કૉન્શ્યસનેસ (ચૈતન્ય) સિવાય મનુષ્યની બીજી કોઈ ઓળખ નથી

04 June, 2023 12:51 PM IST  |  Mumbai | Dr. Nimit Oza

આજે ફરી એક વાર એવું બન્યું કે પોતાની ફરિયાદ રજૂ કરતાં પહેલાં કોઈ દરદીએ પોતાના પૉલિટિકલ કનેક્શનની ઓળખાણો આપી. અમે ડૉક્ટરો સાથે આવું બનતું રહે છે કે કેટલાક લોકો પોતાની પીડા રજૂ કરતાં પહેલાં પોતાનો પક્ષ (રાજકીય) રજૂ કરી દે છે,

કૉન્શ્યસનેસ (ચૈતન્ય) સિવાય મનુષ્યની બીજી કોઈ ઓળખ નથી

પૈસો હોય કે પ્રતિષ્ઠા, આપણને કશુંક ગુમાવી દેવાનો ડર છે એવી જ્યારે સામેવાળાને ખબર પડી જાય છે ત્યારે તે આપણા પર સવાર થઈ જાય છે and that brings me to the point કે આપણે તેની ધમકીથી નથી ડરતા, આપણે કશુંક ગુમાવી દેવાના વિચારથી ડરી જઈએ છીએ.

આજે ફરી એક વાર એવું બન્યું કે પોતાની ફરિયાદ રજૂ કરતાં પહેલાં કોઈ દરદીએ પોતાના પૉલિટિકલ કનેક્શનની ઓળખાણો આપી. અમે ડૉક્ટરો સાથે આવું બનતું રહે છે કે કેટલાક લોકો પોતાની પીડા રજૂ કરતાં પહેલાં પોતાનો પક્ષ (રાજકીય) રજૂ કરી દે છે, સારવાર કરાવતાં પહેલાં પોતાનું સામર્થ્ય જતાવી દે છે, દવા લેતાં પહેલાં દબાણ લાવવાનો પ્રયત્ન કરે છે અને એ મારું ઑબ્ઝર્વેશન રહ્યું છે કે છેક ‘ગાંધીનગર’ સુધી છેડા અડતા હોવાનો જે દાવો કરે છે, સૌથી વધારે તેના જ ફ્યુઝ ઢીલા હોય છે. 

તમારી તકલીફ કે પીડા રજૂ કરવા માટે તમારે કોઈ પક્ષ, જાતિ કે ઓળખાણનો સહારો લેવો પડે એનાથી વધારે દયનીય બાબત બીજી કઈ હોઈ શકે? અને જો એક દરદી કે પીડિત હોવા છતાં તમે તમારું મહત્ત્વ, સ્થાન કે હોદ્દો બતાવવામાંથી ઊંચા નથી આવતા તો તમને ડૉક્ટરની નહીં, ‘ઇગો પૅમ્પરિંગ મશીન’ની જરૂર છે. 

કોઈ એક પાર્ટીનો ખેસ પહેરી લેવાથી તમે કોઈના બૉસ નથી બની જતા. અમે સેવક ત્યાં સુધી જ છીએ જ્યાં સુધી સામે દરદી છે. જે ક્ષણે સામેની ખુરશી પર મને કોઈ બૉસ દેખાશે એ ક્ષણથી હું તબીબ નહીં રહું, કારણ કે અમને તો માત્ર પીડા અને પીડિતને હૅન્ડલ કરતાં આવડે છે. અન્યના અહંકારને પોષવાની કે એના ટેન્ટ્રમ્સ સહન કરવાની તાલીમ તો અમને મળી જ નથી. 
જ્યારે તેણે પાર્ટીની વાત કરી ત્યારે ફ્રાન્ઝ કાફકાનું એક જોરદાર ક્વોટ કહેવાની ઇચ્છા મને થઈ ગઈ... 

One idiot is one idiot. Two idiots are two idiots. Ten thousand idiots are a political party. 

પછી થયું કે અત્યારે ક્યાં સાચું બોલવાની મોસમ છે? એટલે મેં તેમને પ્રેમથી કહ્યું કે ‘તમારાં પૉલિટિકલ કનેક્શન્સ તમારું સ્વાસ્થ્ય નહીં સુધારી શકે. એટલે તમામ ઓળખ ખંખેરીને જો માત્ર તમારી પીડા કહી શકશો તો જ સારવાર શક્ય બનશે.’ 

કદાચ અન્ય શહેરમાં પણ આવું બનતું જ હશે; પરંતુ સામેવાળા પર ધાક જમાવવાની આ વૃત્તિ અમારા શહેરમાં વધારે જોવા મળે છે, કારણ કે અમારા શહેરમાં સાંસ્કૃતિક વિકાસ તો થયો પણ સભ્યતા ન વિકસી શકી. આજની તારીખે કેટલાક લોકો એવું સમજે છે કે વજન પાડવાથી કે વજન મૂકવાથી જગતના દરેક ખૂણામાં આપણું કામ થઈ જશે. And I am so sorry કે મારી પાસે એ બેમાંથી કશું જ નથી ચાલતું. 

પ્રૉબ્લેમ શું છે ખબર છે? તકવાદીઓને એવું લાગે છે કે ડૉક્ટરોની એકમાત્ર ઓળખ તેમનો તબીબી વ્યવસાય છે (અને મોટા ભાગના કિસ્સાઓમાં એ સાચું હોય છે એનું મને દુઃખ છે). તેમના વ્યવસાય, પ્રતિષ્ઠા કે ક્લાયન્ટલને બટ્ટો લગાડવાની ધમકી આપીશું તો તે ડરી જશે, કારણ કે એક ડૉક્ટરને એ સિવાય તો કશું આવડવાનું જ નથી! એટલે હૉસ્પિટલ બંધ કરાવી દેવાની બીકે લેભાગુઓ ફાવી જાય છે. 

ફાયર કમ્પ્લાયન્સ વખતે કશુંક મેળવવાની લાલચમાં એક ઉદ્ધત અધિકારીએ મને કહેલું કે ફલાણું નહીં થાય તો હૉસ્પિટલને સીલ મારી દઈશું. મેં કહ્યું, ‘જુઓ ભાઈ, મારે ઘણાં કામ પેન્ડિંગ છે. તમે સીલ મારી દેશો તો કોઈ પણ જાતના ગિલ્ટ વગર હું મારાં અન્ય કામો પતાવી શકીશ. દરદીઓને જે હેરાનગતિ થાય એનું પાપ પણ નહીં લાગે અને મને થોડો બ્રેક મળશે.’ 

એ પૈસો હોય કે પ્રતિષ્ઠા, આપણને કશુંક ગુમાવી દેવાનો ડર છે એવી જ્યારે સામેવાળાને ખબર પડી જાય છે ત્યારે તે આપણા પર સવાર થઈ જાય છે. And that brings me to the point કે આપણે તેની ધમકીથી નથી ડરતા, આપણે કશુંક ગુમાવી દેવાના વિચારથી ડરી જઈએ છીએ. 

અફકોર્સ, વાત જ્યારે આપણા કે સ્વજનોના જીવની હોય ત્યારે એફઆઇઆર થઈ શકે, પણ પ્રતિષ્ઠા, આબરૂ કે ઓળખ ગુમાવી દેવાના ડરની તો આપણે પોલીસ ફરિયાદ પણ નથી કરી શકતા! અને આપણા એ જ ડરનો કેટલાક લોકો ગેરલાભ ઉઠાવતા હોય છે. તો તેમને એ જાણ થવી જરૂરી છે કે આપણી ઓળખ કોઈ એક વ્યક્તિના અભિપ્રાય, વર્તન કે કૃત્યથી નક્કી નથી થતી. 

આમ તો આ ચાલી રહેલા શ્વાસ અને ચૈતન્ય એટલે કે કૉન્શ્યસનેસ સિવાય મનુષ્યમાત્રની બીજી કોઈ ઓળખ નથી. બુદ્ધિઝમના ‘નૉન-સેલ્ફ’ કન્સેપ્ટ પ્રમાણે તો મનુષ્યશરીરની અંદર ‘જાત’ કહી શકાય એવું એક પણ કાયમી તત્ત્વ નથી તો પછી જો મારી જાત જ નથી તો ‘હું’ શેનો? પણ આ બધું તેને કહેવાનો અર્થ નહોતો, કારણ કે જેઓ જાતના પ્રચારમાં નીકળ્યા હોય છે તેઓ આત્મા-સંહિતાથી અજાણ હોય છે.

columnists