15 March, 2026 01:14 PM IST | Mumbai | Rashmin Shah
એક ધડાકો... કમ્પ્રેસ્ડ કરીને ભરવામાં આવેલો LPG લઈને આવતી શિપ પર જો અટૅક થાય તો એ બ્લાસ્ટનો અવાજ ૧૦૦ કિલોમીટરના રેડિયસમાં સંભળાય એવો તીવ્ર હોય છે.
LPGની અછતના કારણે અમદાવાદમાં ૨૦ રેસ્ટોરાંએ એક સમયનું કિચન બંધ કર્યું. મુંબઈમાં પણ એ જ હાલત અને ૧૦ ટકાથી પણ વધુ રેસ્ટોરાંએ ટેમ્પરરી શટડાઉન કર્યું. બૅન્ગલોરમાં આ નિર્ણય ૧૩૦થી વધારે રેસ્ટોરાંએ લીધો અને દિલ્હીમાં પણ LPGને કારણે આટલી જ રેસ્ટોરાંએ કામચલાઉ રીતે રેસ્ટોરાં બંધ કરી. લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)ની મોકાણને લીધે ઇન્ડક્શન સ્ટવના વેચાણમાં પણ ઉછાળો આવ્યો અને છેલ્લા એક વીકમાં ઇન્ડક્શન સ્ટવનું સેલ દસથી બાર ટકા વધી ગયું. પરિસ્થિતિ વિકરાળ બનતી જોઈને ભારત સરકારે પણ નિર્ણય લઈ લીધો અને જાહેર કરી દીધું કે બે સિલિન્ડર વચ્ચે મિનિમમ ૨૧ દિવસ નહીં પણ ૨પ દિવસનો ગાળો ફરજિયાત રહેશે.
આવું થવા પાછળનું કારણ છે અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની વૉર. જો હવે તમને મનમાં વિચાર આવે કે હજારો કિલોમીટર દૂર ચાલતા યુદ્ધની આવી અસર ભારતમાં શું કામ તો એનો જવાબ છે કે દર વર્ષે આપણને ૩.૩ કરોડ ટન LPGની જરૂર પડે છે, જેમાંથી આપણે ઑલમોસ્ટ ૬પ ટકા LPG ઇમ્પોર્ટ કરીએ છીએ. ઇમ્પોર્ટ કરવામાં આવતા આ જથ્થામાંથી ૯૦ ટકા LPG વેસ્ટર્ન એશિયાના સાઉદી અરેબિયા, કતર, કુવૈત અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માંથી આવે છે. આ ૯૦ ટકા LPGમાંથી ૮૦થી ૮પ ટકા ઇમ્પોર્ટ આપણે જે દરિયાઈ રસ્તેથી કરીએ છીએ એમાં સ્ટ્રેટ ઑફ હોર્મુઝ નામનો એક લાંબો પટ્ટો આવે છે, જેના પર ઈરાનનું રાજ છે અને ઈરાન હોર્મુઝના આ દરિયાઈ રસ્તા પરથી શિપિંગ કાર્ગો આગળ વધવા દેતું નથી. અફકોર્સ, ભારત અને ઈરાનના સંબંધોમાં રહેલી મીઠાશ અને નરેન્દ્ર મોદીની ધાકને લીધે ભારતનાં જહાજોને આવવાની મંજૂરી મળી ગઈ છે, પણ જો યુદ્ધ વધારે વિકરાળ બને તો ભારત સુધી LPG પહોંચવાનું અઘરું થઈ જાય અને જો એ અઘરું થાય તો ચોક્કસપણે ભારતીય ઘરોમાં વપરાતા LPGમાં મોટી અછત જોવા મળી શકે છે. હા, એ પણ એટલું જ સાચું કે આવી કોઈ પરિસ્થિતિ ઊભી ન થાય એ ધ્યાનમાં રાખીને હજી ગયા નવેમ્બર મહિનામાં જ ભારતે અમેરિકા સાથે કૉન્ટ્રૅક્ટ કર્યો અને નક્કી કર્યું કે યુએસ ગલ્ફ કોસ્ટથી આપણે ૨૨ લાખ ટન LPG ઇમ્પોર્ટ કરીશું, પણ આ જે આંકડો છે એ આપણી વાર્ષિક જરૂરિયાતના દસ ટકા પણ નથી થતો.
ઇઝરાયલ-ઈરાન વૉર પછી આપણે હવે નૉર્વે, અલ્જીરિયા, ઑસ્ટ્રેલિયા અને કૅનેડાથી પણ LPG અને અન્ય ગૅસ મગાવવાનું શરૂ કરી દીધું છે પણ એ આપણા સુધી પહોંચવામાં સમય લાગશે અને બીજી વાત, એની પડતર કિંમત પણ ઊંચી આવશે કારણ કે આપણે વધારે દૂરથી એ ગૅસ મગાવીએ છીએ.
સ્ટ્રેટ ઑફ હોર્મુઝ
સ્ટ્રેટ ઑફ હોર્મુઝ તરીકે ઓળખાતી આ દરિયાઈ પટ્ટીનું જ્યોગ્રાફિક સ્થાન સમજવું હોય તો કહી શકાય કે આ પશ્ચિમ એશિયાના પર્શિયન ગલ્ફ અને અરેબિયન અરબી સમુદ્રની વચ્ચે આવેલી એક દરિયાઈ પટ્ટી છે. હોર્મુઝની ઉત્તરે ઈરાન છે અને દક્ષિણે ઓમાન તથા યુનાઇટેડ આરબ અમીરાતના દેશો છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝ માત્ર આપણા માટે જ નહીં પણ દુનિયાના અનેક દેશો માટે ક્રૂડ સપ્લાયની લાઇફલાઇન છે.
સ્ટ્રેટ ઑફ હોર્મુઝનો આ જે રસ્તો છે એ ૧૬૭ કિલોમીટર લાંબો છે, જ્યારે એની પહોળાઈ માત્ર ૩૩ કિલોમીટરની છે. આ વિસ્તારમાં મોટાં જહાજો વચ્ચે ઍક્સિડન્ટ થાય નહીં અને દરિયાઈ સૃષ્ટિને મોટું નુકસાન થાય નહીં એ માટે આવવા-જવા માટે માત્ર ૩ કિલોમીટરની લેન બનાવવામાં આવી છે. આ બન્ને લેન વચ્ચે બે કિલોમીટરનો બફર ઝોન એટલે કે ખાલી જગ્યા રાખવી ફરજિયાત છે.
લાઇબિરિયાના ધ્વજવાળું ક્રૂડ ઑઇલનું ટૅન્કર ઈરાનની નેવીને ઉલ્લુ બનાવીને હોર્મુઝના માર્ગે મુંબઈ આવી પહોંચ્યું હતું.
શુક્રવારે ઈરાને ભારતનાં બે LPG કન્ટેનર જહાજ શિવાલિક અને નંદાદેવીને ઑફિશ્યલી પસાર થવા દીધાં હતાં.
દુનિયાનો લગભગ ૨૦થી ૨પ ટકા ક્રૂડનો વેપાર આ રસ્તે થાય છે. સાઉદી અરેબિયા, ઇરાક, આરબ દેશો, કુવૈત અને કતાર ક્રૂડ અને ગૅસ આ રસ્તે જ દુનિયાભરમાં મોકલે છે. જો હોર્મુઝનો આ રસ્તો બંધ થાય તો દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલથી માંડીને અલગ-અલગ ગૅસના ભાવ રાતોરાત આસમાને પહોંચી શકે અને જગતભરનું અર્થતંત્ર ગોટાળે ચડી જાય. પૉલિટિકલ બિગ શૉટ્સ કહે છે કે આ હોર્મુઝના કારણે જ અત્યાર સુધી ઈરાન બાપ બનીને બધાની સામે બાંયો ચડાવી લેતું આવ્યું છે. આ આખી દરિયાઈ પટ્ટીની ઉત્તર આવેલા ઈરાને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર કબજો રાખ્યો છે. જ્યારે પણ અમેરિકા કે પશ્ચિમી દેશો ઇરાન પર પ્રતિબંધો લગાવે ત્યારે ઈરાન આ રસ્તો બંધ કરી દેવાની ધમકી આપે અને ધમકી આપનારા ચૂપ થઈ જાય. હા, આ રસ્તા પર કબજો જમાવવા માટે અમેરિકન નેવી પણ તહેનાત રહે છે અને એને છાશવારે ઈરાનના રેવલ્યુશનરી ગાર્ડ્સ સાથે ઘર્ષણ થતું રહે છે. અગાઉ અનેક વખત એવું બન્યું છે કે ક્રૂડ લઈને જતી શિપ પર મિસાઇલ અટૅકથી માંડીને ડ્રોન અટૅક થયા હોય. અત્યારે તો આ રસ્તો હજી પણ આંશિક રીતે ખુલ્લો છે પણ જો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વૉર વધારે જોખમી બને અને ઈરાન આ રસ્તો દુનિયા આખી માટે બંધ કરી દે કે પછી હોર્મુઝના આ રસ્તા પર જ વૉર ફાટી નીકળે તો હિન્દુસ્તાનનાં ઘરોમાં બળતણ માટે બાટલા મળતા બંધ થઈ જાય અને આપણે ફરીથી આદિવાસી યુગમાં એન્ટર થઈ કોલસા-લાકડાં અને કેરોસીનનું બળતણ વાપરવાનું શરૂ કરવું પડે.
ક્યાંથી શું આવે?
આપણે ત્યાં જે ટિપિકલ ઇમ્પોર્ટ હતું એમાં છેલ્લાં થોડાં વર્ષોમાં ફરક આવ્યો છે. એક સમય હતો કે આપણે ક્રૂડ માટે ઇરાક અને સાઉદી અરેબિયા પર આધારિત હતા પણ યુક્રેન યુદ્ધ પછી રશિયા પાસેથી આપણે મોટા પાયે ક્રૂડ લેતા થઈ ગયા છીએ. આજે રશિયા ભારતની કુલ ક્રૂડ સપ્લાયના ૪૦ ટકા હિસ્સો પૂરો પાડે છે. આ જ કારણ છે કે ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે પણ અત્યારે આપણે ક્રૂડની બાબતમાં થોડા નિશ્ચિંત છીએ.
ગૅસની બાબતમાં આપણો સૌથી મોટો મદાર જો કોઈ પર હોય તો એ કતર છે. ભારતની જરૂરિયાતના અડધાથી વધારે LPG આપણે કતરથી ઇમ્પોર્ટ કરીએ છીએ અને કતરથી આવતો આ ગૅસ સ્ટ્રેટ ઑફ હોર્મુઝના રસ્તે આવે છે, જે રસ્તો જોખમી બન્યો છે તો સાથોસાથ યુદ્ધના આ વાતાવરણ વચ્ચે કાર્ગો શિપના ઇન્શ્યૉરન્સ પ્રીમિયમ અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ વધ્યો છે એટલે એની પણ અસર ભારતમાં તરત જ જોવા મળી શકે છે. હાલત બગડે નહીં એ માટે ભારત સરકારે કેટલાંક અગત્યનાં પગલાંઓ લીધાં છે, જે પૈકીનું પહેલું સ્ટેપ આગળ કહ્યું એમ પૅનિક બુકિંગ અટકાવવા માટે ૨૧ દિવસને બદલે રજિસ્ટ્રેશન માટે ૨પ દિવસ કરવામાં આવ્યા તો સાથોસાથ અત્યારની કટોકટીને ધ્યાનમાં રાખીને સરકારે દેશની તમામ રિફાઇનરીઓને આંતરિક વપરાશ માટે LPGનું ઉત્પાદન વધારવાની સૂચના આપી છે. યાદ રહે, જગતમાં આપણે LPGના ઇમ્પોર્ટમાં બીજા ક્રમે છીએ. આ આંકડો જ કહે છે કે આપણે ત્યાં એની આવશ્યકતા કેટલી મોટી છે.
આટલી મોટી આવશ્યકતા અને એ માટે બીજા પર નિર્ભર રહેવાની મજબૂરી.
આ જ કારણ છે કે ભારત અત્યારના સમયમાં સોલર અને વિન્ડ એનર્જી પર વધારે ફોકસ કરતું થયું છે, જેથી આપણે ધીમે-ધીમે મજબૂરી ઓછી કરતા જઈએ. ઍનીવેઝ, વાત કરીએ અત્યારની, આજની સિચુએશનની.
દેશમાં તૈયાર થનારા ગૅસમાં સૌપ્રથમ LPG, એ પછી ટ્રાન્સપોર્ટેશન માટેનો CNG અને ત્યાર પછી પાઇપ્ડ ગૅસ માટે આપવામાં આવશે. આ ત્રણ પછી જ પેટ્રોકેમિકલ કે પાવર પ્લાન્ટને ગૅસ ફાળવવામાં આવશે. હોટેલ ઇન્ડસ્ટ્રીમાં ઊભી થનારી ક્રાઇસિસને ધ્યાનમાં રાખીને એમની સરેરાશ જરૂરિયાતના ઓછામાં ઓછા ૮૦ ટકા ગૅસ મળી રહે એ જોવા માટે એક ખાસ કમિટી બનાવવામાં આવી છે પણ એ કમિટીનું પહેલું કામ તો એ જ રહેશે કે એ ડોમેસ્ટિક એટલે કે ઘરમાં વપરાતાં LPGના બાટલાઓમાં અછત ઊભી ન થાય એનું ધ્યાન રાખે.
તમારી જાણ ખાતર દેશમાં ૨૫,૦૦૦થી વધુ ડિસ્ટ્રિબ્યુટર્સ રોજ અંદાજે ૬૦ લાખ સિલિન્ડર કસ્ટમરને પહોંચાડે છે. દેશની જરૂરિયાતનું આ છે બીજું ઉદાહરણ.
ભારતમાં ૧૦ વર્ષમાં LPGના કનેક્શનમાં બમણો વધારો
ભારતમાં છેલ્લાં ૧૦ વર્ષમાં ક્લીન કુકિંગ એનર્જી પ્રોવાઇડ કરવાના પ્રોજેક્ટ અંતર્ગત ઘરે-ઘરે LPG પહોંચાડવા માટે મોટા પાયે પ્રયત્નો કર્યા છે. એને કારણે ૨૦૧૫માં જે ઍક્ટિવ યુઝર્સ હતા એની સરખામણીએ યુઝર્સમાં લગભગ બમણો વધારો થઈ ગયો છે. ૨૦૧૫માં LPG કનેક્શન્સની સંખ્યા ૧૫ કરોડની હતી, પરંતુ ૨૦૧૬માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ૧.૬ કરોડ સબસિડાઇઝ્ડ કનેક્શન્સ આપવામાં આવ્યાં હતાં. ક્લીન એનર્જીને પ્રોત્સાહન આપવાને કારણે ૨૦૨૬માં આ LPG કનેક્શન્સનો આંકડો ૩૨ કરોડને પાર કરી ગયો છે. ૨૦૧૫માં ૫૬.૨ ટકા ઘરોમાં LPG હતા, જે ૨૦૨૧માં ૯૯ ટકા ઘરો સુધી પહોંચી ગયા છે. ગ્રાહકોમાં બમણો વધારો થયો હોવાથી LPGની ક્રાઇસિસ વધુ મોટી બની છે.
ભારતમાં LPGની ખપત જેટલી છે એના ૬૦થી ૬૫ ટકા માટે આપણે બીજા દેશો પર નિર્ભર છીએ. ભારતમાં ખપત વધવાની શરૂ થયા પછી પણ ભારતમાં LPGનું પ્રોડક્શન વધ્યું નથી. જોકે કટોકટીના સમયમાં ભારતની રિફાઇનરીઓએ ૧૦૦ ટકા ક્ષમતા સાથે LPG પ્રોડક્શન કરવાનું શરૂ કરતાં થોડીક રાહત થઈ છે.
ગૅસનું ગજબનાક વિશ્વ
શું છે LPG, LNG, PNG, CNG?
આપણે જાતજાતના ગૅસનાં નામો સાંભળ્યાં છે પણ એ ખરેખર શું છે એની ટેક્નિકલિટી આપણે જાણતા નથી. બધાની પાછળ લાગે છે ગૅસ અને એ પછી પણ બધાનું ફૉર્મેટ અને વપરાશ જુદા-જુદા છે. ચાલો જાણીએ એ ફૉર્મેટ અને એનો વપરાશ.
LPG અર્થાત્ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ
આ જે LPG છે એ પ્રોપેન અને બ્યુટેનનું મિશ્રણ છે. પ્રોપેન અને બ્યુટેનને દબાણ આપીને એને લિક્વિડના સ્વરૂપમાં સિલિન્ડરમાં ભરવામાં આવે છે. આ જે ગૅસ છે એ વજનવાળો હોય છે અને એટલે જ એ લીક થતાં આજુબાજુમાં પુષ્કળ નુકસાન નોતરે છે. આપણે ત્યાં LPGનો મહત્તમ ઉપયોગ કુકિંગ ગૅસ તરીકે થાય છે તો સાથોસાથ કેટલીક ઇન્ડસ્ટ્રીમાં પણ એનો વપરાશ કરવામાં આવે છે.
LNG અર્થાત્ લિક્વિફાઇડ નૅચરલ ગૅસ
આ કુદરતી ગૅસ છે જેમાં મુખ્યત્વે મિથેન છે. મિથેનને માઇનસ ૧૬૨ ડિગ્રી સેલ્સિયસે ઠંડું કરીને લિક્વિડ બનાવવામાં આવે જેથી એનું કદ ૬૦૦ ગણું ઘટી જાય અને શિપ દ્વારા લાંબા અંતર સુધી લઈ જઈ શકાય છે. LNGનો ઉપયોગ પાવર પ્લાન્ટ અને સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં મહત્તમ થાય છે તો ફર્ટિલાઇઝર બનાવવામાં પણ એનો ઉપયોગ થાય છે. LNG માટે પણ આપણે કતાર પર આધારિત છીએ.
PNG અર્થાત્ પાઇપ્ડ નૅચરલ ગૅસ
આ પ્યૉરલી કુદરતી ગૅસ છે જે પાઇપલાઇન દ્વારા સીધો ઘર સુધી પહોંચાડવામાં આવે છે. આ ગૅસ વજનમાં એકદમ હળવો હોવાથી લીકેજ પછી જમીન પર રહેવાને બદલે ઉપરની દિશામાં આગળ વધી જાય છે, પરિણામે એનો વપરાશ LPG કરતાં વધારે સુરક્ષિત છે. ભારત સરકાર ગૅસ-આધારિત અર્થતંત્ર બનાવવા માટે શહેરોમાં PNG નેટવર્ક ઝડપથી વિસ્તારી રહી છે. PNG એ હકીકતમાં લિક્વિફાઇડ નૅચરલ ગૅસનું ગૅસ સ્વરૂપ છે, મતલબ કે આ ગૅસ માટે પણ આપણે કતાર પર મદાર રાખીએ છીએ.
CNG અર્થાત્ કમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ
જ્યારે કુદરતી ગૅસને ખૂબ ઊંચા દબાણે દબાવવામાં આવે ત્યારે એ CNG બને છે. CNGનો ઉપયોગ વાહનોમાં પેટ્રોલ અને ડીઝલના વિકલ્પ રૂપે ઈંધણ તરીકે કરવામાં આવે છે. એ પૉલ્યુશનને ઓછું નુકસાન કરે છે અને પેટ્રોલ-ડીઝલ કરતાં સસ્તો પણ છે. CNGની બાબતમાં આપણે પચાસ ટકા ઇમ્પોર્ટ પર આધાર રાખીએ છીએ, જ્યારે એટલો જથ્થો દેશમાં જ બનાવીએ છીએ.