માટે રાજ કપૂરે કઈ રીતે પદ્‍મિની કોલ્હાપુરેની સ્ક્રીનટેસ્ટ લીધી?

‘સત્યમ શિવમ સુંદરમ’ની વિવેચકોએ આકરી ટીકા કરી. રાજ કપૂરની ધારણાથી વિપરીત બૉક્સ-ઑફિસ પર ફિલ્મ સાધારણ સાબિત થઈ. ‘સૉલમેટ’ મુકેશ હવે આ દુનિયામાં નહોતા. આવી પરિસ્થિતિમાં રાજ કપૂર દિશાહીન બની ગયા. આ તરફ આર. કે. સ્ટુડિયોના કર્મચારીઓનો પગાર ચાલુ હતો. તત્કાળ રાજ કપૂર પાસે નવી ફિલ્મની કોઈ યોજના નહોતી. રણધીર કપૂર કામના અભાવે ‘રેસ્ટલેસ’ હતો. એટલે થોડા સમય માટે રાજ કપૂરે ‘બૅક સીટ ડ્રાઇવિંગ’ કરવાનું નક્કી કર્યું અને રણધીર કપૂરને નવા પ્રોજેક્ટની જવાબદારી સોંપી. 

રણધીર કપૂરે એક કૉમેડી સ્ક્રિપ્ટ ફાઇનલ કરી. આમ ‘બીવી ઓ બીવી’ની શરૂઆત થઈ. ‘કલ આજ ઔર કલ’ અને ‘ધરમ કરમ’માં રણધીર કપૂરનું ડિરેક્શન હતું, પણ હવે તે પૂરો સમય અભિનયમાં આપવા માગતો હતો એટલે આ ફિલ્મ માટે તેણે યુવાન મિત્ર રાહુલ રવૈલની પસંદગી કરી (પ્રોડયુસર-ડિરેક્ટર એચ. એસ. રવૈલનો પુત્ર રાહુલ રાજ કપૂરના હાથ નીચે અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરતો હતો).

સંજીવકુમાર જેવા પ્રતિભાશાળી કલાકારની આર. કે. કૅમ્પ માટે આ પહેલી અને અંતિમ ફિલ્મ હતી. તેમની ઇચ્છા હતી કે જીવનમાં એક વાર રાજ કપૂરના હાથ નીચે કામ કરવાનો મોકો મળે, પરંતુ રાજ કપૂરને આ ફિલ્મમાં વધારે રસ નહોતો. હા, સમયાંતરે તે નાનાં-મોટાં સૂચનો કરતા. 

એ દિવસોમાં સરોશ મોદી સંજીવકુમારના અંગત ‘મેકઅપમૅન’ તરીકે કામ કરતા હતા. એક દિવસ તેમણે રાજ કપૂરને પૂછ્યું કે ફિલ્મના બે મુખ્ય કલાકાર સંજીવકુમાર અને રણધીર કપૂરના પાત્ર માટે તેમના મનમાં કોઈ ચોક્કસ ઇમેજ છે? તો એ પ્રમાણે બન્નેનો મેકઅપ થઈ શકે. આર્ચી કૉમિક્સના ફૅન રાજ કપૂરે તરત જવાબ આપ્યો. ‘ડબ્બુ આર્ચી છે અને સંજીવકુમાર તેની ગર્લફ્રેન્ડ વેરોનિકાનો પિતા મિસ્ટર લૉજ છે.’ આમ ડબ્બુ આર્ચી બન્યો અને સંજીવકુમાર મિસ્ટર લૉજ. ‘બીવી ઓ બીવી’ એક કૉમેડી ફિલ્મ હતી જે બોક્સ-ઑફિસ પર સાધારણ સાબિત થઈ. 

ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું ત્યારે નવરાશના સમયમાં રાજ કપૂર નવા પ્રોજેક્ટ માટે સારી વાર્તાની શોધમાં અનેક લેખકો સાથે મીટિંગ કરતા. એ દિવસોમાં તેમના ‘ઇનર સર્કલ’માં એક નવું નામ ઉમેરાયું હતું. જૈનેન્દ્ર જૈન હિન્દી ભાષામાં પબ્લિશ થતા, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ ગ્રુપના ફિલ્મ મૅગેઝીન ‘માધુરી’ના પત્રકાર હતા. ગીતકાર વિઠ્ઠલભાઈ પટેલ અને પબ્લિસિસ્ટ વી. પી. સાઠેએ તેમની મુલાકાત રાજ કપૂર સાથે કરાવી. તેમને ‘બૉબી’ના સંવાદો લખવાની જવાબદારી સોંપાઈ. ‘બૉબી’ સુપરહિટ ફિલ્મ હતી. ત્યાર બાદ ‘સત્યમ શિવમ સુંદરમ’માં તેમણે સંવાદો લખ્યા. આમ જૈનેન્દ્ર જૈન રાજ કપૂરની નિકટ આવ્યા. તેમની સાથે બેસી રાજ કપૂર કૉટેજમાં ડ્રિન્ક લેતાં અનેક નવી સ્ક્રિપ્ટ પર ચર્ચાવિચારણા કરતા. 
 

જૈનેન્દ્ર જૈનનું સપનું હતું કે તે રાજ કપૂરની ફિલ્મનું ડિરેક્શન કરે. મોકો જોઈને તેમણે રાજ કપૂરને કહ્યું, ‘તમે મોટા પ્રોજેક્ટ માટે વિચાર કરો છે. એ ફાઇનલ થાય ત્યાં સુધીમાં મારી ઇચ્છા છે કે આપણે એક લો બજેટની ફિલ્મ બનાવીએ જેનું ડિરેક્શન હું કરું.’ આટલું કહી તેમણે બે-ત્રણ સ્ક્રિપ્ટ રાજ કપૂર સાથે ડિસ્કસ કરી. જોકે રાજ કપૂરને એક પણ સ્ક્રિપ્ટ પસંદ ન આવી. 

આ પણ વાંચો: લતા મંગેશકરને હિરોઇનનો રોલ રાજ કપૂરે પોતાની કઈ ફિલ્મમાં આૅફર કર્યો હતો?
 

એક દિવસ રાજ કપૂરના સેક્રેટરી હરીશ બિબરા હૉન્ગકૉન્ગથી આવેલી એક ભારતીય મહિલાને લઈને રાજ કપૂર પાસે આવ્યા. અલાહાબાદ યુનિવર્સિટીની ગ્રૅજ્યુએટ કામના ચંદ્રા ટેલિવિઝન અને ઑલ ઇન્ડિયા રેડિયો સાથે લગભગ ૨૫ વર્ષથી સંકળાયેલી હતી. તેણે અનેક નાટકો લખ્યાં હતાં, જે ટી. વી. અને રેડિયો પર ભજવાયાં હતાં. તે પોતે ટૂંકી વાર્તાઓ પણ લખતી હતી. મલ્ટિનૅશનલ કંપનીમાં ઊંચા હોદ્દા પર તેના પતિનું પોસ્ટિંગ હૉન્ગકૉન્ગમાં થયું હતું. તેની ઇચ્છા હતી કે એક ટૂંકી વાર્તાનું પઠન રાજ કપૂર સામે કરવું. 
 

મોટો સવાલ એ હતો કે રાજ કપૂરને મળવું કઈ રીતે? તેની પાસે ગ્રેટ શોમૅનનો સંપર્ક કરવા કોઈ ‘મિડલમૅન’ નહોતો. તે જાણતી હતી કે બે બિંદુ વચ્ચે ઓછામાં ઓછું અંતર એ સીધી લાઇન છે. તેણે આર. કે. સ્ટુડિયોમાં ફોન કરીને સીધું એમ જ કહ્યું, ‘મારે રાજ કપૂર સાથે વાત કરવી છે.’ ઑપરેટરે ફોન સેક્રેટરીને ટ્રાન્સફર કર્યો. હરીશ બિબરા તેની વાતોથી પ્રભાવિત થયા અને તેમણે રાજ કપૂર સાથે મુલાકાત નક્કી કરાવી. 

રાજ કપૂર એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘મેં જે દિવસે તેની સાથે કૉટેજમાં મીટિંગ કરી ત્યારે રાજેન્દ્રકુમાર અને જૈનેન્દ્ર જૈન હાજર હતા. તેની વાર્તાનું કોઈ શીર્ષક નહોતું. વાર્તા સારી હતી પરંતુ એનું પોત સાવ પાતળું હતું. એના પરથી ત્રણ કલાકની ફિલ્મ બને એવું નહોતું. એમાં નાટ્ય તત્ત્વ ઉમેરવું જરૂરી હતું, જેથી એક સારી ફિલ્મ બની શકે. મેં તેને એ પણ સમજાવ્યું કે આ કઈ રીતે કરી શકાય.’

આ પણ વાંચો: બિનઅનુભવી ડિમ્પલે સ્ક્રીનટેસ્ટમાં એવું તો શું કર્યું કે ‍રાજ કપૂરે તેને ‘બૉબી’ની હિરોઇન બનાવવાનું નક્કી કર્યું

કામના ચંદ્રાએ દિલ લગાવીને પોતાનું કામ શરૂ કર્યું. રાજ કપૂર સાથે થોડી મુલાકાતો થઈ અને અંતે એક એવી વાર્તા તૈયાર થઈ જે રાજ કપૂરના મનમાં હતી. જૈનેન્દ્ર જૈન જાણતા હતા કે આ એક ‘હિરોઇન-ઓરિયેન્ટેડ’ ફિલ્મ બની શકે એવી વાર્તા છે. કામના ચંદ્રાની વાર્તામાં શરૂઆતમાં કેવળ એક છોકરીની વાત હતી જે પોતાના હક માટે લડે છે. ફિલ્મ બનાવવા માટે તેમાં એક છોકરાના પાત્રનું આલેખન કરવામાં આવ્યું. આ નવી વાર્તા ‘અપરાજિતા’ના સ્ક્રીનપ્લે અને ડાયલૉગ (પટકથા અને સંવાદો) લખવાનું કામ જૈનેન્દ્ર જૈનના હાથે શરૂ થયું. આમ ફાઇનલ સ્ક્રિપ્ટ બની જેનું રાજ કપૂરે ટાઇટલ આપ્યું ‘પ્રેમ રોગ’. 
 

જેમ-જેમ ‘પ્રેમ રોગ’ની સ્ક્રિપ્ટ ફાઇનલ થતી જતી હતી તેમ-તેમ રાજ કપૂરના મનમાં હીરો અને હિરોઇન માટે કોને લેવાં છે, એ બાબત સ્પષ્ટ થતી જતી હતી. એક સમૃદ્ધ પણ રૂઢિચુસ્ત ઠાકુર પરિવારની પુત્રી, જે બાળવિધવા બને છે; એ ભૂમિકા માટે પદ્‍મિની કોલ્હાપુરે અને એક ગરીબ બ્રાહ્મણ પંડિતનો છોકરો, જે મનોમન તેને ચાહે છે; એ ભૂમિકા માટે રાજ કપૂરે રિશી કપૂરને પસંદ કર્યા. 
 

એક ઇન્ટરવ્યુમાં પદ્‍મિની કોલ્હાપુરે કહે છે, ‘મને એ દિવસ બરાબર યાદ છે જ્યારે હું મારાં માતાપિતા સાથે રાજઅંકલને મળવા લોની ફાર્મહાઉસ પર ગઈ હતી. ‘ઇશ્ક ઇશ્ક ઇશ્ક’માં મેં એક નાનો રોલ કર્યો હતો પણ મને લાગે છે કે તેમને એ વાતની જાણ નહીં હોય. એક નૃત્યના કાર્યક્રમમાં તેમણે મને પર્ફોર્મ કરતાં જોઈ હતી. હું બાર વર્ષની હતી. તેમના નામ માત્રથી ગભરાઈ ગઈ હતી, કારણ કે અમારા ઘરમાં તેમનું નામ અહોભાવથી લેવામાં આવતું. 

આ પણ વાંચો: જેની લગની લાગી હોય તેની સાથે લગ્ન કરવાનું સદ્ભાગ્ય દરેકનું નથી હોતું

ફાર્મહાઉસ પર મંદિરનો સેટ બનાવ્યો હતો. મારો મેકઅપ થયો અને રાજઅંકલે કહ્યું, ‘એક ખૂણેથી બીજા ખૂણે સીધી લાઇનમાં ચાલીને બતાવ.’ બસ, આટલી જ વાત હતી. એમાં કોઈ અભિનય નહોતો કરવાનો. તો પણ હું ડરેલી હતી.’ પદ્‍મિની કોલ્હાપુરેની અભિનયક્ષમતાનો હીરાપારખુ રાજ કપૂરને એ દિવસે જ અંદાઝ આવી ગયો. એ કારણે જ ‘પ્રેમ રોગ’ની મનોરમાનો રોલ તેને મળ્યો.

અમારી સંસ્થા ‘સંકેત’ દ્વારા ૨૦૧૯માં અભિનેતા બિશ્વજિતનું અભિવાદન કર્યું હતું. તે દરમ્યાન તેમની સાથે નિકટતા વધી. એક કાર્યક્રમમાં ગ્રીનરૂમમાં તેમની સાથે ગપસપ ચાલતી હતી એ દરમ્યાન હાજર રહેલી પદ્‍મિની કોલ્હાપુરેએ કહેલો કિસ્સો યાદ આવે છે. ‘પ્રેમ રોગ’ માટે મારે જે સ્ક્રીનટેસ્ટ આપવી પડી એ સહેલી નહોતી. રાબેતા મુજબ ડિરેક્ટર કોઈની સ્ક્રીનટેસ્ટ લે, એના કરતાં ખૂબ જ બારીકાઈથી અને વિસ્તારપૂર્વક રાજસાબ કામ કરતા. તેમણે મને ત્રણ-અલગ અલગ દૃશ્યો ભજવવાનું કહ્યું. 

પહેલા દૃશ્યમાં હું પારંપરિક રીતે ચણિયા-ચોળી પહેરીને પૈસાદાર ઠાકુર પરિવારની પુત્રી બની હતી; જે ખૂબ મસ્તીખોર અને નટખટ છે. બીજા દૃશ્યમાં હું એક નવવધૂ છું જે લાલચોળ મોંઘા પાનેતરમાં સજ્જ છે, અને સૌથી મુશ્કેલ હતું ત્રીજું દૃશ્ય; જેમાં હું બાળવિધવા છું અને મારા મુંડનની તૈયારી થઈ રહી છે. આ ત્રણે દૃશ્યો એકમેકથી અલગ હતાં. હું ખુશનસીબ છું કે હું તેમની પરીક્ષામાં ખરી ઊતરી.’

‘પ્રેમ રોગ’નાં બાકીનાં મહત્ત્વનાં પાત્રો માટે શમ્મી કપૂર, નંદા, તનુજા, કુલભૂષણ ખરબંદા, બિંદુ સહિત અનેક કલાકારો અને સંગીતકાર તરીકે લક્ષ્મીકાન્ત-પ્યારેલાલને પસંદ કરવામાં આવ્યા. ત્યાર બાદ રાજ કપૂરે ફરી એક એવી ભૂલ કરી જે તેઓ ભૂતકાળમાં એક નહીં, બે નહીં, ત્રણ વાર કરી ચૂક્યા હતા. એ વાત આવતા શનિવારે.

columnists raj kapoor rajani mehta randhir kapoor