યુદ્ધ, કુદરતી આફત, ગુના, સંબંધો અને અર્થતંત્રના ઉથલપાથલ વચ્ચે માનવીય સંવેદના, પરસ્પર સહકાર અને જીવનમાં યોગ્ય આયોજનનું મહત્ત્વ સમજાવતો વિચારપ્રેરક લેખ.
પ્રતીકાત્મક તસવીર
પરિવારમાં બે જણના વિચારોમાં મતભેદ હોય ત્યારે ઘરની દીવાલોમાં તિરાડો પડવાનું શરૂ થાય. બે રાષ્ટ્ર વચ્ચેના મતભેદ વધે ત્યારે વૈમનસ્ય છમકલાંથી શરૂ કરીને યુદ્ધ સુધી દોરી જાય. યુક્રેને રશિયાની વાઇલ્ડબેરીઝ સપ્લાય-ચેઇન પર હુમલાઓ કર્યા તો સામા પક્ષે રશિયાએ યુક્રેનના પ્રિન્ટિંગ-પ્રેસ અને પ્રકાશન-સંસ્થાઓ પર હુમલાઓ કર્યા એને કારણે ૧૨ મિલ્યન પુસ્તકો તબાહ થઈ ગયાં. એમાં સ્કૂલનાં બાળકો માટે પ્રિન્ટ કરેલાં પાઠ્યપુસ્તકો પણ હતાં. યુદ્ધમાં હવે બધા નિયમો નેવે મૂકવામાં આવે છે. કિસ્મત કુરૈશી અફસોસ વ્યક્ત કરે છે...
પગલાં ન થાય એનાં કદી પાનખર વિશે
વીતી ગઈ બહાર, હવે એ નહીં મળે
મન, એને જીતવાના નકામા છે ઓરતા
આપી ગયા જે હાર, હવે એ નહીં મળે
હાર-જીતનો ફેંસલો આવે ત્યાં સુધીમાં લાખો લોકો હોમાઈ જશે અને લાખો ઘરો તબાહ થઈ જશે. લોકોના માથેથી છત જતી રહે એ કારમો આઘાત હોય છે. તાજેતરમાં નેપાલમાં જે પૂર આવ્યાં એમાં એક ઉદ્યોગપતિની કરોડોની સંપત્તિ તણાઈ ગઈ. મદદ માટે તેણે બીજા પાસે હાથ લાંબો કરવો પડ્યો. કુદરતના ખેલ ખરેખર સમજાતા નથી. શૂન્યમાંથી સર્જન કરતાં અનેક વર્ષો લાગે, પણ સર્જનને શૂન્ય થવામાં ઝાઝી વાર લાગતી નથી. શૂન્ય પાલનપુરી લખે છે...
હરદમ તને જ યાદ કરું, એ દશા મળે
એવું દરદ ન આપ કે જેની દવા મળે
સૌથી પ્રથમ ગુનાની કરી જેણે કલ્પના
સાચો અદલ તો એ જ કે એને સજા મળે
કેટલીક સજા વગર વાંકે ભોગવવી પડતી હોય છે. ઉત્તર પ્રદેશની ૧૬ વર્ષની છોકરી પર દિલ્હી જતી બસમાં બળાત્કાર કરવામાં આવ્યો. બસમાં કોઈ નહોતું એટલે ડ્રાઇવર અને કન્ડક્ટરે શેતાનિયત આચરી. ભારે વરસાદમાં છોકરી આશરો લેવા ગઈ અને તેના નસીબે કારમો આઘાત આવ્યો. AC બસમાં કાચ બંધ હોય અને બસની બારીઓ પર પડદા લગાડેલા હોય એટલે અંદરનો અવાજ બહાર જાય નહીં. ૪૭ કિલોમીટર સુધી બસ દોડતી રહી અને એક છોકરી પીંખાતી રહી. કડક કાયદાઓ હોવા છતાં ગુનાઓ અટકતા નથી. આવા માહોલમાં ખલીલ ધનતેજવી કહે છે એવો વિચાર તો ભાગ્યે જ કોઈને આવે...
મેં તમારા માટે એવી પણ કરી છત પર જગ્યા
ચાંદ મારી પાસે આવે, ચાંદની તમને મળે
આપણે બન્ને પરસ્પર એવી ઇચ્છા રાખીએ
દીવો મારા ઘરમાં સળગે, રોશની તમને મળે
ગમે એટલી ટણી રાખો કે ગમે એટલી શેખી મારો સૌકોઈને એકબીજાની જરૂર પડતી જ હોય છે. ખાસ કરીને માંદગી હોય ત્યારે સ્વજનની હાજરી આવશ્યક બને. બૅન્કમાં કરોડોનું બૅલૅન્સ હોય પણ વૃદ્ધાવસ્થામાં વાત કરનારું કોઈ ન હોય એ રંજની વાત છે. સુખસુવિધા ખરીદી શકાય છે, પ્રેમ ખરીદી શકાતો નથી. પ્રેમ મેળવવા માટે પ્રેમ આપવો પણ પડે. આ કંઈ વન-વે ટ્રાફિક નથી. અરુણ દેશાણી એની મહત્તા કરે છે...
એક કાગળની મને હોડી મળે
કોઈ ભીતરથી મને દોડી મળે
ઊડવાની લાખ ઇચ્છા હોય પણ
પાંખ ઉછીની અહીં થોડી મળે
પાંખ ઉછીની લીધી હોય તોય વીંઝવી તો જાતે જ પડે. અમેરિકા-ઈરાનના યુદ્ધને કારણે તેલની આયાત ખાસ્સી મોંઘી થઈ ગઈ. ભારતે અંદાજે બે લાખ કરોડ રૂપિયા વધારે ચૂકવવા પડ્યા છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ ૩ મહિનાનો GDP ૭.૮ ટકા આવ્યો એટલે સરકારને હાશ થઈ. ઉત્પાદન અને વપરાશમાં વધારાને કારણે આપણે ટકી ગયા. અનેક આંતરરાષ્ટ્રીય ઊથલપાથલ દેશના આર્થિક સમીકરણને પલટાવી શકે છે. આવા સંજોગોમાં યોગ્ય આયોજન હોય તો જ સંભવિત આઘાતો સામે સારી રીતે ટક્કર ઝીલી શકાય. અમીન આઝાદ ઇચ્છા કરે છે...
મંજિલ મળી જશે, તો ન રહેશે કશું પછી
મુજને સતત પ્રવાસ એ ઠોકર વગર મળે
ઇચ્છાઓ કેટલી મને ઇચ્છા વગર મળી
કોને કહ્યું અમીન ન માગ્યા વગર મળે
લાસ્ટ લાઇન
મારા અને તમારા વિચારો અલગ મળે
આ પ્રેમ છે ને એના પ્રકારો અલગ મળે
એક જ જગ્યાએ થાય રહેવાનું આપણે
ને એ મકાનમાં જ ઉતારો અલગ મળે
એક જ નદીની વચ્ચે તણાતા જતા હતા
તમને અલગ, મનેય કિનારો અલગ મળે
તમને ખરીદવાનું હતું, કંઈ ને કંઈ મને
આ શહેરમાં બધાની બજારો અલગ મળે
સરખી જ આગ હોય છે એવું કશું નથી
મુઠ્ઠી જુઓ ઉઘાડી તિખારે અલગ મળે
એક જ સ્થળેથી જોઈ રહ્યા હોઈએ અને
બન્નેને કેમ જોવા નજારો અલગ મળે
- ભરત વિંઝુડા