ઇન્ટીરિયરને આપો રૉયલ અને મૉડર્ન ટચ : ઘરમાં સજાવો ટ્રેન્ડી સ્ટેટમેન્ટ પેન્ડન્ટ લાઇટ્સ

05 August, 2026 09:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો તમે ઓછા બજેટમાં અથવા બહુ મોટા ફેરફારો કર્યા વગર તમારા ઘરને મૉડર્ન, કલાત્મક અને સ્ટાઇલિશ લુક આપવા માગતા હો તો સ્ટેટમેન્ટ પેન્ડન્ટ લાઇટ્સ તમારા માટે ઉત્તમ વિકલ્પ છે

સ્ટેટમેન્ટ પેન્ડન્ટ લાઇટ્સ

ઘરને સુંદર બનાવવાની વાત આવે ત્યારે મોટા ભાગના લોકો ફર્નિચર, પડદા કે દીવાલોના કલર પર વધુ ધ્યાન આપતા હોય છે; પરંતુ શું તમે જાણો છો કે યોગ્ય લાઇટિંગ વગર સુંદર ફર્નિચર પણ નિસ્તેજ લાગી શકે છે? આજની આધુનિક ઇન્ટીરિયર ડિઝાઇનમાં લાઇટિંગ માત્ર અંધારું દૂર કરવાની જરૂરિયાત નથી રહી, એ હોમ ડેકોરનું મહત્ત્વનું સ્ટેટમેન્ટ પીસ બની ગઈ છે. હાલમાં હોમ ઇન્ટીરિયરની દુનિયામાં સૌથી વધુ લોકપ્રિય અને ટ્રેન્ડી આઇડિયા હોય તો એ છે સ્ટેટમેન્ટ પેન્ડન્ટ લાઇટ્સ. સીલિંગમાંથી લટકતી આ યુનિક, આર્ટિસ્ટિક અને કલાત્મક લાઇટ્સ રૂમમાં પ્રવેશતાં જ સૌનું ધ્યાન પોતાના તરફ ખેંચી લે છે અને આખા રૂમનો મૂડ બદલી નાખે છે. ચાલો જાણીએ કે સ્ટેટમેન્ટ પેન્ડન્ટ લાઇટ્સ શું છે અને એ તમારા ઘરના કયા ખૂણાને કેવો નવો લુક આપી શકે છે.

સ્ટેટમેન્ટ પેન્ડન્ટ લાઇટ્સ શું છે?

પેન્ડન્ટ લાઇટ એટલે એવી સોલો કે સેટમાં આવતી લાઇટ જે છત પરથી ચેઇન, વાયર કે રૉડની મદદથી નીચે તરફ લટકાવવામાં આવે છે. એને સ્ટેટમેન્ટ પીસ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એની ડિઝાઇન એટલી અનોખી, કલાત્મક અને બોલ્ડ હોય છે કે રૂમમાં પ્રવેશતાં જ સૌથી પહેલી નજર એના પર જ પડે છે. જેમ એક સુંદર નેકલેસ સાદાં કપડાંને પણ રૉયલ લુક આપી દે છે એવી જ રીતે એક સ્ટેટમેન્ટ પેન્ડન્ટ લાઇટ સાદા રૂમને પણ લક્ઝુરિયસ બનાવી દે છે.

પેન્ડન્ટ લાઇટ્સના મુખ્ય ફાયદાઓ

દેખાવમાં આકર્ષક : આ લાઇટ રૂમમાં એક ફોકલ પૉઇન્ટ ઊભું કરે છે જેનાથી રૂમ બોરિંગ લાગતો નથી.

જગ્યાની બચત : ફ્લોર-લૅમ્પ કે ટેબલ-લૅમ્પની જેમ આ લાઇટ જમીન કે ટેબલ પર જગ્યા રોકતી નથી એટલે રૂમ વધુ ખુલ્લો લાગે છે.

વિવિધ મટીરિયલમાં ઉપલબ્ધ : આજે બજારમાં બ્રાસ, ગ્લાસ, સિરૅમિક, બામ્બુ અને મેટલ જેવાં અનેક મટીરિયલમાં પેન્ડન્ટ લાઇટ્સ મળે છે જે તમારા ઘરની થીમ સાથે મૅચ થઈ જાય છે.

મૂડ લાઇટિંગ : પેન્ડન્ટ લાઇટ્સમાંથી આવતો સૉફ્ટ અને વૉર્મ પ્રકાશ રૂમમાં એક આહલાદક અને શાંત વાતાવરણ ઊભું કરે છે.

પેન્ડન્ટ લાઇટ પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

ઊંચાઈનું ધ્યાન રાખો : લાઇટ એટલી બધી નીચી ન હોવી જોઈએ કે નીચેથી પસાર થતી વખતે માથામાં વાગે અને એટલી ઊંચી પણ ન હોવી જોઈએ કે એનો સ્ટેટમેન્ટ-લુક ગાયબ થઈ જાય.

રૂમની સાઈઝ અને થીમ : જો તમારું ઘર મિનિમલિસ્ટ કે ઇન્ડિયન એથ્નિક થીમ પર હોય તો વાંસ કે જૂટની લાઇટ્સ પસંદ કરો. જો મૉડર્ન ઇન્ટીરિયર હોય તો મેટલ કે ગ્લાસની લાઇટ્સ વધુ શોભશે.

પ્રકાશનો પ્રકાર : પેન્ડન્ટ લાઇટ્સમાં હંમેશાં પીળા કે હળવા પીળા કલરના બલ્બ વાપરવા જોઈએ, જેથી રૂમમાં એક રૉયલ અને વૉર્મ ફીલ આવે.

ઘરના કયા ભાગમાં કેવી રીતે ઉપયોગ કરશો?

જો તમે તમારા ઘરમાં સ્ટેટમેન્ટ પેન્ડન્ટ લાઇટ્સ લગાવવાનું વિચારી રહ્યા હો તો આ જગ્યાઓ માટે એ પર્ફેક્ટ ઑપ્શન છે.

૧. ડાઇનિંગ એરિયા : ડાઇનિંગ ટેબલની બરાબર ઉપર લટકતી પેન્ડન્ટ લાઇટ્સ હાલમાં સૌથી વધુ ટ્રેન્ડમાં છે. ટેબલની સાઇઝ મુજબ તમે લંબચોરસ કે ગોળ શેપની બેથી ૩ લાઇટનું કૉમ્બિનેશન લગાવી શકો છો. એનાથી ખાવા-પીવાનો અનુભવ કૅફે કે રેસ્ટોરાં જેવો બની જાય છે.

૨. લિવિંગરૂમ : લિવિંગરૂમમાં સોફાની બાજુના ખાલી ખૂણામાં કે સેન્ટર ટેબલની ઉપર મોટા સાઇઝની આર્ટિસ્ટિક પેન્ડન્ટ લાઇટ લટકાવવાથી રૂમને ઝુમ્મર જેવો મૉડર્ન અને લક્ઝરી લુક મળે છે.

૩. કિચન આઇલૅન્ડ : જો તમારા રસોડામાં ઓપન કાઉન્ટર કે બાર-સ્ટૂલ સેટઅપ હોય તો કાઉન્ટર પર લાઇનસર બે કે ૩ નાની પેન્ડન્ટ લાઇટ મૂકવાથી કિચન ખૂબ જ મૉડર્ન અને સ્ટાઇલિશ લાગે છે.

૪. બેડરૂમમાં સાઇડ ટેબલની ઉપર : હવે બેડરૂમમાં નાઇટ-સ્ટૅન્ડ કે સાઇડ-ટેબલ પર ટેબલ-લૅમ્પ મૂકવાને બદલે છત પરથી બેડની બન્ને બાજુ નીચી લટકતી પેન્ડન્ટ લાઇટ્સ મૂકવાનો નવો ટ્રેન્ડ આવ્યો છે. આનાથી સાઇડ-ટેબલ પરની જગ્યા પણ બચે છે અને લુક પણ યુનિક આવે છે.

columnists gujarati mid day lifestyle news life and style exclusive