સરકારી બેદરકારી, લાંબા સમયથી વણઉકેલાયેલા પ્રશ્નો, ઘસાઈ જતાં સપનાં, પર્યાવરણ, યુદ્ધ અને માનવીય સંવેદનાના અભાવ જેવા અનેક મુદ્દાઓને કવિતાની પંક્તિઓ સાથે જોડતો વિચારપ્રેરક લેખ.
પ્રતીકાત્મક તસવીર
આપણે ત્યાં મોટા-મોટા સરકારી વિભાગોમાં મોટા-મોટા બેદરકાર લોકો કાર્યરત હોય છે, જેનું સૌથી ઉત્તમ ઉદાહરણ તમને ટ્રી ટ્રીમિંગના કામમાં જોવા મળશે. જે એજન્સીને કૉન્ટ્રૅક્ટ અપાય છે એના અણઘડ મજૂરો ડાળીઓને એવી આડેધડ વેતરી નાખે કે ઝાડને ઠૂંઠું કહેવાનો વારો આવે. સોળે કળાએ ખીલેલું ઝાડ રાતોરાત અપંગ બની જાય. જે હિસાબે સરકારી અધિકારીઓને લાખોનો પગાર ચૂકવાય છે એની સામે તેમની જવાબદેહી જોવા જઈએ તો પૈસા-બે પૈસાની જ નીકળે. વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા આવા લોકોને બન્ને અર્થમાં ‘શિક્ષિત’ કરવા જોઈએ. ભરત વિંઝુડા ‘હોતી હૈ ચલતી હૈ’ અભિગમને પડકારે છે....
આજ આવ્યા અને કાલ ચાલ્યા જશે
એ કરીને જરા વ્હાલ ચાલ્યા જશે
એ જ પ્રશ્નો હશે કંઈ જુદા રૂપમાં
એમ ને એમ સો સાલ ચાલ્યાં જશે
કેટલાક પ્રશ્નો અત્યંત જટિલ હોય છે. એમને ઉકેલતાં દાયકાઓ નીકળી જાય કે સદીઓ પણ વટાવવી પડે. કાવેરી પાણીવિવાદનો કેસ ૨૮ વર્ષ ચાલ્યો. આસામનો બોગીબીલ બ્રિજ ૨૧ વર્ષે પૂરો થયો. સરદાર સરોવર યોજના ૧૯૬૧માં શરૂ થયેલી, પણ પૂરી થઈ છેક ૨૦૧૦માં. અર્થાત્ એને પૂરી થતાં ૫૬ વર્ષ લાગ્યાં. અયોધ્યા રામ મંદિરનો કેસ કોર્ટમાં ૧૮૮૫માં દાખલ કરવામાં આવ્યો હતો. ચુકાદો આવ્યો છેક ૨૦૧૯માં. અર્થાત્ આ કેસ ૧૩૪ વર્ષ ચાલ્યો. આમાં અસીલ ઘસાઈ જાય અને વકીલને બખ્ખાં થઈ જાય. નીરવ વ્યાસ ચેતવે છે...
કોણ ક્યારે ખફા થઈ જશે?
આપણા, પારકા થઈ જશે
જો વધારે ઘસાશે હજુ
પથ્થરો આયના થઈ જશે
આપણે જિંદગીભર કોઈ ને કોઈ વાતે ઘસાતા રહીએ છીએ. પૈસેટકે ઘસાઈએ, જાતે ઘસાઈએ એ તો બધાની નજરમાં આવે; પણ સમય જતાં આપણાં સપનાંઓ પણ ઘસાઈ જાય છે. સપનાં આમ તો કાખઘોડીની ગરજ સારે છે. એનો ટેકો હોય તો ટકી જઈએ. સંસારની જવાબદારીમાં સપનાંનું રૂપાંતર સણકામાં ક્યારે થઈ જાય એની ખબર રહેતી નથી. કોશેટામાંથી નીકળીને પતંગિયું થવાતું નથી અને પાંખો પરના રંગો પણ ઊડી જાય છે. દિલીપ મોદી આપણને પ્રશ્ન પૂછે છે...
મોરને છોડીને ટહુકા ક્યાં જશે?
આ ધરાથી દૂર દરિયા ક્યાં જશે?
ક્ષુબ્ધ ઘટના ચોતરફથી ઘૂઘવે
હાથમાં મેંદીની છાયા ક્યાં જશે?
દરિયાને ધરાથી દૂર કરીને જમીન મેળવવામાં આવે છે. મુંબઈમાં પાયધુની સુધી દરિયો હતો એ સંકોચાતો છેક મરીન ડ્રાઇવ પહોંચી ગયો. કોસ્ટલ રોડનું નિર્માણ થયું એમાં પણ દરિયાકિનારાને પાછળ ધકેલવામાં આવ્યો. આ શહેર એવું ફાટફાટ થઈ રહ્યું છે કે એક તરફ દરિયામાંથી જમીન મેળવવાની મજબૂરી છે તો બીજી તરફ ત્રીજા મુંબઈનો પ્લાન કરવો પડે એટલો વસ્તીવધારો છે. ૩૨૩.૪૪ સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં ત્રીજા મુંબઈની યોજનાનાં પગરણ મંડાયાં છે. રાયગડ જિલ્લાનાં ૧૨૪ ગામો આમાં સમાઈ જશે. ૨૦૨૮થી ૨૦૪૦ સુધી વિકાસકાર્યો પ્રસ્તાવિત છે. વ્યથા એ છે કે માળખાકીય વિકાસ સાથે સંવેદનાનો વિકાસ થતો નથી. વિસ્તાર વધતો જાય છે અને લોકો સ્વકેન્દ્રી બનતા જાય છે. વિનોદ ગાંધી આ વિરોધાભાસ વ્યક્ત કરે છે...
કોને ખબર કે ફૂલો પીળાં થતાં જશે?
ચહેરાઓ આ બધાયે વિલા થતા જશે?
આ લાગણી ને બુદ્ધિનો ‘ક્રૉસ’ થઈ પછી
માણસના નખ વધીને ખીલા થતા જશે?
યુદ્ધગ્રસ્ત દેશોની હાલત જોઈએ તો થાય કે આ દેશો તૂટી જશે પણ નમતું નહીં મૂકે. ઈરાન-અમેરિકાના યુદ્ધમાં અમેરિકાનું પલડું ભારે નથી રહ્યું અને રશિયા-યુક્રેનના યુદ્ધમાં રશિયાનું પલડું ભારે નથી રહ્યું. બન્ને મહાસત્તાઓએ ધાર્યું કે વિચાર્યું ન હોય એવું નુકસાન એમણે ભોગવવું પડ્યું છે. ચપટીમાં દુશ્મનને રોળી નાખીશું એવી તુમાખી રાખવી હવે શક્ય નથી કારણ યુદ્ધ માનવબળથી વિશેષ ટેક્નૉલૉજીની બહેતરી પર નિર્ભર છે. બે ખેરખાંઓની લડાઈમાં આમ આદમી નાકામ આદમી બની રહ્યો છે. રઈશ મનીઆરના પ્રશ્નનો જવાબ આપવા એ સમર્થ નથી...
આમ ક્ષણક્ષણથી લડીને ક્યાં જશે?
ને પછી તું સમસમીને ક્યાં જશે?
એક ખૂણો હાંફવાનો રાખજે
આમ બધ્ધે આથડીને ક્યાં જશે?
લાસ્ટ લાઇન
દૂર સાગરથી કિનારો ક્યાં જશે?
આ તરંગોનો નજારો ક્યાં જશે?
રાખ હોવું એ જ અંતિમ રૂપ છે
આમ ભાગીને તીખારો ક્યાં જશે?
એક પણ થાક્યો પ્રવાસી ના મળે
શોધવા એને ઉતારો ક્યાં જશે?
રાખશો ના સૂર્યને જકડી તમે
આભ છોડી આ સિતારો ક્યાં જશે?
વાડને કાપો નહીં ધરમૂળથી
વેલને મળતો સહારો ક્યાં જશે?
છો બધા બેઠા વડીલો આંગણે
આંખનો નાજુક ઇશારો ક્યાં જશે?
- જગદીશ સાધુ ‘પ્રજ્ઞેય’
ગઝલસંગ્રહ : થાય થોડી વાર પણ...