✕

નવી પેઢી સાથે અર્થપૂર્ણ સંવાદ સાધવા અને વિચારોને નવી દિશા આપવા માટે પૉડકાસ્ટ એક પ્રભાવશાળી માધ્યમ છે

26 October, 2026 05:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજના ડિજિટલ યુગમાં માહિતી અને મનોરંજનનાં સાધનોની કોઈ અછત નથી. સોશ્યલ મીડિયા, રીલ્સ, યુટ્યુબ અને OTT પ્લૅટફૉર્મ્સ આપણો ઘણો સમય રોકી રાખે છે. આટલી બધી માહિતી જોયા પછી પણ આપણે ખરેખર કેટલું શીખીએ છીએ?

બિમલ વોરા

આજના ડિજિટલ યુગમાં માહિતી અને મનોરંજનનાં સાધનોની કોઈ અછત નથી. સોશ્યલ મીડિયા, રીલ્સ, યુટ્યુબ અને OTT પ્લૅટફૉર્મ્સ આપણો ઘણો સમય રોકી રાખે છે. આટલી બધી માહિતી જોયા પછી પણ આપણે ખરેખર કેટલું શીખીએ છીએ? આવા સમયમાં પૉડકાસ્ટ એક એવું માધ્યમ બનીને ઊભર્યું છે જે માત્ર ધ્યાન ખેંચવાને બદલે આપણને વિચારવા પ્રેરે છે. કોઈ પણ વિષય પર ઑડિયો અથવા વિડિયો સ્વરૂપે રજૂ થતી ચર્ચા કે મુલાકાત નવી પેઢી સાથે સંવાદ સાધવાનો નવો સેતુ બની શકે છે. રીલ્સ અને શૉર્ટ્‍સમાં મનોરંજન તો મળે છે, પરંતુ ઓછા સમયમાં વધુ ને વધુ સામગ્રી બતાવવાની સ્પર્ધામાં ઘણી વાર વિષયની ઊંડાણપૂર્વક ચર્ચા થઈ શકતી નથી. પૉડકાસ્ટ આ બાબતમાં જુદો અનુભવ આપે છે.
 જોકે પૉડકાસ્ટની ખરી ઉપયોગિતા એની લંબાઈમાં નહીં, ચર્ચાની ગુણવત્તામાં છે. એમાં સાંભળનારને ઘણી વાર પોતાનું જ પ્રતિબિંબ દેખાય છે. પરીક્ષાના દબાણથી પરેશાન વિદ્યાર્થી જ્યારે કોઈ સફળ વ્યક્તિને પોતાની નિષ્ફળતાઓ વિશે નિખાલસતાથી વાત કરતાં સાંભળે છે ત્યારે તેને સમજાય છે કે મુશ્કેલી અનુભવવામાં તે એકલો નથી. કારકિર્દી અંગે મૂંઝવણ અનુભવતો યુવાન જ્યારે કોઈ નિષ્ણાતની જીવનયાત્રા સાંભળે છે ત્યારે તેને પોતાના પ્રશ્નોના જવાબ મળે છે. સફળતા કરતાં પડકારો વિશે ખૂલીને વાત કરો ત્યારે એ વાત વધુ વિશ્વસનીય અને પોતીકી લાગે છે. 
આજની યુવા પેઢી ઉપદેશ સાંભળવા તૈયાર નથી. એને પ્રશ્નો પૂછવા છે, કારણો સમજવાં છે અને પોતાના નિર્ણયો જાતે લેવા છે. સ્ટડીનું પ્રેશર, કારકિર્દીની પસંદગી, રિલેશનશિપ, ડિજિટલ ઍડિક્શન, માનસિક સ્વાસ્થ્ય, નાણાકીય સમજ, ઉદ્યોગસાહસિકતા અને જીવનમાં નિષ્ફળતાનો સામનો - આ બધા યુવાનોને સીધા સ્પર્શતા વિષયો છે. 
આ માધ્યમની ઉપયોગિતા અને સમાજની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શ્રી કચ્છી વીસા ઓસવાળ સેવા સમાજે પણ પૉડકાસ્ટની પહેલ કરી છે. સમાજની અનુભવી વ્યક્તિઓ અને વિષયના નિષ્ણાતોના જ્ઞાનનો લાભ વધુ લોકો સુધી પહોંચે, નવી પેઢીને યોગ્ય માર્ગદર્શન મળે અને જુદી-જુદી પેઢીઓ વચ્ચે અર્થપૂર્ણ સંવાદ વિકસે એ અમારો હેતુ છે. ઘણી વાર આવી નિખાલસ વાતચીત લાંબા ઉપદેશ કરતાં વધુ અસરકારક બને છે. અલબત્ત, દરેક વ્યક્તિનો અનુભવ દરેકને સમાન રીતે લાગુ ન પડે, પરંતુ અન્યની જીવનયાત્રામાંથી પ્રેરણા લઈને પોતાના સંજોગો પ્રમાણે નિર્ણય લેવામાં મદદ મળી શકે. એક જ પૉડકાસ્ટ યુવાપેઢી, પેરન્ટ્સ અને વડીલ ત્રણેયને જુદી રીતે વિચારવા પ્રેરી શકે છે. સમાજના તમામ વર્ગોમાં જાગૃતિ વધે એ હેતુથી શિક્ષણ, કારકિર્દી, આરોગ્ય, ટેક્નૉલૉજી, ઉદ્યોગસાહસિકતા, સામાજિક પ્રશ્નો અને જીવનને સ્પર્શતા વિવિધ વિષયો પર ચર્ચાઓ રજૂ કરવા દરેક સમાજે જુદા-જુદા પ્લૅટફૉર્મનો ઉપયોગ કરવો જોઈએ અને આવી પહેલને આવકારવી જોઈએ. 

columnists lifestyle news life and style tech news technology news