✕

જોઈ ન શકતા લોકોને પહાડનું સૌંદર્ય, જંગલની હરિયાળી અને શહેરની ખાસિયતોનો અનુભવ કરાવે છે આ સંસ્થા

03 October, 2026 03:30 PM IST  |  Mumbai | Kajal Rampariya

જ્યારે આંખો ન હોય ત્યારે બીજી ઇન્દ્રિયો વધુ સતેજ થઈ જતી હોય છે. આઠમી ઑક્ટોબરે ‘વિશ્વ દૃષ્ટિ દિવસ’ છે ત્યારે જાણીએ દૃષ્ટિહીન લોકોને જુદી જ રીતે દુનિયાનો અહેસાસ કરાવવાનું મિશન ચલાવતા કુર્લાના ટીમ વિઝન ફાઉન્ડેશન વિશે.

જોઈ ન શકતા લોકો સાથે ગણેશોત્સવ દરમ્યાન પંડાલ હૉપિંગ કરતા ટીમ વિઝન ફાઉન્ડેશનના સભ્યો.

જ્યારે આંખો ન હોય ત્યારે બીજી ઇન્દ્રિયો વધુ સતેજ થઈ જતી હોય છે. આઠમી ઑક્ટોબરે ‘વિશ્વ દૃષ્ટિ દિવસ’ છે ત્યારે જાણીએ દૃષ્ટિહીન લોકોને જુદી જ રીતે દુનિયાનો અહેસાસ કરાવવાનું મિશન ચલાવતા કુર્લાના ટીમ વિઝન ફાઉન્ડેશન વિશે. આ સંસ્થા તેમને ટ્રેકિંગથી લઈને પંડાલ હૉપિંગ, નાટક અને ફિલ્મ સુધીની એવી પ્રવૃત્તિઓ કરાવે છે જેને તેઓ આંખોથી નહીં પરંતુ સ્પર્શ, અવાજ અને અનુભૂતિથી સમજે છે

ટ્રેકિંગ પર જઈએ ત્યારે આપણે શું શોધીએ? પહાડ, હરિયાળી, ધોધ અને કુદરતનાં મનમોહક અને નયનરમ્ય દૃશ્યો. આ નજારો આંખોને ઠંડક આપે છે. ગણેશોત્સવમાં પંડાલ હૉપિંગ કરીએ ત્યારે નજર બાપ્પાની મૂર્તિ અને રંગબેરંગી ડેકોરેશન પર અટકી જાય. નાટક કે ફિલ્મ જોવા જઈએ ત્યારે આંખો સ્ક્રીન પર હોય, પણ જો આંખો જ ન હોય તો?
અત્યંત નબળી દૃષ્ટિ ધરાવતા કે સાવ જ દૃષ્ટિનો અભાવ ધરાવતા લોકોની દુનિયામાંથી કુદરતના રંગોની જાણે બાદબાકી થઈ જતી હોય છે, પરંતુ હવે મુંબઈના જોઈ ન શકતા લોકો આ જ પ્રવૃત્તિઓને અલગ રીતે અનુભવે છે. તેઓ ટ્રેકિંગ કરે છે; પરંતુ નજારો આંખોથી નહીં, સ્પર્શ અને અવાજથી અનુભવે છે. ગણેશોત્સવમાં પંડાલમાં જઈને બાપ્પાની મૂર્તિ અને સજાવટને હાથથી અડીને એનો આકાર અને રચના સમજવાનો પ્રયાસ કરે છે. નાટક-ફિલ્મ માત્ર સાંભળતા જ નથી; શબ્દો, અવાજ અને અન્ય ઇન્દ્રિયોના માધ્યમથી એને પોતાના મનમાં જુએ છે.
આવું કંઈક જેની સામાન્ય રીતે કલ્પના પણ ન થાય એ મુંબઈના કુર્લામાં આવેલી ટીમ વિઝન ફાઉન્ડેશન નામની સ્વૈચ્છિક સંસ્થા કરી રહી છે. જોઈ ન શકતા લોકો માટે ખરા અર્થમાં એક નવી દુનિયાનો અહેસાસ લાવવાનું કામ આ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે. અહીં સવાલ ‘શું જોઈ શકાય?’નો નથી, પરંતુ ‘શું અનુભવી શકાય?’નો છે. આ વિચારને વાસ્તવિક પ્રવૃત્તિઓમાં કેવી રીતે ફેરવવામાં આવ્યો એ વિશે સંસ્થાના ફાઉન્ડર સંદેશ ભિંગાર્ડે પાસેથી જાણીએ.
બ્લાઇન્ડ્સ ઑન ટ્રેક
જોઈ ન શકતા લોકોને ટ્રેકિંગનો અનુભવ કરાવવાનો વિચાર સંદેશ ભિંગાર્ડેને પહેલી વાર ૨૦૧૩માં આવ્યો. પોદાર કૉલેજમાં પૉલિટિકલ સાયન્સમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી ચૂકેલા સંદેશને મિત્રો સાથે ટ્રેકિંગ કરવા જતાં વિચાર આવ્યો કે આપણે ટ્રેકિંગ કરીએ તો જોઈ ન શકતા લોકો કેમ ન કરી શકે? તેઓ કુદરતથી દૂર કેમ રહે? આ વિચારથી દૃષ્ટિહીન મિત્રો માટે ટ્રેકિંગની શરૂઆત થઈ. ૨૦૧૫માં સંદેશે પહેલું ટ્રેકિંગ યોજ્યું અને ત્યારથી અત્યાર સુધીમાં મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ૩૦થી વધુ ટ્રેકિંગ યોજાઈ ચૂક્યાં છે. ટીમ વિઝન હેઠળ ‘બ્લાઇન્ડ્સ ઑન ટ્રેક’ પ્રોજેક્ટ અંતર્ગત દૃષ્ટિહીન મિત્રોને મુંબઈ અને આસપાસના વિવિધ ટ્રેકિંગ પૉઇન્ટ્સ પર લઈ જવામાં આવે છે.
જોઈ ન શકતા લોકોને પણ પ્રકૃતિનો અહેસાસ ગમે છે, પણ અંદરથી એક ખચકાટ હોય છે. આ  વિશે સંદેશ ભિંગાર્ડે કહે છે, ‘સામાન્ય લોકો જેવી લાઇફ જીવવાની ઇચ્છા દરેક વ્યક્તિને હોય છે. દૃષ્ટિહીન મિત્રો જ્યારે પહેલી વાર ટ્રેકિંગ પર આવે છે ત્યારે તેમના મનમાં થોડો સંકોચ અને ખચકાટ હોય છે, પરંતુ ટ્રેકિંગ પૂરું થાય ત્યાં સુધીમાં તેમનો કૉન્ફિડન્સ વધી જાય છે. તેમના માટે ટ્રેકિંગ એટલે માત્ર ચાલવું નહીં પણ પ્રકૃતિને મહેસૂસ કરવી. પક્ષીઓનો કિલકિલાટ, વહેતું પાણી અને પહાડોની ઠંડી હવા આ બધું તેઓ ફીલ કરે છે.’
ટીમ સંજય ગાંધી નૅશનલ પાર્ક, રાયગડ ફોર્ટ, કર્જત, કસારા, પાલઘરના સરળ ટ્રેકિંગ પૉઇન્ટ્સ, મહારાષ્ટ્ર નેચર પાર્ક અને સગુણાબાગ જેવાં સ્થળોએ વન-ડે તથા ઓવરનાઇટ ટ્રેક અને નેચર ટ્રેઇલ્સનું આયોજન કરે છે.
દરેક વ્યક્તિ સાથે એક સાથી
એકસાથે ૨૦થી ૩૦ જોઈ ન શકતા લોકો ટ્રેકિંગ પર જઈ શકે એ માટે ટીમ વિઝન ફાઉન્ડેશન દ્વારા સિસ્ટમૅટિક પ્લાનિંગ કરવામાં આવે છે. તેમની સાથે ૧:૧ રેશિયોમાં એટલે કે જોઈ ન શકતી દરેક વ્યક્તિ સાથે એક સાથી અથવા વૉલન્ટિયર હોય છે. તેમની સાથે જતાં પહેલાં વૉલન્ટિયર્સને તાલીમ આપવામાં આવે છે કે આવી વ્યક્તિ સાથે કેવી રીતે રહેવું અને કેવી રીતે ગાઇડ કરવું. આ વિશે સંદેશ કહે છે, ‘સાથીનો રોલ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં પણ સ્પર્શ કરવો પૉસિબલ હોય ત્યાં તેમને સ્પર્શ કરાવીને સમજાવવું અને જ્યાં સ્પર્શ પૉસિબલ ન હોય ત્યાં વર્ણન કરીને સમજાવવું. શરૂઆતમાં તો અમને ખબર નહોતી પડતી કે તેમને કેવી રીતે ગાઇડ કરવા, પણ અનુભવથી અને દૃષ્ટિહીન મિત્રોને પૂછી-પૂછીને જ અમે શીખ્યાં કે તેમનો હાથ કેવી રીતે પકડવો, સાંકડી કેડીમાંથી પસાર થતી વખતે કેવી રીતે સૂચનાઓ આપવી અને જ્યાં સ્પર્શ શક્ય ન હોય ત્યાં ઑડિયો ડિસ્ક્રિપ્શન કેવી રીતે આપવું.’
આ અનુભવોના આધારે હવે સંસ્થા ટ્રેઇનિંગ મૉડ્યુલ દ્વારા નવા વૉલન્ટિયર્સને તાલીમ આપે છે અને ત્યાર બાદ જ તેમને ટ્રેકિંગમાં સામેલ કરવામાં આવે છે. સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જે સ્થળે જવાનું હોય ત્યાંના આયોજકો સાથે અગાઉથી મીટિંગ કરીને જરૂરી વ્યવસ્થા કરવામાં આવે છે. ટ્રેકિંગ રૂટની પસંદગી માટે અનુભવી ટ્રેક લીડર્સ અને એક્સપર્ટ્સ પાસેથી રૂટ ચેક કરાવવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં માત્ર સુરક્ષા જ નહીં, અનુભવ પણ એટલો જ મહત્ત્વનો છે. 
સ્પર્શ સંવેદના
જ્યાં શક્ય હોય ત્યાં જોઈ ન શકતા મિત્રોને વસ્તુઓને સ્પર્શ કરીને સમજવાની તક આપવામાં આવે છે એ વિશે સંદેશ કહે છે, ‘થોડા સમય પહેલાં રાયગડમાં ખાસ પરમિશન લઈને છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ અને સ્મારકોને સ્પર્શ કરીને અનુભવવાની તક આપવામાં આવી હતી. નૅશનલ પાર્કની ગુફાઓમાં સ્તૂપ અને પથ્થરોના બાંધકામને સ્પર્શ કરીને તેમણે ગુફાની રચનાને સમજવાનો પ્રયાસ કર્યો. સગુણાબાગ અને નેચર પાર્કમાં વિવિધ વનસ્પતિઓ, ઔષધીય છોડ અને સાપ, સસલાં, કાચબા જેવાં પ્રાણીઓનો સ્પર્શ અનુભવ પણ કરાવવામાં આવ્યો. ઝિપલાઇનિંગ જેવી ઍડ્વેન્ચર ઍક્ટિવિટી પણ કરાવવામાં આવી છે.
મહારાષ્ટ્ર નેચર પાર્કમાં નેચર ટ્રેઇલનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આ મિત્રો છોડને અડીને અને એની રચના સ્પર્શથી સમજવાનો પ્રયાસ કરી શકે એવી ગોઠવણ કરવામાં આવી હતી. જે વસ્તુ આપણે જોઈને ફીલ કરીએ છીએ એ બધું જ તેમને પણ માણવાનો એટલો જ અધિકાર છે. આ જ હેતુ સાથે અમે તેમના માટે અલગ-અલગ પ્રવૃત્તિઓ લાવીએ છીએ.’
પંડાલ હૉપિંગ
આ અનુભવ ટ્રેકિંગ પૂરતો અટકતો નથી. ગણેશોત્સવ દરમ્યાન ગિરગામમાં આ ટીમે ૮ ગણપતિ પંડાલ કવર કર્યા હતા. આ પ્રવૃત્તિમાં કુલ ૧૦૬ લોકો જોડાયા હતા, જેમાં ૪૦ જોઈ ન શકતા મિત્રો હતા. પંડાલમાં બાપ્પાની મૂર્તિ અને ડેકોરેશનને સ્પર્શીને એની રચના સમજવાની તક તેમને આપવામાં આવી હતી. જે વસ્તુ આપણે આંખોથી એક નજરમાં જોઈ લઈએ છીએ એને જોઈ ન શકતી વ્યક્તિ હાથની આંગળીઓથી ધીમે-ધીમે અનુભવે છે. બાપ્પાની મૂર્તિ કેવી હશે, ડેકોરેશનમાં શું હશે આ બધું સ્પર્શ અને વર્ણનના માધ્યમથી સમજવાનો પ્રયાસ થાય છે. એટલે આ પ્રવૃત્તિ માત્ર આ લોકોને પંડાલ સુધી લઈ જવા પૂરતી નથી. તેઓ પણ તહેવારનો અનુભવ પોતાની રીતે કરી શકે એ એનો હેતુ છે, કારણ કે દુનિયામાં એવી ઘણી વસ્તુઓ છે જે જોવા માટે આંખોની જરૂર નથી. ક્યારેક એને સમજવા માટે માત્ર એક તક, એક સાથી અને અનુભવ કરવાની ઇચ્છા પૂરતી હોય છે.
હજી પણ ઘણુંબધું
ટીમ વિઝન હેઠળ થતી અન્ય પ્રવૃત્તિઓ વિશે સંદેશ કહે છે, ‘અમે મહારાષ્ટ્રની ૫૯ જેટલી બ્લાઇન્ડ સ્કૂલ સાથે કનેક્ટેડ છીએ અને વિવિધ પ્રવૃત્તિઓ તથા વર્કશૉપ્સ કરાવતા હોઈએ છીએ. તાજેતરમાં મેન્સ્ટ્રુઅલ હેલ્થ અને હાઇજીન પર વર્કશૉપનું આયોજન કરવામાં આવ્યું હતું. એ જ રીતે વૉલન્ટિયર બનવા ઇચ્છુક લોકો અથવા દૃષ્ટિહીન વ્યક્તિનું જીવન સમજવા માગતા લોકો માટે બ્લાઇન્ડનેસ સેન્સિટાઇઝેશન વર્કશૉપ પણ યોજવામાં આવે છે. એમાં આંખો પર પટ્ટી બાંધીને દૃષ્ટિહીન વ્યક્તિ રોજિંદા જીવનમાં કેવા અનુભવોમાંથી પસાર થાય છે એનો અનુભવ કરાવવામાં આવે છે. દૃષ્ટિહીન લોકો માટે સામાન્ય જીવનની વિવિધ શક્યતાઓ ઊભી કરવાના અને સમાજમાં તેમના પ્રત્યે સમજણ વધારવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ આખી પહેલનો સાર કદાચ એટલો જ કે દુનિયા જોવાની રીત અલગ હોઈ શકે, એને અનુભવવાની ઇચ્છા એકસરખી હોય છે.’

અલગ જ નજરે જુઓ ફિલ્મો-નાટકો
આ અનુભવ હવે ફિલ્મો અને નાટકો સુધી પણ પહોંચ્યો છે. દૃષ્ટિહીન મિત્રો ફિલ્મ કે નાટક જોવા જાય ત્યારે પડદા કે સ્ટેજ પર ચાલી રહેલું દૃશ્ય તેમની આંખો સુધી પહોંચતું નથી, પરંતુ વૉલન્ટિયર્સ એને શબ્દોમાં તેમના સુધી પહોંચાડે છે. પાત્રોના હાવભાવથી લઈને સ્થળ, લાઇટિંગ, દૃશ્યમાં શું ચાલી રહ્યું છે અને પાત્રો શું કરી રહ્યાં છે આ બધાનું ઑડિયો ડિસ્ક્રિપ્શન આપવામાં આવે છે. એટલે ફિલ્મ માત્ર સાંભળવાનો અનુભવ બની રહેતી નથી, પરંતુ શબ્દો દ્વારા મનમાં એક આખું દૃશ્ય ઊભું થાય છે. નાટકમાં પણ સ્ટેજ પર શું બદલાયું, કલાકારની બૉડી-લૅન્ગ્વેજ કેવી છે, દૃશ્યનો માહોલ કેવો છે આ બધું સાથીઓ સમજાવતા જાય છે. સંદેશ કહે છે, ‘તેઓ પણ ફિલ્મ અને નાટકનો એ જ અનુભવ કરવા માગે છે જે આપણે કરીએ છીએ. બસ, તેમની જોવાની રીત અલગ છે. જ્યાં આપણે આંખોથી દૃશ્ય જોઈએ છીએ ત્યાં તેઓ શબ્દો અને અવાજથી એને ફીલ કરે છે. આ રીતે થિયેટર કે સિનેમા તેમના માટે માત્ર સાંભળવાનો અનુભવ નથી રહેતો. વાર્તાને સમજવાની અને એને પોતાના મનમાં જોવાની એક અલગ રીત બની જાય છે.’

columnists travel travel news travelogue lifestyle news life and style