11 January, 2026 04:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડોડામાં ગ્રામજનોને આધુનિક હથિયારો વાપરતાં શીખવવાનો કૅમ્પ.
ભારતની કેન્દ્ર સરકારે વર્ષો પહેલાંના એક વિચારને નવો ઓપ આપી VDG નામનો પ્રોજેક્ટ જમ્મુ-કાશ્મીરમાં જીવંત કર્યો છે. VDG અર્થાત વિલેજ ડિફેન્સ ગાર્ડ. નામમાં જ પોતાની ઓળખ સમજાવી દેતો આ પ્રોજેક્ટ કાશ્મીરના રહેવાસીઓને સ્વસુરક્ષાનું સૌથી મોટું હથિયાર પૂરું પાડનારો પ્રોજેક્ટ છે જેના દ્વારા તેઓ પોતાની, પોતાના ગામની અને આખરે દેશની સુરક્ષા અને અખંડિતતા જાળવી રાખવામાં મદદ કરે છે. તો સૌથી પહેલાં એ સમજીએ કે VDG એટલે શું, અર્થાત્ સ્થાનિક સ્વયંસેવકોની એક એવી સેના જે પોલીસ નથી કે નથી આર્મી છતાં સ્વની અને પોતાના લોકોની રક્ષા કઈ રીતે કરવી અને બાહરી નકારાત્મક શક્તિઓને કઈ રીતે રોકવી એ વિશે પૂર્ણતઃ પ્રશિક્ષિત હોય.
VDG શા માટે?
ભારત અનેક રાજ્યો, અનેક સીમાઓ અને અનેકાનેક અંતરિયાળ વિસ્તારો ધરાવતો દેશ છે. કમનસીબે આપણને ચોતરફ એવા પાડોશીઓ મળ્યા છે જે પોતે શાંતિથી જીવતા નથી અને આપણને પણ જીવવા દેતા નથી. આપણા ગુજરાતીમાં આવા લોકો માટે ખૂબ સટીક શબ્દ છે, અળવીતરા. હવે જ્યારે આપણા પાડોશી જ અળવીતરા હોય ત્યારે સ્વાભાવિક છે કે રાત-દિવસ ૨૪ બાય ૭ આપણે સતર્ક અને સજાગ રહેવું પડે, કારણ કે અળવીતરાઓને ત્યાંથી ક્યારેક કોઈ આતંકવાદી ઘૂસી આવે તો ક્યારેક સામાન્ય નાગરિક ઘૂસણખોરી કરે. ક્યારેક હથિયારોની તસ્કરી થાય તો ક્યારેક ડ્રગ્સ અને બીજા મુદ્દામાલની. ટૂંકમાં ભારતમાં અવ્યવસ્થા કઈ રીતે ફેલાય એની ફિરાકમાં રહેતા આવા પાડોશીઓ સામે કોઈ પણ આર્મી, કોઈ પણ પોલીસ કે કોઈ પણ સીમા સુરક્ષાદળ સંપૂર્ણ રીતે ત્યાં સુધી વિજય નહીં મેળવી શકે જ્યાં સુધી સ્થાનિક લોકોનો સાથ અને સહકાર નહીં મળે.
બીજી તરફ ધારો કે સીમાંત વિસ્તારોમાં કે પહાડો અને જંગલોથી ઘેરાયેલાં અંતરિયાળ ગામોમાં કોઈ તકલીફ આવી પડે તો ત્વરિત મદદ કઈ રીતે પહોંચાડવી? જરૂરી નથી કે દરેક નાના-નાના વિસ્તારોમાં પોલીસચોકી હોય કે સુરક્ષાદળો કે આર્મી તહેનાત હોય. આપણે ત્યાં કંઈકેટલાંય ગામ કે વસ્તીઓ તો એવાં છે કે જ્યાં કદાચ ચાર-પાંચ જ ઘરો હશે અથવા બે-ત્રણ ખેતરો હશે. આવા સંજોગોમાં શક્ય છે કે મદદ પહોંચે ત્યાં સુધીમાં કદાચ ઘણું મોડું થઈ ચૂક્યું હોય. તો કરવું શું? શ્રેષ્ઠ અને હાથવગો ઇલાજ એ છે કે સ્થાનિક લોકોને પરિસ્થિતિઓ સામે લડવા માટે તૈયાર કરો. આ તૈયારીનું જ નામ છે VDG, વિલેજ ડિફેન્સ ગાર્ડ.
સરહદી વિસ્તારોમાં હવે ગ્રામીણ બહેનો પણ હથિયાર ચલાવવાની તાલીમ લઈ રહી છે.
VDG તાકાત છે કે જોખમ?
સ્વાભાવિક છે આપણને આ સવાલ સૌથી પહેલાં થાય. ‘સ્પાઇડરમૅન’ ફિલ્મમાં એક ડાયલૉગ છે, ‘ગ્રેટ પાવર કમ્સ વિથ ગ્રેટ રિસ્પૉન્સિબિલિટી. જ્યારે કોઈ પોલીસમૅન કે આર્મીમૅનના હાથમાં હથિયાર પકડાયેલું હોય ત્યારે આપણને ખાતરી હોય છે કે આ હથિયાર જવાબદાર હાથોમાં છે, તે ક્યારેય એનો દુરપયોગ નહીં કરે. જોકે અહીં VDGમાં તો સ્થાનિક લોકોને આર્મી દ્વારા ટ્રેઇનિંગ આપવામાં આવે છે અને તેમને સુરક્ષાકર્મી તરીકે હથિયારો પણ આપવામાં આવે છે. તો પૂરેપૂરી શક્યતા છે કે તેઓ એનો ઉપયોગ નહીં પણ દુરુપયોગ પણ કરી શકે. અને જો એમ થાય તો દેશ માટે અને એ વિસ્તાર માટે પણ સૌથી મોટું જોખમ ઊભું થાય.
આ માટે આપણે કેટલાક પ્રશ્નો અને એના જવાબને સમજવા પડશે. જ્યારે મદદ દૂર હોય ત્યારે સૌથી પહેલાં કોણ પહોંચે છે? વિચાર કરો કે એવા અંતરિયાળ વિસ્તારો જ્યાં રસ્તા નહીં હોય, પહાડોની તળેટી કે ચોટી હોય, ગીચ જંગલો હોય તો? સ્વાભાવિક છે આસપાડોશમાં રહેતા લોકો, સગાંવહાલાં કે ગામના સ્થાનિક લોકોને જ હાક મારવી પડે. તો હવે આ વિકલ્પ તાકાત છે કે જોખમ એ સમજવા માટે આપણે સમસ્યાના મૂળ સુધી એક ડૂબકી મારી આવીએ.
૧. ગામની પહેલી સુરક્ષાહરોળ - જે વિકટ ભૌગોલિક પરિસ્થિતિ આપણા માટે દુષ્કર ગણાય છે એ જ વિકટ પરિસ્થિતિ આતંકવાદીઓ માટે સવલત. અંતરિયાળ ગામ અને પહાડો કે જંગલથી ઘેરાયેલી વસ્તી. આવા વિસ્તારો આતંકવાદીઓ માટે સ્વર્ગ સમી પરિસ્થિતિ ઊભી કરે છે. તેઓ ગામવાળાને ડરાવી-ધમકાવી અથવા લાલચ આપી પોતાનું કામ કઢાવી લેતા હોય છે અથવા આશ્રયસ્થાન બનાવી લેતા હોય છે. હવે આ સંજોગોમાં જ્યારે સૌથી નજીકનું ગણાતું પોલીસ-સ્ટેશન પણ માઇલો દૂર હોય ત્યારે શું કરવું? બસ, આ પરિસ્થિતિ અને મદદની વચ્ચેનો જે ગૅપ પડે છે એ ભરવા માટે જ VDG બનાવવામાં આવ્યું. એમ કહો કે જ્યાં સુધી મદદ પહોંચે ત્યાં સુધીનું એક સ્થાનિક બખ્તર.
૨. VDCથી VDG સુધી - ૧૯૯૦ના દશક દરમિયાન મૂળ આ વિચાર જન્મ્યો હતો. જ્યારે એને નામ અપાયું હતું VDC અર્થાત વિલેજ ડિફેન્સ કમિટી. આ એ સમય હતો જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ એની ચરમસીમાએ હતો. તકલીફ એ હતી કે J&K પોલીસ કે ઇન્ડિયન આર્મી દરેક જગ્યાએ જરૂરિયાતના સમયે પહોંચી શકતી નહોતી. ધારો કે પહોંચી શકે તો સ્થાનિક લોકો જ ગેરમાર્ગે એટલા દોરવાયેલા હતા કે ક્યારેક ડરના માર્યા તો ક્યારેક ગુસ્સાને લીધે પોલીસ કે આર્મીને મદદ કરવાની જગ્યાએ આતંકવાદીઓને મદદ કરવાનું વાજબી સમજતા. આ પરિસ્થિતિના તોડ તરીકે નક્કી કરવામાં આવ્યું કે એક એવી કમિટી બનાવવામાં આવે જેમાં સ્થાનિક લોકોને જ મેમ્બર બનાવાય અને તેમને પોતાના ગામની સુરક્ષાની જવાબદારી સોંપાય. વિચાર સારો હતો અને કારગત પણ નીવડી શકે એમ હતો, પરંતુ એના અમલીકરણમાં કેટલીક મૂળભૂત ખામીઓ રહી ગઈ. પહેલું, VDC રાજ્ય સરકાર હસ્તક રાખવામાં આવી અને એની કોઈ જવાબદેહી નક્કી કરવામાં ન આવી. બીજું, હથિયારો કે ફન્ડિંગનો હિસાબ-કિતાબ કોણ રાખશે અને કોણ માગશે એ પણ નક્કી કરવામાં ન આવ્યું. ત્રીજું, માત્ર હથિયારો આપી દેવાથી અને VDC મેમ્બર ઘોષિત કરી દેવાથી કામ પૂર્ણ નથી થઈ જવાનું એ સમજણની જ અવગણના કરવામાં આવી. હથિયાર કોના હાથમાં જાય છે, તે એનો શું ઉપયોગ કરી શકે, આવાં બધાં જ જોખમ સામે રીતસર આંખ આડા કાન કરવામાં આવ્યા. અને એનું પરિણામ પણ એવું જ આવ્યું. એક નહીં, એવી અનેક ફરિયાદો આવવા માંડી, કિસ્સાઓ બનવા માંડ્યા કે VDC હેઠળ સરકાર દ્વારા અપાયેલાં હથિયારોનો ઉપયોગ સરકાર અને દેશ વિરુદ્ધ જ થવા માંડ્યો.
ત્યાર બાદ ૨૦૨૨-’૨૩માં ફરી એક વાર પૂરેપૂરી સમજ અને તૈયારી સાથે આ વિચારનું અમલીકરણ શરૂ થયું અને નામ રાખવામાં આવ્યું VDG, વિલેજ ડિફેન્સ ગાર્ડ. VDGને હવે માત્ર રાજ્ય સરકાર હસ્તક નહીં પરંતુ કેન્દ્ર સરકારને પણ જવાબદાર બનાવવામાં આવી. ટ્રેઇનિંગથી લઈને દેખરેખ સુધીની જવાબદારી ઇન્ડિયન આર્મીને સોંપાઈ. એક-એક હથિયાર માત્ર નહીં પરંતુ એક-એક ગોળીનો પણ હિસાબ રાખી શકાય અને માગી શકાય એની ખાતરી કરવામાં આવી. વિલેજ ડિફેન્સ ગાર્ડને ઑફિશ્યલી પગાર આપવા સુધીની યોજનાઓ તૈયાર થઈ. ઉપયોગ તો ઠીક પણ દુરુપયોગના નિયમો અને કાયદા વધુ સખ્ત અને વધુ અસરકારક બનાવવામાં આવ્યા.
૩. ગાર્ડ અને નિયમો - VDG અર્થાત વિલેજ ડિફેન્સ ગાર્ડ. ધારો કે એક અંતરિયાળ ગામડું છે જે ભૌગોલિક દૃષ્ટિએ દેશની સીમાની નજીક છે અથવા ઘૂસણખોરો કે આતંકવાદીઓ માટે સગવડભર્યું છે. તો એવા વિસ્તારોના સ્થાનિકોમાંથી કેટલાક લોકોને ભારતીય ફોર્સ દ્વારા હથિયારોની, સુરક્ષાની, દેખરેખ રાખવાની, પૅટ્રોલિંગ કરવાની, સંદેશવ્યવહારની વગેરે અનેક પ્રકારની ટ્રેઇનિંગ અપાય. નક્કી કરાયેલા સ્થાનિક લોકો પોતાની અને પોતાના ગામની સુરક્ષા કરી શકે એ રીતે તેમને તૈયાર કરાય છે જેમાં મુખ્યત્વે હુમલો કરવાની નહીં પરંતુ હુમલા સામે સુરક્ષા કરવાની ટ્રેઇનિંગ હોય છે. અણીના સમયે સુરક્ષાબળોને જાણ કરવી અને મદદ તેમના સુધી પહોંચે ત્યાં સુધી એક સુરક્ષાકવચ તરીકે કામ કરવું એ તેમની મુખ્ય જવાબદારી હોય છે.
હવે જો તમે એમ સમજતા હો કે એમાં વળી શું મોટી વાત છે, કોઈ પણ સ્થાનિક VDG બની શકે. તો તમારી ભૂલ છે. VDG તરીકે કોઈને પણ અપૉઇન્ટ કરવા પહેલાં એ વ્યક્તિનું ઝીણવટપૂર્વક પોલીસ-વેરિફિકેશન થાય છે. તેમનો ક્રિમિનલ રેકૉર્ડ, ફૅમિલી-હિસ્ટરી, એજ્યુકેશન, ફ્રેન્ડ્સ, સગાંવહાલાં, ચાલચલગત બધું કહેતાં બધું જ બારીકાઈથી તપાસવામાં આવે છે. ત્યાર પછી શરૂ થાય છે એક ટેક્નિકલ ઇવૅલ્યુએશન. આ ઇવૅલ્યુએશન એ સંદર્ભે હોય છે કે હથિયાર અને ટ્રેઇનિંગ જવાબદાર વ્યક્તિને જ મળે જેમનો એકમાત્ર ઉદ્દેશ્ય પોતાના લોકોની અને પોતાના વિસ્તારની રક્ષા કરવાનો જ હોય. આ બન્ને અત્યંત કઠણ પરીક્ષાઓમાં જે વ્યક્તિ પાસ થાય તેને જ VDG બનાવવામાં આવે છે.
૪. હું છું અને મારી જવાબદારીઓ છે - VDGમાં પહેલું ચરણ આવે છે દેખરેખ. આવા સ્વયંસેવકોને લાઇસન્સવાળી રાઇફલ કે શૉટગન આપવામાં આવે છે. તેઓ પોતાના સ્થાનિક વિસ્તારની દેખરેખ માટે પૅટ્રોલિંગ કરે છે અને સાથે જ બીજા VDG અથવા VDGના જૂથને અપાયેલાં હથિયારો અને ગોળા-બારુદની પણ દેખરેખ કરે છે.
બીજા ચરણમાં આવે છે પ્રશિક્ષણ. સ્વયંસેવકોને આ ચરણમાં હથિયારો છૂટાં પાડવાથી લઈને એને પાછાં જોડવાં, એનો ઉપયોગ કઈ રીતે કરવો એની ટ્રેઇનિંગ આપવામાં આવે છે. શરૂઆત થાય છે સાદી ૩૦૩ રાઇફલથી (અર્થાત સિમ્પલ મૅન્યુઅલ ઑપરેટિંગ વેપન) જે ધીરે-ધીરે SLR એટલે કે સેલ્ફ-લોડિંગ રાઇફલ (અર્થાત ઑટોમૅટિક ઑપરેટિંગ સિસ્ટમવાળું આધુનિક વેપન) સુધી પહોંચે છે.
ત્યાર બાદ ત્રીજા ચરણમાં જવાબદારીઓ નક્કી કરવામાં આવે છે. દરેક સ્વયંસેવકને એ વિશે પ્રશિક્ષિત કરવામાં આવે છે કે તેઓ સુરક્ષાકર્મી છે, લડાકુ અભિયાન કરનારો સૈનિક નહીં. જ્યાં સુધી પોલીસ કે આર્મીની મદદ નહીં પહોંચે ત્યાં સુધી તેમણે માત્ર પોતાના લોકો અને વિસ્તારની સુરક્ષા કરવાની છે, સામે લડવાનું નથી. એટલું જ નહીં, પોલીસ કે આર્મીની મદદ પહોંચે કે તરત એ વિસ્તાર તેમને સોંપી દઈ દૂર હટી જવાનું છે. આથીયે વધુ અગત્યનું સતર્કતા જ એટલી રાખવાની કે આવી પરિસ્થિતિનું નિર્માણ જ ન થાય. અર્થાત્ સતત ચોકીપહેરો અને દેખરેખ રાખવાની અને જરા પણ શંકા-સંદેહ જેવું લાગે કે તરત મદદ માટે જાણ કરવાની જવાબદારી VDGની છે.
ટૂંકમાં VDGની મુખ્ય જવાબદારી છે સ્થાનિક ગામના અને ફોર્સિસના આંખ અને કાન તરીકે કામ કરવાની. નજર રાખો અને જાણ કરો.
હાથ કેટલા ખુલ્લા અને કેટલા બંધાયેલા?
VDG પોલીસ કે આર્મીનું રિપ્લેસમેન્ટ નથી કે નથી તેઓ પોલીસકર્મી કે આર્મી સોલ્જર્સ. તેઓ માત્ર સ્થાનિક મદદનીશ છે. તેમને હથિયારનો અંગત ઉપયોગ કરવાની પરવાનગી નથી. તેમનું કાર્યક્ષેત્ર તેમના ગામની સીમા સુધી જ સીમિત છે અને એ પણ માત્ર રક્ષા માટે, હુમલા માટે નહીં. કોઈ પણ સંજોગોમાં કે કોઈ પણ પરિસ્થિતિમાં VDG કાયદાને પોતાના હાથમાં લઈ શકે નહીં. VDGએ સતત ૨૪ બાય ૭ પ્રશાસન અને પોલીસની દેખરેખ હેઠળ કામ કરવાનું રહેશે. આ બધા જ નિયમો અને અનુશાસન તેમને એક જિમ્મેદાર હથિયારબંધ સુરક્ષાકર્મી બનાવે છે અને બેકાબૂ, નકારાત્મક જૂથ બનતાં રોકે છે.
પરિણામ અને બદલાવ
૨૦૨૨-’૨૩ બાદ અનેક એવા ગ્રાઉન્ડ રિપોર્ટ્સ આવ્યા કે VDGએ ઘૂસણખોરી અટકાવી છે અથવા સમયસર સતર્કતા જાળવી સુરક્ષા-એજન્સીઓને જાણ કરવાથી અટકાવવામાં મદદરૂપ થયા છે. VDGને કારણે સુરક્ષાબળો અને સ્થાનિક લોકો વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બન્યો છે અને વિશ્વાસ સંપાદન પણ થયો છે. ગ્રામવાસીઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે. તેમનામાં સુરક્ષિત અને વિકાસશીલ ભવિષ્યની આશા જન્મી છે. પ્રશાસન દ્વારા VDGને મહેનતાણું પણ ચૂકવાતું હોવાને કારણે સ્થાનિક લોકો માટે રોજગારની એક નવી તક ઊભી થઈ છે અને આ બધા સાથે સૌથી અગત્યની બાબત એ છે કે આ પ્રોજેક્ટને કારણે સ્થાનિક લોકોમાં રાષ્ટ્રભાવનાનો ઉદય થયો છે. તેમને સમજાયું છે કે મારો સ્થાનિક વિસ્તાર સુરક્ષિત અને ભયમુક્ત રહેશે તો જ અમે અને અમારો દેશ બન્ને સુરક્ષિત રહી શકીશું.
મહિલાઓ પણ વીરસેનાની ભાગીદાર
જમ્મુ-કાશ્મીરની શકલ-ઓ-સૂરત ખરેખર જ હવે બદલાઈ રહી છે. આ પહાડી વિસ્તારનાં અંતરિયાળ ગામડાંઓની મહિલાઓ પણ હવે નિર્ભીકપણે બહાર નીકળીને સેના અને પોલીસ સાથે મળી હથિયારોની ટ્રેઇનિંગ લઈ VDGની મેમ્બર્સ બની રહી છે. ૩૦૩ રાઇફલથી લઈને SLR સુધીનાં હથિયાર બહાદુરીપૂર્વક હાથમાં લઈ ટ્રેઇનિંગ લે છે અને જરૂર પડ્યે ફાયરિંગ પણ કરી જાણે છે.
કોઈ પણ વ્યક્તિ, સમાજ કે પ્રદેશમાં બદલાવ બે રીતે કરી શકાય. એક, સતત નકારાત્મક વાતો કે વિચારોનો મારો ચલાવી તેમને વિદ્રોહી કે નકારાત્મક જૂથમાં પરિવર્તિત કરી શકાય અથવા પરિસ્થિતિઓની સકારાત્મક બાજુ દેખાડી તેમને સકારાત્મક ઊર્જામાં બદલી શકાય. અને ભારત સરકારે બીજો વિકલ્પ અપનાવ્યો છે, એ પણ પહેલા વિકલ્પ સામે બાહોશીપૂર્વક લડવા માટે. પરિણામો સકારાત્મક મળશે કે નહીં એવો સંદેહ હવે અસ્થાને છે કારણ કે પરિણામો ધીરે-ધીરે સામે આવવા માંડ્યાં છે. બાળકોના હાથમાં હવે સેના સામે પથ્થરો ઉઠાવવાની જગ્યાએ પોતાના માણસો અને વિસ્તારની સુરક્ષા માટે હથિયારો પકડાયેલાં છે. સુરક્ષાદળોને નજર સામે જોઈ હવે કાશ્મીરનાં બાળકો ગાળો નથી ભાંડતાં બલકે હસતા મોઢે સલામ કરે છે અથવા હાથ મિલાવે છે. આ જ બદલાવ અપેક્ષિત છે અને જરૂરી પણ.