માંગ ભરો સજની

29 November, 2021 04:54 PM IST  |  Mumbai | Varsha Chitaliya

લગ્નવિધિ સાથે જોડાયેલા રીતરિવાજોમાં પરિવર્તનનો જે પવન ફૂંકાયો છે એ બાબતે મૅરિડ, અનમૅરિડ અને એન્ગેજ્ડ પુરુષો સાથે વાત કરી ત્યારે શું જવાબ મળ્યો જોઈ લો

માંગ ભરો સજની

આજના ગ્રૂમ તેમની ટૂ બી વાઇફને આવું કહે ત્યારે લગ્નમાં ઉપસ્થિત મહેમાનોને નવાઈ નથી લાગતી, કારણ કે પતિ-પત્ની બન્ને એકબીજાના સેંથામાં સિંદૂર પૂરી આપે એવો ટ્રેન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે. લગ્નવિધિ સાથે જોડાયેલા રીતરિવાજોમાં પરિવર્તનનો જે પવન ફૂંકાયો છે એ બાબતે મૅરિડ, અનમૅરિડ અને એન્ગેજ્ડ પુરુષો સાથે વાત કરી ત્યારે શું જવાબ મળ્યો જોઈ લો

હાલમાં જ લગ્નગ્રંથિથી જોડાયેલા બૉલીવુડ ઍક્ટર રાજકુમાર રાવ અને પત્રલેખાની તસવીરો ખૂબ વાઇરલ થઈ છે. રાજકુમારે સોશ્યલ મીડિયા પર શૅર કરેલા એક વિડિયોમાં પહેલાં તે પત્રલેખાના સેંથામાં સિંદૂર પૂરે છે અને ત્યાર બાદ પત્નીને પણ આમ કરવાનું કહે છે. વર-કન્યા બન્ને એકબીજાના સેંથામાં સિંદૂર પૂરે એવો નવો ટ્રેન્ડ અભિનેતાના ચાહકોને પસંદ પડી રહ્યો છે તો અનેક લોકોએ આ ગતકડું ડાઇજેસ્ટ ન થતાં નાકનું ટેરવું ચડાવ્યું છે. કેટલાક એને પબ્લિસિટી સ્ટંટ કહે છે તો ઘણાનું માનવું છે કે સામાજિક રીતિરિવાજોમાં આવા પરિવર્તનનો કોઈ મતલબ નથી. શું તમે આવી કોઈ પ્રથાને ફૉલો કરી છે કે કરશો? નવા પરણેલા તેમ જ પરણવાલાયક પુરુષોને આ પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે શું જવાબ આપ્યો એ જોઈ લો.
હાઇલાઇટ વિમેન પાવર
રાજકુમારની આ હરકતને ઇમ્પ્રેસિવ ઍક્શન તરીકે જોનારા બોરીવલીના મોનિશ શાહનો નજરિયો પણ કંઈક આવો જ છે. છ વર્ષ પહેલાં ધારા ગાંધી સાથે લગ્નગ્રંથિથી જોડાયેલા મોનિશે લગ્નના દિવસે પત્નીને પગે લાગવાનો ટ્રેન્ડ સ્ટાર્ટ કરી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. ઉત્સાહ સાથે જણાવતાં તેઓ કહે છે, ‘ટૂ બી વાઇફના ડ્રીમને ફુલફિલ કરવા અને એના સપોર્ટમાં હસબન્ડે કેટલાક જૂના રીતરિવાજો છોડી દેવા જોઈએ. આપણે ત્યાં લગ્ન થયા બાદ પતિને પગે લાગવાની પ્રથા છે. આ કામ પત્નીએ જ શા માટે કરવાનું? લાઇફ પાર્ટનરને હગ પણ કરી શકાય. ધારાને પહેલેથી કહી રાખ્યું હતું કે તું મને પગે લાગીશ તો સામે હું પણ આમ કરીશ અને મેં કરીને બતાવ્યું. જાહેરમાં પત્નીને પગે લાગવામાં મને જરાય સંકોચ થયો નહોતો. આ ઍક્શનથી હું સમાજને ઇક્વાલિટીનો મેસેજ આપવા માગતો હતો. વિમેન એમ્પાવરમેન્ટના સપોર્ટમાં બીજી પણ અનેક પ્રથાઓને તોડી છે. શારીરિક રીતે બળવાન છું એવું બતાવવા સામાન્ય રીતે પુરુષો પોતાની પત્નીને ઊંચકીને ફોટો પડાવતા હોય છે. વિમેન સ્ટ્રૉન્ગ છે એ દર્શાવવા તેણે મને લિફ્ટ કર્યો હતો. વાઇફની આઇડેન્ટિટી ભૂંસાઈ ન જાય એ માટે આજે પણ હું તેનું નામ ધારા ગાંધી લખું છું એટલું જ નહીં, મારા સોશ્યલ મીડિયા પેજ પર યુઝર નેમ ચેન્જ કરી મોનિશ શાહ ગાંધી કર્યું છે. વાઇફ તેના નામ પાછળ મારી સરનેમ ઍડ કરે તો મારે પણ તેની અપનાવવી જોઈએ. હા, સોશ્યલ સેન્ટિમેન્ટના કારણે ક્યારેક આપણે વચલો રસ્તો શોધવો પડે. રિસેપ્શનમાં ક્રિશ્ચન બ્રાઇડ જેવું વાઇટ ગાઉન પહેરવાની તેની ઇચ્છા પૂરી નહોતો કરી શક્યો. જોકે પાર્ટીમાં પહેરીને પોતાનું ડ્રીમ પૂરું કરી શકે એ માટે ગિફ્ટમાં આપ્યું હતું.’
હૅપીનેસ માટે કરાય
રાજકુમાર રાવે આ બધું કવરેજ માટે કર્યું છે એ વાત સો ટકા સાચી, પરંતુ પરિવર્તન સંસારનો નિયમ છે. વિમેનને મોટિવેટ કરવા આવા બદલાવ લાવવા જોઈએ. તમારી ઍક્શનથી સમાજને નુકસાન ન થતું હોય એવી કોઈ પણ પરંપરાને શરૂ કરી શકાય એવો અભિપ્રાય આપતાં પ્રાર્થના સમાજમાં રહેતા પ્રણવ કાણકિયા કહે છે, ‘નવું કરવું બધાને ગમે. એનાથી ઉત્સાહ વધે છે. ડે ટુ ડે લાઇફમાં પુરુષો માથામાં સિંદૂર પૂરીને નથી નીકળવાના પણ આ ઍક્શનથી મારી ટૂ બી વાઇફને ખુશી મળતી હોય તો મૅરેજની મેમરેબલ મોમેન્ટ તરીકે હું ટ્રેન્ડને ફૉલો કરીશ. રિલેશનશિપમાં હૅપીવાલી ફીલિંગ હોવી જોઈએ. કોઈને હર્ટ કર્યા વગર નવા એક્સપરિમેન્ટ્સ સાથે સમાજમાં દાખલો બેસાડી શકાય. પત્નીએ સૅક્રિફાઇસ કરવું જોઈએ એવો મેલ ડૉમિનેટેડ ઍટિટ્યુડ હવે નહીં ચાલે. રીતરિવાજોમાં પણ ન્યુટ્રલ રહેવાનો સમય પાકી ગયો છે. ઓવરઑલ દૃષ્ટિકોણથી જોઈએ તો મુંબઈ જેવા મેટ્રો સિટીમાં સેલિબ્રિટીઝથી ઇમ્પ્રેસ થઈને કપલ્સ આઉટ ઑફ ધ બૉક્સ વિચારવા લાગ્યા છે. ફૅમિલી અને સોસાયટી પણ એને સહજતાથી લે છે. લોકોને નવું અને અજુગતું નથી લાગતું, કારણ કે ન્યુ ટ્રેન્ડને આપણે ફન, એન્ટરટેઇનમેન્ટ અને હૅપીનેસ તરીકે સ્વીકારી લઈએ છીએ. જ્યારે ગ્રામીણ વિસ્તારોનાં લગ્નમાં આવી હરકત ડાઇજેસ્ટ કરવી ડિફિકલ્ટ છે.’
ડેરિંગ કરવી અઘરું
રાજકુમાર અને પત્રલેખાની તસવીરો જોઈને નવું લાગ્યું. પતિના સેંથામાં પત્ની સિંદૂર પૂરે એવું આજ સુધી જોયું નહોતું. ટ્રેન્ડ સારો છે ખરો, પરંતુ કૉમનમૅન માટે ફૉલો કરવું ડિફિકલ્ટ છે એમ જણાવતાં મલાડના કુણાલ મહેતા કહે છે, ‘લગ્ન સમયે સમસ્ત સમાજની વચ્ચે આવી પ્રથા અનુસરવામાં સામાન્ય પુરુષોને સંકોચ થાય. આપણે હજી એટલા મૉડર્ન નથી થયા. કદાચ મારી ફિયાન્સી જિનલ આવી ડિમાન્ડ કરે તો એક વાર વિચારવું પડે. અમારા સર્કલમાં કોઈ ગ્રૂમ આવી હિંમત કરશે તો હું એને ફૉલો કરીશ. ટૂંકમાં શરૂઆત મારાથી ન કરી શકું. જોકે ઘરની અંદર અમે નવી પ્રથા શરૂ કરી છે. લક્ષ્મીપૂજનના દિવસે મમ્મી અને બહેનની સાથે જિનલના પગ ધોઈ પૂજા કરી હતી. પત્ની પણ ઘરની લક્ષ્મી છે તો તેને પગે લાગવામાં વાંધો ન હોવો જોઈએ. એવી જ રીતે પત્નીના સપોર્ટમાં હસબન્ડે ઉપવાસ રાખવો જોઈએ. જોકે રાજકુમાર રાવની જેમ માથામાં સિંદૂર પૂરવા બાબત હું સ્પષ્ટ નથી, પણ સ્ત્રીઓનો ઉત્સાહ વધારવા માટે બીજા કેટલાક પરંપરાગ‌ત રિવાજોમાં પરિવર્તન આવે એવું જરૂર ઇચ્છું છું.’

 વિમેન એમ્પાવરમેન્ટના સપોર્ટમાં મેં અનેક પ્રથાઓને તોડી છે. સામાન્ય રીતે પુરુષો પોતાની પત્નીને ઊંચકીને ફોટો પડાવતા હોય છે. વિમેન સ્ટ્રૉન્ગ છે એ દર્શાવવા તેણે મને લિફ્ટ કર્યો હતો. 
મોનિશ શાહ

પ્રથા નહીં, કુપ્રથા બદલાય

લાઇમ લાઇટમાં રહેવા માટે સેલિબ્રિટીઝ અનેક પ્રકારનાં ગતકડાંઓ કરે છે. તેમની તમામ હરકતોને કૉમનમૅન ફૉલો ન કરી શકે. પતિના સેંથામાં સિંદૂર પૂરવામાં મને કો​ઈ લૉજિક દેખાતું નથી એવો જવાબ આપતાં કુર્લાના દીપેશ કલસારિયા કહે છે, ‘અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે દરેક પ્રથા સ્ત્રીને અનુલક્ષીને બનાવવામાં આવી છે અને પુરુષોને બંધનમુક્ત રાખવામાં આવ્યા છે. વાસ્તવમાં એવું નથી. રીતરિવાજો સમજી-વિચારીને બનાવવામાં આવ્યા છે. આપણા ઋષિમુનિઓ જ્ઞાની હતા. લગ્ન સાથે જોડાયેલી તમામ પ્રથા પાછળ વૈજ્ઞાનિક કારણો પણ છે. મને યાદ છે એક વાર અમારા શિક્ષકે કહ્યું હતું કે સ્ત્રીના માથામાં સિંદૂર પૂરવાથી એના બ્રેઇન સેલ્સ ઍક્ટિવ થાય છે. લાલ રંગ નારીશક્તિને ઉજાગર કરે છે અને એના આરોગ્યવર્ધક ફાયદાઓ છે. 
પુરુષ માટે આવું કહેવામાં આવ્યું નથી. હું શાસ્ત્રોક્ત પ્રમાણે લગ્નવિધિ કરવામાં માનું છું. લગ્ન સમયે ગોરબાપા જે મંત્રોચ્ચાર કરે છે એમાં પણ સાયન્સ છે. મને લાગે છે કે સામાજિક પ્રથાઓને બદલવા કરતાં જે કુપ્રથાઓ છે એનો વિરોધ કરો. પતિના લાંબા આયુષ્ય માટે પત્ની ઉપવાસ કરે તો પતિએ પણ ઉપવાસ રાખવો જોઈએ એવો ટ્રેન્ડ યોગ્ય છે. લાઇફપાર્ટનરની ખુશી માટે 
આવા ચેન્જિસ લાવવામાં વાંધો નથી.’

columnists Varsha Chitaliya