લાઇફમાં મનીપાવર બહુ જરૂરી છે

25 August, 2026 05:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૈસાની સાચી તાકાત માત્ર મોંઘી વસ્તુઓ ખરીદવામાં નહીં, પરંતુ આર્થિક સ્વતંત્રતા, યોગ્ય નિર્ણય અને જોખમ લેવાની હિંમતમાં રહેલી છે. યુવાનીમાં બચત, રોકાણ, બજેટિંગ અને યોગ્ય નાણાકીય આયોજનથી મજબૂત મનીપાવર અને સુરક્ષિત ભવિષ્ય બનાવી શકાય છે.

ગિરીશ મેઘાણી

દરેક મનુષ્યને ભરપૂર પૈસા કમાવાની ઇચ્છા હોય છે, પછી તે કોઈ શ્રમિક હોય કે અમિતાભ બચ્ચન હોય. પૈસામાં બહુ જ તાકાત છે અને પૈસાની એ તાકાત એટલે કે મનીપાવર માટે બધા દિવસ-રાત દોડતા હોય છે. મનીપાવર દેખાડવાની મજા સૌને માણવી છે. કલ્પના કરો કે કોઈ સામાજિક ફંક્શન છે જેમાં અનેક મહેમાનો પધાર્યા છે. સૌનો સામાજિક હોદ્દો જુદો છે. આવા કાર્યક્રમમાં શ્રીમંત વ્યક્તિને જે આદર મળે છે એ સામાન્ય વ્યક્તિને મળે છે? આવું થવાનું કારણ બિલકુલ સ્પષ્ટ છે - મનીપાવર. ઘણા લોકોને મનમાં પ્રશ્ન થતો હોય છે કે સદીના મહાનાયકને શું ખોટ છે કે આ ઉંમરે આટલું કામ કરતા હશે? એના માટે જવાબદાર આ મનીપાવર જ હોઈ શકે છે એવું હું મારા સેશનમાં વારંવાર કહેતો હોઉં છું. 
મનુષ્યના જીવનમાં સૌથી મહત્ત્વપૂર્ણ તબક્કો છે યુવાની. આવડત, બુદ્ધિ, મહેનત, યોગ્ય વિચારો અને સાચા નિર્ણયો ભવિષ્યની ઇમારતનો પાયો નાખે છે. આ સમયગાળામાં પૈસાની સાચી તાકાત અને એનું મૂલ્ય સમજવું ખૂબ જ જરૂરી છે. પહેલાં તો એ સમજીએ કે મનીપાવર વધારવા માટે શું કરવું જોઈએ? પૈસાની ખરી તાકાત મોંઘી ગાડીઓ કે બ્રૅન્ડેડ કપડાં ખરીદવામાં નથી, પરંતુ એ આપણને ‘ના’ કહેવાની સ્વતંત્રતા આપે છે. આપણી પાસે નાણાકીય સ્થિરતા હોય ત્યારે મજબૂરીમાં અનિચ્છનીય કામ કે સંબંધોમાં સમાધાન બિલકુલ નથી કરવું પડતું. પૈસાની બચત કરતાં સમયની બચત વધુ મૂલ્યવાન હોય છે છતાં મનીપાવર આપણને સમય ખરીદવાની તાકાત આપે છે, રોજિંદાં નાશવંત કામોમાંથી મુક્તિ અપાવીને પોતપોતાના કૌશલ્ય અને પૅશન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય આપે છે. આપણી પાસે પર્યાપ્ત નાણાકીય બૅકઅપ હશે તો નવો બિઝનેસ શરૂ કરવાનું, કંઈક અલગ કરવાનું કે નાનું-મોટું જોખમ ખેડવાનું સાહસ કેળવાશે. યુવાનીમાં નાના પાયે પણ શરૂ કરેલું રોકાણ લાંબા ગાળે ચક્રવૃદ્ધિ વ્યાજને કારણે એક વિશાળ ભંડોળ બની શકે છે. કમાવાની સાથે પૈસાનું યોગ્ય મૅનેજમેન્ટ શીખવું, નાણાકીય જ્ઞાન વધારવું એ જ સફળતાની ખરી ચાવી છે. આપણા નાણાકીય લક્ષ્યાંકને અચીવ કરવો બિલકુલ અઘરું નથી. પોતપોતાની બુદ્ધિ, જોખમ ખેડવાની ક્ષમતા અને ભવિષ્યનાં સપનાંઓ સાકાર કરવા માટે ચોક્કસ બજેટિંગ, ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગ્સ-પ્લાન બનાવીને એને હાંસલ કરી શકાય છે. કોઈના દોરવ્યા વિના, ખોટો નિર્ણય લીધા વિના યોગ્ય સલાહ અને આયોજનપૂર્વક લક્ષ્ય તરફ આગળ વધીને ભવિષ્યને સુર​િક્ષત કરવામાં સમજદારી છે. આ સમય દરમ્યાન નાસીપાસ થવાને બદલે મૂળ લક્ષ્ય સાથે વળગી રહેનાર મનીપાવર મેળવવામાં ચોક્કસ સફળ થાય જ છે. 

columnists finance news finance ministry exclusive gujarati mid day