કોઈ શિલ્પીના હાથે જ્યારે કંડારાય છે પથ્થર

13 September, 2026 07:06 PM IST  |  Mumbai | Hiten Anandpara

પથ્થર માનવજીવનમાં માત્ર બાંધકામનું સાધન નથી, તે સંઘર્ષ, શ્રદ્ધા અને સર્જનનું પ્રતીક પણ છે. મહેનત, સાતત્ય અને હકારથી પથ્થર જેવી અડચણો દૂર કરી સફળતા મેળવી શકાય છે. આ લેખ પથ્થરના વિવિધ રૂપો દ્વારા જીવનના ઊંડા અર્થ સમજાવે છે!

પ્રતીકાત્મક તસવીર

આદિમ સમયથી પથ્થરનો બહુહેતુક ઉપયોગ કરવામાં આવે છે. પથ્થરને વિવિધ આકાર આપીને હાથકુહાડી, ભાલાની અણી, તીરનું ફળું, હથોડી, છીણી, ભાલું જેવાં અનેક ઓજારો આપણે બનાવ્યાં. માનવની ઉત્ક્રાન્તિનો તબક્કો આગળ વધતો ગયો પછી એનો સુપેરે ઉપયોગ મંદિર કે ધર્મસ્થાનક બનાવવામાં થયો. ભારતમાં પથ્થરોથી બનેલાં હજારો વર્ષ જૂનાં કેટલાંય પ્રાચીન મંદિરો હજી અડીખમ છે. રતિલાલ અનિલ પથ્થરના પુણ્યને શબ્દસ્થ કરે છે...
ભાગ્ય કેવું, એક પથ્થર મંદિરે ઈશ્વર થયો
ને બીજો રસ્તે પડીને રાહની ઠોકર થયો
રૂપનાં નિર્મળ પ્રતિબિંબો પડ્યા વિના રહે?
મેં જગત સુંદર કર્યું, હું એટલો સુંદર થયો
પોતાનાં કાર્યો થકી આપણે જગતમાં શું યોગદાન આપીએ છીએ એ મહત્ત્વનું છે. જેની જેવી આવડત હોય એવું તર્પણ કરવાનું હોય. બધા કંઈ આઇન્સ્ટાઇન નથી થવાના એ માન્યું, છતાં પ્રકૃતિએ દરેકને કંઈક ને કંઈક વિશેષ ગુણ આપ્યો હોય છે. એને ઓળખીને, વિકસાવીને પ્રયોજવા માટે પુરુષાર્થ તો કરવો પડે. જો આવું કશું ન થાય તો કમસે કમ બીજાને નડવાનું બંધ કરવું જોઈએ. અવગુણ ઓછા કરવા એ પણ એક ગુણ છે. અનિલ ચાવડા અંતે હકારની મહત્તા કરે છે...
જ્યારથી એ જણ કશાની શોધમાં છે
ત્યારથી આખું જગત વિરોધમાં છે
કૂંપળો તો છેવટે ઊગી જ જાશે
સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે
છેલ્લા એક દાયકામાં ભારતમાં શોધખોળ પ્રત્યેનું વલણ બદલાયું છે. પરદેશમાં થયેલી શોધો જ ભારતમાં આવતી રહે એ ટ્રેન્ડમાં ફેરફાર જોવા મળે છે. UPI પેમેન્ટ સિસ્ટમ શરૂ થયાંને દસ વર્ષ થયાં. આ પ્રણાલીની કાર્યક્ષમતા વિશ્વસનીય પુરવાર થઈ છે. કટિંગ ચાનું ૬ રૂપિયાનું પેમેન્ટ આપણે Paytm કે GPayથી કરીએ ત્યારે પરદેશી મુસાફરો તાજુબ થઈ જાય છે. ખરેખર જે વૈજ્ઞાનિકો, ટેક્નોક્રેટ આપણી જિંદગીને સરળ બનાવી રહ્યા છે તેમને લાખો સલામ છે. એ જ પ્રમાણે આપણી આધ્યાત્મિક ઊર્જા જગાડનાર ગુરુ પણ આવશ્યક છે. નીતિન વડગામા ભાવવશ આલેખે છે...
હટી જાશે બધા પથ્થર સ્મરણ જો એમનું થાશે
થશે એકેક ક્ષણ અવસર સ્મરણ જો એમનું થાશે
નરી આંખે નહીં દેખાય એકે કોડિયું ક્યાંયે
બધા દીવા થશે અંદર સ્મરણ જો એમનું થાશે
જિંદગીમાં બનતા કેટલાક પ્રસંગો કાયમ માટે સ્મરણપટ પર કોતરાઈ જાય છે. એમાં કેટલાક સારા હોય તો કેટલાક નરસા પણ હોય. નાનપણમાં સ્ટ્રીટલાઇટમાં ભણતો છોકરો મોટો થઈને પ્રતિષ્ઠિત કંપનીનો CEO બને એ નાનીસૂની વાત નથી. સમાજમાં મોટું નામ થયું હોય તે સ્ત્રીએ નાનપણમાં શોષણ અને અત્યાચારનો અનુભવ કર્યો હોય એ પણ અસહજ વાત નથી. બાળમાનસ પર પડેલા ઉઝરડાની અસર આખી જિંદગી રહે છે. માણસજાતને દુખી કરવામાં માણસજાત જ પરોવાયેલી છે એ કડવું સત્ય છે. જલન માતરી સોય ઝાટકીને કહે છે...
આવી ન બર મુરાદ તો શ્રદ્ધા ઊઠી ગઈ
પાયા ડગી ગયા તો ઇમારત પડી ગઈ
માનવ રડ્યો તો માપસર આંસુ સરી પડ્યાં 
 પથ્થર રડ્યો તો સિંધુ ને ગંગા વહી ગઈ
પથ્થરોની ગોદમાંથી જન્મતી ધારા પાસે અમાપ શક્યતા હોય છે. નદીનું નાનકડું મુખ જોઈએ ત્યારે આશ્ચર્ય થાય કે આમાંથી મસમોટી નદી કેવી રીતે બને છે. સાતત્ય હોય તો બધું જ થાય. નાનાં લાગતાં કામો વર્ષો પછી મોટી અસર બતાવે. અવકાશી સંસ્થા ઇસરોની શરૂઆત થઈ ત્યારે રૉકેટના પૂર્જા સાઇકલ પર લઈ જવાતા. આજે ઇસરો ૨૩૬૭ કિલો વજન ધરાવતો સૅટેલાઇટ સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરી શકે છે. સંસ્થાનું સાતત્ય સંસ્થાનો નક્શો બનાવે છે. મયંક ઓઝા આપણો દૃષ્ટિકોણ બદલવાનું કહે છે...
ક્ષણ મટીને એ જ ક્ષણ અવસર થતી
ખુદને ભૂંસીને નદી સમંદર થતી
માત્ર શ્રદ્ધામાં જ છે તાકાત એ
મૂર્તિ પથ્થર મટી ઈશ્વર થતી
લાસ્ટ લાઇન
કોઈ શિલ્પીના હાથે જ્યારે કંડારાય છે પથ્થર
કરી ધારણ પ્રભુનું રૂપ ને પૂજાય છે પથ્થર
પ્રણયગાથા બની ઝળકી રહ્યો છે તાજ આરસનો
જમુનાના કિનારે ગીત જાણે ગાય છે પથ્થર
ગગનચુંબી ઇમારત એટલે ઊભી છે ઉન્નત થઈ
બની પાયો ધરા માંહે દફન થઈ જાય છે પથ્થર
મરેલા માનવીના દેહ ઢાંકી હૂંફ આપે છે
પછી પથ્થર મટી જઈને કબર કહેવાય છે પથ્થર
ભલા! પથ્થરને પગ ક્યાં છે કે ઠોકર કોઈને મારે
ખરું પૂછો તો ઠોકર માનવીની ખાય છે પથ્થર
ડૂબી જાવું એ એની પ્રકૃતિ આઝાદ નક્કી છે
છતાંય રામના નામે તો તરતો થાય છે પથ્થર
- કુતુબ આઝાદ
technology news isro columnists exclusive hiten anandpara