05 April, 2026 02:36 PM IST | Mumbai | Rajani Mehta
લગ્નના નિર્ણયથી નારાજ થયેલાં લીના ચંદાવરકરનાં માતાપિતાને કિશોરકુમારે કઈ રીતે મનાવ્યાં હતાં?
સફળ લગ્નજીવનની પ્રથમ શરત એ છે કે તમે જેને પ્રેમ કરો છો તેની સાથે નહીં, તમે જેના વિના રહી ન શકો તેની સાથે લગ્ન કરવાં જોઈએ એટલું જ નહીં, ‘To find a right partner is an art, but to keep him /her happy is a job.’
લીના ચંદાવરકર આ બન્ને વસ્તુથી વાકેફ હતી. તેને લાગ્યું કે હવે જો પોતે નિર્ણય નહીં લે તો આવો મોકો ફરી પાછો નહીં મળે. એટલા માટે જ કિશોરકુમારને સીધેસીધું પૂછી લેવાનું મન બનાવીને મધરાતે ફોન કર્યો. ભરઊંઘમાંથી જાગતા કિશોરકુમારે કંટાળાજનક સ્વરમાં ‘હલો, કૌન હૈ?’ કહ્યું કે તરત લીનાએ પ્રશ્ન કર્યો,
‘એ દિવસે મને મૅરેજ માટેની જે પ્રપોઝલ મૂકી હતી એ મજાક હતી કે તમે સિરિયસ હતા?’
અડધી રાતે આવેલો ફોન અને પ્રશ્ન સાંભળીને કિશોરકુમાર વાતની ગંભીરતા સમજી ગયા. તેમણે લીનાના મૂડને પારખીને જવાબ આપ્યો, ‘હું તો સિરિયસ જ હતો.’ પછી અસલી મૂડમાં આવીને કહ્યું, ‘તું જે રીતે સવાલ કરે છે એનાથી મને એવું લાગે છે કે મેં કાંઈ ગુનો કર્યો છે. મને જૂતાં તો નથી મારવાનીને?’
લીનાએ શાંતિથી કહ્યું, ‘અત્યારે હું એવા મૂડમાં છું કે જેકોઈ મારી સાથે લગ્ન કરવા તૈયાર હશેને તેની સાથે હું પરણી જઈશ.’
કિશોરકુમાર સમજી ગયા કે મામલો ગંભીર છે. તેમણે કહ્યું, ‘તો પછી હમણાં જ તને લેવા આવું છું.’
જવાબ મળ્યો, ‘ના ના, અત્યારે એવી કોઈ જરૂર નથી. બસ, મારે તો એટલું જ જાણવું હતું. આપણે કાલે મળીએ છીએ.’
આમ બન્નેએ મધરાતે એકમેકનાં જીવનસાથી બનવાનો નિર્ણય લીધો. આ કોઈ લાગણીના આવેશમાં લેવાયેલો નિર્ણય નહોતો કે કોઈ પૂર્વધારણા મુજબ લેવાયેલું પગલું નહોતું. આ બે વ્યક્તિ વચ્ચેનો સમજણપૂર્વકો ફેંસલો હતો. લીના એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘તેમના વિશેની મારી લાગણીઓ ક્યારે અને કેમ બદલાઈ ગઈ એની મને ખબર નથી. જ્યારે તેઓ માંદા પડ્યા અને અમારી મુલાકાત થતી ત્યારે અમે એકમેકની નજીક આવ્યાં હોઈશું. તેમના પ્રત્યેનો ડર અને શંકા ધીમે-ધીમે પ્રેમ અને અહોભાવમાં બદલાઈ ગયો હશે.’
લીનાના આ નિર્ણયથી તેનાં માતાપિતા નાખુશ હતાં પણ લીના મક્કમ હતી. સ્વાભાવિક છે કે ત્રણ લગ્ન કરી ચૂકેલા અને દીકરીથી ૨૧ વર્ષ મોટી વ્યક્તિ સાથેનાં લગ્ન માટે માબાપ સંમતિ ન જ આપે, પણ લીનાએ નમતું ન જોખ્યું અને ૧૯૮૦માં બન્નેએ સાદાઈથી કોર્ટમાં સિવિલ મૅરેજ કર્યાં.
લીના કહે છે, ‘હું ઘણી વખત ફરિયાદ કરતી કે તમે મને કદી ‘I Love you’ નથી કહ્યું. તો તેઓ કહેતા, ‘Love is something to be felt, not said.’ મારાં માતાપિતા અમારાથી નારાજ થઈને મુંબઈ છોડીને ધારવાડ જતાં રહ્યાં હતાં. હું ચિંતિત હતી, પણ કોઈ ઉપાય નહોતો. એ જોઈને તેઓ મને કહે, ‘આપણે ત્યાં જઈને તેમને મનાવી લઈશું.’ પણ મને ખબર હતી કે આ વાત એટલી સહેલી નથી. જોકે કિશોરજી મક્કમ હતા. મને કહે, ‘એક વાર મુલાકાત થશે એટલે વાત બનશે. ચાલ, આપણે ધારવાડ જઈએ.’ મેં કહ્યું, ‘ત્યાં જઈને કરીશું શું?’ તો કહે, ‘મારધાડ.’
લીના પિતાનો જિદ્દી સ્વભાવ જાણતી હતી. તે ધારવાડ જવાના પક્ષમાં નહોતી. સામે કિશોરકુમારની દલીલ હતી કે માબાપના આશીર્વાદ વિના આપણું લગ્નજીવન સુખી નહીં થાય. અંતે લીનાએ નમતું જોખ્યું અને કોઈને જાણ કર્યા વિના બન્ને ધારવાડ પહોંચ્યાં.
એ ઘટના યાદ કરતાં લીના કહે છે, ‘રસ્તામાં મારા ગંભીર મૂડને જોઈને કિશોરજી સતત રમૂજી હરકત કરતા રહ્યા. ગાતા જાય, ‘ધારવાડ મેં મારધાડ કા મઝા આએગા.’ હું એ જ ચિંતામાં હતી કે ત્યાં જઈને કશું અણધાર્યું ન થાય તો સારું.’
બંગલે પહોંચતાં જ મારાં ભાઈ–ભાભી અમને જોઈને રાજી થઈ ગયાં. ઉમળકાથી અમારું સ્વાગત કર્યું, પણ મારાં માતા-પિતા બેડરૂમમાં જતાં રહ્યાં. જમતાં-જમતાં કિશોરજીએ મારી માતાએ બનાવેલી રસોઈનાં વખાણ કરતાં તેમને મળવાનો પ્રયત્ન કર્યો પણ મેં રોક્યા.
મારી મનાઈને કારણે તેમને ચાનક ચડી. ખોટો ગુસ્સો કરી, પલાંઠી વાળીને જમીન પર બેસી ગયા અને કહ્યું, ‘હવે મારી કમાલ જોઈ લે, હું કેવી રીતે બન્નેને મનાવું છું’ કહેતાં તેમણે બાજુમાં પડેલું હાર્મોનિયમ હાથમાં લીધું અને એક પછી એક પંકજ મલ્લિક અને કે. એલ. સૈગલનાં ગીતો ગાવાનું શરૂ કરી દીધું.
તેમનું જજમેન્ટ સાચું હતું. ત્રણેક ગીત પછી મારી મમ્મી રૂમની બહાર આવીને દરવાજામાં ઊભી રહી ગઈ. તેમનો ગુસ્સો ગાયબ હતો. કિશોરજીએ ગીતો ગાવાનું બંધ ન કર્યું. બીજાં ત્રણ ગીતો પછી પણ મારા ડૅડી ટસના મસ ન થયા. રૂમની બહાર આવવાનું નામ ન લે. અંતિમ હથિયારરૂપે કિશોરજીએ ગીત શરૂ કર્યું, ‘નફરત કરનેવાલોં કે સીને મેં પ્યાર ભર દૂં, અરે મૈં વો પરવાના હૂં પથ્થર કો મોમ કર દૂં...’ (જૉની મેરા નામ).
અને ચમત્કાર થયો. ગીત સાંભળતાં જ ડૅડી રૂમની બહાર આવ્યા અને કિશોરજીની સામે આવીને કહે, ‘હવે પછી મારી પસંદગીનાં ગીતો જ ગાવાનાં છે’ એમ કહીને ફરમાઈશ કરી, ‘મૈં હૂં ઘોડા, યે હૈ ગાડી, મેરી રિક્ષા સબ સે નિરાલી...’ (કુંવારા બાપ).
કિશોરજીએ મસ્તીથી ગીત ગાયું અને પૂરું થતાં ધીમેકથી પૂછ્યું, ‘હવે તો તમારો ગુસ્સો ઊતરી ગયોને?’ જવાબ મળ્યો, ‘તમને તો ખબર છે કે અમે કેટલાં નારાજ છીએ પણ આટલે દૂર તમે અમારા આશીર્વાદ લેવા આવ્યા એ જોઈને મને ખાતરી છે કે તમે અમારી દીકરીની સારી રીતે સંભાળ લેશો. બસ, મને કોઈ ફરિયાદ નથી.’
આ સાંભળીને અમારી સૌની આંખોમાં ખુશીનાં આંસુ છલકાઈ ગયાં. ધારવાડ આવતાં પહેલાં મારા મનમાં જે ચિંતા હતી એ કેટલી સહેલાઈથી ખુશીમાં ફેરવાઈ ગઈ એનું સંપૂર્ણ શ્રેય હું કિશોરજીને આપું છું. તેમના પ્રત્યેનું માન વધી ગયું. કોઈ પણ જાતના અહમ્ વિના તેમણે આ કામ કર્યું એ જ બતાવે છે કે તેઓ કેટલા સરળ, ભાવુક અને સંવેદનશીલ વ્યક્તિ હતા.
કોઈ વ્યક્તિ પોતાના પરિવાર અને સ્વજનોની આટલી સંભાળ રાખતી હોય એ માનવામાં ન આવે. આવી સ્વીટ અને સેન્સિટિવ વ્યક્તિએ શા માટે આટલાં લગ્ન કરવાં પડ્યાં હશે? મેં એક દિવસ આ વાત કાઢી તો એક ફિલોસૉફરની અદાથી તેમણે કહ્યું,
‘આ નસીબના ખેલ છે. હું કોઈને દોષ નથી આપતો. અમિતની મા રૂમા એક પ્રેમાળ સ્ત્રી હતી, પરંતુ લિયો અને સ્કૉર્પિયો એ બે રાશિ વચ્ચે કદી મનમેળ શક્ય નથી. તે દરેક બાબતમાં મહત્ત્વાકાંક્ષી હતી સિવાય ઘર. જ્યારે મને તલાશ હતી મારી મા જેવી સ્ત્રીની જે ઘરગૃહસ્થી સંભાળે, મને અને મારા પરિવારને સંભાળે.
મધુબાલા અને યોગિતામાં આવા કોઈ ગુણ નહોતા, પરંતુ એ માટે તેમનો વાંક કાઢવો એ પણ યોગ્ય નથી. નસીબની બલિહારી છે. સંજોગો જ એવા હતા કે દરેક વસ્તુ ધારણાથી ઊલટી જ બનતી હતી. મારી ત્રણેય પત્નીઓમાં હું મારી માની છબિ શોધવાનો પ્રયત્ન કરતો રહ્યો અને દરે વખતે મને એમાં નિષ્ફળતા જ મળી.’
કિશોર કુમારની વાત સાંભળીને વિખ્યાત માનસશાસ્ત્રી સિગમન્ડ ફ્રૉઇડ યાદ આવે છે. તેઓ કહે છે કે દરેક યુવતી તેના પતિમાં પોતાના પિતાની છાયા જોવા માગતી હોય છે અને દરેક યુવક પોતાની પત્નીમાં પોતાની માતાની છબિની તલાશ કરતો હોય છે. મોટા ભાગે બન્નેને આ પ્રયાસમાં નિષ્ફળતા જ મળતી હોય છે.
કિશોરકુમાર અને લીનાનું લગ્નજીવન અત્યંત સફળ રહ્યું એનું મુખ્ય કારણ એ હતું કે બન્નેએ એકમેકની ખૂબીઓને બિરદાવી અને ખામીઓને અવગણી હતી. અનુભવીઓ કહે છે કે લગ્નજીવનને સફળ કરવું હોય તો પુરુષે સ્ત્રીને અનહદ પ્રેમ કરવો જોઈએ અને સ્ત્રીએ પુરુષને યોગ્ય રીતે સમજવો જોઈએ. મોટા ભાગે આનાથી વિપરીત થાય છે. પુરુષ સ્ત્રીને સમજવાનો પ્રયત્ન કરે છે જે આજ સુધી સફળતાપૂર્વક કોઈ કરી નથી શક્યું. સ્ત્રી પુરુષને ગમે એટલો પ્રેમ કરે પણ તેને ઓછો જ પડતો હોય છે. પરિણામે આવાં લગ્નજીવન નિષ્ફળ રહે છે.
નસીબજોગે લીના કિશોરકુમારના તરંગી સ્વભાવને સારી રીતે સમજી શકી. સામા પક્ષે કિશોરકુમાર લીનાને અનહદ પ્રેમ કરતા. લગ્ન બાદ થોડા સમયમાં લીના પ્રેગ્નન્ટ થઈ. આ અવસ્થામાં લીનાની માતા તેના પિતાની અસ્વસ્થ હાલતને કારણે ધારવાડ હતી એટલે કિશોરકુમાર જ લીનાની દેખભાળ કરતા. તેના આરામની, તેના ડાયટની, ડૉક્ટરોની વિઝિટની; દરેક વસ્તુની તકેદારી રાખતા. જેમ ડિલિવરીનો સમય નજીક આવતો ગયો એમ પોતાની વ્યસ્તતા સાવ ઓછી કરી. બહારગામના સ્ટેજ-કાર્યક્રમો બંધ કર્યા અને વધુમાં વધુ સમય લીના સાથે ગાળવા લાગ્યા.
સુમિતનો જન્મ થયો ત્યારે ક્ષણિક ઓછું આવ્યું, કારણ કે તેમને પુત્રીની આશા હતી પરંતુ થોડી વારમાં નૉર્મલ થઈને પુત્રજન્મની ખુશાલીમાં મીઠાઈ વહેંચી. વર્ષો બાદ કિશોરકુમાર હર્યાભર્યા પરિવારની સંતૃપ્તિનો અહેસાસ કરી રહ્યા હતા.
દુનિયાની હરેક ખુશી પગમાં આળોટતી હતી છતાં કિશોરકુમાર કેમ ખાલીપો અનુભવતા હતા એની વાત આવતા રવિવારે.