હમ દો, હમારે બારહ : ભલા માણસ, આમાં ખરાબ કે ખોટું લાગવા જેવું શું હતું કે વિવાદ શરૂ કર્યો?

19 August, 2022 11:04 AM IST  |  Mumbai | Manoj Joshi

બે-ચાર દિવસ પહેલાં આ ટાઇટલ સાથેની ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ થયું ‘હમ દો, હમારે બારહ’ અને વિવાદ શરૂ થયો. બધા તૂટી પડ્યા મેકર્સ અને ડિરેક્ટર પર. ડિમાન્ડ શરૂ થઈ ગઈ કે આ પોસ્ટરને હટાવી દેવું જોઈએ, ફિલ્મનું નામ તાત્કાલિક બદલો.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

બે-ચાર દિવસ પહેલાં આ ટાઇટલ સાથેની ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ થયું ‘હમ દો, હમારે બારહ’ અને વિવાદ શરૂ થયો. બધા તૂટી પડ્યા મેકર્સ અને ડિરેક્ટર પર. ડિમાન્ડ શરૂ થઈ ગઈ કે આ પોસ્ટરને હટાવી દેવું જોઈએ, ફિલ્મનું નામ તાત્કાલિક બદલો. આ અમે સાંખી નહીં લઈએ અને બ્લાહ... બ્લાહ...

આમાં ખરાબ લાગવા જેવું કે માઠું લાગવા જેવું હતું શું કે લોકોએ ગોકીરો મચાવી દીધો, એ ખરેખર સમજાતું નથી. ફિલ્મના ટાઇટલમાં ક્યાંય એવી કોઈ વાત નથી, કોઈના ભગવાનને પણ કશું ભૂંડું કહેવામાં નથી આવ્યું. કોઈ ધર્મની મજાક-મસ્તી કે પછી આસ્થાને ઠેસ પહોંચે એવું પણ કોઈએ કર્યું નથી અને એ પછી પણ તરત જ ખરાબ લાગી જાય એ કેવી ખોટી વાત કહેવાય! હું કહીશ કે ચોક્કસપણે કોઈના આરાધ્ય દેવને ક્યાંય વચ્ચે ન જ લાવવા જોઈએ. મૉડર્નાઇઝેશનની વાત સાથે પણ એ વચ્ચે ન આવવા જોઈએ અને વાસ્તવિકતા સમજાવવા કે પછી દર્શાવવા માટે પણ તમે તેમને વચ્ચે લાવો એ યોગ્ય નથી, નથી અને નથી જ. કોઈ પણ ધર્મ કે કોઈ પણ ભગવાનને આ બધામાં વચ્ચે લાવવાની જરૂર નથી. આઇ મસ્ટ સે, જો આ દુનિયામાં સૌથી વધારે મહત્ત્વ મળવું જોઈએ તો એ છે લોકોની ધાર્મિક લાગણી અને એને ક્યારેય નડતર બનવા ન જવું જોઈએ, પણ અત્યારે જે પિક્ચરની આપણે વાત કરીએ છીએ એ પિક્ચર તો ઑલરેડી બીજા જ વિષયને ફોકસ કરે છે અને એ જ વાત તમને એના ટાઇટલ પરથી પણ ખબર પડે છે. ‘હમ દો, હમારે બારહ’ આ ટાઇટલ જ કહે છે કે વસ્તીવધારાની ચર્ચા એમાં કરવામાં આવી છે અને આ વસ્તીવધારાની જે વાત છે એ સૌથી વધારે મુસ્લિમોને લાગુ પડે છે તો સ્વાભાવિક રીતે એમાં જે પરિવાર લેવામાં આવ્યો છે એ મુસ્લિમ પરિવાર છે.

જુઓ, તમે વિશ્વાસ ધરાવતા ન હો તો જઈને એક વખત જૂના આંકડા કાઢીને જોઈ લો કે આઝાદીથી લઈને આ વર્ષ સુધી આ દેશમાં મુસ્લિમ વસ્તીવધારાનો જે ટૉપિક છે એ કેવો અને કેટલો વગોવાયો છે. ટકાવારી પણ મૅચ નથી ખાતી અને વિકાસની વ્યાખ્યા પણ આ એક વિષય પર મૅચ નથી થતી. વધતા જતા પરિવારના મેમ્બર વચ્ચે બને છે એવું કે બાળકોને સાચું શિક્ષણ, સારી સુવિધા કે શ્રેષ્ઠ ઘડતર નથી મળતું. પોષણયુક્ત ખોરાક પણ આ બાળકોના નસીબમાં નથી હોતો અને એ જ કારણે કહેવામાં આવે છે કે બાળકોને જન્મ આપવો એ મહત્ત્વનું નથી, મહત્ત્વનું એ છે કે જન્મ આપ્યા પછી બાળકોને શ્રેષ્ઠ રીતે મોટાં કરો.

આ પ્રકારની ફિલ્મ બનવી જ જોઈએ. શું કામ, એ પણ જાણવા જેવું છે.

આપણા દેશમાં ફિલ્મ સૌથી અસરકારક અને સૌથી અસરદાર માધ્યમ છે, જેના દ્વારા લોકોના જીવનમાં ફરક આવે છે અને આ જ કારણ છે કે આપણે ટૉઇલેટ બનાવવા માટે પણ ફિલ્મનું માધ્યમ પસંદ કરીએ છીએ અને સૅનિટરી પૅડ માટે પણ આપણે ફિલ્મના માધ્યમનો ઉપયોગ કરીએ છીએ. કહેવાનો ભાવાર્થ એ છે કે દરેક ફિલ્મ પોતાના એક ચોક્કસ લક્ષ્ય સાથે આવતી હોય છે. એ લક્ષ્ય જ્યાં સુધી તમને જોવા કે સમજવા ન મળે ત્યાં સુધી એનો વગર કારણે વિરોધ કરવો ગેરવાજબી છે, ખોટું છે. 

columnists manoj joshi