૮૩ વર્ષની ઉંમરે સ્વરમાં એવી જ મીઠાશ જળવાઈ કઈ રીતે?

20 October, 2021 07:13 PM IST  |  Mumbai | Varsha Chitaliya

ગુજરાતી સુગમ સંગીત અને શાસ્ત્રીય સંગીત સાથે જેમનો જીવનભરનો અતૂટ નાતો રહ્યો છે એવાં પૌરવી દેસાઈને જ્યારે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે શું કહ્યું એ વાંચી લો

૮૩ વર્ષની ઉંમરે સ્વરમાં એવી જ મીઠાશ જળવાઈ કઈ રીતે?

શિવનાં ડમરુંમાંથી, શ્રીકૃષ્ણની બંસરીમાંથી અને નારદજીની વીણામાંથી નીકળેલા સૂરની સંગાથે ભારતીય શાસ્ત્રીય સંગીત પણ હજારો વર્ષથી માનવમન પર છવાયેલું છે. એની સાધના કરવી એ ઈશ્વર સુધી પહોંચવાનો મારગ છે તો એનો પ્રસાર કરવો કલાકારોનો ધર્મ છે. ખાસ કરીને ગુજરાતી સુગમ સંગીતને શ્રોતાઓના હૃદય સુધી પહોંચાડવામાં અનેક દિગ્ગજ કલાકારોની જેમ પૌરવી દેસાઈનું યોગદાન નોંધનીય છે. વિલે પાર્લેમાં રહેતા ૮૩ વર્ષના વર્સેટાઇલ સિંગર આજે પણ સંગીત અને સ્વરના માધ્યમથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવાની તાકાત ધરાવે છે. જોકે આ ઉંમર સુધી સ્વરને પકડી રાખવું અઘરું છે. ગળાની મીઠાશને બરકરાર રાખવા તેઓ શું કરે છે તેમ જ તેમની સંગીતમય સફર કેવી રહી એની રસપ્રદ વાતોને અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. 
સુરીલા સ્વરનું રહસ્ય
જેમ-જેમ ઉંમર વધે જીભ થોથવાય, સ્પષ્ટ ઉચ્ચારો ન નીકળે જ્યારે તમે દરેક રાગને લયમાં ગાઈ શકો છો. ૮૩ વર્ષની ઉંમર સુધી સ્વરની કોમળતા કઈ રીતે જાળવી શક્યા છો? કેટલા કલાક રિયાઝ કરો છો? આ પશ્નનો જવાબ આપતાં પૌરવીબહેન કહે છે, ‘ક્લાસિકલ અને સુગમ સંગીતનો શોખ હંમેશાંથી હતો. અમારા ઘરમાં સંગીત વાગતું જ હોય. સાંભળતાં-સાંભળતાં મોટેથી ગાવું એ જ મારો રિયાઝ છે. સમયમાં બંધાઈને સંગીતની સાધના ન થાય. હસબન્ડને પણ સંગીતનો ખૂબ શોખ હોવાથી અમે ક્લાસિકલ મ્યુઝિકના પ્રોગ્રામ જોવા 
બહુ જતા. આમ સંગીત સાથેનો નાતો જીવંત રહ્યો. જોકે મારી ૬૦ વર્ષની ઉંમર બાદ થોડાં વર્ષો સુધી પંડિત ભીમસેન જોશીના શિષ્ય શ્રી નારાયણરાવ દેશપાન્ડે રિયાઝ કરાવવા આવતા હતા. વોકલ હેલ્થ માટે સાદું ભોજન લઉં છું. દાળ-ઢોકળી અતિ પ્રિય છે. મીઠાઈનો શોખ છે, પરંતુ ખાતી નથી. તીખો, તળેલો અને વધારે મસાલાવાળો ખોરાક ખાવાની ટેવ જ ન હોય એટલે કુદરતી રીતે અવાજની મીઠાશ જળવાઈ રહે.’ 
શરૂઆત કેમ મોડી કરી?
કૉલેજકાળમાં સંગીત સાથે કનેક્ટેડ થયેલા અને એ વખતે અનેક કાર્યક્રમોમાં લાઇવ પર્ફોર્મન્સ આપી ચૂકેલાં પૌરવીબહેને છેક ૧૯૮૭માં સંગીત વિશારદની પરીક્ષા પાસ કરી હતી. ત્યાર બાદ માસ્ટર્સ લેવલની એક્ઝામ આપી. ક્લાસિસ પણ મોડેથી શરૂ કર્યા. લાંબી રાહ જોવાનાં કારણો જણાવતાં તેઓ કહે છે, ‘અવાજ સારો હોય અને સંગીતની સમજ હોય તો કાર્યક્રમોમાં ગાવાની તક મળી જાય. યુવાનીમાં બેઝિક તાલીમ લીધી હતી, પરંતુ પરીક્ષા આપવાનો વિચાર આવ્યો નહોતો. લગ્ન બાદ દરેક સ્ત્રીની જેમ સાંસારિક જવાબદારીઓ હતી. રેકૉર્ડિંગ માટે આ ટાઇમ ફાવશે ‍એવું કહી શકો પણ કાર્યક્રમોનો સમય સાચવવો પડે. સંતાનોને મૂકીને લાઇવ પ્રોગ્રામ કરવા નહોતા તેથી લાંબો બ્રેક લીધો. ૨૫થી ૫૦ની ઉંમરના ગાળામાં ખૂબ જ ઓછા કાર્યક્રમો કર્યા છે. જોકે, સંગીતનો પ્રવાહ ક્યારેય અટકતો નથી. પારિવારિક જવાબદારીઓ પૂરી થયા બાદ પરીક્ષાઓ આપી. વાસ્તવમાં નિવૃત્તિની વયે પોતાના શોખને રીઇન્વેન્ટ કર્યું છે.’
સંગીત ઍકૅડેમી
આગળની ઘટમાળ વિશે માહિતી આપતાં તેઓ કહે છે, ‘આ દરમિયાન સરસ વાત બની. ભવન્સમાંથી ફોન આવ્યો કે સંગીત શીખવવા આવશો? સંગીતમાં રહેવું ગમે તેથી હા પાડી. ભવન્સમાં કેટલીક મોટી ઉંમરની મહિલાઓ આવતી હતી. તેમણે પૂછ્યું કે આઠ-દસ લેડીઝ હોય તો ઘરે આવશો? ત્યાર બાદ ગુજરાત રિસર્ચ સોસાયટીએ મહિલાઓના ક્લાસિસ માટે આમંત્રણ આપ્યું. અહીં બે દાયકા સુધી શીખવાડવાની સાથે નવું-નવું શીખતી પણ રહી. એક તબક્કો આવ્યો જ્યારે ઘરના સંજોગો અને હેલ્થના કારણે બહાર જવાનું બંધ કરવું પડ્યું. એ સમયે પોતાની સંગીત ઍકૅડેમીનો 
પાયો નંખાયો. હાલમાં ગુજરાતી સુગમ સંગીત અને ક્લાસિકલ મ્યુઝિક (હિન્દીમાં) શીખવું છું. સ્વાસ્થ્ય સારું રહેવા લાગતાં હવે રેકૉર્ડિંગ માટે સ્ટુડિયોમાં જાઉં છું. તાજેતરમાં સંગીતયાત્રા નામનું આલબમ બહાર પાડ્યું છે અને કૉમ્પોઝિશન પણ જાતે કર્યું છે.’

સંગીતમય સફર

 ગુજરાતી લિટરેચરમાં એમ. એ.ની ડિગ્રી મેળવી છે. બાવીસ વર્ષની ઉંમરથી ઑલ ઇન્ડિયા રેડિયો તેમ જ મુંબઈમાં દૂરદર્શન (૧૯૭૨) આવ્યું ત્યારથી પચીસ વર્ષ ગાયું છે. 
 મેલોડિયસ વૉઇસ ધરાવતાં પૌરવીબહેન સુગમ સંગીત ઉપરાંત ભજનો, જૈન સ્તવન, ગઝલ ગાય છે. નવરાત્રિ દરમિયાન વીણા મહેતા અને નવીન શાહ (વર્ણમ)ના ગરબાના પ્રોગ્રામો કર્યા છે. 
 અનેક જાણીતા ગુજરાતી સિંગર સાથે તેમણે સ્ટેજ શૅર કર્યું છે. પૌરવીબહેનના એક રેડિયો પ્રોગ્રામમાં પંડિત હરિપ્રસાદ ચૌરસિયાએ ફ્લુટ વગાડી હતી. 
 ૧૯૯૩થી ૨૦૨૦ સુધી અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયની વિશારદ પરીક્ષામાં એક્ઝામિનર તરીકે સેવા આપી છે.
 અત્યાર સુધીમાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને સંગીતની તાલીમ આપી છે જેમાંથી અડધાથી ઉપર સિનિયર સિટિઝન્સ છે જેમણે પારિવારિક જવાબદારીઓ પૂરી કર્યા બાદ પોતાનો સંગીતનો શોખ પૂરો કર્યો છે. 
 પ્રવાસ કરવો ખૂબ ગમે. ભારત અને વિદેશમાં ઘણું ફર્યાં છે. અમેરિકામાં તેમના સ્વતંત્ર જાહેર કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે. આ સિવાય અનેક આલબમો (કૅસેટ) આવ્યાં છે. 
 દોઢસો જેટલા દિગ્ગજ કલાકારોને તેમણે સ્ટેજ પર લાઇવ ગાતા સાંભળ્યા છે. 

columnists Varsha Chitaliya