21 January, 2026 12:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
એમાં મારે શું?
આપણામાંના ઘણા બીજાને અન્યાય થતો જોતા રહે છે અને પોતાને કોઈ ફરક પડતો ન હોય તો ઉપેક્ષા કરે છે. ધર્મગ્રંથોમાં કહેવાયેલું છે કે પ્રામાણિકપણે જીવવું અને બધાને પ્રેમથી જીતવા, પણ હંમેશાં એવું થઈ શકતું નથી. પ્રામાણિકપણે જીવવું સહેલું છે. આજે ઘણા લોકો પ્રામાણિકપણે જીવવા પ્રયત્નો કરી રહ્યા છે. આમ છતાં એવા ઘણા લોકો છે (કૌરવો જેવા) જે પોતાના અંગત સ્વાર્થ માટે પોતાની ન હોય એવી વસ્તુઓ માગતા હોય છે, બળજબરીથી પડાવતા હોય છે અને સામાન્ય નાગરિકો ‘એમાં મારે શું?’ એમ વિચારી તટસ્થ ભાવથી જોતા રહે છે. આપણાં શાસ્ત્રોમાં પણ લખેલું છે કે દેવોના યજ્ઞમાં તેમના ધર્મકાર્યમાં દાનવો વિઘ્નો નાખતા તેથી ધર્મ પાળવો અશક્ય બને એ જ રીતે આજે પ્રામાણિકપણે જીવવું અઘરું બની રહ્યું છે. આજે કંઈ પણ કામ સરકારી ખાતામાં કરાવવું હોય તો મોટા ભાગે લાંચ આપવી જ પડે છે, સત્ય છોડવું જ પડે.
ધર્મગ્રંથોમાં લખાયેલી મુખ્ય વાત આજે વીસરાઈ રહી છે અને એ છે અધર્મ સામે યુદ્ધ. ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને યુદ્ધ માટે ઉપદેશ આપે છે. અન્યાય અને અધર્મ સામે યુદ્ધ ધર્મનું એક મહત્ત્વનું અંગ છે. ડૉ. અમૂલ શાહે તેમના પુસ્તક ‘વિચારોના ચમકારા’માં લખ્યું છે, ‘આપણે એટલું સમજવું જોઈએ કે આપણું જીવન સંઘર્ષ વિના જરૂર પડે તો યુદ્ધ વિના શક્ય નથી. આપણા શરીરમાં મોટી સેના છે જે પ્રત્યેક ક્ષણે આપણું રક્ષણ કરે છે, જેને ઇમ્યુન સિસ્ટમ કહેવાય છે. એ બહારના હાનિકારક જીવાણુ સામે યુદ્ધ કરે છે. શરીરમાં આ જીવાણુ પ્રવેશ કરે તો લડાયક ફોજ તરત જ આવી જાય છે અને યુદ્ધ કરીને એને મારી નાખે છે અને શરીરમાંથી એને કાઢી નાખે છે. વૃદ્ધો અને બાળકોમાં એ એટલી જોરદાર નથી હોતી એટલે તેમને માંદગી વધારે આવે છે. આ ઇમ્યુન સિસ્ટમ કામ ન કરે જેમ કે એઇડ્સના રોગમાં, તો વ્યક્તિને જાતજાતના રોગો થાય અને પ્રતિકારશક્તિ ન હોવાથી વ્યક્તિનું છેલ્લે મૃત્યુ થાય.
આ જ રીતે આજે સમાજના ઘણા નાગરિકોની અલિપ્તતાની મનોદશાને કારણે પ્રતિકારશક્તિ હણાઈ ગઈ છે. આપણો સમાજ એક પ્રકારના ‘એઇડ્સ’થી પીડાય છે. આજે પણ ચોતરફ ભ્રષ્ટાચાર, અપહરણ, બળાત્કાર, આતંકવાદ, ગુંડાગીરી, છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે.
આ પરિસ્થિતિનું બીજું એક કારણ આપણને ફરી-ફરી ઉપદેશમાં આપવામાં આવે છે એ સહિષ્ણુતા.
ગમે તે થાય પણ આપણે સહિષ્ણુ બની બધા અન્યાય સહન કરવા.
સહિષ્ણુતાની આ હદ ક્યાં સુધી? આપણી બહેન-દીકરીઓની લાજ લૂંટાય અને નિ:સહાય કિશોરીઓ વેશ્યાવાડે ધકેલાતી રહે એ ચલાવી લેવાનું? આ બધાથી જો સહિષ્ણુ લોકોનું લોહી ન ઊકળે તો તેમની નસોમાં લોહી નહીં પણ પેપ્સી અને થમ્સઅપ વહે છે.
આ સહિષ્ણુતા અને ગમે તે ભોગે મનની શાંતિ જાળવવી એ વિચારસરણીએ હિન્દુસ્તાન ને સદીઓથી ગુલામીમાં રાખ્યો હતો એ હકીકત છે. નહીં તો પંદરથી પચીસ હજાર બ્રિટિશરો કરોડો હિન્દુ-મુસ્લિમો પર રાજ કેવી રીતે કરી શકે? આપણા હિન્દુ સિપાહીઓએ જ જલિયાંવાલા બાગમાં આપણી જ પ્રજા પર ગોળીઓ ચલાવી હતી. સહિષ્ણુતાની આ વિચારસરણી એ એક પ્રકારનો પલાયનવાદ છે.
જ્યાં સુધી નાગરિકો સંઘર્ષ અને જરૂર પડે તો સંપત્તિ, સમય, અંગત સુખ અને બલિદાનની તત્પરતા નહીં બતાવે ત્યાં સુધી ગીતાનો ઉપદેશ પોથીમાંનાં રીંગણા જેવો જ રહેશે.
અત્યારે જો આપણે સહુ શાંતિથી વિચાર કરીએ તો કોમી વૈમનસ્યનું એક મુખ્ય કારણ આપણી ખામીભરેલી સમાજવ્યવસ્થા પણ છે. ગરીબી, બેરોજગારી, મધ્યમવર્ગને પરેશાન કરતી મોંઘવારી વગેરે. કોમવાદનું મૂળ આ દુખી, નિરાશ, હેરાનપરેશાન થયેલો વિક્ષુબ્ધ જનસમાજ છે. સમાજને વ્યવસ્થિત ચલાવવો હોય તો આવડત અને દીર્ઘદૃષ્ટિ જોઈએ, જે આપણા મોટા ભાગના નેતાઓમાં નથી. આપણા નેતાઓ ભાષણો કરી જાણે છે, ચૂંટણી પહેલાં વચનો આપી જાણે છે. વચનોની પૂર્તિ કરવા માટે વારંવાર તેમને રિમાઇન્ડરો આપવાં પડે છે. સરકારી દફતરોમાં અધિકારીઓ જવાબદારી બીજા ઑફિસર પર નાખતા રહે છે. મોટા ભાગે કોઈ નેતાએ કોઈ ઉદ્યોગ કે સંસ્થા સફળતાથી ચલાવી નથી હોતી. આ નિષ્ફળ નેતાગણ શું કરે? નેતાઓ જનતાનું ધ્યાન બીજે દોરવા ધર્મ જોખમમાં છેની કાગારોળ કરે. આવા પ્રચારથી સમાજના ઉપરના સ્તરો, બન્ને કોમના સુખી વર્ગ વિચલિત થતા નથી અને આ વિચારસરણી ખોટી છે એમ કહે છે; પણ જે નીચલા સ્તરનો ગરીબ વર્ગ છે, જેનું જીવન સંઘર્ષમય છે, જે ચિંતાઓથી ઘેરાયેલો છે તે તેમની બેહાલી માટે કોઈ જે કારણ આપે એ સાચું સમજીને પકડી લે છે. આ સ્તરના લોકોના ઉશ્કેરાટમાંથી કોમી દાવાનળ પ્રગટે છે અને પ્રાગટ્ય પછી એટલી ઝડપે ફેલાય છે જેમ સૂકા ઘાસના પૂળામાં દિવાસળી ચાંપી હોય એમ... પછી તો એમાં શાંતિના પ્રયાસો કે લૉજિક નિષ્ફળ જાય છે. આમાં એકબીજાનો વાંક કાઢવો નિરર્થક છે. આવો કોમી દાવાનળ અટકાવવો હોય તો શાંતિના સમયમાં આપણે સમૂહજીવન કેમ જીવવું એના પાઠો સમજવા જોઈશે. સાથે કેમ રહેવું એનો ઊંડો અભ્યાસ કરવો પડશે જેથી આપસ-આપસમાં લડીને જાનમાલની ખુવારી અટકાવવી એને બદલે જે તત્ત્વો સામાજિક વિકાસને રુંધતાં હોય એની સામે લડીને એને પરાસ્ત કરવાં પડશે.
- હેમંત ઠક્કર (લેખક જાણીતા પ્રકાશનગૃહ એન. એમ. ઠક્કરની કંપનીના સૂત્રધાર છે.)