દિવાળીની સફાઈમાં તમે કેટલી વસ્તુઓ ફેંકી દીધી અને કેટલી સંઘરી રાખી?

27 October, 2021 12:15 PM IST  |  mumbai | Jigisha Jain

આ માટે આપણા વડીલો ગમે એટલા પ્રતિબદ્ધ થાય તો પણ લગભગ બધાના ઘરે જૂની વસ્તુઓ સાફ કરીને ફરીથી માળિયા પર મુકાઈ જાય છે.

દિવાળીની સફાઈમાં તમે કેટલી વસ્તુઓ ફેંકી દીધી અને કેટલી સંઘરી રાખી?

દિવાળીમાં જૂની અને ખરાબ વસ્તુઓને કાઢીને નવી વસ્તુઓ લાવવાનો રિવાજ છે. જોકે આ માટે આપણા વડીલો ગમે એટલા પ્રતિબદ્ધ થાય તો પણ લગભગ બધાના ઘરે જૂની વસ્તુઓ સાફ કરીને ફરીથી માળિયા પર મુકાઈ જાય છે. એવી વસ્તુઓ મળી જ આવશે જે વર્ષોથી વપરાયા વગરની પડી છે ફક્ત એ આશાએ કે ભવિષ્યમાં ક્યારેક એ ઉપયોગમાં આવી શકે

માળિયામાંથી જૂનાં વાસણો, બરણીઓ, સૂટકેસો, ટ્રન્ક, ગાદલાં, ગોદળાં, રજાઈ, ઇલેક્ટ્રિકનાં જૂનાં સાધનો જેમ કે એક્સ્ટ્રા પંખા કે લાઇટ, જૂનાં રમકડાંઓ, જૂનાં કપડાંનું પોટલું આવું કેટકેટલું નીકળે છે. બધું સાફ થાય છે. સાફ કરતાં-કરતાં જૂની યાદોના ઢગલા વેરાય છે.
આ તપેલું છે એ તારા મામાનાં લગ્નમાં મળેલું. એનાથી મેં કેટલાય જમણવાર પાર પાડ્યા અને આ મારી બાનું પાનેતર છે. જો હજી એનું ભરતકામ એવું ને એવું જ છે. આ નાનકડી સાઇકલ તારા પપ્પાની છે. તું નાનો હતો ત્યારે ખૂબ જીદ કરીને લેવડાવેલી. 
પણ હવે એનું શું કામ છે?  આ પ્રશ્નનો કોઈ જવાબ નથી, પણ બા કહેશે કે કોઈને કામ લાગશે, રહેવા દેને. 
બા, તમે દર દિવાળીએ આવી જ વાત કરો છો. રહેવા દેને. આ બધું આપણે ક્યારે ઘરમાંથી કાઢીશું? 
બા કહે છે હું છું ત્યાં સુધી રહેવા દો, પછી કાઢી નાખજો. 
આ સીન દરેક ઘરમાં ભજવાતો હોય છે. 
નવું આવી ગયું પણ 
૬૨ વર્ષનાં પારુલ દોશી ઘરની, ખાસ કરીને તેમના રસોડાની જૂનામાં જૂની વસ્તુ સાચવી રાખવાની આદત ધરાવે છે. તેમણે કઈ વસ્તુ કેટલાં વરસ પહેલાં વસાવેલી એ પણ યાદ છે. તેમના આણામાં લાવેલાં વાસણો, તે યુવાન હતાં ત્યારે તેમણે પહેરેલાં ચણિયા-ચોળી, તેમણે ખરીદેલું મિક્સર, ૪૦-૫૦ વર્ષ જૂનું ફર્નિચર બધું જ તેમણે સાચવેલું છે. હૅન્ડી મિક્સર એક એવું મશીન છે જે માંડ ત્રણથી પાંચ વર્ષ ચાલે છે. પારુલબહેન પાસે ૧૯૯૩માં વસાવેલું હૅન્ડી મિક્સર હજી પણ છે. એ વિશે વાત કરતાં પારુલબહેન કહે છે, ‘અમે જ્યારે નવું રસોડું બનાવડાવ્યું હતું ત્યારે માર્કેટમાં આ નવું મશીન આવેલું. ત્યાં સુધી બધા ઝેરણી જ વાપરતા. મને આ ખૂબ ગમ્યું હતું. મેં મારી બચતમાંથી એ સમયે આ મિક્સર લીધું હતું. એ પછી એ ૩-૪ વાર બગડી ગયું. મેં એને રિપેર કરાવવામાં ૧૧૧૦ રૂપિયા વાપરી નાખ્યા. હકીકત એ છે કે આજની તારીખે એટલામાં બીજું મિક્સર આવી જાય, પણ એ જવા દઈને નવું ખરીદવાની ઇચ્છા થતી જ નહોતી. છેલ્લે બાળકોએ પોતાની ઇચ્છા મુજબ નવું મશીન મગાવી લીધું. તોય મેં આ જૂનું મશીન જવા ન દીધું. હજી મેડામાં રાખ્યું છે એમ વિચારીને કે ઇમરજન્સીમાં કામ લાગશે. ક્યારેક કામમાં લઉં પણ છું.’ 
એક સ્ત્રીએ પોતાનું રસોડું ખૂબ અરમાન સાથે ભેગું કર્યું હોય છે. જીવનનાં ઘણાં વર્ષો તેણે એ જ વાસણો વચ્ચે વિતાવ્યાં હોય એટલે એની માયા તો હોય જ એમ જણાવતાં પારુલબહેન કહે છે, ‘વસ્તુઓ ફેંકતાં બે મિનિટ થાય, પણ વસાવતાં આખું જીવન વીતી જાય છે એટલે છોડવું સહેલું નથી.’ 
દરેક વસ્તુ સાથે જોડાયેલી યાદ 
૬૩ વર્ષનાં સોનલ મહેતા પાસે પણ ૪૫ વર્ષ જૂનું રોટલીનું ગરમું છે જેમાં તેઓ રોટલી રાખતાં. આજે એની જગ્યા કેસરોલે લઈ લીધી છે, પણ એ ગરમું હજી પણ તેમણે સાચવી રાખ્યું છે. એ સમયે વપરાતાં ઍલ્યુમિનિયમનાં મોટાં તપેલાં પણ તેમણે સરસ સાચવેલાં છે. મેં તો બાળકોના ઘોડિયાની ખોળ, 
ગાદલાં, તેમનાં જૂનાં કપડાં બધું 
સાચવેલું છે એમ જણાવતાં સોનલબહેન કહે છે, ‘મારા દીકરો ૩-૪ વર્ષનો હતો ત્યારે તે જે રજાઈ વાપરતો એ સાચવેલી છે. તેના પપ્પા ખૂબ હોંશથી લાવેલા તેના માટે. હવે તો એ લાવનારા રહ્યા નથી અને દીકરાના ઘરે પણ ૯ વર્ષનો 
દીકરો છે. સમય ઘણો આગળ વધી ગયો, પરંતુ જ્યારે એ રજાઈ જોઉં છું ત્યારે જૂનો સમય આંખ સામે તરી આવે છે. દર દિવાળીએ મારા દીકરાનું બાળપણ 
હું આ રજાઈ મારફત ફરી જીવી લેતી હોઉં છું. હવે એને કઈ રીતે અલવિદા કહી દઉં? જૂની દરેક વસ્તુ સાથે આવી કેટકેટલી યાદો જોડાયેલી હોય છે એટલે એ વસ્તુઓ વધુ વહાલી બની જતી હોય છે.’
સંગ્રહ કરવાની વૃત્તિ 
જેઓ અત્યારે ૬૦ વર્ષની ઉપર પહોંચી ગયા છે એવી મોટા ભાગની વ્યક્તિઓ ખૂબ સંઘર્ષ કરીને આગળ વધી છે. ઘરની દરેક વસ્તુ વસાવવા માટે તેમણે દિવસ-રાત એક કર્યાં છે. આ એ પેઢી છે જેમના ઘરમાં એક ચમચી કે તપેલું કે એક પેણી પણ તેમણે ક્યારે અને કેવા સંજોગોમાં ખરીદી છે એ તેમને યાદ છે. ઘરમાં વસાવેલી દરેક વસ્તુની તેમને ખૂબ કદર છે એટલે એ જૂની વસ્તુઓ છોડી દેવી તેમના માટે સહજ નથી.  

પેઢી વચ્ચેનો ફરક 

નવી પેઢીમાં વસ્તુઓ સાથેનો આ પ્રકારનો મોહ જોવા મળતો નથી. એક ખરાબ થઈ ગયું તો બીજું આવી જશે એવું તેમને લાગે છે. વાપરવું અને ફેંકી દેવું, નવું લાવવું એ તેમની વૃત્તિ છે. એની પાછળનું કારણ સ્પષ્ટ કરતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અશિત શેઠ કહે છે, ‘સમય બદલાતાં માણસ સમાજવાદી મટીને વ્યક્તિવાદી એટલે કે ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક બન્યો છે. જે માણસના જીવનમાં બીજા માણસની કિંમત ઘટી ગઈ છે એ માણસ વસ્તુઓની કિંમત ક્યાંથી કરવાનો? જોકે નવી પેઢીમાં પણ વસ્તુઓ પાછળ મોહ ઘણો છે અને સંગ્રહ કરવાની વૃત્તિ પણ છે. જેમ કે પહેલાંના લોકોને ચાર જોડી કપડાં ઘણાં થઈ જતાં. આજની પેઢીને ચાલીસ પણ ઓછાં પડે છે. તેમના કબાટમાં જોશો તો એવાં કેટલાંય કપડાં, જૂતાં કે બૅગ નીકળશે જે તેમણે ક્યારેય વાપર્યાં નથી, પણ તેમની પાસે છે. આ પણ એક પ્રકારની સંગ્રહવૃત્તિ જ કહી શકાય.’

શું ન સંઘરવું એની ટિપ્સ આપે છે એક્સપર્ટ 

વાસ્તુ-એક્સપર્ટ આશા મહેતાના કહેવા મુજબ સંગ્રહ કરવા માટે તમારી પાસે જે પણ કારણ હોય તો પણ અમુક વસ્તુઓ એવી છે જે તમારે ઘરમાંથી કાઢી જ નાખવી જોઈએ. 
જેમ કે ઘરમાં ભગવાનની ખંડિત મૂર્તિ કે ફોટો હોય તો એનું મંદિરમાં કે નદીમાં વિસર્જન કરી દેવું. 
જૂની ટોપી ખાસ તો જે ફાટી ગઈ છે કે ખરાબ થઈ ગઈ છે એ અલગ કરી દેવી. એ માથા પર પહેરાતી વસ્તુ છે. એની અસર તમારી કીર્તિ કે યશ પર થઈ શકે છે. 
બે વર્ષથી જૂનાં ચામડાનાં પર્સ કે જૂતાં ખરાબ થઈ ગયાં હોય એ ફેંકી દેવાં. જે જૂની ઘડિયાળો કોઈ દિવસ પહેરતા ન હો અને પડી હોય જેથી એના સેલ બંધ પડી ગયા હોય તો એને તમારાથી દૂર કરો. નહીંતર તમે સમય ચૂકી શકો છો. 
ઘરમાં તૂટેલી છત્રી ન રાખો. એને રિપેર કરાવો અથવા કોઈને આપી દો. નહીંતર એ ઘરને છત્ર દેનાર એના મોભીને અસરકર્તા બનશે. 
તૂટેલો કાચ, કપ, પ્લેટ કે અરીસો ઘરમાં ન રાખવો. 
બે વર્ષથી વધુ જૂની કોઈ પણ વસ્તુ જેનો પ્રયોગ તમે કરતા નથી એ ઘરમાં પડી રહીને નકારાત્મકતા ઊભી કરે છે. એટલે જો એ કામમાં ન જ આવવાની હોય તો એને કોઈ બીજાને આપી ઘરમાં સકારાત્મકતા લાવવી જોઈએ.

વસ્તુઓ ફેંકતા બે મિનિટ થાય, પણ વસાવતાં આખું જીવન વીતી જાય છે એટલે છોડવું સહેલું નથી. મેં મારી બચતમાંથી ૧૯૯૩માં વસાવેલું ખાસ હેન્ડી મિક્સર હજી પણ છે મારી પાસે. - પારુલ દોશી

columnists Jigisha Jain