22 March, 2026 12:47 PM IST | Mumbai | Shailesh Nayak
પૂજા આહીર
કચ્છના કાળી તલાવડી ગામની દીકરી પૂજા આહીરે નાનપણમાં જોયેલું સપનું સખત મહેનત અને માતા-પિતાના સહકારથી કર્યું સાકાર અને બની કચ્છની પહેલી મહિલા પાઇલટ: અમેરિકા જઈને ટ્રેઇનિંગ લઈ આવેલી પૂજાએ પહેલાં ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં પાઇલટ તરીકે દરિયાઈ સીમા પર દેશનું રખોપું કર્યું અને હવે કમર્શિયલ પાઇલટ તરીકે કાર્યરત છે
કચ્છમાં ભુજથી અંદાજે ૧૬ કિલોમીટર દૂર આવેલું કાળી તલાવડી ગામ. આ ગામની એક દીકરી પૂજા આહીર આજકાલ આસમાનમાં ઊડી રહી છે. આ દીકરીએ બાળપણમાં જોયેલું સપનું સખત મહેનત, જબરદસ્ત સંઘર્ષ અને માતાપિતાના સાથસહકારથી પૂરું કર્યું છે. કાળી તલાવડી ગામથી અમદાવાદ, ગાંધીનગરથી લઈને છેક અમેરિકા સુધી જઈને, અમેરિકામાં એકલી રહીને, પાઇલટની ટ્રેઇનિંગ મેળવીને આજે તે પ્લેન ઉડાડી રહી છે.
પહેલાંના સમયે દીકરી પાઇલટ બનવાનું વિચારે અને માતા-પિતા તેમની દીકરીને એ માટે છૂટ આપે તો લોકો મોં મચકોડીને ટીકા કરે કે દીકરીને તે પાઇલટ બનાવાતી હશે? પણ હાલ ગાંધીનગરમાં રહેતી પૂજા આહીર અને તેની ફૅમિલીએ લોકોની વાતોને નજરઅંદાજ કરી. જરા પણ ડગ્યા વગર પૂજાએ પહેલાં અમદાવાદ અને ત્યાર બાદ અમેરિકા જઈને પોતાનું સપનું પૂરું કરવા આકરી મહેનત કરીને પાઇલટની તાલીમ પૂરી કરી. ભારત પરત ફરીને પહેલાં ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં પાઇલટ તરીકે દરિયાઈ સીમા પર દેશનું રખોપું કર્યું અને નિવૃત્ત થઈને હાલમાં તે કમર્શિયલ પાઇલટ તરીકે કાર્યરત છે. પૂજા આહીર કચ્છની પહેલી મહિલા પાઇલટ બની છે. પાઇલટની ટ્રેઇનિંગ લેનાર કચ્છની દીકરી પૂજાની સંઘર્ષથી સિદ્ધિ સુધીની સફરની આભને આંબતી પ્રેરણાત્મક વાત આજે જાણીએ.
સપનું પાઇલટ બનવાનું
દરેક બાળક બાળપણમાં સપનાં જોતું હોય છે એમ પૂજા આહીર પણ સપનાં જોતી. તેણે પાઇલટ બનવાનું સપનું જોયું એટલું જ નહીં, તેના માટે જાતે જ શોધખોળ કરવા લાગી કે કેવી રીતે પાઇલટ બનાય. આ મુદ્દે વાત કરતાં પૂજા આહીર ‘મિડ-ડે’ને કહે છે, ‘અમારો પરિવાર કચ્છમાં રહેતો પરંતુ વર્ષો પહેલાં દુકાળ પડ્યો ત્યારે મારા દાદા કાનજીભાઈ ગાંધીનગર તરફ આવેલા દહેગામ ખાતે આવ્યા હતા. ધીરે-ધીરે ટ્રાન્સપોર્ટનું કામકાજ શરૂ કર્યું અને પાછળથી મારા પિતા રમેશભાઈએ એ કામ સંભાળી લીધું હતું અને અમે ગાંધીનગર રહેવા આવી ગયાં હતાં. કાળી તલાવડી ગામે અમારું ઘર છે અને ગામમાં અમે આજે પણ આવતાં-જતાં રહીએ છીએ. મેં અમદાવાદ અને ગાંધીનગરની સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. પાંચમા ધોરણમાં હતી ત્યારે બાસ્કેટબૉલની કૅપ્ટન હતી. ૧૦૦ મીટર, ૨૦૦ મીટરની દોડમાં, રિલે તેમ જ હાઈ જમ્પમાં ભાગ લેતી. હું જ્યારે સાતમા ધોરણમાં ભણતી હતી ત્યારે ન્યુઝપેપર વાંચતી હતી. એમાં પાઇલટના સમાચાર જોતી અને થયું કે હું પણ પાઇલટ બનું. મારા પપ્પા અમને એક વખત ગોવા બાય ઍર લઈ ગયા હતા. એ અનુભવ થયો અને મારે જીવનમાં કંઈક અલગ કરવું હતું. એટલે પાઇલટ વિશે માહિતી મેળવી અને બારમા ધોરણ સુધી મેં રાહ જોઈ, પણ સાતમા ધોરણથી હું મેન્ટલી પ્રિપેર થઈ હતી. બારમા ધોરણ પછી ઘરમાં મેં પાઇલટ બનવાની વાત કરી. મમ્મી-પપ્પાએ મને સપોર્ટ કર્યો, મને મંજૂરી આપી અને પપ્પાને લઈને હું અમદાવાદ એવિએશનમાં ઍરોનૉટિક્સમાં ૨૦૦૬માં મળવા ગઈ હતી. મેં ત્યાં ફ્લાઇંગ સ્કૂલમાં તાલીમ શરૂ કરી હતી.’
અમેરિકામાં ટ્રેઇનિંગ દરમ્યાન પૂજા આહીર.
સ્ટ્રગલ કરીને અમેરિકાની પકડી વાટ
પાઇલટ બનવા માટે અત્યારે અવેરનેસ વધી ગઈ છે પરંતુ એક સમયે એટલી અવેરનેસ નહોતી. ત્યારે આ ફીલ્ડમાં જવા સંઘર્ષ પણ થયો. એ વિશે વાત કરતાં પૂજા કહે છે, ‘એ સમયે આ ફીલ્ડમાં સ્ટ્રગલ બહુ થતી. ઇન્ફર્મેશન પ્રૉપર મળે નહીં. હું કોઈને ઓળખતી નહીં, લોકોને પૂછતી. મને ફ્લાઇંગ સ્કૂલમાં જઈને ખબર પડી કે લોકો પાઇલટ બનવા અમેરિકા જતા હતા. ટ્રેઇનિંગ માટે ત્યાં વધુ સ્કોપ લાગ્યો. મારે કંઈક મોટું કરવું હતું પણ કંઈ થતું નહોતું. મને બીક લાગતી હતી. કોઈને વિશ્વાસ નહોતો આવતો, બધાને લાગતું કે આ ખોટું બોલે છે. મારી પ્રોગેસ થતી નહોતી. મારે જે કરવું છે એમાં હું આગળ વધતી નહોતી, પરંતુ મારા પપ્પાએ ઘરે ઇન્ટરનેટ કનેક્શન કરાવી આપ્યું. એનાથી હું અમેરિકાની ફ્લાઇટ સ્કૂલમાં પૂછપરછ કરતી હતી. ૨૦૦૭માં માહિતી મેળવીને મેં મારી મમ્મીને વાત કરી કે મારે પાઇલટની ટ્રેઇનિંગ માટે અમેરિકા જવું છે. મમ્મીએ પપ્પાને વાત કરીને કન્વિન્સ કર્યા કે પૂજાને આપણે અમેરિકા જવા દઈએ. મને મંજૂરી મળતાં હું વીઝા માટે મુંબઈ એકલી ગઈ હતી. અમેરિકાના વીઝા મળ્યા. અમેરિકાના જ્યૉર્જિયા સ્ટેટમાં ઍટ્લાન્ટા સિટીમાં એવિએશન ઍટ્લાન્ટા નામની ફ્લાઇંગ સ્કૂલ હતી. ત્યાં પાઇલટ તરીકે સ્ટડી શરૂ કરી અને પાઇલટનો અભ્યાસ પૂરો કરીને ભારત પરત ફરી.’
મમ્મીનાં સપનાં
દરેક માતાનાં લગ્ન પહેલાંનાં સપનાં પણ હોય એ સ્વાભાવિક છે. પૂજાનાં મમ્મી સરસ્વતી આહીર પણ એક જમાનામાં સ્કૂલમાં સ્પોર્ટ્સમાં આગળ પડતાં હતા. પૂજા કહે છે ‘મારી મમ્મી સરસ્વતીબહેનનાં પોતાનાં સપનાં હતાં. તેઓ ઍથ્લીટ હતાં. ૧૦૦ મીટર દોડ, ભાલાફેંક, ડિસ્ક થ્રોમાં મેડલ જીત્યાં હતાં. દિલ્હી પણ જવાનું આવ્યું હતું, પરંતુ દીકરીને એટલે બધે ન મોકલાય એવું હતું એટલે ન જઈ શક્યાં. મારી મમ્મી ઍથ્લીટ હોવાના કારણે તેઓ મારા થૉટ્સને, મારા ગોલને સમજી શકતાં. મારી મમ્મીએ પપ્પાને વાત કરીને મને મારાં સપનાં પૂરાં કરવા માટે સમજાવ્યા અને મને અમેરિકા મોકલી હતી. મારી મમ્મી સ્પોર્ટ્સમાં આગળ વધી ન શકી પરંતુ મને આગળ મોકલીને મારા દ્વારા તેમનાં સપનાં પૂરાં કર્યાનો તેમને સંતોષ છે.’
અમેરિકામાં કર્યો સંઘર્ષ
પૂજા અમેરિકા તો પહોંચી ગઈ પણ અમેરિકામાં કોઈ સગાંસંબંધી નહોતાં રહેતાં એટલે બધું જ કામ જાતે કરવાનું તેમ જ ટ્રેઇનિંગ માટે પણ જવાનું હોવાથી અમેરિકામાં સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. આ વિશે વાત કરતાં પૂજા કહે છે, ‘અમેરિકા ગયા પછી હું રડી પડી હતી કેમ કે ત્યાં એકલી રહેતી હતી અને જાતે જ જમવા સહિતનું કામ કરવાનું હતું. એ સમયે મને મમ્મીની બહુ યાદ આવતી. જોકે મને રોટલી બનાવતાં આવડતી હતી એ ફાયદો થયો. હું જ્યાં રહેતી હતી ત્યાં બીજી છોકરીઓ પણ હતી એટલે તે શાક બનાવતી હતી અને હું રોટલી બનાવતી હતી, કેમ કે રોટલી કોઈને બનાવતાં આવડતી નહોતી. જેને કંઈ ન આવડે એ વાસણ ઘસતા હતા. ત્યાં અમે ઘણુંબધું મૅનેજ કર્યું હતું. સવારે ફ્લાઇંગ સ્કૂલમાં જતી અને રાત્રે પાછી આવતી હતી. અમેરિકામાં ૧૦૦ કલાક સોલો ફ્લાઇટ ચલાવી હતી. અમે એક્સ્પીરિયન્સ કરવા માટે પ્લેન લઈને જતાં હતાં. મારી લાઇફનો આ ટાઇમ કયારેય પાછો નહીં આવે કેમ કે તમારે એકલા પ્લેન લઈને જ્યાં જવું હોય ત્યાં જાઓ છો, ખાઓ છો અને પાછા પ્લેન લઈને આવો છો. ત્યાં મેં બે એન્જિનવાળું પણ પ્લેન ચલાવીને ટ્રેઇનિંગ લીધી હતી. સંઘર્ષ થયો પણ આખરે પાઇલટની ટ્રેઇનિંગ લઈને ભારત પરત ફરી.’
ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં ડૉર્નિયર વિમાનની ટ્રેઇનિંગ બાદ વિન્ગ સેરેમનીમાં પૂજા આહીરના યુનિફૉર્મ પર વિન્ગ લગાવી રહેલા વેસ્ટ રીજનના કમાન્ડર.
ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં જૉઇન કર્યું
ભારત પરત ફર્યા બાદ અને કમર્શિયલ લાઇસન્સ આવી ગયા પછી જૉબ માટે પૂજા આહીરને તકલીફ પડી, પરંતુ આખરે દેશની સેવા માટે જૉબ મળી. આ મુદ્દે વાત કરતાં પૂજા કહે છે, ‘ભારત આવ્યા બાદ મારી પાસે જૉબ નહોતી ત્યારે ૮ વર્ષ સુધી મેં ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં ઑફિસર તરીકે જૉબ લીધી. એમાં રિટાયર થયા બાદ ૨૦૧૮માં ઇન્ડિગો ઍરલાઇન્સમાં મને જૉબ મળી અને કમર્શિયલ પૅસેન્જર પ્લેન ઉડાવ્યું. એ પહેલાં મિલિટરીમાં પ્લેન ઉડાવ્યું. એક વર્ષ મારી પાસે જોબ નહોતી કેમ કે બે ઍરલાઇન્સ બંધ થઈ ગઈ હતી એટલે પાઇલટને નોકરી નહોતી મળતી. હું જૉબ શોધતી હતી. માર્કેટમાં સરપ્લસ પાઇલટ થઈ ગયા હતા એટલે જૉબ મળવી મુશ્કેલ હતી, પરંતુ મારા ફ્રેન્ડે કહ્યું કે ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં પાઇલટની વેકેન્સી પડી છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં અસિસ્ટન્ટ કમાન્ડન્ટની પોસ્ટ હતી. આ વિશે મને આઇડિયા નહોતો. ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં એક્ઝામ આપીને પાસ થઈ અને મારું સિલેક્શન થયું. મિનિમમ ૮ વર્ષ સર્વિસ કરવાની હતી. ડૉર્નિયર પ્લેન છે જેમાં સમુદ્ર પર લો લેવલ પ્લેન ઉડાડીને ફ્લાય કરી ડ્યુટી કરવાની હતી. સિલેક્શન થયા બાદ ૬ મહિના અઘરી ટ્રેઇનિંગ થઈ હતી. કેરલમમાં ઇન્ડિયન નેવલ ઍકૅડેમીમાં નવા ભરતી થનારાઓની ટ્રેઇનિંગ થઈ હતી. ત્યાં રોજ સવારે ૩ વાગ્યે ઊઠવાનું, રાત્રે ૧૦ વાગ્યા સુધી કામ કરવાનું, દોડવાનું, સૅલ્યુટ કેમ કરવી, કાંટા-ચમચીથી કેમ ખાવાનું, જુદા-જુદા લૉઝ શીખવે, સ્વિમિંગ સહિત સ્પોર્ટ્સ ઍક્ટિવિટી કરાવે, મેસમાં ખાવાનું, પનિશમેન્ટ આપી સ્ટ્રૉન્ગ બનાવે, મોબાઇલ ૬ મહિના નહીં વાપરવાનો, ફોન કરવો હોય તો અઠવાડિયે એક વાર ફોન કરવાનો. આવી બધી ટફ ટ્રેઇનિંગ આપે. દુનિયાથી કટ ઑફ થઈ જાઓ. તમને ફુલફ્લેજ્ડ ઑફિસર બનાવવા માટે બધાને એક લેવલમાં લઈ આવે.’
દેશસેવા માટે બહુ પ્રાઉડ ફીલ થયું
દેશના કોઈ પણ નાગરિકને દેશની સેવા કરવાનો મોકો મળે તો તેને ગર્વ મહેસૂસ થાય. એવી જ રીતે ગર્વ અનુભવી રહેલી પૂજા કહે છે, ‘દેશની સેવા માટે મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કેમ કે ઇન્ડિયન કોસ્ટગાર્ડે મને જે આપ્યું છે એ એક અલગ દુનિયા હતી. હું એકદમ બદલાઈ ગઈ છું. હું જે હતી એનાથી મને ડબલ કૉન્ફિડન્સ મળ્યો છે. જો હું નેવીમાં ન ગઈ હોત અને નૉર્મલ પાઇલટ બની હોત તો આજે જે પૂજા છું એ ન હોત. મારા પેરન્ટ્સને પણ એ જોવા મળ્યું છે. બધા પ્રોટોકૉલ સાથે ૮ વર્ષ સર્વિસ કરી છે. પહેલાં મારું પોસ્ટિંગ પોરબંદર હતું. ઉપરથી ઑર્ડર આવતા અને અમે ડૉર્નિયર વિમાન લઈને પોરબંદરથી ટેક ઑફ કરતાં અને સમુદ્રમાં ચાર-ચાર કલાક સુધી પૅટ્રોલિંગ કરતાં, ચેકિંગ કરતાં હતાં. સર્ચ અને રેસ્ક્યુ કામગીરી પણ કરતાં હતાં. આ ઉપરાંત કોસ્ટલ પૅટ્રોલિંગ કરતાં હતાં જેમાં તટ વિસ્તારોમાં ચેકિંગ કરતાં હતાં. પછી મારું પોસ્ટિંગ કલકત્તા હતું જ્યાં ઇન્ડિયા-બંગલાદેશ બૉર્ડર પર પૅટ્રોલિંગ કરતાં હતાં. ત્યાંથી હું ૨૦૧૭ના ડિસેમ્બરમાં રિટાયર થઈ. ૨૦૧૮ના જાન્યુઆરીમાં ઇન્ડિગોમાં પોસ્ટિંગ લઈને કમર્શિયલ પાઇલટ તરીકે મેં કામ શરૂ કર્યું અને એ આજે પણ ચાલુ છે.’
મારી દીકરીએ દેશની સેવા કરી એનાથી ગર્વની લાગણી અનુભવું છું : પપ્પા રમેશ આહીર
પૂજાની સાથે પપ્પા રમેશભાઈ અને મમ્મી સરસ્વતી આહીર અને ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં ડ્યુટી સમયે પૂજા આહીર.
અમે તેના નામથી ઓળખાઈએ ત્યારે બહુ ગર્વ થાય છેઃ મમ્મી સરસ્વતી આહીર દીકરી પૂજાની સિદ્ધિ પર માતા-પિતા ગર્વ મહેસૂસ કરી રહ્યાં છે. પપ્પા રમેશભાઈ ‘મિડ-ડે’ને કહે છે, ‘મારી દીકરી પૂજા કચ્છની પહેલી મહિલા પાઇલટ બની એનો અમને ગર્વ છે. મારે બે દીકરીઓ અને એક દીકરો છે. મારી દીકરીનું સપનું હતું પ્લેન ઉડાડવાનું, પાઇલટ બનવાનું એ તેણે પૂરું કર્યું અને દીકરી ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં ગઈ એનો મને ગર્વ છે. સમાજ કહે કે છોકરી પાછળ આટલા પૈસા ન ખર્ચાય, પરંતુ મેં કે મારી પત્નીએ એવું વિચાર્યું નહીં અને દીકરીને આગળ વધવા દીધી. દીકરીએ દેશની સેવા કરી એનું મને પ્રાઉડ ફીલ થાય છે. મારી દીકરીએ દેશની બે સેન્સિટિવ બૉર્ડર પર કામ કર્યું. કચ્છના ગામની દીકરી પણ પાઇલટ બનીને દેશની સેવા કરી શકે છે.’ દીકરીની સફળતાથી ખુશ થયેલાં પૂજાનાં મમ્મી સરસ્વતીબહેન ગર્વભેર ‘મિડ-ડે’ને કહે છે, ‘દીકરીઓ તો મારો ગર્વ છે. લગભગ આખું કચ્છ મારી દીકરીને પૂજા પાઇલટ તરીકે ઓળખે અને તેના નામથી અમે ઓળખાઈએ છીએ. ગામડે ઘર બનાવ્યું તો બધા કહે, આ પૂજા પાઇલટનો બંગલો. મને જોઈને કહે છે, આ પૂજા પાઇલટની મમ્મી. આવું જ્યારે સાંભળીએ ત્યારે એક મા તરીકે મને બહુ ગર્વ થાય છે. અમેરિકામાં અમારુ કોઈ નથી પરંતુ મને અને તેના પપ્પાને અમારી દીકરી પર વિશ્વાસ હતો એટલે અમે તેને પાઇલટની ટ્રેઇનિંગ લેવા માટે એકલી અમેરિકા મોકલી. આજે અમારી પૂજાએ નામ રોશન કર્યું છે એની અમને ખુશી છે અને દીકરી માટે ગર્વ અનુભવીએ છીએ. હું સ્કૂલમાં ખો-ખો અને કબડ્ડીની રમતમાં કૅપ્ટન હતી. ગોળાફેંક અને ચક્રફેંકની સ્પર્ધામાં મેડલો મળ્યા છે અને કચ્છના અંજારથી અમદાવાદ સુધી રમવા જતી હતી, પણ દીલ્હી જવાનું થયું ત્યારે એ જમાનામાં મમ્મીએ ના પાડી હતી. મારાં લગ્ન પણ થઈ ગયાં. જોકે મારો વારસો પૂજામાં આવ્યો અને તે પણ રમતોમાં આગળ વધી.’
દુનિયા ખુલ્લું મેદાન છે, ગોલ નક્કી કરો
સપનાની ઉડાન ભરીને સફળતા હાંસલ કરનાર પૂજા આજની યંગ જનરેશનને મેસેજ આપતાં કહે છે, ‘તમે મનમાં એક વાર ઠાની લો કે મારે આ કામ કરવું છે તો તમારા માટે ક્યાંયથી પણ રસ્તો નીકળી જશે. તમારા માટે દુનિયા ખુલ્લું મેદાન છે. ખાલી તમારે ગોલ નક્કી કરવાનો છે. એક વાર ગોલ નક્કી કરી લો અને પછી આગળ વધો, બહુબધા રસ્તા છે, ભારતમાં બહુબધી ઑપોર્ચ્યુનિટી છે. હું કંઈ પણ કરવા ગઈ છું ત્યારે મારો રસ્તો બ્લૉક થયો નથી, રસ્તો નીકળી ગયો છે. પેરન્ટ્સનો સપોર્ટ મારા માટે બહુ મોટું ફૅક્ટર હતું. હું માનું છું કે બધા પેરન્ટ્સ તેમનાં બાળકોને સપોર્ટ કરે તો રસ્તો નીકળે છે.’