12 May, 2026 12:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજે લગભગ દરેક ઘરમાં એક વાક્ય વારંવાર સાંભળવા મળે છે : બધું બહુ મોંઘું થઈ ગયું છે. જોકે સવાર પડે ત્યારે ચા-નાસ્તા વગર તો ચાલે જ નહીંને, સ્કૂલ-કૉલેજની ફી તો ભરવી જ પડેને, દવાઓમાં ક્યાં કપાત કરાય? મોજમજા ભલે ન કરીએ, પણ જે જરૂરી છે એમાં ક્યાં કાપ મૂકીએ?
આવક મોંઘવારીની ઝડપે વધતી નથી, ધંધા-નોકરી તાત્કાલિક બદલી શકાતાં નથી. સામાન્ય પ્રજાજન મોંઘવારીની આર્થિક ચક્કીમાં પિસાતો જાય છે.
પરંતુ પ્રશ્ન છે : શું માત્ર મોંઘવારી જ આપણા આર્થિક તનાવનું કારણ છે?
છેલ્લા દાયકામાં ખર્ચના સ્વરૂપમાં ઘણો ફેરફાર આવ્યો છે અને વધારાની ખરીદી આર્થિક તનાવનું કારણ બની રહી છે; જરૂરિયાત પ્રમાણેની નહીં પણ બ્રૅન્ડ જોઈને થતી ખરીદી, બીજા સાથેની સરખામણીમાં થતી ખરીદી.
સાચી જિંદગીને અનુરૂપ ૩ કિસ્સા જોઈએ.
કેસ 1 : ૩ દિવસનો ઉત્સવ અને ૩ વર્ષનાં EMI
મુંબઈનાં વિદ્યા અને વિદ્યુતે પારંપરિક રીતનાં લગ્નની યોજના બનાવી હતી, પરંતુ વાત આગળ વધતાં સરખામણી થવા લાગી. મિત્રો દ્વારા પણ સૂચનો આવવા લાગ્યાં. ફલાણાએ તો રિસૉર્ટમાં વેડિંગ કર્યું, બીજાએ ડેસ્ટિનેશન વેડિંગ કર્યું, ત્રીજાનું ‘બાલી’નું પ્રી-વેડિંગ શૂટ સોશ્યલ મીડિયામાં બહુ વખણાયું. દેખાદેખીમાં ધીમે-ધીમે બજેટ બમણું થઈ ગયું. ડિઝાઇનર કપડાં, બ્રૅન્ડેડ શૂઝ, બ્રૅન્ડેડ લેહંગા, ડ્રોન ફોટોગ્રાફી, સિનેમૅટિક વિડિયો.... લગ્ન અદ્ભુત થયાં. તસવીરો ચમકી. અપલોડ્સ ઝળક્યા. અઢળક લાઇક્સ મળી.
ત્રણ-ચાર મહિનામાં ‘હાઇપ’ ઊતરી ગઈ. ફોટો પેનડ્રાઇવમાં સમાઈ ગયા અને EMI બૅન્કમાં શરૂ થઈ ગયાં. તનાવ વધી ગયો. કારણ? ‘જોયું જવાશે’ કરીને કરેલો ખર્ચ અને ગજા બહારની જીવનશૈલી.
સોશ્યલ મીડિયા જીવન અને પ્રદર્શન વચ્ચેની રેખા મિટાવી રહ્યું છે. રેસ્ટોરાંમાં જમવા જાઓ તો ફોટો તો મૂકવા જ પડેને, બહારગામ ફરવા ગયા હોઈએ તો રીલ તો બનાવવી જ પડેને, બર્થ-ડે પાર્ટી હોય તો વિડિયોગ્રાફી તો કરવી જ પડેને. આ બધાને મળતાં થમ્સ-અપ અને ઇમોજીઝ જાણે પ્રમાણપત્ર બની ગયાં છે.
કેસ 2 : સ્કૂલ કે સ્ટેટસ સિમ્બૉલ?
સુમિત અને સ્મૃતિએ પોતાની દીકરીને એક પ્રીમિયમ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં દાખલ કરી. ફી સામાન્ય સ્કૂલો કરતાં પાંચગણી. ‘અમારા બધા મિત્રોનાં બાળકો એ સ્કૂલમાં જ જાય છે,’ સ્મૃતિ ગર્વથી કહે છે, ‘ત્યાંનું વાતાવરણ જ હાઇ-ફાઇ છે. છોકરાઓ આખોઆપ સ્માર્ટ થઈ જાય.’ સ્કૂલ સાચે જ ઉત્તમ હતી. આધુનિક લૅબ અને લાઇબ્રેરી, સ્માર્ટ સ્ક્રીનવાળા ક્લાસરૂમ, સેન્ટ્રલી ઍર-કન્ડિશન્ડ બિલ્ડિંગ. જોકે એમાં સુમિતની તાણ વધતી ગઈ. બચતના નામે શૂન્ય ને ક્યારેક ઉધારી.
જ્યારે નિર્ણય સ્ટેટસ માટે લેવાય ત્યારે તનાવને નિવારી શકાતો નથી. ગજા બહારની જીવનશૈલીનું એ છે સ્વાભાવિક પરિણામ.
આપણે શું પહેરીએ છીએ? ક્યાં જમીએ છીએ? કઈ ઘડિયાળ પહેરી છે? કઈ કાર ચલાવીએ છીએ? બધું જાણે કોઈકને બતાવવા માટે છે. જોકે આવક સાથે મેળ ન ખાય ત્યારે વચ્ચેની ખાલી જગ્યા ‘ક્રેડિટ’ ભરે છે. ક્રેડિટ કાર્ડ, પર્સનલ લોન, EMI કાર્ડ... આ બધાંનું એક સૂત્ર છે : હમણાં ભોગવો, પછી ચૂકવો. બધા આમાં અટવાઈ જાય છે. તાત્કાલિક આનંદ ભવિષ્યની આવક પર અત્યારથી જ કાપ મૂકી દે છે. સૅલેરી આવે એ પહેલાં જ પેમેન્ટનો એક હિસ્સો નક્કી થઈ ગયો હોય છે.
કેસ 3 : નૉર્મલ જીવન કે હાઇ-ફાઇ લાઇફસ્ટાઇલ?
IT એન્જિનિયર નીલરંજન. ૨૮ વર્ષનો પ્રોફેશનલ. સારી કંપની, સારો પગાર છતાં મહિનાના અંતે બચતમાં લગભગ કંઈ નહીં. કારણ? મોંઘાં મોબાઇલ-લૅપટૉપ, વીક-એન્ડ બ્રન્ચ, આઉટિંગ્સ ઍન્ડ પાર્ટીઝ. દરેક વસ્તુ એકાદ લેવલ નીચેની ખરીદે તો ચાલે એ નીલરંજન જાણે છે. કેટલાક ખર્ચ કદાચ જરૂરી પણ નથી. છતાં પોતાના મિત્રો અને સંબંધીઓ સામે એક ઇમેજ બનાવી રાખવા નૉર્મલ નથી જિવાતું. ગજા બહારની જીવનશૈલી આર્થિક તનાવ તો વધારે જ.
ક્રેડિટ કાર્ડનું પઠાણી વ્યાજ એક વાર ફસાયા પછી જલદીથી બહાર નીકળવા નથી દેતું. એક EMI, બીજું EMI, ક્રેડિટ કાર્ડનું મિનિમમ પેમેન્ટ, બાકીની રકમ પર ચડતું વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજના ચક્કરમાં અંતે એક દિવસ ખ્યાલ આવે કે મૂળ રકમ કરતાં વધુ તો વ્યાજ ચૂકવી દીધું.
સમસ્યા ઉપભોગની નથી, સમસ્યા દેખાડો કરવા માટેના ઉપભોગની છે. આપણે ભૂલી રહ્યા છીએ કે પારંપરિક વસ્ત્રોમાં પણ લગ્ન યાદગાર બની શકે છે. શિક્ષણ સારા શિક્ષકોથી મળે છે, ઍર-કન્ડિશન્ડ સ્કૂલથી નહીં. તમારો પ્રવાસ સોશ્યલ મીડિયા પરના પ્રદર્શન વગર પણ સ્મરણીય બની શકે છે.
કેસ-સ્ટડીઝનો નિષ્કર્ષ
મોંઘવારી વધતી રહે છે એ વાસ્તવિકતા છે. આવક કરતાં મોંઘવારીનો વધવાનો દર વધુ રહે છે એ સ્વીકારવું રહ્યું. એટલે ગજા બહારની જીવનશૈલી અંતે આર્થિક તનાવ તરફ લઈ જ જવાની. દેવું વધતું રહે છે. કારણ? પ્રિન્સિપલ કરતાં ઇન્ટરેસ્ટ વધુ ચૂકવાયા પછી પણ આઉટસ્ટૅન્ડિંગ તો રહે જ છે. દેશી ભાષામાં મુદ્દલ તો બાકી જ રહ્યું. દેવું તમારી આસપાસ ધુમ્મસ રચી દે છે, તમારી દૃષ્ટિ ધૂંધળી થઈ જાય છે.
બાય ધ વે
તમને ખબર છે કે જો તમારા ક્રેડિટ કાર્ડ પર, જેનો મહિનાનો વ્યાજનો સામાન્ય દર ૨.૫ ટકા હોય છે, એના પર ફક્ત ૧૦,૦૦૦ રૂપિયા બાકી હોય અને તમે દર મહિને ફક્ત મિનિમમ પેમેન્ટ કરો તો ક્યારે પૂરી રકમ ચૂકવી શકશો? તમે ચોંકી જશો. ૬ વર્ષ ૮ મહિને. એ પણ જો કાર્ડથી વધુ કોઈ ખરીદી ફરીથી ન કરી તો. વ્યાજનો દર જો ફક્ત અડધો ટકો જ વધારે હોય, એટલે કે ૩ ટકા મહિને હોય તો ૯ વર્ષ ૯ મહિને પૂરી રકમ ચૂકતે થશે. આમ ૧૦,૦૦૦ રૂપિયા ચૂકવતાં ૧૦ વર્ષ લાગી જશે. આ તો મિત્રો, કમાઈ-કમાઈને એ બકાસુરને જ આપવા જેવું થયુંને.
(યોગેશ શાહ શ્રી ખડાયતા સમાજ-બૉમ્બેના ભૂતપૂર્વ પ્રમુખ છે અને એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની લિટક્લબ સાથે સંકળાયેલા છે.)