તમારું ભવિષ્ય તમારી આદતો લખે છે

22 June, 2026 02:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દુનિયામાં એવું કોઈ નહીં હોય જેની અંદર કોઈ આદત ન હોય. જો આપણે આદતના શબ્દકોશના અર્થને જોઈશું તો એમાં એવું લખ્યું છે કે ‘એવી ક્રિયા જેને તમે અવારનવાર અને નિયમિત રીતે કરો છો, કેટલીક વાર તો એ જાણ્યા વગર કે તમે શું કરી રહ્યા છો.’

તમારું ભવિષ્ય તમારી આદતો લખે છે

દુનિયામાં એવું કોઈ નહીં હોય જેની અંદર કોઈ આદત ન હોય. જો આપણે આદતના શબ્દકોશના અર્થને જોઈશું તો એમાં એવું લખ્યું છે કે ‘એવી ક્રિયા જેને તમે અવારનવાર અને નિયમિત રીતે કરો છો, કેટલીક વાર તો એ જાણ્યા વગર કે તમે શું કરી રહ્યા છો.’ દાખલા તરીકે જ્યારે આપણે કોઈક વ્યક્તિને એમ પૂછીએ છીએ કે ‘તમે આટલું જોરથી કેમ બોલો છો કે આજુબાજુનું વાતાવરણ અશાંત થઈ જાય છે?’ તો તેનો વળતો જવાબ હશે કે ‘આ તો પહેલેથી જ મારી આદત છે.’ આમ કહીને તે એવું દર્શાવવા માગે છે કે તે ઇરાદાપૂર્વક અથવા તો વિચારપૂર્વક આવું નથી કરતો, પરંતુ સ્વાભાવિક જ તેનાથી આવું થઈ જાય છે. 
આપણે સૌ આ વાતના અનુભવી છીએ કે કઈ રીતે જ્યારે આપણે નવી આદતો કેળવવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ ત્યારે જૂની આદતો એમાં વારંવાર અડચણો નાખે છે અને નવી આદતને અંદર આવવા માટે અટકાવે છે જેના પરિણામે આપણે નિરાશ થઈને એવું વિચારવા લાગીએ છીએ કે આપણે એટલા કમનસીબ છીએ કે આપણાથી જૂની આદત છૂટતી જ નથી. જોકે અહીં આપણે એ ભૂલી જઈએ છીએ કે જૂની આદતો જે આજે આટલી બધી પ્રબળ છે એ કંઈ એક દિવસમાં તો આટલી શક્તિશાળી નથી બની. ઘણા લાંબા સમયથી, અનેક વાર એમને ક્રિયારૂપે કરવામાં આવ્યા બાદ એ આજે આટલી મજબૂત બની શકી છે. આનો અર્થ એ થયો કે કોઈ પણ આદત ત્યારે મજબૂત બને છે જ્યારે એને લાંબા સમય સુધી ક્રિયા તરીકે કરવામાં આવે છે. અતઃ આજે જે આદતો પડેલી છે, કોક સમયે એ પણ નવી હતી અને એમને પોતાના પગ જમાવવા માટે એમનાથી જૂની આદતો સાથે એવી જ રીતે સંઘર્ષ કરવો પડ્યો હશે જે રીતે આજે નવી આદતો નાખવાની આપણી ઇચ્છાને જૂની આદતો જોડે સંઘર્ષ કરવો પડે છે. 
મનોચિકિત્સકોના મત અનુસાર આપણે બૂરાઈ પર એટલું વધારે ધ્યાન ન દેવું જોઈએ જેટલું એના વિરોધી ગુણો પર. દાખલા તરીકે માની લો કે તમને ક્રોધ બહુ જલદી આવે છે તો ક્રોધની આદતને છોડવાનો સરળ ઉપાય એ નથી કે સદા ક્રોધથી થતા નુકસાન વિશે વિચાર કરીએ. નહીં, એને બદલે આપણે ‘મનની શાંતિ’ કઈ રીતે મેળવી શકાય એના પર વિચાર કરીશું તો વધુ મદદ મળશે. યાદ રહે કે દુર્ગુણોને દૂર કરવાની સરખામણીમાં સદ્ગુણોનો વિકાસ કરવો અત્યંત સરળ છે, કારણ કે મનુષ્ય કુદરતી રીતે સદ્ગુણો તરફ પ્રવૃત્ત થાય છે અને એટલે આજની યુવા પેઢીએ, જે બૂરાઈઓનો શિકાર થઈ રહી છે, સદા સાલસતાના વિકાસ પર વધુ ધ્યાન દેવું જોઈએ. ત્યારે જ તેઓ ખરાબ આદતોથી છુટકારો મેળવી શકશે. 

columnists lifestyle news life and style gujarati mid day exclusive