15 March, 2026 12:52 PM IST | Mumbai | Jigisha Jain
જય થડેશ્વર
છેલ્લાં બે વર્ષમાં પૉડકાસ્ટના ૬૩૪ વિડિયોઝ સાથે યુટ્યુબ પર ૨,૮૩,૦૦૦ સબસ્ક્રાઇબર અને કુલ ૬૦ કરોડથી પણ વધુ વ્યુઝ મેળવીને દુનિયાભરના ગુજરાતીઓમાં જય થડેશ્વરે પોતાનું આગવું સ્થાન બનાવી લીધું છે. ધ જય થડેશ્વર શોમાં મુખ્ય પ્રધાનથી લઈને ગુજરાતી ઇન્ડસ્ટ્રીના કલાકારો, વ્યાસપીઠ પર બિરાજનારા ધર્મગુરુઓથી લઈને સાહિત્યકારો, બિઝનેસમેનથી લઈને ડૉક્ટર્સ સુધી બધા હોંશે-હોંશે જાય છે, દિલ ખોલીને કલાકો તેમની સાથે એવી રીતે વાતો કરે છે જાણે કે કોઈ મિત્ર સાથે ગપ્પાં મારી રહ્યા હોય. આ એવું પૉડકાસ્ટ છે જ્યાં ગુજરાતના રાજપાલ આચાર્ય દેવવ્રત અને ગોવિંદભાઈ ધોળકિયા જેવા બિઝનેસમૅન અને સંસદસભ્ય આવીને ખડખડાટ હસી શકે છે અને સિદ્ધાર્થ રાંદેરિયા અને સાંઈરામ જેવા ઑડિયન્સને હસાવનારા કલાકારો રડી શકે છે. ઘણા ગેસ્ટ એવું માને છે કે જય થડેશ્વરની વાત કરવાની શૈલી જ એવી છે કે તેમની સામે બધી વાતો સરળ રીતે નીકળી જાય છે. ઘણા લોકો કહે છે કે અંદરની અમુક વાતો તો તેમના પરિવારજનો પણ નથી જાણતા હોતા એટલું તેમનું રિસર્ચ એકદમ સચોટ હોય છે. આ જય થડેશ્વર છે કોણ અને કઈ રીતે આ પૉડકાસ્ટના વિશ્વમાં જોડાયા એના વિશે આજે વિસ્તારથી જાણીએ.
હાલમાં અમદાવાદમાં રહેતા મૂળ સુરતના જય થડેશ્વર ગુજરાતી માધ્યમમાંથી સ્કૂલિંગ પતાવીને એન. એમ. કૉલેજમાં કૉમર્સમાં ગ્રૅજ્યુએશન કરવા માટે મુંબઈ આવ્યા હતા. મુંબઈની દાલમિયા કૉલેજમાંથી જ તેણે MBA કર્યું. એ સમયની વાત યાદ કરતાં ૩૫ વર્ષના જય થડેશ્વર કહે છે, ‘એ સમયે અમારી કૉલેજમાં દુબઈની સિટી બૅન્ક કૅમ્પસ-ઇન્ટરવ્યુ માટે આવતી અને મને એવું હતું કે મને આખી કૉલેજમાં બધાથી બેસ્ટ પ્લેસમેન્ટ મળવું જ જોઈએ, પણ એ વર્ષે આ બૅન્ક પ્લેસમેન્ટ માટે આવી જ નહીં. મેં ધારી લીધું હતું કે મારે કામ તો અહીં જ કરવું છે એટલે હું ભણવાનું પતાવીને દુબઈ ગયો. ત્યાંની બૅન્કમાં જુગાડ કરી ઇન્ટરવ્યુ માટેની તપાસ કરી. ઇન્ટરવ્યુ આપ્યો અને નોકરી પણ લીધી. ત્યાં ૫૦ ડિગ્રી ગરમીમાં થ્રી-પીસ સૂટ પહેરીને બૅન્કના કાર્ડ વેચવાથી આ કામ મેં શરૂ કરેલું. ખૂબ મહેનત કરીને આગળ વધ્યો હતો. એલીટ કેટૅગરીનું કહી શકાય એવું કામ મને મળવાનું શરૂ થઈ ગયું હતું પણ એ કામમાં ક્રીએટિવિટીનો અભાવ મને ખલતો હતો એટલે હું મુંબઈ પાછો આવી ગયો. મને નોકરી નહોતી કરવી, મારે બિઝનેસ જ કરવો હતો પણ મૂડી નહોતી.’
ફક્ત ૧૫ હજાર રૂપિયાથી બિઝનેસની શરૂઆત કરી. ૨૦૧૫માં જયે એક મીડિયા કંપની, ખાસ કરીને ઍડ્વર્ટાઇઝિંગની કંપની શરૂ કરી હતી. એ કંપનીનું નામ રાખ્યું પૉઇઝ્ડ મીડિયા (Poised Media). કામ કરતાં-કરતાં પહેલી ઑફિસ તેમણે કાંદિવલીના મહાવીરનગરમાં શરૂ કરી હતી. ટાર્ગેટ હતો કમ્યુનિકેશનના ક્ષેત્રમાં કામ કરવાનો. એ વિશે વાત કરતાં જય થડેશ્વર કહે છે, ‘ફક્ત ૧૫ હજારમાં શરૂ કરેલી અમારી કંપનીના હાથમાં જૅકપૉટ કહી શકાય એવું કામ હાથ લાગેલું. જોતજોતાંમાં ઓરિયો અને આશીર્વાદ જેવી મોટી-મોટી બ્રૅન્ડ્સ સાથે અમે કામ કરવા લાગ્યા અને ૬ મહિનાની અંદર અમે એક મલ્ટિ-કરોડની કંપની બની ગયા હતા જે એક સપનાથી નાની વાત નહોતી. એક સમયે અમે ગણીને ૪-૫ જણથી શરૂઆત કરેલી. આજે મારી કંપનીમાં ૧૨૫ લોકો કામ કરે છે. અમારી કંપની મુંબઈ, અમદાવાદ અને ઇન્દોરમાં સ્થિત છે. આજે પણ ઝાયડસ જેવી મોટી બ્રૅન્ડ સાથે અમે કામ કરી રહ્યા છીએ. અમે ૬ જુદા-જુદા ખંડોના દેશો સાથે કામ કરી રહ્યા છીએ. બહારની પણ અઢળક કંપનીઓ અમે સંભાળીએ છીએ. એ કંપનીઓનું સ્ટ્રૅટેજિક કમ્યુનિકેશન, ક્રીએટિવ કમ્યુનિકેશન અમે મૅનેજ કરીએ છીએ. ત્રણ દેશોની સરકાર સાથે અમે કામ કરીએ છીએ, જેમાં ભારત ઉપરાંત ચેક-રિપબ્લિક અને તાઇવાનનો સમાવેશ છે.’
આ બિઝનેસ દ્વારા જય થડેશ્વરની એક અલગ ટ્રેઇનિંગ થઈ. એ વિશે વાત કરતાં જય કહે છે, ‘આ કામમાં મુખ્ય વસ્તુ એ છે કે જુદા-જુદા બિઝનેસની સમજ હોવી જરૂરી છે. ક્લાયન્ટ બદલાય એટલે બિઝનેસ બદલાય. એના વિશે વધુ ને વધુ જાણવું અને સમજવું પડે. આ રીતે મારી લર્નિંગ એબિલિટી ઘણી વધી ગઈ. જુદા-જુદા લોકોને મળો, સમજો અને જુદી-જુદી વસ્તુઓનું જ્ઞાન એકત્રિત કરો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્ઞાન કદી એળે નથી જતું. એવું જ કંઈક મારી સાથે થયું. અમારા એક ક્લાયન્ટ હતા જેમને તેમની બ્રૅન્ડ માટે એક પૉડકાસ્ટ કરવું હતું. એટલે અમે એક સેટ-અપ તૈયાર કર્યું હતું. તેમનું કામ સારી રીતે પતી ગયું પછી એ સેટ-અપ અમારી પાસે પડ્યું હતું.’
ખરો બિઝનેસમૅન તો એ જ ગણાય જે તેની પાસે રહેલા રિસોર્સનો પૂરો ઉપયોગ કરી જાણે. જય પહેલેથી જ સારા વક્તા હતા એટલે તેમની ટીમને લાગ્યું કે તે પણ પૉડકાસ્ટ શરૂ કરી શકે. તેમણે જયને કહ્યું કે આપણે બીજા માટે બનાવીએ છીએ એના કરતાં ખુદ માટે પણ કરી શકાય. આ વિશે વાત કરતાં જય કહે છે, ‘જ્યારે હું મુંબઈ હતો ત્યારે મને એમ હતું કે મારે હીરો બનવું છે પણ પછી કમાવાને વધુ પ્રાધાન્ય આપી એ તરફ કોશિશ કરી નહોતી. ભણ્યો અને કામ કરવા લાગ્યો. બિઝનેસ સેટ કરી પૈસા કમાવા લાગ્યો, પણ જ્યારે પૉડકાસ્ટની વાત આવી ત્યારે અંદરથી અવાજ આવ્યો કે મારે તો હંમેશાંથી કૅમેરાની આગળ રહીને જ કામ કરવું હતું. તો આનાથી સારી તક શું હોઈ શકે? એટલે મેં પૉડકાસ્ટ શરૂ કરવાનું વિચાર્યું.’
જોકે એ એક ટ્રાયલ માનીને જ શરૂ થયું હતું. પહેલા ૪-૫ એપિસોડ તેમણે હિન્દી-અંગ્રેજીમાં કર્યા. પછી નરેન્દ્ર રાવલ નામના એક બિઝનેસમૅન છે જે આફ્રિકાના અદાણી ગણાય છે. તેમનું એક પૉડકાસ્ટ ગુજરાતીમાં કર્યું ત્યારે એ ખાસ્સું પૉપ્યુલર થયું. ત્યારે જયને જે વિચાર આવ્યો એ વિશે વાત કરતાં તે કહે છે, ‘મને થયું કે હું જે ક્વૉલિટીનું કામ કરવા માગું છું એ લેવલ પર મારી ભાષામાં જ કામ કેમ ન કરી શકાય? હું ગુજરાતી મીડિયમમાં ભણેલો છોકરો છું અને મને મારી ભાષા માટે ગર્વ છે એટલે મેં વિચાર્યું કે કામ કરી જોઈએ, લોકો સુધી પહોંચે એનો પ્રયાસ કરીએ. મારો આ શો હું એટલે કરી શક્યો કે મને અલગ-અલગ વિષયનું ઘણું જ્ઞાન છે જે મેં અર્જિત કરેલું છે. આ સિવાય માણસની લાગણીઓને હું સમજું છું અને ઓળખી શકું છું. મારાં માઇક્રો ઑબ્ઝર્વેશન્સ ઘણાં એવાં હોય છે જેનાથી કઈ બાબતે લોકો શું અનુભવે છે અને શું બોલી શકે છે એ હું સમજી શકું છું. વળી શોમાં આ કામ કરતાં-કરતાં એની વધુ ફાવટ આવી ગઈ છે.’
ટૅલન્ટ સાથે આ શો મહેનત પૂરી માગી લે છે એમ જણાવતાં જય થડેશ્વર કહે છે, ‘ફક્ત પૉડકાસ્ટ માટે અમારી ૨૨ લોકોની ટીમ છે. અમે એડિટ પર પણ ખૂબ મહેનત કરીએ છીએ. જેટલું સારું પીરસી શકીએ એ માટે અમે સદા તત્પર રહીએ છીએ. છેલ્લા ૬ મહિનાથી હું મારા બિઝનેસ પર નહીં, ફક્ત આ શો પર જ ધ્યાન આપું છું. બિઝનેસ અમારા CEO સંભાળે છે. ૨૦૧૯માં મેં લગ્ન કર્યાં એ સમયે આર્થિક રીતે મારી પાસે પૂરેપૂરી ફ્રીડમ હતી. આ ફ્રીડમનો અર્થ જ એ કે હવે તમારે પૈસા માટે કામ કરવાની જરૂર નથી. ૨૦૧૫માં મેં બિઝનેસ શરૂ કર્યો અને ચાર જ વર્ષમાં હું આ સ્ટેજ પર હતો. એ પછી મેં જે કામ કર્યું એ ખુદના ગ્રોથ માટે, ખુદને ખૂબ ગમે છે એ માટે. કરવું પડે છે એ માટે કંઈ જ કામ કર્યું નથી.’
આજે આ પૉડકાસ્ટને લીધે ગુજરાતી મીડિયમમાં ભણેલા, જેના અંગ્રેજી પર તેના એન. એમ કૉલેજના મિત્રો હસતા હતા એ જય થડેશ્વર સોમવારે લંડનની પાર્લમેન્ટમાં ત્યાંના મેમ્બર્સ ઑફ પાર્લમેન્ટને સંબોધવાના છે. ત્યાં તેમને સ્પીચ આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે જેને આ પ્લૅટફૉર્મની તાકાત તરીકે ઓળખાવતાં જય થડેશ્વર કહે છે, ‘પૉડકાસ્ટિંગ જ ફ્યુચર છે. દિવાળી સુધીમાં હું હિન્દી અને ઇંગ્લિશ પૉડકાસ્ટ શરૂ કરીને નૅશનલ અને ઇન્ટરનૅશનલ ઑડિયન્સ સુધી પહોંચવાના પ્લાનિંગમાં છું. જેમ ગુજરાતી ઑડિયન્સે સાથ આપ્યો એ જ રીતે ભારતની જનતા પણ સાથ આપશે એ આશા રાખું છું.’