22 June, 2026 03:31 PM IST | Mumbai | Kajal Rampariya
કરીઅર અને બાળકના ઉછેર વચ્ચે બૅલૅન્સ કરવું આજનાં કપલ્સ માટે કેટલું શક્ય?
તાજેતરમાં જાણીતા પૉડકાસ્ટર રણવીર અલાહાબાદિયાના શોમાં અભિનેત્રી મૃણાલ ઠાકુરે જણાવ્યું હતું કે મેટ્રો સિટીમાં DINK (ડબલ ઇન્કમ, નો કિડ્સ)નો એટલે પતિ-પત્ની બન્ને કમાતાં હોવા છતાં તેમનામાં બાળક ન રાખવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે; પણ મારે તો બાળકો જોઈએ છે, મને ફૅમિલી-લાઇફ ગમે છે.
એવાં ઘણાં વર્કિંગ કપલ્સ છે જેઓ કરીઅરની ઊંચાઈઓ વચ્ચે પણ પેરન્ટ્સ બનવાનું સુખ માણવા માગે છે, પરંતુ સવાલ એ છે કે આજની ફાસ્ટ પેસવાળી લાઇફસ્ટાઇલમાં પતિ-પત્ની બન્ને વર્કિંગ હોય ત્યારે ફક્ત ‘બાળક જોઈએ છે, ફૅમિલી-લાઇફ ગમે છે’ એવી ઇચ્છાઓ પૂરતી નથી. લગ્ન પછી જ્યારે કપલમાંથી પેરન્ટ્સ બનવાનું વિચારો છો ત્યારે સામાજિક, આર્થિક અને પરિવારની દૃષ્ટિએ બધી તૈયારી અને આયોજન પહેલેથી હોવાં ખૂબ જરૂરી છે. આ વિષયને ઊંડાણપૂર્વક સમજવા માટે રિલેશનશિપ કોચ અને પેરન્ટિંગ કોચ પાસેથી વિવિધ પાસાંઓ વિશે જાણીએ.
કપલ મોડ ઑફ, પેરન્ટિંગ મોડ ઑન
કપલ જ્યારે બાળકને દુનિયામાં લાવવાનું પ્લાનિંગ કરે છે ત્યારે ઘણી ચીજોમાં બદલાવ આવે છે એ વિશે વાત કરતાં અનુભવી રિલેશનશિપ કોચ દીપિકા શાહ કહે છે, ‘તમે જ્યારે કપલ ફેઝમાંથી પેરન્ટિંગ ફેઝ તરફ આગળ વધો છો ત્યારે સૌથી પહેલાં કરીઅર-શિફ્ટ વિશે ચર્ચા થવી જોઈએ. ધારો કે અત્યાર સુધી કપલ દર મહિને બન્નેની સૅલેરી ભેગી કરીને લક્ઝરી લાઇફસ્ટાઇલ, મોંઘી રેસ્ટોરાં કે વેકેશન એન્જૉય કરતું હતું; પણ બાળક આવ્યા પછી જો ફીમેલ પાર્ટનર થોડા સમય માટે બ્રેક લેવા માગે કે કરીઅર બદલવા માગે તો સૌથી મોટો સવાલ ફાઇનૅન્સનો આવશે. વાઇફ બાળક માટે નોકરી છોડવાની હોય કે બ્રેક લેવાની હોય તો સિંગલ ઇન્કમ પર ઘરનું બજેટ કેવી રીતે મૅનેજ થશે એની ચર્ચા ગર્ભાવસ્થા પહેલાં જ થઈ જવી જોઈએ.’
ફાઇનૅન્શિયલ પ્લાનિંગ
બાળક લાવવાનો નિર્ણય જેટલો ઇમોશનલ છે, તેનો ઉછેર એટલો જ લૉજિકલ અને મૅનેજમેન્ટ માગી લે એવો છે ત્યારે બાળકોનાં શરૂઆતનાં વર્ષોની બાબતોનાં એક્સપર્ટ ધૃતિ જોશી કહે છે, ‘આજના સમયમાં ચાઇલ્ડકૅર કૉસ્ટ એક મોટું ઇન્વેસ્ટમેન્ટ બની ગયું છે. મૅટરનિટી હૉસ્પિટલના ખર્ચથી શરૂ કરીને પ્લે-સ્કૂલ, વૅક્સિનેશન, ડાઇપર્સ અને આગળ જતાં પ્રાઇમરી એજ્યુકેશનના ખર્ચ માટે અગાઉથી બજેટ તૈયાર રાખવું જરૂરી છે. ફૅમિલી-પ્લાનિંગના વિચારની સાથે જ, એટલે કે પ્રેગ્નન્સી કન્સીવ થાય એના પણ ૬ મહિના પહેલાંથી બેબી-ફન્ડ શરૂ થઈ જવું જોઈએ. માની લો કે કપલની કમ્બાઇન્ડ ઇન્કમ એક લાખ રૂપિયા છે. અત્યાર સુધી તે લક્ઝરી લાઇફસ્ટાઇલ જીવતું હતું. હવે યુગલે પ્રેગ્નન્સી-પ્લાનિંગ સાથે જ દર મહિને ૨૦ ટકા રકમ અલગ બેબી સેવિંગ્સ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું શરૂ કરવું પડશે. આ ફન્ડમાંથી ડિલિવરી તથા સ્ટેમ સેલ બૅન્કિંગ જેવી વૈકલ્પિક સર્વિસનો ખર્ચ, શરૂઆતના મહિનાઓની નૅનીની સૅલેરી અને મેડિકલ ઇમર્જન્સી સરળતાથી કવર થઈ શકશે. એજ્યુકેશન માટે લૉન્ગ ટર્મ SIP અત્યારથી જ શરૂ કરી દેવી હિતાવહ છે.’
મેન્ટલ લોડ
બાળકની સાથે જવાબદારીઓ પણ આવે છે અને એની સાથે માનસિક તનાવ પણ આવે છે એમ જણાવતાં દીપિકા કહે છે, ‘બન્ને પાર્ટનર વર્કિંગ હોય અને બાળક આવ્યા બાદ વાઇફ કરીઅરમાંથી બ્રેક લઈને ઘરે રહેવાનું નક્કી કરે ત્યારે બહારથી જોનારને કે પતિને એમ લાગે કે તે હવે ઑફિસના સ્ટ્રેસ વગર ઘરે બિલકુલ ફ્રી છે, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ છે. પતિ ઑફિસથી થાકીને ઘરે આવે ત્યારે કદાચ એમ વિચારે કે પત્ની આખો દિવસ ઘરે જ હતી; પણ તે એ નથી જોઈ શકતો કે પત્નીએ સવારથી બાળકને ખવડાવવા, સુવડાવવા અને તેની સંભાળ રાખવા પાછળ પોતાનો ૨૪ કલાકનો સમય આપ્યો છે એમાં તેને બાથરૂમ જવાનો કે શાંતિથી ચા પીવાનો સમય પણ નથી મળ્યો. ઘરનાં રોજિંદાં કામોની સાથે ૨૪ કલાક બાળકની સંભાળ રાખવાનો અતિશય મેન્ટલ લોડ પત્ની પર આવી જાય છે. આ એકલતા અને શારીરિક-માનસિક થાક ઘણી વાર પતિ-પત્નીના સંબંધોમાં અણધારી ખટાશ લાવે છે. આનાથી બચવા માટે પર્સનલ બાઉન્ડરીઝ સેટ કરવી બહુ જરૂરી છે. પતિએ ઘરે આવીને થોડી વાર બાળકને સંભાળવું જોઈએ, જેથી પત્નીને પણ આરામ અને માનસિક શાંતિ માટે પોતાનો મી-ટાઇમ મળી રહે.’
જ્યારે કોઈ પ્લાનિંગ કામ નથી આવતું
પેરન્ટહુડના મૅનેજમેન્ટમાં તમારું કોઈ ઍડ્વાન્સ પ્લાનિંગ ૧૦૦ ટકા કામ નથી આવતું. પુસ્તકો વાંચીને કે વિડિયો જોઈને બનાવેલાં આયોજનો બાળકના એક જ રડવા સાથે હવામાં ઓગળી જાય છે. દીપિકા કહે છે, ‘તમે આખું અઠવાડિયું ઑફિસમાં સખત કામ કર્યું હોય અને શનિવારે રાત્રે શાંતિથી સૂવાનું પ્લાનિંગ કર્યું હોય ત્યાં જ અડધી રાત્રે બે વાગ્યે બાળકને અચાનક પેટમાં દુખવા લાગે કે તાવ આવી જાય અને તમારે તાત્કાલિક ડૉક્ટર પાસે ભાગવું પડે. અહીં સૌથી મોટો નિયમ એ છે કે પ્રયાસો એકતરફી ન હોવા જોઈએ. અડધી રાત્રે બાળકના રડવા પર એકબીજા સામે બ્લેમ-ગેમ કરવાને બદલે પરિસ્થિતિને સમજીને શાંતિથી જવાબદારી સમાન રીતે વહેંચવી એ જ સાચી મૅચ્યોરિટી છે.’
ક્યારે કરવું પ્લાનિંગ?
કોઈ પણ પ્રેશરમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવો મૂર્ખામી સાબિત થઈ શકે છે ત્યારે બેબી-પ્લાનિંગનો નિર્ણય ક્યારે લેવો જોઈએ એ વિશે દીપિકા કહે છે, ‘જ્યારે સોશ્યલ મીડિયા પર ફૅમિલી-ફોટો જોઈને, મિત્રોના ઘરે બાળકો જોઈને કે પછી હવે ઉંમર થઈ ગઈ, ક્યારે પ્લાન કરશો એવા સામાજિક દબાણમાં આવીને નિર્ણય લેવાય છે ત્યારે પેરન્ટિંગ બોજ લાગે છે. ખરેખર તૈયાર ન હોવા છતાં સોસાયટી કે સગાંસંબંધીઓના ટોણાથી બચવા જો બાળક લાવવામાં આવે તો નાની-નાની વાતોમાં પાર્ટનર્સ વચ્ચે ઝઘડા શરૂ થઈ જાય છે. એનાથી વિપરીત જ્યારે પતિ અને પત્ની બન્ને એકસાથે દિલથી અને કોઈ પણ પ્રેશર વગર એમ કહે કે લેટ્સ હૅવ અ બેબી ત્યારે આ પરસ્પર અન્ડરસ્ટૅન્ડિંગ અને માનસિક તૈયારી જ ફૅમિલી-પ્લાનિંગનો સૌથી મોટો ગ્રીન ફ્લૅગ છે. આ નિર્ણય સ્વેચ્છાએ લેવાયેલો હોવો જોઈએ. છેલ્લે એ ન ભૂલવું જોઈએ કે બાળકને મોંઘાં રમકડાં, બ્રૅન્ડેડ કપડાં કે લક્ઝુરિયસ સગવડો નથી જોઈતી; બાળકને સૌથી વધુ તેનાં માતા-પિતાની જીવંત હાજરી અને ક્વૉલિટી ટાઇમ જોઈએ છે. મોટા ભાગનાં કપલ્સ બાળક આવ્યા પછી એકબીજાને નામથી બોલાવવાનું બંધ કરીને બેબીની મમ્મી અને બેબીના પપ્પા બની જાય છે. વાતો માત્ર બાળકની જ રહી જાય છે અને આ ભૂલ સંબંધોને નીરસ બનાવી દે છે. બાળક આવી ગયા પછી પણ પતિ-પત્ની તરીકે એકબીજા માટે ક્વૉલિટી ટાઇમ કાઢવો બહુ જરૂરી છે. રાત્રે બાળક સૂઈ જાય પછી સાથે બેસીને કૉફી પીવી અથવા વીક-એન્ડમાં થોડી વાર વડીલોને બાળક સોંપીને માત્ર કપલ-વૉક કે ડિનર-ડેટ પર જવું જોઈએ જેથી સંબંધોમાં સ્પાર્ક હંમેશાં જીવંત રહે.’
કોના ભરોસે કરશો પ્લાનિંગ?
ઘણાં વર્કિંગ કપલ્સ એવા ભરોસે ફૅમિલી પ્લાન કરે છે કે આપણાં માતા-પિતા કે સાસુ-સસરા ઘરમાં જ છે એટલે ચિંતા નથી, પણ એવું ન હોય એ વિશે વાત કરતાં પેરન્ટિંગ કોચ ધૃતિ જોશી કહે છે, ‘વડીલોનો પ્રેમ બાળક માટે સર્વોપરી છે, પણ તેમના પર ૧૦૦ ટકા ડિપેન્ડન્ટ રહેવું ઘણી વાર વડીલોના સ્વાસ્થ્ય સાથે અન્યાય કરવા જેવું છે. કપલે એ સમજવું ખૂબ જરૂરી છે કે દાદા-દાદી કે નાના-નાનીની પણ પોતાની એક સ્વતંત્ર જિંદગી છે. તેમની પોતાની કેટલીક ઇચ્છાઓ હોય છે જે તેમણે પૂરી કરવાની બાકી હોય છે અને સાથે જ ઉંમરને કારણે તેમણે પોતાના સ્વાસ્થ્યની પણ સંભાળ રાખવાની હોય છે. જોકે તેઓ બાળકના ઉછેરમાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. એમ છતાં વડીલોનું સ્વાસ્થ્ય ધ્યાનમાં રાખતાં પેરન્ટ્સે એક પ્રોફેશનલ ડે-કૅર સેટઅપ પસંદ કરવું જોઈએ. આવી જગ્યાએ બાળકને અર્થપૂર્ણ વાતાવરણ મળે છે જે તેના સર્વાંગી વિકાસમાં મદદ કરે છે.’
ડે-કૅર કેમ ભરોસાપાત્ર?
બાળક માટે ડે-કૅર કે ક્રેશની સેવાઓ પસંદ કરવી એ ઘરમાં નૅની કે આયા રાખવા કરતાં વધુ હિતકારક છે એનું કારણ સમજાવતાં ધૃતિ કહે છે, ‘નૅની અચાનક રજા પર ઊતરી જાય તો પેરન્ટ્સે પોતાનું આખું શેડ્યુલ અચાનક બદલવું પડે છે અથવા ઑફિસમાંથી રજા લેવી પડે છે. એની સામે ડે-કૅરમાં પૂરતો સ્ટાફ હોવાથી સેન્ટર હંમેશાં ચાલુ રહે છે અને બાળકની સંભાળ સતત લેવાય છે. ડે-કૅર સેટઅપની વ્યક્તિગત રીતે મુલાકાત લો અને જ્યાં સુધી તમને સંતોષ ન થાય ત્યાં સુધી મનમાં ઊઠતા તમામ સવાલો પૂછો. ત્યાં સુરક્ષાના માપદંડો ખાસ ચકાસો. ડે-કૅરમાં એવો લાયકાત ધરાવતો સ્ટાફ હોવો જોઈએ જે બાળકના વિકાસને સમજી શકે અને તેને ઉંમર પ્રમાણેના માઇલસ્ટોન્સ હાંસલ કરવામાં મદદ કરી શકે. ઘરની આયા પાસે આ જ્ઞાન અને માહિતીનો અભાવ હોય છે. એક પ્રોફેશનલ ડે-કૅરના સ્ટાફે ચાઇલ્ડ સાઇકોલૉજીનો અભ્યાસ કરેલો હોવો જરૂરી છે.’
ગિલ્ટ-ફ્રી લાઇફ
આજના સમયમાં કરીઅર અને મોંઘવારીને પહોંચી વળવા બન્ને પાર્ટનર્સનું કમાવું અનિવાર્ય છે. પ્રૉપર ટાઇમ-મૅનેજમેન્ટ દ્વારા પેરન્ટ્સ કોઈ પણ પ્રકારના અફસોસ વગર જીવી શકે છે. ધૃતિ જોશી કહે છે, ‘બાળક જ્યાં સુધી ૬ વર્ષનું ન થાય ત્યાં સુધી બેમાંથી કોઈ એક પાર્ટનરે ઑફિસમાં ફ્લેક્સિબલ ટાઇમિંગ જાળવવો જોઈએ અને નોકરીની શરૂઆતમાં જ કંપની સાથે આ વિશે સ્પષ્ટતા કરી લેવી જોઈએ. કંપનીઓએ પણ બાળકોના ઉછેરની ગંભીરતાને સમજવી પડશે કે ઇમર્જન્સી માટે કપલ પાસે મની-મૅનેજમેન્ટની સમજ અને સ્વતંત્રતા હોવી જરૂરી છે. જો પેરન્ટિંગમાં કોઈ પડકારો દેખાય તો અત્યારથી જ નવું શીખવાનું શરૂ કરી દો. જે પેરન્ટ્સ લર્નિંગ માઇન્ડસેટ રાખે છે તેમનો માનસિક ગ્રોથ પણ બાળકની સાથે થતો રહે છે.’