ફિલ્મ ‘નયા દૌર’ માટે નિર્માતા બી. આર. ચોપડાની કઈ માગણી સંગીતકાર ઓ. પી. નૈયરે ન સ્વીકારી?

14 June, 2026 05:59 PM IST  |  Mumbai | Rajani Mehta

આશા ભોસલે સાથે ઓ. પી. નૈયરની પ્રથમ મુલાકાત ૧૯૫૨માં ફિલ્મ ‘છમ છમા છમ’ના રેકૉર્ડિંગમાં થઈ. એ સમયે જ તેમને આશાજીના સ્વભાવનો પરિચય થઈ ગયો.

આશા ભોસલે સાથે ઓ. પી. નૈયર

આશા ભોસલેની જીવનકિતાબ સંગીતકાર ઓ. પી. નૈયરના ઉલ્લેખ વિના અધૂરી કહેવાય. સમાજની પરવા કર્યા વિના બંનેએ દિલથી એકમેકને અઢળક પ્રેમ કર્યો અને પરિણામસ્વરૂપે સંગીતપ્રેમીઓને અમર ગીતો મળ્યાં. જોકે દરેક સંબંધનું એક આયુષ્ય હોય છે અને ઋણાનુબંધ પૂરો થાય ત્યારે એ સંબંધનો અંત આવે છે. એ બંનેના સહવાસનો કરુણ અંત આવ્યો, પરંતું તેમની નિકટતા દરમ્યાન બંને પોતાની ક્ષમતાની ચરમસીમા પર પહોંચ્યાં એ વાતનો ઇનકાર ન થઈ શકે.

આશા ભોસલે સાથે ઓ. પી. નૈયરની પ્રથમ મુલાકાત ૧૯૫૨માં ફિલ્મ ‘છમ છમા છમ’ના રેકૉર્ડિંગમાં થઈ. એ સમયે જ તેમને આશાજીના સ્વભાવનો પરિચય થઈ ગયો. એમ છતાં ૧૯૫૭ સુધી ઓ. પી. નૈયર પોતાની ફિલ્મોમાં મોટી ભાગે ગીતા દત્ત અને શમશાદ બેગમ પછી આશા ભોસલેને પ્લેબૅક સિંગર તરીકે પસંદ કરતા.

એ દિવસોમાં આશા ભોસલેના લગ્નજીવનમાં સંઘર્ષ ચાલતો હતો. નિયતિની ચાલ એવી હતી કે જાણેઅજાણે તેમના જીવનમાં ઓ. પી. નૈયરનો પ્રવેશ થઈ રહ્યો હતો. ૧૯૫૬માં ‘હમ સબ ચોર હૈ’માં ઓ. પી. નૈયરે કેવળ આશા ભોસલેના સ્વરમાં ગીતો રેકૉર્ડ કર્યાં. ૧૯૫૭માં ‘નયા દૌર’થી આશાજીની કારકિર્દીને એક નવો આયામ મળ્યો. એ સમયે ઓ. પી. નૈયરને આશાજીના સ્વરમાં અલગ વજન, માદકતા અને પોતાની સર્જનાત્મક શક્તિઓની અભિવ્યક્તિ સારી રીતે દેખાવા લાગી.

મારી સાથેની મુલાકાતોમાં ઓ. પી. નૈયરે આ ફિલ્મનો એક રસપ્રદ કિસ્સો શૅર કર્યો હતો. ‘જબ બી. આર. ચોપડાને મુજે ફિલ્મકી સ્ટોરી સુનાઈ તો મૈંને સાફ સાફ કહ દિયા કે ઇસમેં બિલકુલ દમ નહીં. એક ટાંગેવાલા કૈસે બસ કો હરા સકતા હૈ? ઉન્હોંને કહા કી ફિલ્મમેં દિલીપ કુમાર ઔર મધુબાલા (બાદમાં હિરોઇન બદલાઈ અને વૈજયંતીમાલા આવી) જૈસે બડે સ્ટાર હૈ ઔર મૈં એક સોશ્યલ મેસેજ દેના ચાહતા હૂં. તો મૈંને હાં કહી.’

વાત-વાતમાં બી. આર. ચોપડાએ કહ્યું કે બિગ બજેટ ફિલ્મ હોવાથી કેવળ લતા મંગેશકર જ ગીતો ગાશે. મેં કહ્યું કે હું કેવળ આશાના સ્વરમાં જ ગીતો રેકૉર્ડ કરીશ. તેમણે કહ્યું કે આશા હજી ઇન્ડસ્ટ્રીમાં એસ્ટાબ્લિશ નથી થઈ. તમારો જો લતા સાથે કોઈ ઝઘડો હોય તો હું સુલેહ કરાવી દઉં. મારી વાત લતા જરૂર માનશે. મેં કહ્યું મારો લતા સાથે કોઈ ઝઘડો નથી, પણ આશા જ ગીત ગાશે. જો તમને મંજૂર ન હોય તો હું ફિલ્મ છોડવા તૈયાર છું. તેમણે મારા સ્વભાવ વિશે સાંભળ્યું હતું એટલે તેમણે નમતું જોખ્યું. જોકે છેવટ સુધી તેમને ડર હતો, પરંતુ ફિલ્મનાં તમામ ગીતો હિટ થયાં ત્યારે તેમણે મને દિલથી અભિનંદન આપ્યાં.’

અને આમ શરૂઆત થઈ એક હિટ જોડીની, જેણે ૧૯૭૩ સુધી બેનમૂન ગીતો આપ્યાં. જ્યારે બે હોનહાર કલાકારોનું સાયુજ્ય રચાય છે ત્યારે અમર રચનાઓ આકાર પામે છે. ‘નયા દૌર’ બાદ ઓ. પી. નૈયરના સંગીતમાં ‘અત્ર તત્ર સર્વત્ર’ની જેમ આશા ભોસલે જ છવાયેલાં રહ્યા. ગીતા દત્ત અને શમશાદ બેગમના છૂટાછવાયા અપવાદ સિવાય આશા ભોસલે ઓ. પી. નૈયરનાં મુખ્ય સિંગર બન્યાં. આ પહેલાં તેમને ‘બી’ અને ‘સી’ગ્રેડની ફિલ્મોની મુખ્ય ગાયિકા ગણવામાં આવતાં હતાં, પરંતુ ‘નયા દૌર’ પછી તેમની ગણના (લતાજી બાદ) ‘નંબર ટુ’ની ગાયિકા તરીકે થવા લાગી.

ચાલતી કલમે આ જોડીનાં થોડાં ગીતો યાદ આવે છે અને દિલ બાગ બાગ થઈ જાય છે. ‘આઇએ મેહરબાં, બેઠીએ જાને જાં’ (હાવરા બ્રિજ], ‘પિયા પિયા ના લાગે મોરા જિયા’ (ફાગુન], ‘જાઈયે આપ કહાં જાયેંગે, યે નઝર લૌટ કે ફિર આયેગી’ (મેરે સનમ), ‘આઓ હુઝૂર તુમ કો, સિતારોં મેં લે ચલું’ (કિસ્મત), ‘ બેકસી હદ સે જબ ગુઝર જાયે’ (કલ્પના) , ‘યે હૈ રેશમી જુલ્ફોં કા અંધેરા ન ઘબરાઈએ’ (મેરે સનમ), ‘ઝરા હૌલે હૌલે ચલો મોરે સાજના, હમ ભી પીછે હૈ તુમ્હારે’ ( સાવન કી ઘટા), ‘યે હી વો જગહ હૈ, યે હી વો ફીઝાં હૈ’ (યે રાત ફિર ન આયેગી). લિસ્ટ લાંબું છે.

ઓ. પી. નૈયર પરિવાર સાથે ચર્ચગેટ ‘શારદા’ બિલ્ડિંગમાં રહેતા હતા. આશા ભોસલે પતિથી છૂટા થયા બાદ બાળકો સાથે પેડર રોડ ‘પ્રભુ કુંજ’માં રહેતા. એ દિવસોમાં ઓ. પી. નૈયરે પેડર રોડ પર ‘મીરા માર’ બિલ્ડિંગમાં એક ફ્લેટ લીધો હતો જે તેમનો મ્યુઝિક રૂમ હતો. દિવસનો મોટા ભાગનો સમય તે ત્યાં જ વિતાવતા હતા. નૈયર અને મંગેશકર પરિવારોએ બંને કલાકારોની નિકટતા મને કમને સ્વીકારી લીધી હતી.

સમય વીતતાં સંબંધોનાં સમીકરણ બદલાય છે. ‘Familiarity breeds Contempt.’ અર્થાત્ અતિનિકટતા અવગણનામાં પરિણમે છે. સંબંધમાં જ્યારે વ્યક્તિઓને એકમેકથી ટેબલ -સ્પેસ જેટલી જગ્યાની મોકળાશ ન મળે ત્યારે ગૂંગળામણ અનુભવાય છે. એકમેકની વિશિષ્ટતા મર્યાદામાં પરિણમે છે અને અંતર વધતું જાય છે. બે પંક્તિ યાદ આવે છે

દૂરતા કોઈ વખત મોંઘી પડી

પણ નિકટતા તો સતત મોંઘી પડી

આવું જ કઈં આશા ભોસલે અને ઓ. પી. નૈયરના સંબંધોમાં બન્યું. ભલે પ્રેમને કારણો સાથે કોઈ સંબંધ નથી, પરંતુ વિચ્છેદ માટે સંબંધિત વ્યક્તિઓને અનેક કારણો મળી રહેતાં હોય છે. આ કૉલમમાં કોઈના અંગત જીવનમાં ડોકિયું કરી ખણખોદ ન કરવાનો શિરસ્તો કાયમ રાખીને એટલું જ કહેવું પર્યાપ્ત રહેશે કે એક એવા સંગીતમય યુગનો અંત આવ્યો જે અજરામર બની ગયો. આ જોડીનું અંતિમ ગીત હતું ૧૯૭૩ ની ફિલ્મ ‘પ્રાણ જાયે પર વચન ન જાયે’નું ‘ચૈન સે હમ કો કભી, આપ ને જીને ના દિયા’

ગીતકાર હતા શમશૂલ હુડા બિહારી જે એસ. એચ. બિહારીના નામે જાણીતા હતા. તેઓ આ જોડીના નિકટના મિત્ર હતા અને બંને વચ્ચે જે દૂરી વધતી જતી હતી તેનાથી વાકેફ હતા. બંને વચ્ચેનો તનાવ વધતો જતો હતો પરંતું તે કોઈની સાઇડ લીધા વિના એટલો પ્રયત્ન કરતા કે વાત વધુ વણસે નહીં.

મારી લાઇબ્રેરીમાં અમીન સાયાની સાથેના તેમના ઇન્ટરવ્યુનું રેકોર્ડિંગ છે. એમાં તેઓ કહે છે, ‘બે અત્યંત પ્રતિભાશાળી વ્યક્તિઓ, જે પોતપોતાના આત્મસન્માનના બદલામાં કોઈપણ સમાધાન કરવા માટે રાજી ન હોય; તેમની વચ્ચેનો મનમોટાવ ઘણી વાર એક વ્યક્તિ માટે જીરવવો અસહ્ય બની જાય છે. એક દિવસ આશાજી ખૂબ જ વ્યગ્ર હાલતમાં મારી સાથે વાત કરતાં બોલી પડ્યા, ‘કૈસી હૈ મેરી ઝિંદગી? કોઈ મુજે ચૈન સે જીને ભી નહીં દેતા.’ મેં તેમને વધુ કઈં ન કહેતા આશ્વાસન આપતા એટલું જ કહ્યું કે સૌ સારાં વાનાં થશે. તેમની આ વાત પરથી મારા એક ગીતનું મુખડું બન્યું.

ચૈન સે હમકો કભી

 આપને જીને ના દિયા

ઝહર ભી ચાહા અગર

પીના તો પીને ના દિયા

મેં ગીત પૂરું કર્યું અને નૈયરસાબને બતાવ્યું. તે સમજી ગયા કે કોની વાત છે પણ એટલું જ કહ્યું, ‘અચ્છા લિખા હૈ.’ ત્યાર બાદ ‘પ્રાણ જાયે પર વચન ન જાયે’માં એક સિચુએશન પર આ ગીત ફિટ બેસતું હતું એટલે અમે તેમાં લીધું.’

૧૯૭૩માં આવેલી આ ફિલ્મ માટે આશાજીએ સાત ગીતો રેકૉર્ડ કર્યાં. આ ગીત સૌથી છેલ્લું રેકૉર્ડ થયું. એ સમયે બંને વચ્ચેના સંબંધોમાં પૂર્ણવિરામ મુકાઇ ગયું હતું. નિર્માતા રતન મોહનને ડર હતો કે આશાજી રેકૉર્ડિંગ માટે આવશે કે નહીં. પણ એક સાચા પ્રોફેશનલ આર્ટિસ્ટ તરીકે તેઓ આવ્યાં અને સૌને હાશ થઈ.

એ રેકૉર્ડિંગ સમયે શું બન્યું એની વિગતવાર વાત આવતા રવિવારે.  

columnists gujarati mid day asha bhosle rajani mehta lifestyle news life and style