✕

આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રેરણા બની છે આ દેહાતી મૅડમની કહાની

11 October, 2026 02:29 PM IST  |  Mumbai | Laxmi Vanita

મીડિયામાં તેમની સફળતાની આટલી બધી હલચલ થઈ રહી છે ત્યારે તેઓ મોટા ભાગની સેલિબ્રિટીઝને ઓળખતાં પણ નથી, કારણ કે તેમના ઘરમાં ટીવી પણ નથી. આટલી સફળતા બાદ પણ ઘરમાં કોઈ ફૅન્સી ઇલેક્ટ્રૉનિક્સ નહીં, પણ ૫૦ પુસ્તકોના ખજાનાને તેઓ સફળતા માને છે

English with Dehati Madam તરીકે જાણીતાં થયેલાં યશોદા લોધીએ પોતાના ખેતરમાં બનાવેલો વિડિયો અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પોતાના હૅન્ડલ પર શૅર કર્યો અને હવે તેમનો આ વિડિયો ૩.૫ કરોડ કરતાં વધારે લોકો જોઈ ચૂક્યા છે, ટ્રેડિશનલ સાડી પહેરીને ઑનલાઇન અંગ્રેજી શીખવતાં યશોદા લોધી.

English with Dehati Madam તરીકે જાણીતાં થયેલાં યશોદા લોધીએ પોતાના ખેતરમાં બનાવેલો વિડિયો અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પોતાના હૅન્ડલ પર શૅર કર્યો અને હવે તેમનો આ વિડિયો ૩.૫ કરોડ કરતાં વધારે લોકો જોઈ ચૂક્યા છે. ઉત્તર પ્રદેશની આ કન્ટેન્ટ-ક્રીએટર પાસે હવે ઇન્સ્ટાગ્રામ પર અંદાજે પોણાછ લાખથી વધુ અને યુટ્યુબ પર ૪ લાખથી વધુ ફૉલોઅર્સ છે. તેમના કામને મૃણાલ ઠાકુર, અભય દેઓલ અને આર. માધવન જેવા કલાકારોનું પણ અટેન્શન મળ્યું છે. મીડિયામાં તેમની સફળતાની આટલી બધી હલચલ થઈ રહી છે ત્યારે તેઓ મોટા ભાગની સેલિબ્રિટીઝને ઓળખતાં પણ નથી, કારણ કે તેમના ઘરમાં ટીવી પણ નથી. આટલી સફળતા બાદ પણ ઘરમાં કોઈ ફૅન્સી ઇલેક્ટ્રૉનિક્સ નહીં, પણ ૫૦ પુસ્તકોના ખજાનાને તેઓ સફળતા માને છે

ફેમસ થવું કે લોકોમાં જાણીતું થવું કદાચ નસીબની વાત હોઈ શકે, પરંતુ એક સ્ત્રી જ્યારે સમાજનાં બંધનોને પડકારીને પોતાની આગવી ઓળખ ઊભી કરે અને આર્થિક સ્વતંત્રતા મેળવે ત્યારે તેની સફળતા માત્ર તેના પરિવાર પૂરતી સીમિત રહેતી નથી; એ દેશ-દુનિયાની અનેક મહિલાઓ માટે પ્રેરણાનું કારણ બની જાય છે. આવી જ પ્રેરણાદાયી સફર છે ‘દેહાતી મૅડમ’ તરીકે જાણીતાં યશોદા લોધીની. ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લાના સિરાથુ વિસ્તારના લોધન કા પુરવા નામના ગામનાં યશોદા લોધીએ પોતાની મહેનત, આત્મવિશ્વાસ અને કંઈક અલગ કરવાની ધગશથી સોશ્યલ મીડિયા પર પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આજે તેઓ લાખો લોકો સુધી અંગ્રેજી શીખવાની સરળ અને સહજ રીત પહોંચાડી રહ્યાં છે. તેમની આ સફર તેમને જોશ ટૉકના મંચ સુધી લઈ ગઈ છે તો તેઓ અક્ષય કુમારના ટીવી-શો ‘વ્હીલ્સ ઑફ ફૉર્ચ્યુન’માં પણ જોવા મળ્યાં છે. તાજેતરમાં જ પ્રિયંકા ચોપડાએ આ દેહાતી મૅડમનો એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો અને પછી જે થયું એ એક ભવ્ય સફળતાથી ઓછું નથી. આ વિડિયોમાં યશોદા લોધી પોતાના ખેતરમાં કામ કરતી વખતે કન્ટેન્ટ બનાવતાં જોવા મળે છે. આ વિડિયો અત્યાર સુધીમાં અંદાજે સાડાત્રણ કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે અને એને ૧૮ લાખથી વધુ લાઇક્સ મળી છે. ત્યાર બાદ યશોદા લોધીએ એક વિડિયો પોસ્ટ કરીને અભિનેત્રી પ્રિયંકા ચોપડાનો આભાર માન્યો અને આ ઘટનાને પોતાના જીવનની ખૂબ જ યાદગાર ક્ષણ ગણાવી, પરંતુ તેમની સફળતા પાછળની સફર એટલી સરળ નહોતી. વ્યક્તિગત સંઘર્ષ, સામાજિક બંધનો અને અનેક પડકારો વચ્ચે યશોદા લોધીએ પોતાની ઓળખ ઊભી કરી છે. તો ચાલો જાણીએ ‘દેહાતી મૅડમ’ યશોદા લોધીની સંઘર્ષથી સફળતા સુધીની પ્રેરણાદાયી સફર વિશે તેમની પોતાની જુબાની.

સંઘર્ષભર્યા બાળપણ પછીની જર્ની

ભગવાને મને ક્યાંથી એટલી શક્તિ આપી હશે કોને ખબર એ વાક્યથી પોતાની શરૂઆત કરતાં દેહાતી મૅડમ યશોદા લોધી કહે છે, ‘હું મારા પેરન્ટ્સનું પહેલું સંતાન હતી. દીકરી હતી એટલે તેઓ મને ઉછેરવાં નહોતાં માગતાં. તેથી મારાં ફોઈ-ફુઆને સોંપી દીધી. હું પંજાબના લુધિયાણામાં બારમા ધોરણ સુધી ભણી. ૨૦૧૪માં મારા ફુઆના અવસાન પછી મારું ભણવાનું છૂટી ગયું. મોટા ભાગના પરિવારોમાં સંપત્તિને લઈને રાજકારણ થતું હોય છે. એવી જ પરિસ્થિતિને કારણે મારે ફોઈનું ઘર છોડવું પડ્યું. મેં લવ-મૅરેજ કર્યાં છે, જેમાં બન્ને પક્ષના પરિવારની સંમતિ નહોતી. લગ્ન પછી હું આ ગામમાં આવી. મારા હસબન્ડ રાધે લોધીને ૪ ભાઈઓ અને બે બહેનો છે એટલે હું બહુ મોટા પરિવારમાં આવી જ્યાં પડદાપ્રથા યથાવત્ છે અને ઘરની મહિલાઓને કામ કરવાની પરમિશન નથી. શરૂઆતમાં તો કોઈએ અમને આવકારો નહોતો આપ્યો અને મારા સસરાપક્ષ કે પિયરપક્ષ કોઈ પણ અમારી સાથે બોલતું નહોતું. આ બધું બદલાયું ૨૦૧૯માં, જ્યારે મારા હસબન્ડનો અકસ્માત થયો અને તેઓ ૬ મહિના પથારીવશ રહ્યા. આ પરિસ્થિતિમાં હું અને મારા હસબન્ડ બન્ને બહુ રડ્યાં છીએ. ત્યારે મારા સસરાએ અમારી સાથે બોલવાનું શરૂ કર્યું. ધીરે-ધીરે હું પરિવારમાં સાથે રહેવા લાગી, પરંતુ મને સતત બહુ જ મહેણાં-ટોણાં સાંભળવાં પડતાં. નાનપણથી જ હું બોજ છું એવી લાગણી ઠસાવી દેવામાં આવી હતી. હું બારમા ધોરણ સુધી ભણેલી હતી અને મને પણ સરકારી નોકરી કરવાની ચાહ હતી, પરંતુ કોઈ પણ સરકારી પરીક્ષા માટે મારું ક્વૉલિફિકેશન નહોતું. બહુ જ અફસોસ થઈ રહ્યો હતો. થોડો સમય સાથે રહ્યા બાદ હું અને મારા હસબન્ડ ઘર ભાડે રાખીને અલગ રહેવા લાગ્યાં. હસબન્ડ પથારીમાંથી ઊભા થયા અને થોડું કામ મળ્યું ત્યારે દિવાળી પર અમે ઇન્સ્ટૉલમેન્ટમાં સ્માર્ટફોન ખરીદ્યો. અહીંથી મારી લર્નિંગ જર્ની શરૂ થઈ.’


અક્ષય કુમારના ટીવી ગેમ શોમાં સ્પર્ધક તરીકે યશોદા લોધી.

દેહાતી મૅડમની લર્નિંગ જર્ની

કપરી પરિસ્થિતિમાં એક અનોખી તાકાત તમને મદદ કરતી હોય છે એમ જણાવતાં યશોદા લોધી કહે છે, ‘આ સમય દરમ્યાન યુટ્યુબ પરથી કમાણી કરી શકાય છે એ વિચાર આવ્યો. મને ઈ-મેઇલ ઍડ્રેસ કેમ બનાવવું એ પણ નહોતું આવડતું. સૌથી પહેલાં તો વિડિયો જોઈને એ શીખી. ત્યાર બાદ શરૂઆતમાં રસોઈ અને ગૂંથણકામના વિડિયો જોતી. એના પરથી મેં દેશી રસોઈ, ભરતકામ અને ડેકોરેશન જેવા વિષયો પર અલગ-અલગ ચૅનલ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એમાં સફળતા ન મળી. બીજી વખત વ્લૉગિંગ કરીને Ray Motivation ચૅનલ શરૂ કરી, જેમાં હું અન્ય લોકોના મોટિવેશનલ વિડિયો શૅર કરતી હતી. એ પણ નિષ્ફળ રહી. હું ખાનસર, સંદીપસરના વિડિયો જોતી. મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે હું ક્યારેક ઇંગ્લિશ બોલીશ કે શીખવીશ. મને મોટિવેશનલ વિડિયો બહુ જ આકર્ષિત કરતા. વિડિયો, એડિટિંગ, કન્ટેન્ટ ક્રીએશન જેવા શબ્દો પણ મારા માટે એલિયન જેવા હતા, પરંતુ શીખવાની અને પરિસ્થિતિ બદલવાની તીવ્ર ધગશ હતી. ફોન હાથમાં આવ્યા બાદ કેટલાક મહિના યુટ્યુબ, કન્ટેન્ટ બનાવવાની રીતો અને વિડિયો-શૂટિંગ તથા એડિટિંગ શીખી. ૨૦૨૨ની શરૂઆતમાં અંગ્રેજીમાં બોલતા મોટિવેશનલ સ્પીકર્સના વિડિયો જોઈને મેં ‘દેહાતી’ પૃષ્ઠભૂમિમાંથી અંગ્રેજીમાં વાત કરતી કન્ટેન્ટ બનાવવાનો વિચાર કર્યો. એ પણ આસાન નહોતું. હું સવારે અઢી વાગ્યે ઊઠી જતી અને ઇંગ્લિશ વિડિયો સાંભળતી, બધું નોટ કરતી અને વારંવાર બોલવાની પ્રૅક્ટિસ કરતી. ત્યાર બાદ વિડિયો બનાવીને, એડિટિંગ કરીને અપલોડ કરતી. આ બધું કામ સવારના ૬ વાગ્યા સુધીમાં પૂરું કરીને ઘરનું અને ખેતીનું કામ કરવા જતી. આજે જ્યારે પાછું વળીને જોઉં છું તો એમ લાગે છે કે કુદરતે જ મને આટલી તાકાત આપી હશે. પહેલા જ મહિનામાં મારો બટાટાનો પાક લેતો વિડિયો વાઇરલ થયો, જેને એક લાખ વ્યુઝ મળ્યા. ત્યાર બાદ ધીમે-ધીમે મારા ફૉલોઅર્સ વધવા લાગ્યા. રોજિંદા જીવન, ઘરકામ અને ખેતરના કામ વચ્ચે અંગ્રેજી શીખવાનું ચાલુ રાખ્યું. યુટ્યુબ પર લોકોને સાંભળ્યા, પુસ્તકો વાંચ્યાં અને સતત બોલવાની પ્રૅક્ટિસ કરી. આજે મારા ઘરમાં ટીવી કે કોઈ ફૅન્સી ઇલેક્ટ્રૉનિક્સ નથી, પરંતુ ૫૦ પુસ્તકો છે.’

કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહના

શું તેમના આ પ્રયાસમાં કોઈએ પણ તેમને સાથ આપ્યો? યશોદા લોધી કહે છે, ‘શરૂઆતમાં હું મારા હસબન્ડને યુટ્યુબ પરથી પૈસા કમાવાની વાત કરતી ત્યારે તેઓ મજાકમાં ઉડાવી દેતા. શરૂઆતમાં તો કોઈ પણ આઇડિયામાં મને કોઈનો સાથ-સહકાર નહોતો મળતો, પણ હું બહુ જિદ્દી છું. મને કોઈ સપોર્ટ ન કરે તો પણ હું પ્રયત્ન કરવાનું છોડતી નથી. ૨૦૨૨માં યુટ્યુબ પર English with Dehati Madamથી મારી સફર શરૂ થઈ હતી. હું જે ગામમાં રહું છું ત્યાં લોકોની વિચારસરણી આજે પણ બહુ જ જુનવાણી છે. મારો તેમને બદલવાનો કોઈ પ્રયાસ નહોતો, પરંતુ મારા ઘરની આર્થિક પરિસ્થિતિ સુધારવી હતી. મારા હસબન્ડની લાંબા સમયની માંદગીને કારણે ઘણા લોકોને પૈસા આપવાના હતા. એકાએક મારી ચૅનલ હિટ થઈ જતાં હું પૈસા કમાવા લાગી. ગામમાં રહેતા સરકારી કર્મચારીઓ કરતાં પણ હું વધારે પૈસા કમાવા લાગી હતી. જે પૈસા અમે મારા હસબન્ડના ઇલાજ માટે ઉછીના લીધા હતા એ પણ ચૂકવાઈ ગયા હતા. સફળતા મળે એટલે તમારા પ્રત્યે લોકોનો મત બદલાય એવું નથી હોતું. આટલી સફળતા મળ્યા પછી હવે નવા પડકારો છે. ગામના લોકો મને ઍરગન્ટ માનવા લાગ્યા છે. વધારે પૈસા કમાય એટલે વધારે હોશિયારી મારે, તેના વિડિયો જ નહીં જોવાના - એવી બધા વાતો કરે. જોકે હું એક વાતમાં મક્કમ છું કે મારે મારી એનર્જી ક્યાં ઇન્વેસ્ટ કરવી છે એ માત્ર હું જ નક્કી કરીશ. મારા પ્રયાસોને કારણે મારો ‘દેહાતી’ અંદાજ જ મારી આગવી ઓળખ બની ગયો છે.’

મૅડમની ટીચિંગ જર્ની

સંઘર્ષ તો હજીયે ઘણા છે એમ જણાવતાં યશોદા લોધી કહે છે, ‘હું ઇન્ટ્રોવર્ટ હતી અને આજે પણ છું. વિડિયો પર બોલવાની તાકાત એક ચમત્કાર છે. આજે પણ હું બધા લોકો સાથે વાત નથી કરી શકતી, પણ મારા જેવા લોકો મળે તો હું વાત કરી લઉં છું. હું અત્યારે એટલી વ્યસ્ત છું કે કદાચ ગામમાં નવરાશના સમયે મહિલાઓનું ગ્રુપ મળે ત્યારે એમાં જઈ નથી શકતી. હું શીખવામાં અને શીખવવામાં મારો સમય પસાર કરવા માગું છું. હું ભવિષ્યમાં પણ આજે જેવી છું એવી જ રહેવા માગું છું. મારા સંસ્કાર, સંસ્કૃતિ અને મૂળને છોડવા નથી માગતી. હાલમાં મારા ઑનલાઇન ૬ બૅચ ચાલે છે, જેમાં એક બૅચમાં ૫૦ વિદ્યાર્થીઓ છે. હું ગ્રામર નથી શીખવતી, પરંતુ સિચુએશનલ અંગ્રેજી બોલતાં શીખવું છું. મારો વિડિયો વાઇરલ થયો અને ન્યુઝ-ચૅનલ પર સમાચારો વહેતા થયા એની વાત પણ મને મારા વિદ્યાર્થીઓએ કહી ત્યારે મને ખબર પડી. મને ફિલ્મો કે સેલિબ્રિટીઝ વિશે વધારે ખ્યાલ નથી. આજે જે સેલિબ્રિટીઝ મારા કામને વખાણી રહી છે એમાંથી હું ‘થ્રી ઇડિયટ્સ’ને કારણે માધવનસરને ઓળખું છું. બાકી કલાકારોનું કામ મને સમય મળશે ત્યારે જોઈશ.’

સોશ્યલ મીડિયા પર શરૂઆત કરવા માગતા લોકોને તમે શું સલાહ આપશો? એના જવાબમાં યશોદા કહે છે, ‘લોકોમાં એક એવી ગ્રંથિ હોય છે કે તમે વિડિયો બનાવો કે ટીવી પર દેખાઓ ત્યારે બધું પર્ફેક્ટ હોવું જોઈએ, પરંતુ હું માનું છું કે ઇમ્પર્ફેક્શનથી જ શરૂઆત કરો. મારા ગ્રામ્યજીવનના ઇમ્પર્ફેક્ટ વિડિયોએ મને લોકો સુધી પહોંચાડી છે. એક વાત જરૂર કહીશ કે પોતાના નાના-નાના પ્રયત્નોને ક્યારેય ઓછા ન આંકવા જોઈએ, કારણ કે આપણું કામ કોણ જોઈ રહ્યું છે એ આપણે ક્યારેય જાણતા નથી.’

columnists gujarati mid day Education lifestyle news life and style