30 October, 2025 04:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આશા ભટ્ટ
એક સમયે ઘરની જવાબદારીઓ પૂરતી સીમિત મહિલાઓ આજે સામાજિક કાર્યક્રમોની જવાબદારીઓ ઉઠાવવામાં આગળ પડતી છે. આજે મોટા ભાગની જ્ઞાતિનું એક અલગથી મહિલા મંડળ હોય જ છે. આ મહિલા મંડળ મહિલાઓ વતી ચલાવવામાં આવે છે અને એમાં સમાજની અન્ય મહિલાઓને સશક્ત કરવાનું કામ કરવામાં આવે છે. એક સશક્ત મહિલા ઘર સંભાળવાની સાથે સમાજનાં કામોમાં પણ પોતાનું યોગદાન આપીને એને આગળ લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. આજે તમે જોશો તો કોઈ પણ સામાજિક કાર્યક્રમનું આયોજન હોય એ મહિલાઓની સહભાગીતા વગર સફળ ન થઈ શકે. અમારા શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજના મહિલા મંડળની જ વાત કરું. અમે એપ્રિલ મહિનામાં મસાલા વિતરણ કાર્યક્રમનું આયોજ કરીએ. હવે મસાલાઓનું જેટલું સારું જ્ઞાન સ્ત્રીઓને હોય એટલું પુરુષોને કયાથી હોય? સમૂહ લગ્ન, જનોઇમાં ભાઇઓ ભલે બધી વ્યવસ્થા અને આયોજન કરતા હોય, પણ ધાર્મિક વિધિની સામગ્રીની વ્યવસ્થા, અતિથિ સત્કાર, ભોજનની વ્યવસ્થા બધું મહિલાઓ સંભાળતી હોય છે. મહિલાઓને જેમ સમાજમાં પોતાનું યોગદાન આપવાની તક મળી રહી છે એમ તે પોતાની જાતને નવી જવાબદારીઓ ઉપાડવા માટે કાબેલ બનાવી રહી છે. અમારે ત્યાં મૅરેજ બ્યુરો ચાલે છે. અગાઉ તો રજિસ્ટર અને ફાઇલો લઈને બેસવું પડતું, પણ હવે બધો ડેટાબેઝ કમ્પ્યુટરમાં સચવાય છે. એટલે કમ્પ્યુટર પર કામ કરવાની આવડત પણ મહિલાઓમાં છે. ફક્ત યંગ કે મિડલ એજ મહિલાઓ નહીં, વરિષ્ઠ મહિલાઓ પણ સમાજના કામમાં પોતાનું યોગદાન આપવામાં પાછળ નથી. કોઈ પણ કાર્યક્રમમાં ટેબલ વર્ક હોય કે જે બેસીને થઈ શકે અથવા તો ચીફ ગેસ્ટનું સન્માન હોય એ તેમની પાસેથી કરાવીએ. આ બધાં કામ કરીને તેમના ફ્રી સમયનો સદુપયોગ થાય, તેમને પણ સમાજમાં માન મળી રહ્યું છે એવી લાગણી થાય અને તેમને પણ મનમાં કામ કર્યાના સંતોષની લાગણી થાય. અમારા મંડળમાં ૩૦થી લઈને ૮૦ વર્ષ સુધીની તમામ વયજૂથની મહિલાઓ છે. આ બધી જ મહિલાઓને તેમની વય પ્રમાણે કામ આપીએ તો એ વધુ સારી રીતે થાય.