28 July, 2026 04:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનંતરાય મહેતા
એક વાર મોટિવેશનલ સ્પીકર કાજલ ઓઝા વૈદ્યને કોઈએ પૂછ્યું કે ૬૦ વર્ષે નિવૃત્ત થઈએ ત્યારે શું કરવું? એનો સરસ જવાબ આપતાં કહેલું કે અત્યાર સુધી જે કરતા આવ્યા છીએ એ ન કરવું અને જે નથી કરી શક્યા એ કરી લેવું.
યુવાનીનાં વર્ષોમાં પૈસા કમાવા અને કારકિર્દી બનાવવા પાછળ દોડવું સ્વાભાવિક છે, પરંતુ માત્ર ભૌતિક સુખસગવડો એ જ કંઈ આખું જીવન નથી. પારિવારિક સંબંધો, કુટુંબ, સ્નેહી-મિત્રો, સમાજ, જ્ઞાતિ અને આપણું વતન આ બધું પણ આપણા અસ્તિત્વનો અવિભાજ્ય ભાગ છે. નોકરી કે ધંધાની દોડધામમાંથી મુક્ત થયા પછી પરિવાર અને સમાજ માટે કંઈક ઉપયોગી અને સાર્થક કરવાનો આ જ ઉત્તમ સમય છે.
૬૦ વર્ષ પછીનો સમય કેવી રીતે વિતાવવો એ વ્યક્તિની પોતાની આવડત, રસ-રુચિ અને કામ કરવાની વૃત્તિ પર આધાર રાખે છે. ઘણા વૃદ્ધો માત્ર મંદિરના બાંકડા પર કલાકો સુધી નકામી ગપ્પાબાજીમાં સમય વિતાવી દે છે, જ્યારે બાજુમાં જ ચાલતા સત્સંગ કે સામાજિક કાર્યક્રમોમાં જોડાવાનું ટાળે છે. બીજી તરફ આજે દેશ-વિદેશની અનેક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં નિવૃત્ત વ્યક્તિઓ ખૂબ જ જવાબદારીપૂર્વક નેતૃત્વ કરી રહી છે. અત્યાર સુધી આપણે પરિવાર અને રોજીરોટી માટે જીવ્યા, મહેનત કરી. હવે રોજીરોટીનો પ્રશ્ન નથી, પરંતુ જીવનને રસપૂર્વક અને આનંદથી જીવવાનો પ્રશ્ન છે. હવે જે પણ કરીએ એ પોતાના મનના આત્મસંતોષ માટે હોવું જોઈએ. ટૂંકમાં કહેવાયને કે સ્વાંતઃ સુખાય.
બહેનોની બાબતમાં એ સારી વાત છે કે તેઓ ઘરકામમાંથી ક્યારેય નિવૃત્ત થતી નથી. છતાં જો સંયુક્ત કુટુંબ હોય અને વહુ-દીકરાએ ઘરની જવાબદારી સંભાળી લીધી હોય અથવા દંપતી એકલું રહેતું હોય તો બહેનોએ પોતાની રુચિ અનુસાર આગળ વધવું જોઈએ.
તાજેતરમાં SNDT યુનિવર્સિટીની અનુસ્નાતક ગુજરાતી વિભાગની ભૂતપૂર્વ અને વર્તમાન બહેનોનું એક સ્નેહમિલન યોજાયું. તેમણે તેમના પ્રોફેસરોના માર્ગદર્શનથી ગુજરાતી ભાષા સાહિત્ય મંચ નામની નવી સંસ્થા સ્થાપી, જેના દ્વારા સાહિત્ય અને સંસ્કૃતિના કાર્યક્રમો નિયમિત યોજાય છે. કાંદિવલી ખાતે યોજાયેલો પ્રથમ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો. બહેનો પોતાની અંદર છુપાયેલી સર્જનશક્તિને પ્રોત્સાહિત કરીને નાના-નાના લેખો કે કવિતાઓ લખવાની પ્રવૃત્તિ પણ કરી શકે છે. મૂળ વાત એ છે કે આખો દિવસ કામકાજમાં વ્યસ્ત રહેવું, નવરા બેસી રહેવું નહીં.
જીવનમાં ઉત્સાહ અને રસ જાળવી રાખવો પણ અપેક્ષાઓ અને આસક્તિ ઓછી કરતા જવી. આપણા મોટા ભાગનાં દુઃખોનું મુખ્ય કારણ વધુ પડતી અપેક્ષાઓ જ હોય છે. લોકો શું કહેશે કે બીજાના પ્રતિભાવો કેવા હશે જેવી બાબતોમાં સમય અને શક્તિ બગાડવાને બદલે ઈશ્વરે જે આપ્યું છે એનો સહર્ષ સ્વીકાર કરવો. મોહ અને આસક્તિ ઓછાં કરીને ખુલ્લા મનથી જીવનનો આનંદ લેવો. જેમ-જેમ ઉંમર વધે એમ-એમ મુક્તિ અને જતું કરવાની કળા શીખવી એ જ છે સાચું આર્ટ ઑફ લીવિંગ.