ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા

17 May, 2026 02:51 PM IST  |  Mumbai | Rajani Mehta

અનુ મલિક સમજી ગયા કે કિશોરદા એક ગીત માટે ૨૫,૦૦૦ રૂપિયા માગે છે. તેમણે વિનંતી કરી, ‘દાદા, આ ફિલ્મનાં બધાં ગીત તમારે જ ગાવાનાં છે. વધુમાં વધુ હું ૧૫ પેટી આપી શકીશ. પ્લીઝ તમે ના ન પાડતા.’

કિશોરકુમાર

કૈંક મઝાનાં ગીતોમાં છું, ટહુકામાં છું

બીજા શબ્દોમાં કહું તો બસ જલસામાં છું

ક્યારેક ઈશ્વર ફોન કરીને પૂછે, ‘ક્યાં પહોંચ્યા

હું કહું છું કેઆવું છું... બસ રસ્તામાં છું

- કિરણસિંહ ચૌહાણ

૧૯૮૭ની ૧૩ ઑક્ટોબરની સવારે જો ઈશ્વરે કિશોરકુમારને ફોન કર્યો હોત તો તેમણે આ જ જવાબ આપ્યો હોત. એ દિવસની તેમની દિનચર્યા દરમ્યાન ક્યાંય કોઈને એવો આભાસ (તેમનું અસલી નામ) નહોતો કે આગળ શું થવાનું છે. સવારે સંગીતકાર અનુ મલિકે ટુટુ શર્માની ફિલ્મના ગીત માટે કિશોરકુમારને ફોન કર્યો. તેમણે કહ્યું હતું, ‘અનુ, તને તો ખબર છે કે આજકાલ હું પચીસ પેટી સિવાય ગીત નથી ગાતો. તું મને કેરીની કેટલી પેટી આપીશ?’

અનુ મલિક સમજી ગયા કે કિશોરદા એક ગીત માટે ૨૫,૦૦૦ રૂપિયા માગે છે. તેમણે વિનંતી કરી, ‘દાદા, આ ફિલ્મનાં બધાં ગીત તમારે જ ગાવાનાં છે. વધુમાં વધુ હું ૧૫ પેટી આપી શકીશ. પ્લીઝ તમે ના ન પાડતા.’

અચાનક કિશોરદાનો સૂર બદલાયો, ‘અનુ, તું તો મારા દીકરા જેવો છે. તું જે આપીશ એ મને મંજૂર છે.’ એ ફોન મૂકીને તેમણે ડૅની ડેન્ઝોન્ગ્પાને ફોન કર્યો. વર્ષો પહેલાં તેમણે ડૅની માટે ફિલ્મ ‘અભી તો જી લે’માં પ્લેબૅક આપ્યું હતું ત્યારથી બન્ને સારા મિત્રો બની ગયા હતા. ત્યાર બાદ મહેશ ભટ્ટની ફિલ્મ ‘નયા દૌર’માં ડૅની સાથે ‘પાની કે બદલે પીકર શરાબ’ ગીત ગાયું હતું. તેમની ઇચ્છા ડૅની સાથે કેવળ બે પાત્રોવાળી ફિલ્મ બનાવવાની હતી. ડૅનીએ કહ્યું, ‘આજે સાંજે હું તમને મળવા આવું છું.’

એ દિવસની ગમગીન યાદોને ભીની આંખે યાદ કરતાં લીના કહે છે, ‘સાંજે ગાંગુલી પરિવાર દાદામુનિના જન્મદિનની પાર્ટી માટે ભેગો થવાનો હતો એટલે તેઓ ખુશ હતા. મને કહ્યું, હું ફિલ્મ જોવાના મૂડમાં છું. હું ઉપર બેડરૂમમાં આવી. મને બૅક-પેઇન હતું એટલે મસાજ કરાવતી હતી. થોડી વાર થઈ ત્યાં નીચેથી કંઈ પડવાનો અવાજ આવ્યો એટલે હું અને મસાજવાળી બાઈ ચમક્યાં અને રૂમની બહાર આવ્યાં.’

જોયું તો તે ધીમે-ધીમે દાદર ચડીને ઉપર આવતા હતા. આવીને પલંગમાં સૂતા અને ધીમેથી બોલ્યા, ખભામાં ખૂબ દરદ થાય છે, મને મજા નથી. તેમનો ચહેરો સાવ ઊતરી ગયો હતો. મને ચિંતા થઈ, પણ વિચાર આવ્યો કે તેમને મજાક કરવાની ટેવ છે એટલે એવું તો નહીં હોયને?’

જોકે તેમની બેચેની વધતી જતી હતી. થોડી વારમાં તેમને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી એટલે હું ડૉક્ટરને ફોન કરવા ઊભી થઈ. તેમણે કહ્યું, ડૉક્ટરને ફોન કરવાની જરૂર નથી, મને થોડું સારું લાગે છે, મને એક ગોળી આપી દે.’

મારે કોઈ ચાન્સ લેવો નથી કહીને મેં ફોન કરવાનો પ્રયત્ન કર્યો તો મને અટકાવતાં કહ્યું, ડૉક્ટરની જરૂર નથી, તું તેને બોલાવીશ તો ઊલટાનો મને હાર્ટ-અટૅક આવી જશે, મને એક ગોળી આપી દે.’

આ હતા કિશોરદાના અંતિમ શબ્દો. થોડી જ ક્ષણોમાં તેમની આંખોના ડોળા ચકળવકળ થવા લાગ્યા. તેમનો શ્વાસ ઝડપથી ચાલતો હતો. તેમણે જોરથી લીનાનો હાથ પકડી લીધો. જાણે કહેતા ન હોય...

ઇસ પાર પ્રિયે મધુ હૈ, તુમ હો

ઉસ પાર જાને ક્યા હોગા

તેમના ચહેરાના હાવભાવ બદલાતા જતા હતા. થોડી મિનિટો પહેલાંનો અજંપો, પીડાને બદલે હવે ધીમે-ધીમે શ્વાસ ચાલતો હતો અને કહેતો હતો કે અંતિમ વિદાયની ઘડી નજીક આવી રહી છે. સુરેશ દલાલની પંક્તિઓ યાદ આવે છે...

આંખ તો મારી આથમી રહી

કાનના કૂવા ખાલી

એક પછી એક ઇન્દ્રિય કહે

હમણાં હું તો ચાલી

નસના ધોરી રસ્તા તૂટ્યા

લોહીનો ડૂબે લય

સ્મરણમાં તો કાંઈ કશું નહીં

વહી ગયેલી વય

ડૉક્ટર આવી ચૂક્યા હતા. એ પહેલાં તેમની સૂચના મુજબ લીનાએ મોઢા વડે કિશોરદાને શ્વાસ આપવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અંતિમ અવસ્થાએ પહોંચ્યા પહેલાં તેમનો સામાન આગોતરો ઉપર પહોંચી ગયો હતો. ચહેરા પર અજબ પ્રકારની શાંતિ છવાતી જતી હતી. ડૉક્ટરે આવતાંવેંત હાથ વડે છાતી પર દબાણ આપીને હૃદયને ધબકતું રાખવાના પ્રયત્ન કર્યા, પણ સઘળું વ્યર્થ.

મૃત્યુનો ભય હોય એના કરતાં એની સાથે આવતી પીડાનો ભય મનુષ્ય માટે ડરામણી હકીકત બની જાય છે. અહીં તો કિશોરદા કોઈ પણ જાતની શારીરિક પીડા સહન કર્યા વિના નિશ્ચેતન સૂતા હતા. ચહેરા પર જાણે લીના માટે એક સંદેશો મૂક્યો ન હોય, ‘તું એમ જ સમજ કે એક મધ્યાંતર પડ્યો છે. ક્યાંક એક ખૂણામાં હું તારી રાહ જોઉં છું.’

એ સમયે અમિત કુમાર કૅનેડા સ્ટેજ-શો માટે ગયા હતા. સમાચાર મળતાં તે ભાંગી પડ્યા. મુંબઈથી મધરાતે કૅનેડાની ફ્લાઇટ પકડવા ઘરેથી નીકળતાં કિશોરદાએ તેમને વિદાય આપી એ ચહેરો કેમ ભુલાય? ‘આજે મને સમજાય છે. બાબા મને ભેટીને આશીર્વાદ આપતા હતા ત્યારે તેમના ચહેરા પર ઉદાસી છવાયેલી હતી. તેમની આંખોમાં આંસુ હતાં. ત્યારે એક ક્ષણ મને વિચાર આવ્યો કે હું તેમને છોડીને શું કામ જાઉં છું? કાશ, તેમની અંતિમ ક્ષણોમાં હું તેમની પાસે હોત.’

 અમિત કુમાર પિતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપતાં ધ્રુસકે-ધ્રુસકે રડતા હતા ત્યારે I sing myself and celebrate myselfની ફિલસૂફીમાં માનતા કિશોરદાનો ચહેરો તેમને કહી રહ્યો હતો...

રોતે રોતે હંસના શીખો, હંસતે હંસતે રોના

જીતની ચાબી ભરી રામને

ઉતના ચલે ખિલૌના

અશોક કુમારે કહ્યું, ‘ગઈ કાલે તેણે મને કહ્યું કે પાર્ટીમાં તમારે આવવું જ પડશે. હું જોઉં છું તમે કેમ નથી આવતા. તે આ રીતે પોતાની જીદ પૂરી કરશે એની ખબર નહોતી.’

અનુપ કુમારે કહ્યું, ‘જીવનભર તેણે સૌને હસાવ્યા. આજે અમારાં આંસુ રોકાતાં નથી.’

તેમના મૃતદેહને ચાહકોનાં અંતિમ દર્શન માટે બંગલામાં રાખવામાં આવ્યો. શબ પર ફૂલોની માળા ચડાવતાં પહેલાં હૃદય પર પથ્થર મૂકવો પડે છે એનો અહેસાસ ત્યારે સૌને થયો. જીવનભર તેમના અભિનયને જોઈને ખડખડાટ હસતા ચાહકોની દશા ‘ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા’ જેવી હતી.

અસ્તિત્વને ઉત્સવ અને મૃત્યુને મહોત્સવ માનતા કિશોરદાની અંતિમ ઇચ્છા પ્રમાણે તેમના પાર્થિવ દેહને ખંડવા લઈ જવામાં આવ્યો. પોતાની હયાતીમાં જ તેમણે પોતાના અંતિમ સંસ્કાર કરવા એક સ્થળ નક્કી કરી નાખ્યું હતું. તેમની ઇચ્છા મુજબ તેમની સ્મશાનયાત્રા બળદગાડામાં નીકળી. અંગ્રેજ કવિ ઍલેક્ઝાન્ડર વિલ્સન લખે છે, ‘Bury me where the birds will sing over my grave.’ કિશોરદાની આ જ ઇચ્છા હતી એટલે જ વૃક્ષોથી છવાયેલી હરીભરી ભૂમિમાં તેમને અંતિમ વિદાય આપવામાં આવી.

એક જીવતીજાગતી વ્યક્તિ અચાનક ફોટોફ્રેમ બનીને દીવાલ પર લટકી જાય એ હકીકત સ્વીકારતાં સમય લાગે છે. મરણ પછી કેવળ સ્મરણ રહી જાય છે. જે મૃત્યુ પામે છે તે સ્મરણરૂપે જીવિત રહે છે, પણ જે જીવિત રહે છે તે પ્રિયજનની ગેરહાજરીમાં ઝૂરી-ઝૂરીને મૃત્યુનો અનુભવ કરતી રહે છે.

લીના એક વાતનો એકરાર કરતાં કહે છે, ‘આજે રેડિયો પર, ટીવી પર તેમનાં ગીતો સંભળાય છે. તેમને ફિલ્મોમાં નાચતાં, ગાતાં જોઉં છું અને મન વિહ્‍વળ થઈ જાય છે. જાણે મને કહેતા ન હોય? જોયુંને? હું નહોતો કહેતો? દુનિયા મને ભૂલી નહીં શકે. દિવસે-દિવસે તેમના ચાહકોની સંખ્યા વધતી જાય છે.’

ક્યાંક વાંચ્યું હતું, ‘A man sometimes shows in his death that he was worthy of living’. કિશોરદા જેવા કલાકાર જીવનને જલસાનું સ્વરૂપ આપીને મૃત્યુને એક મોભો આપતા જાય છે. તેમની સમાધિ પર આવું કંઈક લખાયું હોત તો સાર્થક લાગત. ‘You were never born, never died. You just visited this planet from 4th August 1929 to 13th October 1987.’ ઈશ્વરે તમને અમારું મનોરંજન કરવા ધરતી પર મોકલ્યા અને એ જવાબદારી પૂરી થઈ એટલે પોતાના મનોરંજન માટે ઉપર બોલાવી લીધા. તમારા અસ્તિત્વનો, વ્યક્તિત્વનો કોઈ પર્યાય નથી. તમે અજરામર છો. તમે અહીં જ છો. અમારી વચ્ચે, અમારી સાથે.

એટલે જ તો ગુલઝાર કહે છે...

તેરી આવાઝ તો ડૂબ ગઈ લેકિન

તેરી ખામોશી બહોત દેર તક સુનાઈ દેગી

kishore kumar rajani mehta gujarati mid day lifestyle news life and style columnists