15 June, 2026 01:20 PM IST | Mumbai | Jigisha Jain
તાજેતરમાં આવેલા બાયોગ્રાફિકલ ડ્રામા ‘મેડ ઇન ઇન્ડિયાઃ ધ ટાઇટન સ્ટોરી’નું પોસ્ટર
૧૮૯૩ની ૭ જૂને એક ભારતીયને દિક્ષણ આફ્રિકામાં ટ્રેનના ડબ્બામાંથી ઉઠાવીને ટિકિટ હોવા છતાં પ્લૅટફૉર્મ પર ઉતારી દેવામાં આવ્યા હતા. રંગભેદને કારણે થયેલું આ હળાહળ અપમાન તેમનાથી સહન ન થયું એટલે એક સાધારણ મોહનદાસ અસાધારણ ગાંધીમાં પરિણમ્યા. એ અપમાન તેમનું એકલાનું નહોતું; તેમના રંગનું હતું, એ રંગ સાથે જીવતા લાખો લોકોનું હતું. ગાંધીએ આ લડાઈ તેમની એકલાની નહીં, રંગભેદ સહન કરી રહેલા લાખો લોકોની બનાવી અને તેઓ લડ્યા.
આવું જ કંઈક JRD તાતા સાથે થયું હતું. ૧૯૮૦ના સમયની આસપાસ તાતા ઇચ્છતા હતા કે તેઓ વર્લ્ડ ક્લાસ ઘડિયાળ બનાવે. એ માટે એ સમયની બેસ્ટ ઘડિયાળ બનાવતી સ્વિસ કંપની સાથે તેઓ હાથ મિલાવવા ગયા હતા. ત્યારે તે કંપનીના માલિકે તેમને જવાબ આપ્યો હતો કે અમે આ દુનિયાની બેસ્ટ ઘડિયાળ એટલે બનાવીએ છીએ કે અમે ગુણવત્તામાં કોઈ કૉમ્પ્રોમાઇઝ નથી કરતા. ઇન્ડિયન એન્જિનિયર ઘડિયાળ બનાવતાં જાણે છે, પણ એ ‘વર્લ્ડ ક્લાસ’ ઘડિયાળ બનાવી શકે છે? એને બનાવવા માટે જે બારીકાઈની જરૂર છે એ ભારતીયો પાસે છે? આ સવાલોના જવાબ JRD આપે એ પહેલાં જ તેમણે કહ્યું, ‘અમારા સવાલોના જવાબ છે ‘ના’. એટલે અમારે એક ઇન્ડિયન કંપની સાથે આ બાબતે કોઈ સોદો કરવો નથી. ભારતીય લોકોમાં કોઈ ટૅલન્ટ નથી, સ્કિલ્સ નથી. બસ, એ તો મજૂરવર્ગ છે, મજૂરી કરી જાણે છે.’
JRDને આ શબ્દો હાડોહાડ લાગી ગયા. તેમણે તે વ્યક્તિને જવાબ આપ્યો અને કહ્યું, ‘મને કોઈ શંકા નથી. જો અમે સ્ટીલ પ્લાન્ટ, કમ્યુનિકેશન સિસ્ટમ, ઍરોપ્લેન્સ બનાવી શકીએ (જે તમે નથી બનાવતા) તો અમે ઘડિયાળ પણ બનાવી જ શકીએ છીએ. મને અફસોસ છે કે તમારા વિચારો તમારી ઘડિયાળ જેટલા જ નાના છે.’
તેમને એ જવાબ આપ્યા પછી JRDએ મુંબઈ આવીને તેમના એક ખાસ કર્મચારી ઝર્સીસ દેસાઈને કહ્યું, ‘હવે, આપણે ઘડિયાળ બનાવીશું!’
એ સમયે JRDએ પોતાની કાંડાઘડિયાળ ઉતારી દીધી અને નક્કી કર્યું કે હું ત્યારે જ ઘડિયાળ પહેરીશ જ્યારે આપણે ખુદ ઘડિયાળ બનાવીશું, જ્યાં સુધી એ ઘડિયાળ નહીં બને ત્યાં સુધી હું ઘડિયાળ પહેરીશ જ નહીં.
આપણે કેમ ઘડિયાળ ન બનાવી શકીએ? એ મૂળભૂત પ્રશ્નથી બીજ રોપાણું ધ વૉચ પ્રોજેક્ટનું. એ પછી કેટલી અપાર ધીરજ અને અખૂટ મહેનત સાથે ‘ટાઇટન’નો જન્મ થયો એ આખી સ્ટોરી એટલે હાલમાં રિલીઝ થયેલી ‘મેડ ઇન ઇન્ડિયા : અ ટાઇટન સ્ટોરી’ નામની વેબ-સિરીઝ. આ કિસ્સાઓનું વર્ણન એમાં સુંદર રીતે થયું છે.
વિચારો! આ એ સમયની વાત છે જ્યારે મોબાઇલમાં ઘડિયાળ જોવાનો રિવાજ નહોતો. કાંડા પર ઘડિયાળ બાંધવી એ એક મોટી જરૂરત હતી. ખાસ કરીને JRD તાતા જેવા મોટા માણસ માટે, કારણ કે તેમનો સમય અને તેમનું મૅનેજમેન્ટ કોઈ પણ સામાન્ય માણસ કરતાં વધારે કીમતી હતું. બની શકે કે વેબ-સિરીઝમાં આ વાત ક્રિએટીવ લિબર્ટીની રીતે રાખવામાં આવી હોય, કદાચ એવું ન પણ થયું હોય; પણ તેમનો કહેવાનો પૉઇન્ટ JRD તાતાની નિષ્ઠા જતાવવાનો હતો. જોકે આ વાત તો સત્ય જ છે કે ટાઇટન બનવામાં ખાસ્સો સમય લાગ્યો. ત્યાં સુધી ફક્ત ઝર્સીસ દેસાઈએ જ નહીં, ટાઇટનની આખી ટીમે ઘડિયાળ પહેરવાનું છોડી દીધું હતું. આને કોઈ ગાંડપણ કહી શકે તો કોઈ જુનૂન. બન્નેમાંથી એ જે પણ હોય, પણ એ સમજી શકાય છે કે એ હોય ત્યારે જ કંઈક એવું બની શકે જે અસાધારણ હોય છે.
ગાંધીજી હોય કે JRD, જ્યારે-જ્યારે ખમતીધર માણસનું અપમાન દુનિયાએ કર્યું છે ત્યારે એક મોટું પરિવર્તન ઊભું થયું છે; કારણ કે આ ખમતીધર માણસો ખુદ સુધી સીમિત નથી હોતા, તેઓ પોતાને મોટા પરિપ્રેક્ષ્યમાં જુએ છે. ગાંધીજીએ પોતાને મોહનદાસ જ માન્યા હોત તો તે પોતાના દુઃખ સુધી સીમિત રહ્યા હોત, તેમને લાગ્યું કે જો મારા પર આટલી વીતી છે તો મારા જેવા કેટલા બધા છે જેમના પર કેટકેટલી વીતતી હશે! JRD તાતા આ ડીલને એક નૉર્મલ બિઝનેસ-ડીલ ગણી શક્યા હોત કે તાર્કિક રીતે સામેવાળાને લાગ્યું નહીં કે આપણે ઘડિયાળ બનાવી શકીએ એમ છીએ એટલે સોદો કરવા ગયા પણ થયો નહીં. આવા તો કેટલાય સોદા હશે જ જે નહીં થયા હોય. આ સોદાની નિષ્ફળતાને તેમણે એક ભારતીયના અપમાન તરીકે લીધી. પોતાના દેશ ભારતને તે કેટલો પોતાનો ગણતા હતા, ખુદથી વધારે મહત્ત્વનો ગણતા હતા એ અહીં સમજાય છે અને કેમ ન હોય! આ દેશને આઝાદી પછી સશક્ત કરવા માટે સ્ટીલ જેવો મજબૂત ફાળો આપનાર JRD તાતા પોતાના દેશનું અપમાન કેવી રીતે સહન કરી શકે!
સામાન્ય રીતે આપણે દરેક વસ્તુ ખુદ સુધીની સીમિત દૃષ્ટિથી જોતા હોઈએ છીએ એટલે મોટાં પરિવર્તનો આપણાથી શક્ય બનતાં નથી. જે વ્યક્તિ વિચારે છે કે તેની મમ્મીને કપડાં ધોવામાં તકલીફ પડે છે તો તે હાઉસહેલ્પની વ્યવસ્થા કરે છે જેથી તેની મમ્મીને આરામ મળે, પણ જે વ્યક્તિ વિચારે છે કે મારી મમ્મીની જેમ દુનિયાની દરેક મમ્મીને કપડાં ધોવામાં તકલીફ પડતી જ હશે તે વૉશિંગ મશીનનું નિર્માણ કરે છે. તમે તમારી તકલીફને મોટા પરિપ્રેક્ષમાં વિચારો ત્યારે એનું જે સૉલ્યુશન આવે એ દુનિયાને બદલવાનું કામ કરે છે; કારણ કે એ ઉપાય એક વ્યક્તિને રાહત આપનારો નથી હોતો, એ ઉપાય એક જેવા અનેકને રાહત આપનારો હોય છે. તમે જ્યારે ખુદ કમાવા માટે કોઈ બિઝનેસ શરૂ કરો છો ત્યારે એ એક નાનો બિઝનેસ બને છે; જ્યારે તમે એનું મોટું સ્વરૂપ વિચારો છો ત્યારે એ અનેકને કમાણી આપતો સ્રોત બને છે, દેશની શાન બને છે, સમૃદ્ધિ અને વિકાસનું પ્રતીક બને છે. JRD તાતાએ પોતાની હેઠળ અલગ-અલગ બિઝનેસ શરૂ કર્યા અને ચલાવ્યા, પણ દરેકમાં મૂળભૂત વિચાર ભારતની ઉન્નતિનો હતો. દેશને શેની જરૂર છે અને શું કરી શકાય એ દીર્ઘદૃષ્ટિ આજે તેમની કંપનીને જ નહીં, દેશને પણ આટલો આગળ લાવી શકી છે.